13 April, 2023 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાંદાની બજારમાં નીચા ભાવથી સુધારો ચાલુ થયો છે. દેશમાં કાંદાના સૌથી મોટા ઉત્પાદક એવા નાશિકમાં તાજેતરમાં પડેલા વરસાદ અને કરાને પગલે કાંદાના પાકમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે કાંદાના ભાવ હવે વધે એવી ધારણા છે. નાશિકમાં સારા કાંદાના ભાવ વધીને ૧૦૦૦ રૂપિયાની ઊંચી સપાટી પર પહોંચી ગયા હતા.
મહારાષ્ટ્ર ફાર્મર પ્રોડ્યુસર્સ કંપનીના ચૅરમૅન યોગેશ થોરાટે જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે કાંદા ઉત્પાદક વિસ્તારમાં પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને ભાવ ઊંચકાયા છે. કાંદાના પાકમાં ક્વૉલિટીનું નુકસાન પણ વધારે હોવાથી સારા માલના ભાવ ઊંચા રહ્યા છે.
લાસણગાંવ એપીએમસીના ચૅરમૅને જણાવ્યું હતું કે વરસાદને કારણે આ વિસ્તારમાં કાંદાનો પાક આ વર્ષે ૭૦થી ૮૦ ટકા જ થાય એવી ધારણા છે. હાલના સંજોગોમાં કાંદાની બજારમાં ભાવ મજબૂત રહી શકે છે.
કાંદાના બીજા કેટલાક વેપારીઓ માને છે કે મહારાષ્ટ્રમાં ભલે નુકસાન હોય, પંરતુ અન્ય રાજ્યો જેવાં કે હરિયાણા, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને કર્ણાટક સહિતનાં રાજ્યોમાં કાંદાનું ઉત્પાદન વધ્યું છે. સારા ભાવને કારણે પણ આ વિસ્તારમાં ખેડૂતો કાંદાનું વાવેતર વધુ કરવા માટે પ્રેરાયા છે.
લાસણગાંવ મંડીમાં કાંદાના મૉડલ ભાવ વધીને ૧૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની સપાટી પર પહોંચી ગયા છે, જે થોડા દિવસ અગાઉ ૭૦૦ રૂપિયા આસપાસ ક્વોટ થતા હતા. જોકે ખેડૂતો માટે આ ભાવ ખૂબ જ નીચા છે અને કાંદાની ઉત્પાદન પડતર સામે હજી ભાવ ઘણા નીચા છે. ખેડૂતોની ઉત્પાદન પડતર ૨૦૦૦થી ૨૫૦૦ રૂપિયા વચ્ચે છે જેની સામે ભાવ અડધાથી પણ નીચા છે.
કાંદાના ભાવ ચાલુ વર્ષની શરૂઆતમાં ઘટીને ૩૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનાં પાંચ વર્ષના તળિયે પહોંચ્યા હતા જ્યાંથી ભાવ ક્રમશઃ વધી રહ્યા છે, જેને પગલે કાંદાની બજારમાં તેજીનો દોર જોવા મળી રહ્યો છે. કાંદાના ભાવ હવે ઝડપથી વધ્યા હોવાથી બજારમાં માલ વધારે જોવા મળી રહ્યો છે.
હૉર્ટિકલ્ચરલ પ્રોડ્યુસર એક્સપોર્ટ્ર્સ અસોસિએશનના પ્રમુખ અજિત શાહે જણાવ્યું હતું કે કાંદાના ભાવ ૭૦૦થી ૧૦૦૦ રૂપિયાની વચ્ચે બોલાય છે, પરંતુ માગ હજી પ્રમાણમાં ઓછી હોવાથી ભાવ બહુ વધી જાય એવી ધારણા નથી.
તેમણે વધુમાં કહ્યું કે નાફેડ દ્વારા પણ કાંદાનો સ્ટૉક માટે ખરીદી કરવાનો પ્લાન છે અને નાફેડની ખરીદી શરૂ થશે ત્યારે પણ બજારને ટેકો મળી શકે છે. સરકારે ચાલુ વર્ષે બફર સ્ટૉક માટે કુલ ૩ લાખ ટન કાંદાની ખરીદી કરવાની જાહેરાત કરી છે, જેને પગલે કાંદાની બજારમાં ટેકો મળે એવી સંભાવના છે.
ભારતીય કાંદાનો નિકાસ ભાવ અત્યારે ૨૦૦થી ૨૯૫ ડૉલર પ્રતિ ટન મિડિયમ સાઇઝના ચાલે છે અને મલેશિયામાં આ ભાવથી નિકાસ થાય છે, જ્યારે મોટી સાઇઝના કાંદાના ભાવ ૨૪૦ ડૉલર પ્રતિ ટન વચ્ચે ક્વોટ થાય છે.