09 February, 2024 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માઇક્રોસ્ટ્રેટેજીએ જાન્યુઆરીમાં વધુ ૮૫૦ બીટકૉઇનની ખરીદી કરી હોવાના અહેવાલને પગલે ગુરુવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૩.૬૫ ટકા (૨૦૨૨ પૉઇન્ટ) વધીને ૫૭,૩૯૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૫,૩૭૦ ખૂલીને ૫૭,૪૩૧ની ઉપલી અને ૫૫,૦૧૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ૧.૨૧ ટકા ઘટેલા ટ્રોન સિવાય ઇન્ડેક્સના તમામ કૉઇન વધ્યા હતા. કાર્ડાનો, સોલાના, પોલીગોન અને બીએનબીમાં ૪થી ૧૦ ટકાની વૃદ્ધિ થઈ હતી.
દરમ્યાન, ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જાહેર કર્યું છે કે દેશની સેન્ટ્રલ બૅન્કમાં ડિજિટલ કરન્સી – ડિજિટલ રૂપીના વધુ ઉપયોગ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી હોય એવા સમયે ઑફલાઇન વ્યવહારો થઈ શકે એ દિશામાં કામ ચાલી રહ્યું છે. અન્ય એક અહેવાલ મુજબ વર્જિનિયાએ રાજ્યમાં ડિજિટલ ઍસેટને પ્રોત્સાહન આપવા માટે ભલામણો કરવા કાર્યજૂથની રચના કરવાનું વિચાર્યું છે.