15 February, 2023 04:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
તુવેરની બજારમાં તેજીનો દોર યથાવત છે અને દેશમાં તુવેરનાં મથકોએ ગયા સપ્તાહે ૩૦૦ રૂપિયા સુધીની તેજી આવ્યા બાદ સોમવારે એક જ દિવસમાં ૩૦૦થી ૫૦૦ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. તુવેરનો પાક આ વર્ષે ઓછો છે અને સામે આયાતી જથ્થો પણ ઝડપથી આવી જાય એવી ધારણા ન હોવાથી તુવેરની બજારમાં તેજીનો દોર જોવા મળી રહ્યો છે.
તુવેરના ભાવ વિવિધ મથકોએ ૭૫૦૦ રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. આ ભાવ ટૂંકમાં ૮૦૦૦ રૂપિયાની સપાટી પર પહોંચે એવી સંભાવના દેખાઈ રહી છે. રાજકોટમાં બીડીએન તુવેરના ભાવમાં ૨૦ કિલોએ ૧૦૦થી ૧૬૫ રૂપિયા સુધીનો વધારો હતો એટલે કે ક્વિન્ટલે ૫૦૦ રૂપિયા વધ્યા હતા. તુવેરના ભાવ રાજકોટમાં ૨૦ કિલોના ૧૩૫૦થી ૧૬૦૦ રૂપિયા સુધીના ક્વોટ થયા હતા.
તુવેરના વેપારીઓના મતે દેશમાં ચાલુ વર્ષે તુવેરનો પાક ૨૪.૫૮ લાખ ટન જેવો થાય એવી ધારણા છે, જે ગત વર્ષે ૩૦ લાખ ટનનો પાક થયો હતો. આમ તુવેરના પાકમાં ૧૮ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. તુવેરનો સીઝનની શરૂઆતનો ખૂલતો સ્ટૉક આ વર્ષે ૬૦ ટકા ઘટીને ૪.૮ લાખ ટન રહ્યો હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષે ૧૨ લાખ ટન હતો. જોકે આયાતમાં પણ ખાસ ફરક ન પડીને નવેક લાખ ટનની થાય એવી ધારણા છે, જે ૨૦૨૨માં ૮.૩ લાખ ટનની થઈ હતી.
પુણે સ્થિત જેએલવી ઍગ્રોના ડિરેક્ટર વિવેક અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતીય કઠોળ બજાર માટે હાલ બે મોટા પડકારો છે. તુવેરનો પાક આ વર્ષે ઓછો છે અને બીજી તરફ અલ નીનોની અસરે નવી સીઝનમાં પણ પાક ઓછો થઈ શકે છે. જોકે એની સાચી ખબર જૂન-જુલાઈમાં અલ નીનોની પ્રગતિ પર જોવા મળશે. જોકે મસૂરનો પાક સારો હોવાથી બજારને થોડી રાહત મળે એવી સંભાવના છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં નવી તુવેરની આવકો શરૂ થવા લાગી હોવાથી આયાતી તુવેરનાં ટેન્ડર બંધ કર્યાં હતાં, પરંતુ આગામી દિવસોમાં જો આયાતી તુવેરનાં ટેન્ડર સરકાર શરૂ કરશે તો તુવેરની તેજીને બ્રેક લાગી શકે છે.