જીવનજરૂરી ચીજોના સટ્ટા પરનો એક વર્ષનો પ્રતિબંધ પૂરો : સરકાર ફરી શરૂ કરશે કે પ્રતિબંધ લંબાવશે?

19 December, 2022 04:41 PM IST  |  Mumbai | Mayur Mehta

ચણા, સોયાબીન, રાયડા, સોયાતેલ, પામતેલ, મગ, ડાંગરના સટ્ટા સરકારે એક વર્ષથી બંધ કર્યા છે : નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસની મનમોહન સિંહ સરકાર સમક્ષ જીવનજરૂરી ચીજોના સટ્ટા બંધ કરવા રજૂઆત કરી હતી

પ્રતીકાત્મક તસવીર

કાળઝાળ મોંઘવારીથી આમજનતાને બચાવવા નરેન્દ્ર મોદી સરકારે એક વર્ષ અગાઉ ચણા, સોયાબીન, સોયાતેલ, રાયડા, પામતેલ, ડાંગર અને મગ એમ સાત જીવનજરૂરી ચીજોના સટ્ટા એક વર્ષ માટે બંધ કર્યા હતા. જીવનજરૂરી ચીજોના સટ્ટા બંધ કર્યા એને ૧૯મી ડિસેમ્બરે એક વર્ષ પૂરું થયું છે ત્યારે આ તમામ જીવનજરૂરી ચીજોના સટ્ટા ફરી ચાલુ થાય એ માટે સરકાર સામે દબાણ વધી રહ્યું છે. આમજનતાને મોંઘવારીમાં રાહત આપતો નિર્ણય હવે લંબાવવો કે નહીં? એના પર નરેન્દ્ર મોદી સરકાર વિચાર કરી રહી છે. 

કૉમોડિટી સટ્ટાથી કોને ફાયદો?

દેશના વડા પ્રધાન મોરારજી દેસાઈ હતા ત્યારે તમામ ખાદ્યપદાર્થો અને જીવનજરૂરી ચીજોના સટ્ટા એક જ ઝાટકે બંધ કરવાનો હિંમતભર્યો નિર્ણય લેવાયો હતો. અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે વર્લ્ડ બૅન્ક તેમ જ વિશ્વની અનેક એજન્સીઓએ ભારત સરકારને ભલામણ કરી હતી કે કૉમોડિટીના સટ્ટાથી ભાવનું સાચું સંશોધન થાય છે અને એનાથી ખેડૂતોને લાંબા ગાળે ફાયદો થાય છે. વર્લ્ડ બૅન્ક અને અન્ય વિશ્વસ્તરની એજન્સીઓના દબાણને વશ થઈને અટલ બિહારી વાજપેયીની સરકારે ૧૯૯૬માં સૈદ્ધાંતિક રીતે જીવનજરૂરી ચીજોના સટ્ટા શરૂ કરવાની મંજૂરી આપી હતી અને ૨૦૦૨ અને ૨૦૦૩માં ધીમે-ધીમે તમામ જીવનજરૂરી ચીજોના સટ્ટા શરૂ થયા હતા. આ સટ્ટા શરૂ થયા ત્યારથી જીવનજરૂરી ચીજોના સટ્ટાથી કોને ફાયદો થાય? એની ચર્ચા શરૂ થઈ છે. જીવનજરૂરી ચીજોના સટ્ટામાંથી તગડી કમાણી કરનારાઓએ હંમેશાં દલીલ કરી છે કે દરેક ચીજોના સાચા ભાવ સટ્ટા દ્વારા મળે છે અને બજારને સાચી દિશા મળે છે. આવી દલીલને વશ થઈને સરકાર જીવનજરૂરી ચીજોના સટ્ટા ચલાવે છે, પણ વાસ્તવમાં અત્યાર સુધી માત્રને માત્ર સટોડિયા લૉબી સિવાય જીવનજરૂરી સટ્ટાથી કોઈને ફાયદો થયો નથી. 

આ પણ વાંચો : રિલાયન્સે ગુજરાતમાં એફએમસીજી બ્રૅન્ડ ‘ઇન્ડિપેન્ડન્સ’ લૉન્ચ કરી

જીવનજરૂરી ચીજોના સટ્ટાચાલુ કરવાની માગ 

દેશમાં સાત જેટલા એગ્રી કૉમોડિટી સટ્ટા ગત વર્ષે એક વર્ષ માટે બંધ કરવામાં આવ્યા હતા, જેને એક વર્ષ પૂરું થવા આવ્યું હોવાથી હવે કૉમોડિટી બ્રોકરોએ સરકારને આ સટ્ટા ફરી શરૂ કરવા માટે માગ કરી છે.

કૉમોડિટી પાર્ટિસિપન્ટ્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ સરકાર અને બજાર નિયમનકાર સેબીને વિનંતી કરી છે કે કૉમોડિટી એક્સચેન્જોને ક્રૂડ પામ ઑઇલ અને ઘઉં સહિતની સાત કૃષિ ચીજોનું  ટ્રેડિંગ ફરી શરૂ કરવાની મંજૂરી આપો, જે ડિસેમ્બર ૨૦૨૧થી એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.

ફુગાવાને અંકુશમાં લેવા માટે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ ૨૦મી ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સોયાબીન, સરસવનાં બીજ, ચણા, ઘઉં, ડાંગર, મગ અને ક્રૂડ પામ તેલના નવા ડેરિવેટિવ કૉન્ટ્રૅક્ટ્સ શરૂ કરવા પર એક્સચેન્જોને પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્દેશો એક વર્ષ માટે લાગુ હતા જેનો સમયગાળો હવે ટૂંકમાં પૂરો થઈ રહ્યો છે. નાણા મંત્રાલય અને સેબીને લખેલા એના પત્રમાં અસોસિએશને જણાવ્યું હતું કે લાંબા સમય સુધી પ્રતિબંધો ભારતીય કૉમોડિટી માર્કેટ ઇકૉસિસ્ટમ માટે હાનિકારક છે અને ભારતના વેપારના વાતાવરણમાં સરળતા વિશેની ધારણાને ગંભીરપણે નુકસાન પહોંચાડે છે.

જીવનજરૂરી ચીજોના સટ્ટાથી મોંઘવારી?

છેલ્લા એક વર્ષ દરમ્યાન આમાંની કેટલીક કૉમોડિટીઝની કિંમત એમ.એસ.પી. (મિનિમમ  સપોર્ટ પ્રાઇસ)થી નીચે અથવા એની આસપાસ રહી છે અને ઘણા અભ્યાસોએ તારણ કાઢ્યું છે કે કૉમોડિટીના ભાવ મુખ્યત્વે પુરવઠા અને માગનાં પરિબળો દ્વારા નિયંત્રિત થાય છે અને એક્સચેન્જો પરના વેપારની કિંમત પર કોઈ અસર થતી નથી. કૉમોડિટી અસોસિએશને સૂચવ્યું કે એગ્રી-કૉમોડિટી કૉન્ટ્રૅક્ટમાં નોંધપાત્ર વૉલેટિલિટી જોવા મળે તો કૉમોડિટી ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ માટે માર્જિન વધારવું અને ઓપન ઇન્ટરેસ્ટ લિમિટ ઘટાડવી જેવા સરળતાથી ઊલટાવી શકાય એવા વિકલ્પોનો આશરો લઈ શકાય. એના પત્રમાં અસોસિએશને વિનંતી કરી હતી કે સેબી દ્વારા તમામ કૉમોડિટી કૉન્ટ્રૅક્ટમાં સામાન્ય ટ્રેડિંગ ફરી શરૂ કરવા માટે એક્સચેન્જોને મંજૂરી આપવામાં આવે, કારણ કે ૧૯મી ડિસેમ્બરે એક વર્ષનો સમયગાળો પૂરો થાય છે અને શરતો એમના પુનઃ પ્રારંભ માટે અનુકૂળ છે.

આ પણ વાંચો : વિશ્વમાં તોળાતી ફૂડ ક્રાઇસિસ : ભારતની ઘઉં-ચોખા-મકાઈની તેજી

કૉમોડિટી ડેરિવેટિવ્ઝના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં સીપીએઆઇએ જણાવ્યું હતું કે આવા ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સ ખેડૂતો, પ્રોસેસર્સ, મિલરો, ભૌતિક બજારોમાં કૃષિ-વેપારીઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનોના સમગ્ર મૂલ્ય શૃંખલાના સહભાગીઓને ભાવશોધ અને ભાવજોખમ વ્યવસ્થાપન પર મહત્ત્વપૂર્ણ સંકેતો આપે છે.

નરેન્દ્ર મોદી દ્વારા અગાઉ સટ્ટા બંધ કરવાની માગ

કેન્દ્રમાં કૉન્ગ્રેસની સરકાર હતી અને મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે મોંઘવારી વિશે બનાવેલી કમિટીનું સુકાન ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને સોંપાયું હતું. એ વખતે નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારને આપેલા રિપોર્ટમાં જીવનજીરૂરી ચીજોના સટ્ટા બંધ કરવાનું સૂચન કર્યું હતું. જોગાનુજોગ નરેન્દ્ર મોદીની સરકાર ૨૦૧૪માં આવી ત્યારથી જીવનજરૂરી ચીજોના સટ્ટા બેરોકટોક ચાલતા હતા અને એક વર્ષ અગાઉ જ્યારે મોંઘવારીની આગ ભભૂકવા લાગી હતી ત્યારે એકાએક સરકારે તમામ જીવનજરૂરી ચીજોના સટ્ટા એક વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. હવે ૧૯મી ડિસેમ્બરે આ પ્રતિબંધને એક વર્ષ પૂરું થાય છે ત્યારે આ સટ્ટાને ચાલુ કરવા કે વધુ સમય માટે બંધ કરવા એનો નિર્ણય સરકાર લઈ શકી નથી. 

આ પણ વાંચો : ફેડે ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિ વધવાની શક્યતા બતાવતાં સોના અને ચાંદી ગગડ્યાં

સરકારને હજી પણ મોંઘવારીની મૂંઝવણ

૨૦૨૨માં ગુજરાતની બહુ જ પ્રતિષ્ઠિત ચૂંટણીઓ આવવાની હોવાથી નરેન્દ્ર મોદી સરકારે મોંઘવારીનો મુદ્દો ચૂંટણીમાં નડે નહીં એ માટે જીવનજરૂરી ચીજોના સટ્ટા બંધ કર્યા હતા. હાલ મોંઘવારી પૂરેપૂરી કાબૂમાં આવી નથી. ફુગાવાના આંકડા જરૂર ઘટાડાનો સંકેત આપે છે, પણ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા દસ મહિનાથી ચાલી રહેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે અને વિશ્વ મહામંદીને આરે આવીને ઊભું છે ત્યારે ફરી મોંઘવારી ભડકવાનો ડર છે. આવા સમયમાં ફરી મોંઘવારી ભડકે અને સરકારે જીવનજરૂરી ચીજોના સટ્ટાને મંજૂરી આપી હોય તો આમજનતામાં નરેન્દ્ર મોદી સરકાર સામે રોષ ફાટી નીકળે એવી શક્યતા હોવાથી જીવનજરૂરી ચીજોના સટ્ટા ચાલુ કરવાની મંજૂરી આપવા વિશે અવઢવ છે. 

૨૦૨૩માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તેલંગણ, છત્તીસગઢ સહિત કુલ નવ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, જેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક ત્રણેય રાજ્યોની ચૂંટણી નરેન્દ્ર મોદી માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેવાની છે. ગઈ ચૂંટણીમાં આ ત્રણેય રાજ્યોમાં બીજેપીની હાર થઈ હતી, પણ હાલ રાજસ્થાન સિવાયનાં બન્ને રાજ્યોમાં બીજેપીની સરકાર છે. જીવનજરૂરી ચીજોના સટ્ટા ચાલુ કરવાની નરેન્દ્ર મોદી સરકાર મંજૂરી આપે અને મોંઘવારી ફાટી નીકળે તો વિરોધપક્ષને નવું હથિયાર મળી શકે છે, આથી સરકાર હાલ મંજૂરી આપવામાં વિચારણા કરી રહી છે. 

business news commodity market