23 February, 2023 06:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
નેશનલ સ્ટૉક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસેથી 22 ફેબ્રુઆરી, 2023ના રોજ એનએસઇના અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટૉક એક્સચેન્જ (એસએસઇ) શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે.
સોશિયલ સ્ટૉક એક્સચેન્જ સામાજિક પહેલ માટે રોકાણ મેળવવા સોશિયલ બિઝનેસમેનને નવો વિકલ્પ આપશે, જે સામાજિક ઉદ્યોગસાહસિકોને વિઝિબિલિટી આપશે તેમજ ફંડ મેળવવાની અને ફંડ વાપરવાની બાબતે પારદર્શકતા લાવશે. મુખ્યત્વે સામાજિક આશય તરીકે સ્થાપિત કોઈપણ સોશિયલ બિઝનેસ, સેવાભાવી સંસ્થા (એનપીઓ) કે સેવાભાવી સામાજિક ઉદ્યોગસાહસો (એફપીઇ) સોશિયલ સ્ટૉક એક્સચેન્જના સેગમેન્ટ પર રજિસ્ટર્ડ / લિસ્ટેડ થઈ શકે છે.
એનપીઓ માટે બોર્ડ માટે સૌથી પહેલા સોશિયલ સ્ટૉક એક્સચેન્જ સેગમેન્ટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન પછી એનપીઓ પબ્લિક ઇશ્યૂ કે પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ (ઝેડસીઝેડપી) જેવા માધ્યમો દ્વારા ફંડ ઊભું કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. અત્યારે નિયમનો ઝેડસીઝેડપી ઇશ્યૂઅન્સ માટે રૂ. 1 કરોડ સુધીની મિનિમમ સાઈઝ નક્કી કરે છે અને સબ્સ્ક્રિપ્શન માટે અપ્લાય કરવાની મિનિમમ સાઇઝ રૂ. 2 લાખ છે.
એફપીઇ માટે સીક્યોરિટીઝના ઇશ્યૂ અને લિસ્ટિંગની રીત એક્સચેન્જની પ્રક્રિયા હેઠળ સીક્યોરિટીઝના ઇશ્યૂ અને લિસ્ટિંગ માટે ચાલતી મેથડ જેવી હશે (મુખ્ય બોર્ડ, એસએમઇ પ્લેટફોર્મ કે ઇનોવેટર્સ વૃદ્ધિ પ્લેટફોર્મ માટેના માપદંડ પર આધારિત, જે સોશિયલ એન્ટરપ્રાઇઝીસ તરીકેના માપદંડો ઉપરાંત લાગુ માપદંડો પ્રમાણે રહેશે).
આ પણ વાંચો : વિશ્વબજારોની આડમાં ઘરઆંગણે ૯૨૮ પૉઇન્ટનો ધબડકો, બજાર ‘૬૦’ની અંદર બંધ
એનએસઇના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે, “હું આ પ્રસંગે એક અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટૉક એક્સચેન્જ શરૂ કરવા એનએસઇને મંજૂરી આપવા માટે સેબીનો આભાર માનું છું. અમે આ અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે અને અત્યારે સોશિયલ એન્ટરપ્રાઇઝીસને એક્સચેન્જના બોર્ડ પર લેવાના વિવિધ તબક્કાઓમાં મદદ કરી છે. હું સોશિયલ એન્ટરપ્રાઇઝીસને સોશિયલ સ્ટૉક એક્સચેન્જ સેગમેન્ટ પર રજિસ્ટ્રેશન અને લિસ્ટિંગની વ્યવસ્થા અને ફાયદા સમજવા અમારી ટીમ સાથે સંપર્કમાં રહેવા વિનંતી કરું છું.”