18 January, 2023 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વિદેશોમાં મસૂરનું ઉત્પાદન વધવાનો અંદાજ છે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને કૅનેડાની સાથે ભારતમાં પણ મસૂરનું ઉત્પાદન વધી શકે છે. ઑસ્ટ્રેલિયામાં મસૂરની લણણીની પહેલાં ખરાબ હવામાન હોવા છતાં ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. કૅનેડામાં પણ ગયા વર્ષે ખરાબ હવામાનને લીધે ઉત્પાદન ઘટ્યું હતું, પરંતુ આ વર્ષે સારા પ્રમાણમાં ઉત્પાદન થવાનો અંદાજ છે.
આ બધાની વચ્ચે અમેરિકાનો કૃષિ વિભાગ યુએસડીએના તાજેતરના આંકડા દર્શાવે છે કે અમેરિકામાં પણ મસૂરનું ઉત્પાદન સારા પ્રમાણમાં વધ્યું છે. વિશ્વમાં સૌથી વધુ મસૂરનો વપરાશ ભારતમાં થાય છે અને આયાત પણ સારા પ્રમાણમાં થાય છે. એવામાં ભારતમાં પણ ઉત્પાદન વધવાનો અંદાજ છે. આ વર્ષે ભારતમાં મસૂરનો વાવેતર વિસ્તાર છ ટકા જેટલો વધીને ૧૮.૩૮ લાખ હેક્ટર સુધી પહોંચ્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે અનુકૂળ વાતાવરણને જોતાં મસૂરની ઉપજ પ્રતિ હેક્ટર ૧૦ ક્વિન્ટલ સુધી પહોંચી શકે છે. જો આ અંદાજ સાચો પડે તો મસૂરનું રેકૉર્ડ ૧૮ લાખ ટન જેટલું ઉત્પાદન થઈ શકે છે. આમ સ્થાનિક બજારે આયાત પર વધુ નિર્ભર રહેવું પડશે નહીં. હાલના સમયમાં ઑસ્ટ્રેલિયા મસૂરમાં જાન્યુઆરી/ફેબ્રુઆરી શિપમેન્ટ માટે ૬૬૦-૬૬૫ ડૉલર અને માર્ચ/એપ્રિલ માટે પ્રતિ ટન ૬૫૫-૬૬૦ ડૉલર બોલાઈ રહ્યા છે.
જ્યારે કૅનેડા મસૂરના ભાવ પ્રતિ ટન ૬૯૦ ડૉલરની આસપાસ છે. આવી પરિસ્થિતિમાં નિષ્ણાતોનું માનવું છે કે ટૂંક સમયમાં જ ભાવમાં ઘટાડો આવી શકે છે. પૂરતી સપ્લાય અને આગામી સમયમાં ઉત્પાદન વધવાના અંદાજે મસૂરના ભાવમાં મધ્યમ ગાળે દબાણ આવી શકે છે.