20 January, 2023 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં ખાદ્ય તેલની વધતી આયાતને રોકવા માટે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પામતેલની આયાત ડ્યુટીમાં વધારો કરે એવી સંભાવના દેખાઈ રહી છે. જોકે બજાર સૂત્રો કહે છે કે સરકાર જો માત્ર ક્રૂડ પામતેલની જ આયાત ડ્યુટી વધારશે અને રીફાઇન્ડની સ્ટેબલ રાખશે તો સ્થાનિક ખાદ્યતેલ રિફાઇનરી ઉદ્યોગની મુશ્કેલી વધે એવી ધારણા છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર બજેટમાં ક્રૂડ પામતેલની આયાત ડ્યુટી વર્તમાન પાંચ ટકાથી વધારીને ૭.૫૦ ટકા કરે એવી સંભાવના છે. દેશમાં છેલ્લા બે મહિના દરમ્યાન તેલીબિયાં પાકોની પીક સીઝન હોવા છતાં ખાદ્ય તેલની આયાત વધી છે અને ખાસ કરીને રીફાઇન્ડ પામતેલની આયાતમાં મોટો વધારો થયો છે.
બીજી તરફ તેલીબિયાં સંગઠનોએ તાજેતરમાં કેન્દ્ર સરકારને પત્ર લખીને ક્રૂડ પામતેલની આયાત ડ્યુટી સ્ટેબલ અને રીફાઇન્ડ પામતેલની આયાત ડ્યુટી વર્તમાન ૧૨.૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરવાની માગણી કરી છે. તેલીબિયાં સંગઠન સીનું કહેવું છે કે ક્રૂડ પામતેલ અને રીફાઇન્ડ પામતેલની ડ્યુટી વચ્ચે ઓછામાં wઓછો ૧૫ ટકાનો ફરક હોય તો જ સ્થાનિક રિફાઇનરી ઉદ્યોગ ચાલી શકે એમ છે. હાલમાં ક્રૂડ પામતેલની પાંચ ટકા અને રીફાઇન્ડની ૧૨.૫ ટકા હોવાથી બન્ને વચ્ચે માત્ર ૭.૫ ટકો જ ફરક છે.
કેન્દ્ર સરકાર જો ક્રૂડ પામતેલની ડ્યુટી વધારે તો એની મોટી અસર બજાર ઉપર થશે નહીં, પરંતુ જો રીફાઇન્ડ પામતેલની આયાત ડ્યુટીમાં પાંચ ટકા કે એનાથી વધારે વધારો થાય તો રિફાઇનરી ઉદ્યોગને રાહત મળે એવી સંભાવના છે.