12 April, 2023 05:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં ઉનાળુ પાકોનું વાવેતર સરેરાશ ગયા વર્ષની તુલનાએ અમુક પાકોમાં વધ્યું છે. ખાસ કરીને કઠોળ પાકોના વાવેતરમાં ૫૪ ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે તેલીબિયાં પાકોના વાવેતરમાં ૧૫ ટકા જેવો ઘટાડો થયો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના તાજેતરના આંકડાઓ દેશમાં આઠમી એપ્રિલ સુધીમાં કઠોળ પાકોનું વાવેતર ૫૪ ટકા વધીને ૧૦.૧૪ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે આ જ સમયે ૬.૫૭ લાખ હેક્ટરમાં થયું હતું. કઠોળના ઊંચા ભાવ અને પાણીની સગવડતા સારી હોવાથી કઠોળ પાકોના વાવેતરમાં વધારો થયો છે. કઠોળ પાકોમાં અડદના વાવેતરમાં ૮૮ ટકાનો વધારો થઈને ૭.૫૧ લાખ હેક્ટરમાં થયું છે. મગના વાવેતરમાં પાંચેક ટકાનો જ વધારો થયો છે. દેશમાં તેલીબિયાં પાકોનું વાવેતર ૧૪ ટકા ઘટ્યું છે. મગફળીનું વાવેતર ૨૧.૪૧ ટકા ઘટીને ૩.૭૮ લાખ હેક્ટરમાં થયું છે, જ્યારે તલનું વાવેતર ૩.૭૫ લાખ હેક્ટરમાં સ્ટેબલ છે. તલનું વાવેતર ગુજરાતમાં સૌથી વધુ થાય છે અને ગુજરાતમાં વાવેતર ૨૦ ટકા જેવું વધ્યું છે.