Paisa Ni Vaat: યંગસ્ટર્સ, રોકાણમાં વધુ રિસ્ક છે રિસ્કી! માની લો ફાયનાન્શિયલ કૉચની આ સલાહ

14 October, 2024 12:51 PM IST  |  Mumbai | Rachana Joshi

Paisa Ni Vaat: ફાયનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી યુવાનોને સમજાવે છે અસેટ અલોકેશન એટલે શું? માર્કેટમાં રોકાણ કરતા પહેલાં અસેટ અલોકેશન શા માટે છે જરુરી

તસવીર ડિઝાઈન: કિશોર સોસા

ગુજરાતીમાં સુપ્રસિદ્ધ કહેવત છે કે ‘આજે રોકડા ને ઉધાર કાલે’ જેનો સરળ અર્થ છે ‘રોકડા તે ખરા; ઉધારની વાત નહીં’. જોકે, ઉપભોક્તાવાદને પગલે આ કહેવતનો અર્થ એમ કરીએ કે ‘આજે રોકડા (લોન) ને ઉધાર (ઇએમઆઈ) કાલે’ તો પણ અતિષિયોક્તિ નથી. આવી સ્થિતિમાં યોગ્ય નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવા? કઈ બાબતોનું ધ્યાન રાખવું? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું? આ બધા જ સવાલોના જવાબ આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે નવું નજરાણું ‘પૈસાની વાત’ (Paisa Ni Vaat). આ કૉલમમાં આપણે મળીશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સને અને તેમની પાસેથી જાણીશું ફાઇનનાન્સના કેટલાક મૂળભૂત ફંડા.

નેશનલ સ્ટોક એક્સચેન્જ - એનએસસી (National Stock Exchange - NSE) દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનસુાર, ભારતીય શેરબજારમાં હવે ૩૦ વર્ષથી ઓછી ઉંમરના યુવા રોકાણકારોનું વર્ચસ્વ છે. ડેટા મુજબ, ભારતીય શેરબજારમાં યુવા રોકાણકારોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. માર્ચ ૨૦૧૮થી ઓગસ્ટ ૨૦૨૪ વચ્ચે ૩૦ વર્ષથી ઓછી ઉંમરના રોકાણકારોના હિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ ૨૦૧૮માં, આ વયજૂથ કુલ રોકાણકારોના માત્ર ૨૨.૯ ટકા હતા. જો કે, ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં, તેમનો હિસ્સો નોંધપાત્ર રીતે વધીને ૪૦ ટકા થઈ ગયો હતો, જે શેરબજારમાં યુવા રોકાણકારોની ભાગીદારીમાં ઝડપી વધારો દર્શાવે છે.

માર્કેટમાં યુવા રોકાણકારોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે રોકાણની આ દુનિયામાં પ્રવેશવા માંગતા યુવાનોએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે આજે આપણી સાથે ‘પૈસાની વાત’ (Paisa Ni Vaat)માં વાત કરી રહ્યાં છે, ફાયનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી (Khyati Mashru Vasani).

માર્કેટમાં યુવા રોકાણકારોએ કઈ બાબતનું ધ્યાન રાખવું એ વિશે વાત કરતાં ફાયનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી કહે છે કે, ‘આજની યુવા પેઢી બહુ રિસ્ક લઈ લે છે. ત્યારે તેમને એટલી ખાસ સલાહ છે કે, વધારે પડતું રિસ્ક લેવું યોગ્ય નથી. કારણકે માર્કેટ વૉલેટાઈલ છે, ઑલ ટાઇમ હાઇ છે. VIX ઇન્ડેક્સ પણ હાઇ છે તેમજ વેલ્યુએશન પણ હાઇ છે. જોકે, એનો અર્થ એવો નથી કે, તક ગુમાવી દેવી. અસેટ અલોકેશન કરવું જરુરી છે. અસેટ અલોકેશન એટલે તમારી રિસ્ક લેવાની ક્ષમતા કેટલી છે તેના આધારે રિસ્ક લેવું જોઈએ. તે મુજબ અમુક પૈસા ઇક્વિટીમાં હોવા જોઈએ, અમુક ડેબ્ટમાં હોવા જોઈએ, અમુક રિયલ એસ્ટેટમાં અને અમુક ગોલ્ડમાં હોવા જોઈએ.’

માર્કેટ આપણને દર વર્ષે ૨૦-૨૫ ટકા રિટર્ન આપે છે એટલે આપણને ઘણીવાર થાય કે હું ડેબ્ટમાં પૈસા શું કામ રાખું ત્યાં તો મને ૮-૯ ટકા જ રિટર્ન મળે છે. રિયલ એસ્ટેટમાં તો કંઈ વધારે રિટર્ન નથી મળતું અને ગોલ્ડ પણ ૯-૧૦ ટકા જ રિટર્ન આપે છે. એટલે યુવાનો બધા જ પૈસા કાઢીને ઇક્વિટીમાં રોકી દે છે, જે બહુ જ રિસ્કી છે. એટલે જો અસેટ અલોકેશન બરાબર કરવામાં આવે તો રિસ્ક ઓછું રહે છે. અસેટ અલોકેશન જો બરાબર હોય તો માર્કેટ ઉપર-નીચે થાય ત્યારે યુવાનોએ ચિંતા કરવાની જરાય જરુર રહેતી નથી. સ્ટૉક્સ કયા લેવા એના કરતા અસેટ અલોકેશને કરવું ખુબ જ જરુરી છે. તમારા રોકાણનું મુળ અસેટ અલોકેશન જ છે.’, એમ ખ્યાતિ મશરુ વસાણીએ ઉમેર્યું હતું.

યુવા રોકાણકારોને ક્યાં રોકાણ કરવું તે વિશે ખ્યાતિ મશરુ વસાણી સમજાવે છે કે, ‘યુવાનોએ ઇક્વિટિમાં મ્યુચ્યલ ફંડ અને એસઆઇપી દ્વારા રોકાણ કરવું જોઈએ. સાથે એ ધ્યાન રાખવું કે, ફાયનાન્શિયલ પિરામીડનો પાયો છે લાઇફ ઈન્શૉયરન્સ, હેલ્થ ઈન્શ્યૉરન્સ અને ઇમરજન્સી ફંડ. લાઇફ ઈન્શૉયરન્સ પર્યાપ્ત હોવો જોઈએ, એક સારો ટર્મ પ્લાન હોવો જોઈએ. ઇમરજન્સી ફંડ એટલે તમારો મહિનાનો જે ખર્ચો છે એના છ ગણો હોવો જોઈએ. ઉદાહરણ તરીકે જો મહિનાનો ખર્ચો પચાસ હજાર રુપિયા છે તો ઇમરજન્સી ફંડ ત્રણ લાખ હોવો જોઈએ. જે ફિક્સડ ડિપોઝિટ કે ડેબ્ટમાં રાખ્યા હોય કે તરત જ ઉપાડી શકાય. આમ જો પાયો મજબુત બની જાય તો યુવાનો ધીમે-ધીમે એસઆઇપીના માધ્યમથી ઇક્વિટી મ્યુચ્યલ ફંડ અને ડેબ્ટ મ્યુચ્યલ ફંડ તેમની રિસ્ક લેવાની ક્ષમતાને આધારે ઇનવેસ્ટ કરી શકે છે. યુવાનો રિયલ એસ્ટેટનું ઇનવેસ્ટમેન્ટ રેટ્સમાં પણ કરી શકે છે. જરુરી નથી કે ડાયરેક્ટ રિયલ એસ્ટેટ લેવું તેઓ ફ્રેક્શનલ રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરી શકે છે. ગોલ્ડમાં પણ રિસ્ક અલોકેશનને આધારે એસઆઇપી કરી શકે છે.’

paisa ni vaat exclusive gujarati mid-day mutual fund investment life insurance health insurance share market stock market national stock exchange bombay stock exchange sensex nifty business news rachana joshi