11 June, 2024 07:29 AM IST | Mumbai | Kanu J Dave
નિર્મલાજી સીતારમણ
સોમવારે સાંજે કેન્દ્રીય પ્રધાનોને ફાળવાયેલાં ખાતાંમાં નિર્મલાજી સીતારમણને નાણાં ખાતું મોદી.3માં પણ મળ્યું, એને બજાર મંગળવારે ઉમળકાભેર વધાવશે અને એ પૂર્વે ગિફ્ટ નિફ્ટીમાં પણ સુધારો જોવા મળશે. પહેલી ફેબ્રુઆરીના ઇન્ટરિમ બજેટમાં જે આવરી ન શકાયું એ બધું જ હવે જુલાઈમાં રજૂ થનારા ફુલફ્લેજ્ડ બજેટમાં આવરી લેવાશે એવી ગણતરી બજારના ધુરંધરો મૂકી રહ્યા છે. ઉપરાંત ૧૦૦ દિવસનો એજન્ડા તૈયાર હોવાની અને એની પણ ટૂંક સમયમાં જ જાહેરાત વચ્ચે હવેના બે મહિના બજાર માટે હૅટ-ટ્રિક હશે એવું ઍનલિસ્ટોનું માનવું છે. આર્થિક બાબતોને લગતું રોડ, ટ્રાન્સપોર્ટ ખાતું પણ ફરીથી નીતિન ગડકરીને અપાયું હોવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ગતિ પણ જળવાઈ રહેવાની વકી છે. કૃષિ અને ગ્રામીણ વિકાસ શિવરાજસિંહ ચૌહાણને, ઊર્જા અને શહેરી વિકાસ મનોહરલાલ ખટ્ટરને, ભારે ઉદ્યોગ અને સ્ટીલ એચ. ડી. કુમાર સ્વામીને, જીતનરામ માંઝીને લઘુ, નાના-મધ્યમ ઉદ્યોગ, સર્બાનંદ સોનોવાલને પૉર્ટ અને શિપિંગ ખાતાં સોંપાયા હોવાની આ ઉદ્યોગો અને એમાં આવતી કંપનીઓ પરની અસરનો પ્રથમ નઝારો મંગળવારના બજારના ભાવોમાં પ્રતિબિંબિત થશે. અશ્વિની વૈષ્ણવની રેલવેમાં કન્ટિન્યુટી રેલવે સંબંધિત કંપનીઓની વિકાસની ગાડી દોડતી રાખશે તો જ્યોતિરાદિત્ય સિંધિયાના હાથમાં સંદેશવ્યવહાર ખાતુ સોંપાયાની અસરરૂપે આજે રિલાયન્સ, ભારતી ટેલિકૉમ, વોડાફોન સહિતની કંપનીઓના ભાવો પર પૉઝિટિવ અસર થવાની વકી છે. હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ અને મનસુખ માંડવિયાને શ્રમ મંત્રાલયનો હવાલો સોંપાયો એ વાતને પણ બજાર વધાવી લેશે. આમ એકંદરે આ મંગળવાર બજાર માટે શુકનિયાળ પુરવાર થઈ શકે છે.
સોમવારના કામકાજમાં સેન્સેક્સે 77079નો નવો હાઈ ઓપનિંગમાં જ ૧૦ સુધીમાં બનાવ્યા પછી ઘટીને 76500 આસપાસ આવ્યા પછી 76500-900ની રેન્જમાં રમીને છેલ્લે 76490 બંધ આપી 0.27 ટકા, 203 પૉઇન્ટ્સનો ઘટાડો નોંધાવ્યો હતો. 15 શૅરો વધ્યા તો 15 ઘટ્યા હતા. અલ્ટ્રાટેક સિમેન્ટે 10908નો બાવન સપ્તાહનો નવો હાઈ નોંધાવી 3.19 ટકા વધી 10796 બંધ આપ્યું હતું. મોદી.3માં ઇન્ફ્રા અને હાઉસિંગને વેગ મળશે અને એના કારણે સિમેન્ટની ભારે ડિમાન્ડ રહેશે એવા આશાવાદે લેવાલી નીકળી હતી. પાવર ગ્રીડ બે ટકા વધી 315 રહ્યો હતો. નેસ્લે પોણાબે ટકા પ્લસ થઈ 2547, ઍક્સિસ બૅન્ક સવા ટકો વધી 1200 અને એનટીપીસી 1 ટકાના ગેઇને 364 બંધ રહ્યો હતો. ઘટવામાં ટેક મહિન્દ્ર પોણાત્રણ ટકા ડાઉન થઈ 1340 રૂપિયા, ઇન્ફોસિસ સવાબે ટકાના ઘટાડે 1499 રૂપિયા, વિપ્રો 2 ટકા ઘટી 475 રૂપિયા બંધ આવતાં ટેક શૅરોમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવાયો હતો. જોકે યુએસની ઍપલ એના ગેજેટ્સમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સમાવવાની જાહેરાત ટૂંકમાં જ કરે એવી સંભાવના વચ્ચે એ બજારમાં નૅસ્ડૅક સુધરે તો આપણે ત્યાં પણ આઇટી શૅરો સુધરવા લાગે એવી ધારણા રાખી શકાય. નિફ્ટી 0.13 ટકા ઘટી 23259 બંધ રહ્યો એ પહેલાં 23411.90નો રેકૉર્ડ હાઈ નોંધાવી આવ્યો હતો. નોમુરાએ ડિસેમ્બર 2024 સુધીમાં 24860નો ટાર્ગેટ દર્શાવ્યો છે. સોમવારે બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 2 લાખ કરોડના વધારા સાથે 425 લાખ કરોડે પહોંચ્યું હતું.
સમાચારની અસરવાળા શૅરો
ઍક્સિસ બૅન્ક બંધ ભાવ 1196 રૂપિયા,+0.86 ટકા, 10 રૂપિયા, બ્લૉક ડીલ 22,55,722 શૅરોનું 1207 રૂપિયાના ભાવે, વૅલ્યુ 272.27 કરોડ રૂપિયા. મફતલાલ ઇન્ડસ્ટ્રીઝે ભારતીય સશસ્ત્ર દળ તથા અન્ય સરકારી એજન્સીઓ સાથે ઍન્ટિ-માઇક્રોબાયલ બેડશીટ્સ બનાવી સપ્લાય કરવાનો કરાર કર્યાના પગલે 8 ગણા વૉલ્યુમે ભાવ 16 ટકા વધી 160 રૂપિયા બંધ રહ્યો હતો.
કરૂર વૈશ્ય બૅન્ક બંધ ભાવ 201 રૂપિયા, + 3.36 ટકા. બ્લૉક ડીલ 27,01,974 શૅરોનું 210.65 રૂપિયાના ભાવે, વૅલ્યુ 56.92 કરોડ રૂપિયા.
કૉન્ફિડન્સ પેટ્રોલિયમ બંધ ભાવ 81 રૂપિયા,+ 5.38 ટકા, 4.15 રૂપિયા. કંપનીએ વધુ 13 ઑટો એલપીજી ડિસ્પેન્સિંગ સ્ટેશન શરૂ કર્યાં એથી કુલ સંખ્યા 261 પર પહોંચી છે.
બિગબ્લૉક કન્સ્ટ્રક્શન 6 ટકા, 13 રૂપિયા વધી 236 બંધ રહ્યો હતો. સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ્સ બનાવતી આ કંપનીએ સિયામ સિમેન્ટ સાથેના સંયુક્ત સાહસમાં ભારતમાં પ્રથમ વાર AAC દીવાલોનું વ્યાપારી ધોરણે ઉત્પાદન ખેડા ખાતે શરૂ કર્યું છે.
કૅસ્ટ્રોલ ઇન્ડિયા 3 ટકા, 6 રૂપિયા વધી 201 બંધ રહ્યો હતો. કંપનીએ કૅસ્ટ્રોલ એજલાઇન રેન્જમાં વધુ પ્રોડક્ટ્સ રજૂ કરી છે.
ઈઆઇએચ અસોસિએટ હોટેલ્સ 14 જૂનની બોનસ માટેની બોર્ડ મીટિંગ પૂર્વે સોમવારે 14 ટકા ઊછળી 822 રૂપિયા રહ્યો હતો.
કેઈસી ઇન્ટરનૅશનલ 1061 કરોડ રૂપિયાના ઑર્ડર્સ મળ્યાના સમાચારે સાડાપાંચ ટકા વધી 809ના સ્તરે ક્લોઝ થયો હતો.
રેમન્ડને બાન્દ્રામાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મળ્યાના સમાચાર વચ્ચે ભાવ સાડાત્રણ ટકા વધી 2559 રૂપિયા થઈ ગયો હતો.
સૂઝલોનમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરે રાજીનામું આપી કંપનીના વહીવટ વિશે કરેલી ટિપ્પણીના પગલે શૅર પાંચ ટકા પીટાઈ 47 રૂપિયા થઈ ગયો હતો.