એનએસઈના ઇમર્જ પ્લૅટફૉર્મનું એમ-કૅપ એક લાખ કરોડને પાર

06 December, 2023 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એસએમઈ કંપનીઓ લિસ્ટેડ છે એવા આ પ્લૅટફૉર્મ પર આ સૌપ્રથમ સિદ્ધિ

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના ઇમર્જ પ્લૅટફૉર્મ પર જ્યાં એસએમઈ કંપનીઓ લિસ્ટેડ છે એમનું કુલ કૅપિટલાઇઝેશન સૌપ્રથમ વાર વધીને એક લાખ કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું છે. એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર શ્રીરામ કૃષ્ણને આ પ્રસંગે કહ્યું કે એનએસઈ ઇમર્જની આ સિદ્ધિ મહત્ત્વપૂર્ણ છે અને એ દર્શાવે છે કે ભારતીય એમએસએમઈ ક્ષેત્રમાં દેશના અર્થતંત્રને વેગ આપવાની સંભાવનાઓ છુપાયેલી છે. અમે એનએસઈ ખાતે મૂડીબજારમાંથી સરળતાથી મૂડી એકત્ર કરી શકાય એ માટે પ્રયત્નશીલ છીએ અને દેશના એમએસએમઇઝને એનએસઈ ઇમર્જ મારફત મૂડી પ્રાપ્ત કરવાના વિકલ્પને અપનાવવા માટેનું આહ્‍વાન કરીએ છીએ. ૨૦૧૨માં આ પ્લૅટફૉર્મનો પ્રારંભ કરાયો ત્યારથી એ નાનાં અને મધ્યમ કદનાં ઉદ્યોગ-સાહસોના વિકાસ માટે મૂડી એકત્ર કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. હાલ એસએમઈ પ્લૅટફૉર્મ પર ૩૯૭ કંપનીઓ લિસ્ટેડ છે, જેમણે ૭૮૦૦ કરોડ રૂપિયાથી અધિક મૂડી એકત્ર કરી છે. ૨૦૧૭માં એનએસઈમાં નિફ્ટી એસએમઈ ઇમર્જ ઇન્ડેક્સ લૉન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં અત્યારે ૧૯ ક્ષેત્રની ૧૬૬ કંપનીઓ છે. આ કંપનીઓના માર્કેટ કૅપિટલાઇઝેશનમાં નવેમ્બર, ૨૦૨૩ સુધીમાં ૩૭.૭૮ ટકાની વૃદ્ધિ થઈ છે.  આ વર્ષે એનએસઈએ એના ઇમર્જ પ્લૅટફૉર્મ પરથી કંપનીઓના મેઇન બોર્ડમાં સ્થળાંતર માટેનાં ધોરણો મજબૂત કર્યાં હતાં, જેથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત કંપનીઓમાં અનુપાલનનું પ્રમાણ ઊંચું રહે. 

business news sensex nifty share market