સેન્સેક્સ ઑક્ટોબરમાં 88Kથી 84K વચ્ચે રહેવાના ચાર્ટ-સંકેતો

28 September, 2024 06:03 AM IST  |  Mumbai | Kanu J Dave

ક્રૂડ તેલ નરમ, OMC શૅરો ગરમ: શ્રી રેણુકા શુગર ૧૦ ટકા ઊછળ્યો: સર્વેલન્સ હેઠળના શૅરો વીકલી ટૉપ ગેઇનર્સ, પાવરગ્રિડ ડાઉન ગ્રેડના ન્યુઝે ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે નિફ્ટી નામ પૂરતા 37 પૉઇન્ટ્સ ઘટીને 26178.95 બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડેમાં 262277.35નો નવો રેકૉર્ડ નોંધાવ્યો હતો. સેન્સેક્સ પણ 85,978.25નો ઑલ ટાઇમ હાઈ બનાવી 85571.85ના સ્તરે 264.27, 0.31 ટકા ઘટીને બંધ રહ્યો હતો. સવારે ૧૧ વાગ્યા સુધી પૉઝિટિવ ઝોનમાં રહ્યા પછી બજારે ધીમો ઘસારો અનુભવ્યો હતો અને બંધ સુધી ફરીથી પૉઝિટિવ ઝોનમાં આવી શક્યું નહોતું. જોકે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીમાં રિવર્સ ચાલ જોવા મળી હતી. આ ઇન્ડેક્સ પૂરો દિવસ પૉઝિટિવ ઝોનમાં રહીને 77918નો નવો ઐતિહાસિક હાઈ બનાવી દિવસના અંતે 726.30 પૉઇન્ટ્સ, 0.94 ટકા સુધરી 77813.25 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સનો પ્રતિનિધિ IOC સાડાચાર ટકા સુધરી 179.20 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો. નિફ્ટીનો બીપીસીએલ પણ 6.23 ટકા વધી ટૉપ ગેઇનર રહી 6.23 વધી 366.6 રૂપિયા બંધ હતો. નિફ્ટી મિડકૅપ સિલેક્ટમાં એચપીસીએલ 3.33 ટકા સુધરી 436 રૂપિયા બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલ લપસીને બૅરલદીઠ 70.91 ડૉલર થયાના અહેવાલોએ આ ઑઇલ માર્કેટિંગ કંપનીઓના શૅરો સુધર્યા હતા. બ્રેન્ટ ક્રૂડનો ભાવ એની 5, 15, 30, 60, 100 અને 200 દિવસની એક્સપોનૅન્શિયલ મૂવિંગ ઍવરેજથી નીચે ચાલે છે. નિફ્ટીના ટૉપ પાંચ ગેઇનર્સમાં શુક્રવારે ૩ ફાર્મા શૅરો હતા. સિપ્લા સવાત્રણ ટકા વધી 1674, સનફાર્મા અઢી ટકા સુધરી 1945 અને ડિવીઝ લૅબ 2.36 ટકાના ગેઇને 5506.40 રૂપિયા રહ્યા હતા. સિપ્લાએ ચીનની એક કંપનીને એની પૂર્ણ માલિકીની સ્ટેપ ડાઉન સબસિડિયરી કંપની બનાવવા જરૂરી હિસ્સો ખરીદ્યાની માહિતી એક્સચેન્જને આપી હતી. સનફાર્માએ 25થી 28 સપ્ટેમ્બર દરમ્યાન નેધરલૅન્ડ્સના ઍમ્સ્ટરડૅમ ખાતે યોજાયેલી યુરોપિયન ઍકૅડેમી ઑફ ડર્મેટોલૉજી ઍન્ડ વેનેરોલૉજી કૉન્ગ્રેસમાં એની અમુક દવાઓની અસરકારકતા અને ક્લિનિકલ ટ્રાયલમાં પ્રગતિ વિશે પ્રેઝન્ટેશનની માહિતી અખબારી યાદીમાં આપી હતી. પાંચમા સ્થાને રિલાયન્સ 1.71 ટકા વધી 3047.05 રૂપિયા બંધ હતો. નિફ્ટીમાં ઘટનારા શૅરોમાં પાવરગ્રિડ 2.96 ટકા ઘટી 354.65 રૂપિયા બંધ રહ્યો હતો. મૉર્ગન સ્ટૅન્લીએ આ કંપનીને ડાઉનગ્રેડ કરી ઇક્વલ વેઇટ પર મૂકી હતી. ભારતી ઍરટેલ બે ટકાના લૉસે 1737 રૂપિયા બંધ રહ્યો હતો. કંપનીને સબસ્ક્રાઇબર્સ વેરિફિકેશનનાં ધોરણોનો ભંગ કરવા બદલ ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન, હિમાચલ પ્રદેશે ૧૬ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યાની નોટિસ મોકલાવી હતી. એચડીએફસી બૅન્ક પોણાબે ટકા ઘટી 1753 રૂપિયા બંધ રહ્યો હતો. હિરોમોટો કૉર્પ શુક્રવારે વધુ 1.59 ટકા ઘટીને 5955 રૂપિયા થઈ ગયો હતો. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ એક ટકો સુધરી 77813 રહ્યો હતો. આ ઇન્ડેક્સનો પ્રતિનિધિ શૅર કોલગેટ 3 ટકા પ્લસ રહી 3810 રૂપિયા બંધ હતો. આરઈસી 2.89 ટકા સુધરી 559, પીએફસી 2.58 ટકા વધી 483 અને ઇન્ફો એજ (નૌકરી) અઢી ટકાના ગેઇને 8143 રૂપિયા બંધ હતા. ઘટવામાં અદાણી ગ્રીન્સ 3.88 ટકા ડાઉન રહી 1978, યુનાઇટેડ સ્પિરિટ્સ સાડાત્રણ ટકાના ઘટાડે 1587 રૂપિયા, બજાજ હોલ્ડિંગ્સ સવાત્રણ ટકાના લૉસે 10469, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 2.65 ટકા તૂટી 1384 અને વરુણ બેવરેજિસ 2.63 ટકાના નુકસાને 610 રૂપિયાના સ્તરે બંધ હતા. મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ 0.54 ટકા વધી 13329.80ના સ્તરે વિરમ્યો હતો. ટૉપ ગેઇનર પૉલિકેબ સાડાચાર ટકા સુધરી 7055 રૂપિયા બંધ હતો. આ જ ઇન્ડેક્સનું પ્રતિનિધિત્વ કરતો વોડાફોન આઇડિયા શુક્રવારે 2.70 ટકાના ગેઇને 10.66 રૂપિયા થયો હતો. કૉન્કૉર (કન્ટેનર કૉર્પોરેશન) સવાબે ટકા સુધરી 911 રૂપિયા અને ક્યુમિન્સ દોઢ ટકો વધી 3855ના સ્તરે ક્લોઝ થયા હતા. સામે પક્ષે ઘટવામાં ગોદરેજ પ્રૉપર્ટી 3.35 ટકા તૂટી 3195 રૂપિયા બંધ રહ્યો હતો. ક્વાર્ટરલી રિઝલ્ટ માટે કંપનીની બોર્ડ-મીટિંગ ૧ ઑક્ટોબરે મંગળવારે મળશે. એચડીએફસી એએમસી અઢી ટકા ઘટી 4420 રૂપિયા, એયુ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કે એક ટકો ઘટી 728 રૂપિયાનું ક્લોઝિંગ આપ્યું હતું. નિફ્ટી બૅન્ક અને ફાઇનૅન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ શુક્રવારે 1-1 ટકો ઘટ્યા હતા.

એનએસઈના 77માંથી 39 ઇન્ડેક્સ પ્લસમાં વિરમ્યા એમાં ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ 2.37 ટકા, નિફ્ટી પીએસઈ 1.51 ટકા, હેલ્થકૅર 1.25 ટકા, ફાર્મા 1.15 ટકા અને નિફ્ટી એનર્જી 0.91 ટકાના પ્રમાણમાં સુધર્યા હતા.

નિફ્ટીના 29 (41) શૅર વધ્યા અને 20 (9) ઘટ્યા હતા. એકમાત્ર ટેક મહ‌િન્દ્ર 1607 (1606.95) યથાવત્ રહ્યો હતો. નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 32 (29), નિફ્ટી બૅન્કના 12માંથી 6 (10), નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસના 20માંથી 9 (16) અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 18 (13) શૅરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 16 (28) અને બૅન્કેક્સના 10માંથી 6 (8) શૅર વધ્યા હતા. એનએસઈના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2895 (2866) ટ્રેડેડ શૅરોમાંથી 1420 (1200) વધ્યા, 1391 (1589) ઘટ્યા અને 84 (67) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઈ 164 (127) શૅરોએ અને નવા લો 41 (44) શૅરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કિટે 105 (87) તો નીચલી સર્કિટે 63 (88) શૅર ગયા હતા.

શુગર શૅરોની મીઠાશ વધી

સરકાર ઇથેનૉલ અને ખાંડના ભાવ વધારવા વિચારી રહી હોવાના સમાચારે અવધ શુગર સાડાચાર ટકા વધી 801 રૂપિયા, બલરામપુર ચીની અને બજાજ હિન્દુસ્તાન બન્ને સાડાછ ટકા સુધરી અનુક્રમે 653 રૂપિયા અને 42, ઈઆઇડી પૅરી અઢી ટકા વધી 847 રૂપિયા, દ્વારિકેશ શુગર પોણાપાંચ ટકા સુધરી 77 રૂપિયા, કેસીપી શુગર પાંચ ટકા વધી 56 રૂપિયા, શ્રી રેણુકા શુગર ૧૦ ટકા ઊછળી 53 રૂપિયા, ઉત્તમ શુગર સાડાત્રણ ટકાના ગેઇને 361.50 અને રાજશ્રી શુગર 3 ટકા વધીને 75 રૂપિયા બંધ હતો.તાતા પાવરને મૉર્ગન સ્ટૅન્લીએ ડબલ અપગ્રેડ કરવાના પગલે ભાવ પોણાબે ટકા વધી 484 રૂપિયા થયો હતો. બંધ ભાવથી ૧૦ રૂપિયા ઉપર નવો ફિફ્ટી ટૂ વીક હાઈ પણ ઇન્ટ્રાડેમાં બનાવ્યો હતો.વેસ્ટલાઇફ ફૂડ સવાછ ટકા સુધરી 930 રૂપિયા બંધ હતો. ગોલ્ડમૅન સાક્સે બાય તરીકે અપગ્રેડ કરતાં આ સુધારો જોવા મળ્યો હતો. એસજેવીએન સાડાપાંચ ટકાના ગેઇને 133 રૂપિયા બંધ હતો. મહારાષ્ટ્ર સરકાર સાથે 48 હજાર કરોડ રૂપિયાના રોકાણ માટેના એમઓયુ થયાની ખબર હતી. સિક્વન્ટ સાયન્ટિફિક સાડાબાર ટકા ઊછળી 215 રૂપિયા બંધ રહ્યો હતો. કંપનીએ વિયાશ લાઇફ સાયન્સ સાથેના વ્યૂહાત્મક જોડાણ દ્વારા વૈશ્વિક ઍનિમલ હેલ્થ લીડર બનવા વિશેનું ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન બીએસઈને મોકલાવ્યું હતું. નુવામા વેલ્થમાંનો અંદાજે 14 ટકા સ્ટેક કંપનીએ વેચ્યાના સમાચારે એડલવાઇસ સવાત્રણ ટકા સુધરી 140 રૂપિયા બંધ હતો.

શૅર સર્વેલન્સ હેઠળ તો પણ મોટા-મોટા ઉછાળા

સમીક્ષા હેઠળના સપ્તાહમાં સુધરવાની રેસમાં ટૉપ પર રહેલા મોટા ભાગના શૅરો સર્વેલન્સ હેઠળના હતા. 
1. એચસીએલ ઇન્ફોસિસ્ટમ સાપ્તાહિક 30 ટકાના ગેઇન સાથે 22.70 રૂપિયા બંધ રહ્યો હતો.
2. અનિલ અંબાણી જૂથનો રિલાયન્સ પાવર દેવું ઘટાડવાના સાનુકૂળ સમાચારે એક વીકમાં 27.54 ટકા ઊછળી 46.36 રૂપિયા બંધ હતો.
3. મેક્‍લૉઇડ રસેલ 16.62 ટકા પ્લસ, 29.96 રૂપિયા બંધ રહ્યો હતો.
4. વેદાન્તા 13.94 ટકા સાપ્તાહિક વધારાએ 512.85 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો.
5. યુનિટેક 12.85 ટકા સુધરી 12.38 રૂપિયા રહ્યો હતો.
આ કંપનીઓના શૅર સર્વેલન્સ હેઠળ અથવા છેલ્લાં ૮ ક્વૉર્ટરમાં પ્રૉફિટ નહીં પણ લૉસ કરનાર કંપનીના કે પ્રમોટરોના 50 ટકાથી વધુ શૅરો ગીરવી રખાયા હોય એવા છે. 

business news nifty sensex share market stock market national stock exchange bombay stock exchange indian government