કાબુલી ચણાના ભાવ બે મહિનામાં ૧૦૦ ડૉલર વધવાનો અંદાજ

02 December, 2022 06:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેક્સિકો વાવણીમાં પણ વાર્ષિક ધોરણે ૫૦ ટકાનો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કાબુલી ચણાના ભાવ હવે વધી રહ્યા છે. ૨૦૨૨-૨૩ કાબુલીનો પાક નબળો રહેવાના અંદાજે પણ ભાવવધારાને ટેકો મળી રહ્યો છે. આગામી સમયમાં પણ ભાવમાં હજી વધારો થવાનું અનુમાન છે.

ભારતમાં કાબુલી ચણાનો સ્ટૉક હાલ ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ ટનની આસપાસ હોવાનો અંદાજ છે. આવતા વર્ષના ફેબ્રુઆરી કે માર્ચમાં કાબુલી ચણાના નવા પાકની આવક થશે. પરિણામે ૨૦થી ૨૫ હજાર ટન સ્ટૉકથી જ આગામી ત્રણ મહિના પસાર કરવાના છે, તેમ છતાં, હાલમાં કાબુલી ચણાના ભાવ વધતા ખરીદી ઘટી છે. કાબુલી (મોટા દાણા)ના ભાવ પ્રતિ ટન ૧૫૫૦-૧૬૦૦ ડૉલરની રેન્જમાં છે. ભારતમાં કાબુલી ચણાનો સ્ટૉક ઓછો હોવાથી નવા પાકની આવક થાય નહીં ત્યાં સુધી નિકાસ પણ મર્યાદિત રહેશે.

દેશમાં કાબુલી ચણાનો વાવેતર વિસ્તાર ૫૦ ટકા જેટલો વધવાનો અંદાજ છે. હાલમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં સારી ગતિએ વાવણી જોર પકડી રહી છે. અગ્રણી વેપારીઓનું કહેવું છે કે કાબુલી ચણાના ભાવ નવી આવક શરૂ થવાના બે મહિના સુધી પણ ૧૦૦ ડૉલર જેટલા વધી શકે છે, પરંતુ જેમ-જેમ સપ્લાય વધશે એમ ભાવ પર દબાણ આવશે. ટ્રેડર્સની નજર મેક્સિકોના અપડેટ ઉપર પણ રહેશે.

બીજી બાજુ કાબુલ ચણાનો પાક મેક્સિકોમાં નબળો હોવાનું મેક્સિકોસ્થિત અગ્રણી વેપારીનું કહેવું છે. મેક્સિકોમાં કાબુલી ચણાનું મહત્ત્વનું ઉત્પાદન ક્ષેત્ર સિનાલોઆમાં કાબુલીની વાવણી ગયા વર્ષની સરખામણીએ ૫૦ ટકા ઓછી થઈ છે. કાબુલીને બદલે આ પ્રાંતના ખેડૂતો મકાઈની ખેતી તરફ વળ્યા છે.

મેક્સિકોમાં મધ્યમ અને મોટી ક્વૉલિટીના કાબુલીના ભાવ પ્રતિ ટન ૧૩૫૦-૧૪૦૦ ડૉલરની આસપાસ બોલાઈ રહ્યા છે. કાબુલીની સપ્લાય ઓછી હોવાથી આગામી સમયમાં ભાવમાં પ્રતિ ટન ૨૦૦-૩૦૦ ડૉલરનો વધારો થવાનો અંદાજ છે.

દરમ્યાન ગુરુવારે ભારતના રતલામ બજારમાં કાબુલી ચણાના ભાવ બુધવારની સરખામણીએ ૧૦૦ રૂપિયા ઘટીને પ્રતિ ક્વિન્ટલ ૧૧,૭૦૦-૧૨,૦૦૦ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આવક ૧૦૦ ગૂણીની થઈ હતી, જ્યારે દૈવાસ માર્કેટમાં ભાવ ૧૦૦ રૂપિયા વધીને પ્રતિ ક્વિન્ટલ ૧૧,૦૦૦-૧૨,૫૦૦ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા અને ૧૫૦ ગૂણીની આવક થઈ હતી. ઉજ્જૈનમાં ૧૦૦ ગૂણીની આવક અને ભાવ બુધવારની સરખામણીએ ૨૦૦ રૂપિયા વધીને પ્રતિ ક્વિન્ટલ ૧૧,૪૦૦-૧૨,૩૦૦ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.

જોકે ઇન્દોરમાં ભાવમાં અધિક ફરક પડ્યો નહોતો. ગુરુવારે ૧૦૦૦-૧૨૦૦ ક્વિન્ટલની આવક થઈ હતી અને ભાવ પ્રતિ ક્વિન્ટલ ૧૨,૦૦૦-૧૨,૯૯૦ રૂપિયાની રેન્જમાં બોલાઈ રહ્યા હતા.

business news commodity market