23 February, 2023 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરકારી સપોર્ટના અભાવે દેશમાં કાંદાના ભાવ ચાર વર્ષની નીચી સપાટીએ
દેશમાં ગુજરાત-મહારાષ્ટ્ર સિવાયનાં નાનાં ઉત્પાદક રાજ્યો કે જે કાંદાના વાવેતરમાં ‘બિન-પરંપરાગત’ રાજ્યો કહેવાય છે એવાં રાજ્યોમાં કાંદાના ઉત્પાદનમાં વધારો અને ખરીફ સીઝન દરમ્યાન ઊંચા ઉત્પાદનને કારણે કાંદાના ભાવ હાલમાં ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા છે.
આ વર્ષે ખરીફ કાંદાનું ઉત્પાદન વધુ છે. બીજી તરફ આંતરરાજ્ય વેપાર સુસ્ત રહ્યો છે એમ મહારાષ્ટ્ર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડના ચૅરમૅન યોગેશ થોરાટે જણાવ્યું હતું.
ઍગ્રી કૉમોડિટીઝ એક્સપોર્ટર્સ અસોસિએશનના પ્રમુખ એમ મદન પ્રકાશે જણાવ્યું હતું કે ‘આ વર્ષે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ - દરેક જગ્યાએ કાંદાનું ઉત્પાદન વધુ છે, પરિણામે આવકનું દબાણ છે. ઉપરાંત, મહારાષ્ટ્રમાં માગ ઓછી છે, કારણ કે અન્ય રાજ્યો જેમ કે પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં ઉત્પાદન વધુ છે. અન્ય રાજ્યોમાં વધુ પાકને જોતાં મહારાષ્ટ્રમાં માગ ઓછી છે. ઉત્પાદન ખર્ચ કરતાં ભાવ નીચા છે, જે ચિંતાનું કારણ છે.
એશિયાની સૌથી મોટી મંડી લાસણગાંવમાં કાંદાના ભાવ ક્વિન્ટલના ૬૭૫થી ૭૦૦ રૂપિયા ક્વોટ થાય છે, જે ગત વર્ષે ૨૪૮૦ રૂપિયા અને ૨૦૨૧ના વર્ષમાં ૩૮૦૧ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ હતા. ગુજરાતમાં પણ કાંદાના ભાવ ૨૦ કિલોના ૩૦થી લઈને ૧૮૦ રૂપિયા સુધી એટલે કે ક્વિન્ટલના ૧૫૦થી ૯૦૦ રૂપિયા સુધીના ક્વોટ થાય છે. ગુજરાતમાં પણ આ વર્ષે પાક સારો છે અને આવકો એકસાથે વધી રહી છે.
ઑલ ઇન્ડિયા કાંદાની આવકો ફેબ્રુઆરીના પહેલા ૧૮-૨૦ દિવસમાં ૧૦.૧૮ લાખ ટનની થઈ છે જે ગત વર્ષે આ સમયે ૯.૫૩ લાખ ટન અને ૨૦૨૧માં ૭.૪૫ લાખ ટનની થઈ હતી. મહારાષ્ટ્રની આવકો ૫.૨૮ લાખ ટનની થઈ છે, જે ગત વર્ષે ૪.૪૭ લાખ ટન અને ૨૦૨૧માં ૨.૪૨ લાખ ટનની થઈ હતી. ગુજરાતમાં આ વર્ષે ૧.૬૧ લાખ ટન અને ગત વર્ષે ૧.૨૧ લાખ ટનની થઈ હતી. ૨૦૨૧માં ૨.૧૩ લાખ ટનની આવક હતી. ઉત્તર પ્રદેશમાં ગયા વર્ષે ૯૪,૦૦૦ની તુલનાએ આ વર્ષે ૧.૨૭ લાખ ટન કાંદાની આવક થઈ છે.