23 December, 2022 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગરીબોને મફત રૅશન પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના-પીએમજીકેવાય યોજનાને ડિસેમ્બર પછી લંબાવવા માટે નિર્ણય કરશે. કેન્દ્રીય પ્રધાન શોભા કરંદલાજેએ ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર પાસે પૂરતો અનાજનો સ્ટૉક છે.
જો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લંબાવવી હોય તો નિર્ણય વડા પ્રધાનની આગેવાની હેઠળની કૅબિનેટ દ્વારા લેવામાં આવશે. શુક્રવારે કૅબિનેટની બેઠક મળવાની છે. સપ્ટેમ્બરમાં સરકારે પીએમજીકેવાયને ત્રણ મહિના માટે ૩૧ ડિસેમ્બર સુધી લંબાવી હતી. કોવિડ-19 કેસ આવી રહ્યા છે. આ યોજના ડિસેમ્બર સુધી છે. એ પછી, નિર્ણય (એને લંબાવવા વિશે) વડા પ્રધાન લેશે એમ કૃષિ રાજ્ય પ્રધાન કરંદલાજેએ પત્રકારોને જણાવ્યું હતું. છેલ્લા ૨૮ મહિનામાં સરકારે આ યોજના હેઠળ ગરીબોને મફત રૅશનના વિતરણ પર ૧.૮૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.