જીએસટી સંબંધે નવા નાણાકીય વર્ષની તૈયારીઓ

31 March, 2023 02:57 PM IST  |  Mumbai | Shrikant Vaishnav

જો કોઈ કરદાતાએ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે પાત્ર હોવા છતાં આઇટીસી પ્રાપ્ત કરી ન હોય તો એનું શું પરિણામ આવશે?

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

નાણાકીય વર્ષના અંતે જીએસટીને લગતા કાયદાઓ હેઠળ પણ કેટલીક પ્રવૃત્તિઓ કરવાની હોય છે, જેથી નવા વર્ષમાં બિઝનેસ સરળતાથી ચાલી શકે. આજે આપણે આવાં જ કેટલાંક કાર્યો વિશે વાત કરવાના છીએ. 

રિટર્ન ફાઇલ કરવાની મુદત નક્કી કરવી - માસિક/ત્રિમાસિક

જે કરદાતાઓનું ટર્નઓવર પાંચ કરોડ રૂપિયા કરતાં ઓછું છે એવા લોકો ૩૦ જૂન ૨૦૨૩ના રોજ પૂરા થનારા ક્વૉર્ટર માટે ક્યુઆરએમપી (ક્વૉર્ટરલી રિટર્ન્સ વિથ મન્થ્લ‌ી પેમેન્ટ) યોજનામાં રહેવું કે નહીં એનો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય લેવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૩ છે. આ કરદાતાઓને દર મહિને કે ત્રણ મહિને રિટર્ન ફાઇલ કરવાનો નિર્ણય લેવાની છૂટ છે. 

લેટર ઑફ અન્ડરટેકિંગ

જીએસટીની ચુકવણી કર્યા વગરની નિકાસ તથા એસઈઝેડ (સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન) સપ્લાઇઝ માટે લેટર ઑફ અન્ડરટેકિંગની જરૂર હોય છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ માટેના લેટર ઑફ અન્ડરટેકિંગનું નવીનીકરણ કરાવવા અથવા અરજી કરવા માટે જીએસટીએન પોર્ટલ પર જવું.

ડેબિટ નોટ

નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ અર્થે ખર્ચના રીઇમ્બર્સમેન્ટ માટે અથવા વેચાણભાવમાં ફેરફાર, અતિરિક્ત જથ્થાની ડિલિવરી વગેરે જેવાં કારણસર કરાતા રીઇમ્બર્સમેન્ટ માટે ડેબિટ નોટ ઇશ્યુ કરવી. નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટેનું વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અથવા એની પહેલાં અથવા ૩૦ નવેમ્બર, ૨૦૨૩ માટેનું રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખના રોજ અથવા એની પહેલાં* ડેબિટ નોટ ઇશ્યુ કરવાની રહેશે.

ક્રેડિટ નોટ

નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ને લગતા સેલ્સ રિટર્ન, વેચાણ પછીના ડિસ્કાઉન્ટ વગેરે માટે ક્રેડિટ નોટ ઇશ્યુ કરવી. આ કામ ૩૦ નવેમ્બર, ૨૦૨૩ માટેનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખના રોજ અથવા એની પહેલાં અથવા નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટેનું વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખના રોજ અથવા એની પહેલાં કરવાનું રહેશે.

આઇટીસી પ્રાપ્ત કરવી

૩૦ નવેમ્બર, ૨૦૨૩ માટેનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખના રોજ અથવા એની પહેલાં અથવા નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટેનું વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખના રોજ અથવા એની પહેલાં એ બન્નેમાંથી જે તારીખ વહેલી હોય એના રોજ અથવા એની પહેલાં નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટેની નહીં લેવાયેલી આઇટીસી (ઇનપુટ ટૅક્સ ક્રેડિટ) પ્રાપ્ત કરવાની રહેશે.*
આઇટીસીનું રિવર્સલ
નિયમ ૪૨/૪૩ અનુસાર એક્ઝૅમ્પ્ટ ગુડ્સ/સર્વિસિસને લગતી આઇટીસી અને ભૂલથી પ્રાપ્ત કરી લેવાયેલી આઇટીસી ૧૮ ટકાના દરે વ્યાજની સાથે રિવર્સ કરવાની રહેશે.

રિવર્સ ચાર્જ મેકૅનિઝમ (આરસીએમ) આધારે જીએસટીની જવાબદારી

અ) જો અગાઉ ચૂકવવામાં આવ્યો ન હોય તો નોટિફાઇડ ગુડ્સ/સર્વિસિસ પરના આરસીએમ હેઠળના જીએસટીની ગણતરી કરીને એની ચુકવણી કરી લેવી

બ) મુખ્યત્વે સિક્યૉરિટી સર્વિસિસ, ગુડ્સ ઍન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સી સર્વિસિસ, રેન્ટ-અ-કૅબ સર્વિસિસ, સર્વિસિસની આયાત, ઍડ્વોકેટ્સ/ઍડ્વોકેટ્સની કંપની પાસેથી લેવાયેલી કાનૂની સેવાઓ વગેરે જેવી બાબતે આરસીએમની જવાબદારી ઊભી થવાની શક્યતા વધારે હોય છે. 

બિઝનેસનાં વધારાના સ્થળ વિશે અપડેશન

જીએસટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં બિઝનેસના સ્થળની યોગ્ય નોંધ થઈ છે કે નહીં એ ચકાસી લેવું અને એમાં કોઈ ફેરફારની જરૂર હોય તો કરાવી લેવો.

ફાઇનલ રિટર્ન

રજિસ્ટર્ડ પર્સને કરેલી અરજીને પગલે કોઈ બિઝનેસ એન્ટિટીનું જીએસટી રજિસ્ટ્રેશન રદ થઈ ગયું હોય તો ફૉર્મ જીએસટીઆર-૧૦માં ફાઇનલ રિટર્ન ભરવાનું હોય છે. કૅન્સલેશન અમલી બન્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર અથવા કૅન્સલેશન આદેશની તારીખ એ બન્નેમાંથી જે દિવસ પછી આવે ત્યાર સુધીમાં ફાઇનલ રિટર્ન ભરવાનું હોય છે. 

નોંધઃ આઇટીસી પ્રાપ્ત કરવા માટેની અને ક્રેડિટ નોટ ઇશ્યુ કરવાની સમયમર્યાદા લંબાવીને પછીના નાણાકીય વર્ષની ૩૦ નવેમ્બર સુધીની કરવાનો પ્રસ્તાવ છે, પરંતુ હજી સુધી કોઈ નિશ્ચિત તારીખ નોટિફાય કરવામાં આવી નથી.

સવાલ તમારા…

જો કોઈ કરદાતાએ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે પાત્ર હોવા છતાં આઇટીસી પ્રાપ્ત કરી ન હોય તો એનું શું પરિણામ આવશે?

રજિસ્ટર્ડ પર્સન નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટેની પ્રાપ્ત નહીં કરાયેલી આઇટીસી ૩૦ નવેમ્બર, ૨૦૨૩ સુધી પ્રાપ્ત કરી શકે છે.

business news goods and services tax