બેબી-સ્ટેપ સાથે બજારની આગેકૂચ સ્મૉલકૅપ નવી ટોચે, માર્કેટ બ્રેડ્થ નરમ

24 August, 2024 07:36 AM IST  |  Mumbai | Anil Patel

નિફ્ટી ખાતે ONGC ૧.૭ ટકા, વિપ્રો ૧.૩ ટકા, ડિવીઝ લૅબ એક ટકો નરમ હતા

પ્રતીકાત્મક તસવીર

બંગલાદેશની અશાંતિ અને સત્તાપલટામાં અદાણી પાવરનું ૮૦ કરોડ ડૉલર અર્થાત્ ૬૭૦૦ કરોડ રૂપિયાનું લેણું ઘોંચમાં છતાં શૅરનો ભાવ યથાવત્ : જેફરીઝનો બુલિશ વ્યુ ઇ​ન્ડિગોને ફળ્યો, અનિલ અંબાણી ગ્રુપના શૅરો SEBIના આદેશ પાછળ લથડ્યા : ટીવીએસ મોટર્સ નવા લૉ​ન્ચિંગમાં વૉલ્યુમ સાથે ઑલટાઇમ હાઈ, MCXમાં નવી ટૉપ બની : પ્રી-IPO ઇન્વેસ્ટર્સ દ્વારા ઑફ્ફ લોડિંગ વચ્ચે નાયકા તગડા ઉછાળે નવા શિખરે : રેલટેલ ૫૩ કરોડનો ઑર્ડર મળતાં ૫.૫ ટકા ઊંચકાયો : સનફાર્મા અને હિન્દુસ્તાન યુનિલીવર નવા બેસ્ટ લેવલે : ઓરિઅન્ટ ટેક્નૉલૉજીને કુલ ૧૫૫ ગણો રિસ્પૉન્સ

બજારે બેબી-સ્ટેપ સાથે આગેકૂચ જાળવી રાખી છે. શુક્રવારે સેન્સેક્સ ૩૩ પૉઇન્ટ વધી ૮૧,૦૮૬ અને નિફ્ટી બારેક પૉઇન્ટ વધી ૨૪,૮૨૩ બંધ થયો છે. પ્રારંભમાં ટૂંકી વધઘટે વૉલેટાઇલ રહેલું બજાર કલાક પછી દિવસનો મોટો ભાગ પૉઝિટિવ ઝોનમાં હતું. વધઘટની અતિ સાંકડી રેન્જમાં શૅરઆંક નીચામાં ૮૦,૮૮૩ અને ઉપરમાં ૮૧,૨૩૧ થયો હતો. બજારનું માર્કેટકૅપ જોકે ૫૬,૦૦૦ કરોડ ઘટી ૪૫૯.૯૬ લાખ કરોડ જોવાયું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૬૪૯ પૉઇન્ટ કે ૦.૮ ટકા વધ્યો છે. એની સામે નિફ્ટી ૧.૨ ટકા કે ૨૮૨ પૉઇન્ટ પ્લસ થયો છે. નિફ્ટી ઑટોને બાદ કરતાં NSEનાં તમામ સેક્ટોરલ રેડઝોનમાં ગયાં છે. BSEના પણ મોટા ભાગનાં બેન્ચમાર્ક ઘટ્યાં છે. સ્મૉલકૅપ, હેલ્થકૅર તથા FMCG ઇન્ડેક્સ નવા બેસ્ટ લેવલે ગયા હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બની છે. NSEમાં વધેલા ૧૧૧૬ શૅર સામે ૧૨૫૪ જાતો ઘટી છે.

રિયલ્ટી ઇન્ડેક્સ સર્વાધિક, લગભગ અઢી ટકા તરડાયો હતો. સિટી ગ્રુપ તરફથી ફિનિક્સ મિલ્સમાં ૪૦૪૦ અને પ્રેસ્ટિજ એસ્ટેટમાં ૨૦૨૦ના ટાર્ગેટ સાથે બુલિશ વ્યુ અપાયો છે. બન્ને શૅર લગભગ સાડાત્રણ ટકા ગઈ કાલે ઘટ્યા છે. લોઢાનો મેક્રોટેક ડેવલપર્સ પાંચેક ટકા તૂટી ૧૧૬૨ રહ્યો છે. બંગલાદેશની અસ્થિરતાને પગલે અદાણી પાવરનું ૮૦ કરોડ ડૉલર એટલે કે ૬૭૦૦ કરોડનું લેણું અટવાઈ પડ્યું હોવાના અહેવાલ છે. આમ છતાં શૅર બે રૂપિયા સુધરી ૬૭૬ બંધ આવ્યો છે. બજાર કેટલી હદે સિલે​ક્ટિવ બની ગયું છે એનો આ એક નમૂનો છે. અગાઉ બ્લૉકડીલ મારફત જંગી વૉલ્યુમ થતું ત્યારે મોટે ભાગે સંબંધિત શૅરના ભાવ ઘટતા હતા. આજે એનાથી ઊલટું થઈ રહ્યું છે. સોનાના ભાવ વધે એની સાથે-સાથે જ્વેલરી શૅરોની ચમક પણ વધે એવુંય આ વખતે જ જોવા મળે છે. ગાંડપણના દૌરમાં ન થાય એટલું ઓછું છે. 

એક્સ બોનસ થતાં CDSL સેન્ચુરી ફટકારી નવા બેસ્ટ લેવલે  

કંપનીમાંથી ભંડોળ અન્ય ભળતા હેતુ માટે ડાઇવર્ટ કરવાના, સાદી ભાષામાં કહીએ તો ગોરખધંધા આચરી કંપનીનું ફન્ડ ઘરભેગું કરવાના કેસ બદલ SEBIએ અનિલ અંબાણી આણિ મંડળી સામે મૂડીબજારમાં પ્રવેશવા માટે પાંચ વર્ષનો બૅન મૂક્યો છે. અનિલ અંબાણીને પચીસ કરોડ રૂપિયાનો દંડ ફડકારી કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર કે મૅનેજરિયલ હોદ્દો ધરાવવાની મનાઈ ફરમાવી છે. આની અસરમાં અડગ ગ્રુપની રિલાયન્સ હોમ ફાઇનૅન્સ પાંચ ટકાની મંદીની સર્કિટમાં સાડાચાર રૂપિયા નીચે જઈને ત્યાં બંધ રહ્યો છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર નીચામાં ૨૦૨ થઈ દસ ટકા લથડી ૨૧૨ તો રિલાયન્સ પાવર ૫ ટકાની નીચલી સર્કિટમાં ૩૪.૪૫ થઈ ત્યાં જ બંધ હતો.

બાયબૅક પ્રાઇસ અપેક્ષાથી ઓછી જાહેર થવાનો વસવસો આગળ ધપાવતાં ન્યુ​ક્લિયસ સૉફ્ટવેર નીચામાં ૧૩૭૧ થઈ ત્રણ ટકા બગડી ૧૩૭૯ હતો. CDSL શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં ૨૮૯૮ના આગલા બંધની રીતે ૧૪૪૯ની ઍડ્જસ્ટેડ પ્રાઇસ સામે ૧૬૬૪ની સર્વોચ્ચ સપાટી બનાવી ૮.૨ ટકા કે ૧૧૯ રૂપિયા ઊછળી ૧૫૬૮ બંધ આવ્યો છે. એની ૧૫ ટકા માલિકીની પેરન્ટ્સ BSE ૨૮૦૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અડધો ટકો સુધરી ૨૭૪૨ રહ્યો છે, જ્યારે MCX ૪૯૩૫ની ઑલટાઇમ હાઈ બનાવી ૧.૮ ટકા વધીને ૪૮૬૪ હતો. પ્રમોટર અદાણી ફૅમિલી દ્વારા મલ્ટીપલ બ્લૉકડીલ મારફત ત્રણેક ટકા હિસ્સો વેચવામાં આવ્યાના અહેવાલમાં અંબુજા સિમેન્ટ્સ ૬૬૦ નજીક જઈ નજીવા સુધારે ૬૩૩ હતો. નાયકામાં પ્રી-IPO ઇન્વેસ્ટર હરિન્દર પાલ સિંહે ૧.૪  ટકા હિસ્સો બ્લૉકડીલમાં વેચતાં શૅર ૨૩૦ની ટોચે જઈ ૭.૮ ટકા ઊછળીને ૨૨૭ નજીક બંધ થયો છે. 

નબળું માર્જિન ધરાવતો ઇન્ડિયન ફૉસ્ફેટ સોમવારે મૂડીબજારમાં

આગામી સપ્તાહે મેઇનબોર્ડમાં બે સહિત કુલ આઠ ભરણાં નક્કી છે, જેમાંથી સોમવારે ઉદયપુરના ગીડવા ખાતેની ઇન્ડિયન ફૉસ્ફેટ ૧૦ના શૅરદીઠ ૯૯ની અપર બેન્ડમાં ૬૭૩૬ લાખનો NSE SME IPO કરશે. કંપની મુખ્યત્વે ડિટર્જન્ટ્સની બનાવટમાં વપરાતા કેમિકલ લૅબ્સાનું ઉત્પાદન કરે છે. આ સિવાય SSP ખાતર પણ બનાવે છે. એનો હિસ્સો આવકમાં ૯ ટકા છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બહુધા લગભગ શૂન્ય છે. છેલ્લાં ત્રણ વર્ષની ઍવરેજ EPS સાડાઆઠ રૂપિયા છે. ગયા વર્ષે કંપનીએ ૭૧૮ કરોડ જેવી આવક ઉપર ૧૨ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ કર્યો છે. દેવું ૪૦ કરોડથી વધુનું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં કંપનીનું નેટ માર્જિન ફક્ત બે ટકા જેવું સરેરાશ નોંધાયું છે. ઇશ્યુના નાણાંમાંથી કંપની તામિલનાડુ ખાતે નવો પ્લાન્ટ સ્થાપવાની છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ ભાવ ૨૦ પ્લસનો P/E સૂચવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૭૦ જેવું છે.

મુંબઈની ઓરિઅન્ટ ટેક્નૉલૉજીનો શૅરદીઠ ૨૦૬ની અપરબેન્ડવાળો ૨૧૫ કરોડનો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે કુલ ૧૫૫ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૬૦ની આસપાસ છે. SME ઇશ્યુ આઇડિયલ ટેક્નૉપ્લાસ્ટ ૧૧૬ ગણા અને QVC એક્સપોર્ટ ૫૩૪ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. આઇડિયલમાં ૧૫નું અને QVCમાં ૮૩નું પ્રીમિયમ છે. યામાહાની બાઇક વેચતી દિલ્હીની રિસૉર્સફુલ ઑટો મોબાઇલ જબરી રિસૉર્સફુલ લાગે છે. ૧૦ના શૅરદીઠ ૧૨૧ના ઇશ્યુ પ્રાઇસવાળો આ SME ઇશ્યુ અત્યાર સુધીમાં ૭૪ ગણો છલકાઈ જતાં પ્રીમિયમ વધી ૮૫ થઈ ગયું છે. તો રેપિડ મલ્ટીમૉડલ લૉજિ​સ્ટિક્સનો શૅરદીઠ ૮૪ના ભાવનો ૮૪૯ લાખનો ઇશ્યુ કુલ ૧૧.૩ ગણો ભરાઈ ચૂક્યો છે. ગ્રેમાર્કેટમાં કામકાજ નથી. બન્ને ભરણાં સોમવારે બંધ થશે. સોમવારે ઇન્ટર આર્ક બિ​લ્ડિંગ પ્રોક્ટસ, ફોર્કાસ સ્ટુડિયો તથા બ્રેસપોર્ટ લૉજિ​સ્ટિક્સનું લિ​સ્ટિંગ થવાનું છે. પ્રીમિયમ અનુક્રમે ૩૩૭, ૮૨ તથા ૧૧૫ રૂપિયાના છે. 

બજાજ ઑટો ૪૯૨ રૂપિયાની તેજીમાં ઑલટાઇમ હાઈ

ઊજળા વિકાસ-સંજોગોની થીમમાં બજાર ઑટો ૧૦,૪૪૪ની વિક્રમી સપાટી નોંધાવી પાંચેક ટકા કે ૪૯૨ રૂપિયાની તેજીમાં ૧૦,૪૦૬ રહી નિફ્ટી ખાતે બેસ્ટ પર્ફોર્મર બન્યો છે. ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે ૫૩૮ પૉઇન્ટ વધ્યો હતો. એમાં આ શૅરનું પ્રદાન ૨૩૬ પૉઇન્ટ હતું. ટીવીએસ મોટર્સ પાંચ ગણા કામકાજમાં ૨૮૧૮ની સર્વોચ્ચ સપાટી દેખાડી સવાબે ટકાના જમ્પમાં ૨૭૬૭ થયો છે. તાતા મોટર્સ દોઢ ટકા, હીરો મોટોકૉર્પ એક ટકા, મહિન્દ્ર એક ટકો અપ હતા. મારુતિ ૧૨,૩૦૨ના લેવલે જૈસે થે રહ્યો છે. કૉલ ઇન્ડિયા ૫૪૨ની ટૉપ નજીક ૫૪૧ થઈ ૧.૯ ટકા વધીને ૫૩૯ હતો. સન ફાર્મા ૧૭૮૨ના બેસ્ટ લેવલ બાદ ૧.૪ ટકા વધી ૧૭૭૬ થયો છે. ICICI બૅન્ક એક ટકો વધ્યો છે. તાતા ટેક્નૉલૉજીઝમાં પ્રાઇવેટ ઇ​ક્વિટી ફન્ડ આલ્ફાએ બ્લૉકડીલમાં ૭૫ લાખ શૅર ૧૦૧૦થી ૧૦૨૦ની રેન્જમાં વેચ્યા હતા. શૅર ઉપરમાં ૧૦૫૪ બતાવી ૨.૯ ટકા વધી ૧૦૩૭ હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરમાં ૩૦૨૨ વટાવી નહીંવત સુધારે ૩૦૦૦ નજીક રહ્યો છે. એની ૫૧ ટકા માલિકીનો લોટસ ચૉકલેટ સતત ૨૬મા દિવસે તેજીની સર્કિટ મારી પાંચ ટકા વધી ૨૪૮૪ની સર્વોચ્ચ સપાટીએ જઈ ત્યાં બંધ હતો. કંપનીની આવક ગયા વર્ષે ૧૪૪ કરોડની હતી. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૨૮.૭૦ રૂપિયા માંડ છે, પરંતુ આજે માર્કેટકૅપ ૩૧૯૦ કરોડ વટાવી ગયું છે.

ભારતી ઍરટેલ સવા ટકો વધીને ૧૫૦૬ રહી છે. નિફ્ટી ખાતે ONGC ૧.૭ ટકા, વિપ્રો ૧.૩ ટકા, ડિવીઝ લૅબ એક ટકો નરમ હતા. સેન્સેક્સ ખાતે ઇન્ફોસિસ એક ટકાની પીછેહઠમાં ૧૮૬૨ હતો. ટીસીએસ પોણો ટકો ઘટ્યો છે. હિન્દુસ્તાન યુનિલીવર ૨૮૨૦ના શિખરે જઈ પોણા ટકાના સુધારામાં ૨૮૧૪ હતો. PCBL અર્થાત્ ફિલિપ્સ કાર્બન બ્લૅક ૫૦૭ની ટોચે જઈ ૧૧ ટકા ઊછળી ૫૦૦ થયો છે. મહિના પહેલાં ભાવ માંડ ૨૮૦ હતો. પીઅર ગ્રુપમાં ગોવા કાર્બન ૭૭૩ થઈ ૬.૨ ટકા ઊંચકાઈ ૭૫૯ હતો. જેફરીઝના બુલિશ વ્યુમાં ઇન્ડિગો ફેમ ઇન્ટર ગ્લોબ એવિયેશન ૪૭૨૪ના બેસ્ટ લેવલે જઈ ૨૩૧ રૂપિયા કે ૫.૨ ટકાના જમ્પમાં ૪૭૧૩ રહ્યો છે. એની હૂંફમાં સ્પાઇસ જેટ ત્રણ ટકા વધી ૬૭ નજીક હતો. રેલટેલ કૉર્પોરેશન ૫૩ કરોડના નવા ઑર્ડરના કૈફમાં ૫.૬ ટકા ઊછળી ૪૯૭ હતો. મિન્ડા કૉર્પ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૬૪૫ની વિક્રમી સપાટી નોંધાવી ૬૩૨ના બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. 

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty