ઑફશૉર રૂપિયો ઑલ ટાઇમ લો ૮૩.૪૩ : ડૉલરમાં રિકવરી

11 December, 2023 07:32 AM IST  |  Mumbai | Biren Vakil

નિફટી ઑલ ટાઇમ હાઈ, બીટકૉઇન અને યુરોપિયન શૅરો ૨૨ માસની ટોચે

પ્રતીકાત્મક તસવીર

વિધાનસભાની ચૂંટણીઓમાં બીજેપીનો જ્વલંત વિજય, યુરોપ અને અમેરિકી શૅરોમાં શાનદાર તેજી, બીટકૉઇનમાં તેજીની આગેકૂચ વચ્ચે નિફ્ટી ઑલ ટાઇમ હાઈ થઈ ગયો છે. રિઝર્વ બૅન્કે વ્યાજદરો ૬.૫ ટકાના સ્તરે યથાવત્ રાખ્યા છે. આર્થિક વિકાસદરનો લક્ષ્યાંક ૬.૫ ટકાથી સુધારીને ૭ ટકા જણાવ્યો છે. શૅરબજારમાં શાનદાર તેજી અને સીધા વિદેશી રોકાણમાં પ્રોત્સાહક સંકેતો વચ્ચે ફૉરેક્સ રિઝર્વ ચાર માસની ઊંચી સપાટી ૬૦૪ અબજ ડૉલરે પહોંચી છે. ઘરઆંગણે તેજીનાં અનેક કારણો મોજૂદ હોવા છતાં રૂપિયો ઑફશૉર બજારમાં ઑલટાઇમ લો થઈ ગયો છે એ વાત અસામાન્ય ગણાય. શૅરબજારનું માર્કેટ કૅપ ચાર ટ્રિલ્યન ડૉલર વટાવી ગયું છે. સ્મૉલ કૅપ અને મિડ કૅપ શૅરોમાં વૅલ્યુએશન ઓવરસ્ટ્રેચ થતાં કરેક્શન આવી શકે, લાર્જ કૅપ શૅરો આઉટ પર્ફોર્મર બની શકે. સ્થાનિક મેક્રો ફન્ડામેન્ટલ સારા છે. બાહ્ય મોરચે અમેરિકામાં સૉફ્ટ રિસેશન અને ચીનમાં ડિફ્લેશન, યુક્રેન, તાઇવાન, ગાઝા તનાવ જેવાં બાહ્ય કારણો સ્થાનિક શૅરબજારની તેજી માટે બાધા ગણાય. રૂપિયામાં શૉર્ટ ટર્મ રેન્જ ૮૨.૮૪-૮૩.૪૮ છે. ૮૩.૪૮ બ્રેક થાય તો નવી રેન્જ ૮૩.૦૫-૮૩.૮૮ આવી શકે. 

વિશ્વબજારની વાત કરીએ તો શુક્રવારે જૉબ ડેટા અપેક્ષા કરતાં મજબૂત આવ્યો છે. નોકરીઓમાં ૧.૮૦ લાખ વધારાની અટકળ હતી. વાસ્તવિક વધારો ૧.૯૯ લાખ હતો. બેકારીદર ૩.૯ ટકાથી ઘટીને ૩.૭ ટકા થયો હતો. નોકરીઓમાં વધારાનું મુખ્ય કારણ ઑટો વર્કર્સ તેમ જ હૉલીવુડના કલાકારો, કામદારો વગેરે હડતાલ સમેટી કામ પર પાછા ફર્યા એ ગણાય. ૨૦૨૩માં ઍવરેજ રોજગારી સર્જન ૧.૩૮ લાખ રહ્યું છે. ફુગાવો તો ફેડની નીતિઓને સકારાત્મક પ્રતિસાદરૂપે ઘટી રહ્યો છે. જૉબ માર્કેટ વધુપડતું મજબૂત છે એમ ફેડની ધારણા છે. રોજગારી સર્જન માસિક એક લાખ નીચે જાય તો ફેડને રેટ-કટ કરવામાં ખચકાટ ન રહે. જૉબ માર્કેટ અને શૅરબજાર બેઉમાં તેજી હોય અને રેટ-કટ રુપી લિ​ક્વિડિટીની લહાણી કરાય તો રિસ્કી ઍસેટમાં બેલગામ તેજી થાય અને ફેડનું કર્યું કારવ્યું ધૂળધાણી થાય એટલે ફેડ નાણાકીય મામલે ફૂંકી-ફૂંકીને છાશ પીવે છે. અમેરિકી શૅરબજારોની વાત કરીએ તો ગૂગલનું એઆઇ જેમિની હિટ જતાં બિગ ટેક શૅરોમાં તેજી જળવાઈ રહી હતી. ડૉલેક્સ ઘટ્યા ભાવથી સુધર્યો હતો. હવે બજારની નજર બુધવારે ફેડની બેઠક પર છે. બજારના મતે હવે વ્યાજદરોની પીક તો બની ગઈ છે. પહેલો રેટ-કટ માર્ચમાં આવે છે કે જૂનમાં આવે છે એ વિશે મતમંતાતરો છે. અમેરિકાનો મેક્રો ડેટા સૉફ્ટ લૅન્ડિંગની સંભાવના બતાવે છે.

યુરોપમાં સ્વિસ ફ્રાન્ક મજબૂત હતો. પાઉન્ડ અને યુરોમાં તેજી થાક ખાતી હતી. ઑઇલની મંદી અને રિયલ એસ્ટટની મંદીથી નૉર્વે ક્રોનર અને અન્ય નૉર્ડિક કરન્સી થોડી નરમ હતી. યુરોપનાં શૅરબજારો ૨૨ માસની ઊંચી સપાટીએ પહોંચ્યાં છે. જર્મનીમાં મોંઘવારી ઘટીને ૩.૨ ટકા થઈ છે. મંગળવારે અમેરિકાના મોંઘવાનીના આંકડા જાણવા અમેરિકા કરતાં વધુ ઇન્તજારી યુરોપિયન બૅન્કરોને છે. 

એશિયાની વાત કરીએ તો ચીનમાં અર્થતંત્રને ટેકો આપવા સરકારે મજબૂત રાજકોષીય સપોર્ટની વાત કરી છે. ચીનમાં આર્થિક મંદી ઘણી ઘેરી છે. જથ્થાબંધ ફુગાવો નેગેટિવ ૦.૫ થઈ ગયો છે જે ડિફ્લેશનનો સંકેત ગણાય. સરકારે લિ​ક્વિ​ડિટી અને સ્ટિમ્યુલસ સપોર્ટ ચાલુ રાખતાં કૉમોડિટીઝમાં હૉટ-મનીનું હુડદંગ મચ્યું છે. ચીનમાં વાર્ષિક ધોરણે વપરાશી ફુગાવો માઇનસ ૦.૩ ટકા થઈ ગયો છે. સરકાર સતત સ્ટિમ્યુલસ આપી રહી છે એનાથી મંદી તો અટકતી નથી, પણ હૉટ-મની કૉમોડિટી બજારોમાં તેજીનું તોફાન કરે છે. ક્રિપ્ટો ઍસેટમાં બીટકૉઇન ૨૨ મહિનાની ઊંચી સપાટી ૪૪,૭૦૦ થયો છે. સોલાના ૭૭ ડૉલર થયો છે. સોલાના ચાલુ વરસે ૩૬૦ ટકા વધ્યો છે. મંગળવારે અમેરિકામાં ફુગાવો, બુધવારે ફેડની મીટિંગમાં ચૅરમૅન પૉવેલનું સ્ટેટમેન્ટ હોકિશ રહે છે કે ડોવિશ રહે છે એને આધારે આગામી રેટ-કટ મે માસમાં આવશે કે જૂનમાં એનો અંદાજ આવી શકે. માર્ચમાં રેટ-કટની શક્યતા ઓછી લાગે છે. અત્યારે કરન્સી પંડિતોની નજર આર્જેન્ટિના પર છે. પેસોમાં મોટા ડીવૅલ્યુએશનની સંભાવના જોતાં હાઇપર ઇન્ફ્લેશનનું રિસ્ક તોળાય છે.

indian rupee business news united states of america share market stock market