ચીને રિઝર્વ માટે સોનાની ખરીદી અટકાવી દેતાં એક ટકાનો ઘટાડો

08 June, 2024 08:20 AM IST  |  Mumbai | Mayur Mehta

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડતાં વિશ્વમાં રેટકટનો દોર શરૂ થયો

પ્રતીકાત્મક તસવીર

ચીને ઑક્ટોબર ૨૦૨૨થી સતત ૧૮ મહિના સુધી રિઝર્વ માટે સોનાની ખરીદી કર્યા બાદ મે મહિનામાં સોનાની ખરીદી અટકાવી દેતાં વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ શુક્રવારે એક ટકા ઘટ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૮૪૪ રૂપિયા ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૨૮ રૂપિયા વધ્યો હતો. ચાંદીનો ભાવ સતત બીજે દિવસે વધ્યો હતો. છેલ્લા બે દિવસમાં મુંબઈમાં ચાંદીનો ભાવ ૨૦૫૫ રૂપિયા વધ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ઘટીને બે મહિનાની નીચી સપાટીએ ૧૦૪.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકાના એક પછી એક ઇકૉનૉમિક ડેટા નબળા આવી રહ્યા હોવાથી હવે સપ્ટેમ્બરમાં રેટકટની શક્યતા વધી છે.

અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૧ જૂને પૂરા થયેલા સપ્તાહના અંતે ૮ હજાર વધીને ૨.૨૯ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૨૦ લાખની હતી. એ​​ક્ઝિ​સ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ નંબર્સ  ૭૫૦ ઘટીને ૨.૨૨ લાખે પહોંચ્યા હતા.

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો. ઇન્ફ્લેશન ઘટીને ૨.૫ ટકાએ પહોંચતાં સેન્ટ્રલ બૅન્કે નવ મહિના ઇન્ટરેસ્ટ રેટ સ્ટેબલ રાખ્યા બાદ ઘટાડો કર્યો હતો.

ચીનની એક્સપોર્ટ મે મહિનામાં ૭.૬ ટકા વધી હતી જે એપ્રિલમાં માત્ર ૧.૫ ટકા વધી હતી અને મે મહિનામાં એક્સપોર્ટ છ ટકા વધવાની માર્કેટની ધારણા હતી, જ્યારે ચીનની ઇમ્પોર્ટ મે મહિનામાં માત્ર ૧.૮ ટકા વધી હતી જે એપ્રિલમાં ૮.૪ ટકા વધી હતી અને માર્કેટની ઇમ્પોર્ટની ધારણા ૪.૨ ટકા વધવાની હતી. મે મહિનામાં ઇમ્પોર્ટ કરતાં એક્સપોર્ટ વધતાં ચીનની ટ્રેડ સરપ્લસ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૮૨.૬૨ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૬૫.૫૫ અબજ ડૉલર હતી.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે રેટકટની શરૂઆત કરીને વર્લ્ડમાં રેટકટનો નવો દોર શરૂ કર્યો હતો. કોરોના બાદ ઇન્ફ્લેશન વધતાં દરેક દેશોએ ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો કર્યો હતો એ હવે સમાપ્ત થઈને રેટકટનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. કૅનેડાએ પણ બુધવારે રેટકટ કર્યો હતો, એ અગાઉ ​​સ્વિટ્ઝરલૅન્ડની બૅન્કે પણ રેટકટ કર્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક બાદ હવે અમેરિકન ફેડ, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ તેમ જ ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ સહિત અનેક દેશો રેટકટ માટે આગળ આવશે. શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (CME) ફેડવૉચના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર હવે ફેડની ૧૨મી જૂને યોજાનારી મીટિંગમાં પણ રેટકટના ચા​ન્સિસ વધીને અઢી ટકા થયા છે જે છેલ્લાં કેટલાંય સપ્તાહથી ઝીરો હતાં, જ્યારે ૩૧મી જુલાઈએ યોજાનારી ફેડની મીટિંગમાં રેટકટના ચા​ન્સિસ ૧૪.૫ ટકાથી વધીને ૨૦.૬ ટકા અને ૧૮ સપ્ટેમ્બરે યોજાનારી મીટિંગમાં રેટકટના ચા​ન્સિસ ૫૨.૧ ટકાથી વધીને ૬૮.૩ ટકા થયા છે. રેટકટના નવા દોરમાં સોનાની તેજીને રેટકટનો સપોર્ટ મળશે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૧,૯૧૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૧,૬૨૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૦,૫૩૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news gold silver price