11 April, 2023 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મકાઈના નિકાસ મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રાઇસ-વૉર ચાલુ થઈ છે અને પાકિસ્તાને ભારતની તુલનાએ નીચા ભાવની ઑફર કરી છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં ઓછા ભાવે બરછટ અનાજ ઑફર કરતા વૈશ્વિક મકાઈ બજારમાં પાકિસ્તાન ભારત સામે મજબૂત હરીફ તરીકે ઊભરી આવ્યું છે. જોકે, નિકાસકારો આ વલણને અલ્પજીવી તરીકે જુએ છે, કારણ કે પાડોશી દેશ પાસે માત્ર મર્યાદિત સ્ટૉક છે અને એ ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યો છે.
પાકિસ્તાન કેટલાક સાઉથ-ઈસ્ટ એશિયાના દેશોને નીચા ભાવ ઑફર કરી રહ્યું છે, ખાસ કરીને વિયેતનામ માટે નીચા ભાવ ઑફર કર્યા છે, જે ભારતમાંથી મોટા પાયે મકાઈની ખરીદી કરી રહ્યું છે.
ઍગ્રિકલ્ચર કૉમોડિટી એક્સપોર્ટ અસોસિએશનના પ્રમુખ એમ. મદન પ્રકાશે જણાવ્યું હતું કે હાલમાં ભારતીય મકાઈની માગ એકદમ ઓછી છે. પાકિસ્તાન નીચા ભાવ ઑફર કરી રહ્યું હોવાથી ભારતને અસર થઈ છે. વિયેતનામનાં બેથી ત્રણ કન્સાઇનમેન્ટ અત્યારે હોલ્ડ પર છે અને બાયરો પણ નીચા ભાવની ખરીદી માટે વાટાઘાટો કરી રહ્યા છે. હાલમાં પાકિસ્તાનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે અને ભારતમાં મકાઈનો બમ્પર પાક છે. આવી સ્થિતિમાં ભારતીય નિકાસકારો સાઉથ-ઈસ્ટના અન્ય દેશો અને ગલ્ફ દેશો સાથે નવા કરારો કરી શકે છે.
પાકિસ્તાનની કરન્સી ડૉલર સામે સતત નબળી પડી રહી હોવાથી પાકિસ્તાનને એનો ફાયદો મળી રહ્યો છે, પરંતુ પાકિસ્તાન પાસે મકાઈનો મર્યાદિત સ્ટૉક જ હોવાથી આ સ્થિતિ થોડા સમય માટે જ રહે એવી ધારણા છે. પરિણામે ભારતીય નિકાસકારોએ પોતાના બાયર દેશો પર ધ્યાન કેન્દ્રિત કરીને થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવી જોઈએ, એમ એક દિલ્હીના નિકાસકારે જણાવ્યું હતું.
ભારતીય નિકાસકારો બાયરોના આવા વર્તન સામે હાલમાં કોઈ જ પગલાં લઈ શકે એમ નથી, પરંતુ પાકિસ્તાનમાં અનેક સમસ્યા છે અને લેટર ઑફ ક્રેડિટ એક્સટેન્શન થાય એમ નથી અને કન્ટેઇનર પણ પૂરતાં મળતાં નથી, પરિણામે પાકિસ્તાન વધુ નિકાસ કરી શકશે નહીં.
ભારતીય નિકાસકારો મકાઈ માટે અત્યારે ૩૦૭થી ૩૧૫ ડૉલર પ્રતિ ટનના ભાવ ઑફર કરે છે, જેની તુલનાએ પાકિસ્તાન ૨૯૩થી ૨૯૫ ડૉલર પ્રતિ ટનના ભાવ ઑફર કરે છે, પરિણામે બાયરો પાકિસ્તાન તરફ વળ્યા છે. ભારતને નીચા નૂરભાડાનો પણ લાભ મળી શકે છે અને ઈસ્ટ કૉસ્ટના દેશોમાં ભારતીય મકાઈની નિકાસ સારી થઈ શકે છે. ભારતીય મકાઈના ભાવ અત્યારે ચેન્નઈ પોર્ટ ડિલિવરીના૨૪૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાય છે, જ્યારે મંડીના ભાવ ૨૦૧૭ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જે ગયા મહિનાના ભાવની તુલનાએ ૧૫૦ રૂપિયા જેટલા નીચા ક્વોટ થાય છે.
મકાઈની બજારમાં આગામી દિવસોમાં નિકાસકારોની લેવાલી અને પાકિસ્તાનને કેટલો ઑર્ડર મળે છે એના પર આધારિત છે. શિકાગો ખાતે પણ મકાઈના ભાવ ૬.૫ ડૉલર પ્રતિ બુશેલ એટલે કે ૨૫૫.૮૯ ડૉલર પ્રતિ ટનના ભાવ પર ટ્રેડ થઈ રહ્યા છે.