નિફ્ટી નવી ઊંચાઈએ, આ સપ્તાહે 26,000 ક્રૉસ કરવા કટિબદ્ધ

24 September, 2024 07:37 AM IST  |  Mumbai | Kanu J Dave

ગ્લૅનમાર્કને યુએસએફડીએની ક્લીન ચિટ, ચીને અર્થતંત્ર બચાવવા રેપો-રેટ ઘટાડ્યો, મોબીક્વિકના આઇપીઓને સેબીની લીલી ઝંડી, ડિસેમ્બર સુધીમાં એચડીએફસી બૅન્ક ગ્રુપનો એક આઇપીઓ સંભવ

પ્રતીકાત્મક તસવીર

બજાર એવા તેજીના મૂડમાં આવી ગયું છે કે સોમવારે સેન્સેક્સ 84,544.31ના શુક્રવારના બંધ સામે 84,651.15 ખૂલી 84,607.38નું લો બપોરે 12 આસપાસ બનાવી છેલ્લા અડધા કલાકમાં 84,980.53નો નવો વિક્રમ નોંધાવી અંતે 84,928.61 બંધ રહ્યો હતો. બે દિવસમાં સેન્સેક્સ બે ટકા વધી ગયો છે. નિફ્ટી પણ 25,956નો નવો વિક્રમી હાઈ દેખાડી 25,939.05 બંધ રહ્યો હતો. મિડકૅપ, સ્મૉલકૅપમાં સારો સુધારો સપ્તાહના પહેલા દિવસે જોવા મળ્યો હતો. બૅન્ક નિફ્ટી 53,793.20ના પુરોગામી બંધ સામે 53,917.90 ખૂલી 53,741.40નું બૉટમ બનાવી ઉછાળામાં છેલ્લા કલાકમાં 54,197.95નો નવો ઐતિહાસિક હાઈ બનાવી અંતે 312.60 પૉઇન્ટ્સ, 0.58 ટકા વધી 54,105.80 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે બૅન્કેક્સે પણ 61,451.83નું નવું શિખર સર કરી 0.65 ટકાના ગેઇને 61,349.41 બંધ આપ્યું હતું. નિફ્ટી બૅન્કે સોમવારે બાવન સપ્તાહનો નવો હાઈ બનાવ્યો એની સાથે-સાથે એના પ્રતિનિધિ શૅરોમાંથી કોટક મહિન્દ્ર બૅન્કે 1942 રૂપિયાનો નવો હાઈ બનાવ્યો હતો. પૂર્વે કોટક મહિન્દ્ર બૅન્ક માત્ર 20 પૈસાના ડિફરન્સે આ રેકૉર્ડ સ્થાપી ન શકી એની કસર નવા સપ્તાહના પહેલા દિવસે જ નીકળી ગઈ હતી. નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 163.90 પૉઇન્ટ્સ, 0.66 ટકા સુધરી 24,953.10 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સે પણ 24,994.25નો નવો હાઈ ઇન્ટ્રા-ડેમાં કર્યો હતો. નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 88.10 પૉઇન્ટ્સ, 0.67 ટકા વધી 13,200.60 તો  નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 1225.65 પૉઇન્ટ્સ, 1.62 ટકાના ગેઇને 76,707.50ના સ્તરે વિરમ્યા હતા. નિફટી નેક્સ્ટ 50ના અદાણી ટોટલ ગૅસમાં 5.20 ટકા, કૅનેરા બૅન્કમાં 4.20 ટકા, ગેઇલમાં 4.10 ટકા, યુનાઇટેડ સ્પિરિટ્સમાં 3.93 ટકા અને બૅન્ક ઑફ બરોડામાં 3.67 ટકાનો સુધારો થતાં ભાવ અનુક્રમે 829, 109, 221, 1636 અને 244 રૂપિયા રહ્યા હતા. યુએસ ફેડરલ રિઝર્વે અડધા ટકાના પ્રમાણમાં વ્યાજ ઘટાડ્યા પછી એફઆઇઆઇનો રોકાણપ્રવાહ ભારત તરફ વહેવા લાગ્યો છે. જોકે શુક્રવારે અમેરિકન માર્કેટમાં નૅસ્ડૅકના નબળા ક્લોઝિંગને પગલે એનએસઈનો આઇટી ઇન્ડેક્સ અડધા ટકાની નરમાઈએ 41,987.45 બંધ આવ્યો હતો. ચીને એના મંદ પડતા અર્થતંત્રને સુધારવાના આશયે રેપો-રેટ 10 બેસિસ પૉઇન્ટ્સ ઘટાડી 1.85 ટકા કર્યો હતો. વોડાફોન આઇડિયાએ નોકિયા, એરિક્સન અને સૅમસંગ સાથે 3 વર્ષ માટે નેટવર્ક ઇક્વિપમેન્ટ્સ સપ્લાય મેળવવાનો 3000 કરોડ રૂપિયાનો સોદો કર્યો હોવાના સમાચારે વોડાફોન આઇડિયા 3.72 ટકા વધી 10.86 અને ઇન્ડસ ટાવર 3.80 ટકાના ગેઇને 403 રૂપિયા બંધ રહ્યા હતા.

નિફ્ટી અડધો ટકો વધ્યો એમાં ટૉપ ગેઇનર બજાજ ઑટો 436.85 રૂપિયા, 3.66 ટકા વધી 12,378.55 રૂપિયા થઈ ગયો હતો. 12,380નો 52 સપ્તાહનો નવો હાઈ પણ જોવા મળ્યો હતો. આ સપ્તાહે સપ્ટેમ્બર વાયદો પૂરો થશે એને અનુલક્ષીને આ કરન્ટ જોવા મળતો હતો. આ સપ્તાહે જ નિફ્ટી 26,000 થવાની પૂરી શક્યતા છે. સેકન્ડ ગેઇનર મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર 3056.90ની વિક્રમી ટોચે જઈ આવી વધુ સવાત્રણ ટકાના સુધારાએ 3047 રૂપિયા બંધ રહ્યો હતો. ઓએનજીસી 8.75 રૂપિયા, 3.06 ટકાના ગેઇને 295 બંધ થયો હતો. શનિવારે કંપનીએ એક્સચેન્જને જાણ કરી હતી કે એણે અઝરબૈજાનના ઑઇલ ફીલ્ડ્સ માટે ત્યાંની રાજ્ય માલિકીની કંપની તથા અન્ય કંપનીઓ સાથે પ્રોડક્શન શૅરિંગ ઍગ્રીમેન્ટમાં વધુ અડેન્ડમ દાખલ કર્યા છે. હીરો મોટોકૉર્પ પણ અંદાજે 3 ટકા વધી 6190 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો. પાંચમા નિફ્ટી ગેઇનર એસબીઆઇ લાઇફે 2.66 ટકા વધી 1920 રૂપિયા ક્લોઝિંગ આપ્યું હતું. નિફ્ટીમાં ઘટવામાં આઇશર મોટર 1.64 ટકા ઘટી 4882, સવા ટકો ઘટી આઇસીઆઇસીઆઇ બૅન્ક 1322, ડિવીઝ લૅબ 1.19 ટકાના લોસે 5386, વિપ્રો 1.13 ટકા ઘટી 533 અને ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક એક ટકો ઘટી 1465.25 રૂપિયાના સ્તરે બંધ હતા. નિફ્ટીના 34 (44) શૅર વધ્યા અને 16 (6)  ઘટ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 39 (46), નિફ્ટી બૅન્કના 12માંથી 10 (5), નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસના 20માંથી 19 (15) અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 16 (14) શૅરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 19 (26) અને બૅન્કેક્સના 10માંથી 7 (6) શૅરો વધ્યા હતા.  એનએસઈના 77માંથી 70 ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. એમાં સૌથી વધુ 3.41 ટકા સુધરી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ 6853.80 રહ્યો હતો. સુધારામાં એ પછીના ક્રમે રિયલ્ટી ઇન્ડેક્સ 2.23ના ગેઇન સાથે 1126.15 બંધ હતો. એનએસઈના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2907 (2848) ટ્રેડેડ શૅરોમાંથી 1768 (1853) વધ્યા, 1066 (924) ઘટ્યા અને 73 (71) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઈ 176 (122) શૅરોએ અને નવા લો 38 (37) શૅરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કિટે 155 (114) તો નીચલી સર્કિટે 67 (63) શૅરો ગયા હતા.

સેબીનો નવો ચોંકાવનારો અહેવાલ-  F&Oમાં 10માંથી 9 ટ્રેડર્સ ભારે નુકસાન કરે છે

સેબીના એક લેટેસ્ટ ઍનૅલિસિસમાં બહાર આવ્યું છે કે ઇક્વિટી ફ્યુચર્સ અને ઑપ્શન્સ (F&O)માં કામ કરતા 10માંથી 9 વ્યક્તિગત ટ્રેડર્સે ભારે નુકસાન વેઠ્યું છે. 3 વર્ષમાં આવા રીટેલ ટ્રેડરોએ કુલ મળીને 1.8 લાખ કરોડ રૂપિયાની રકમ ગુમાવી હોવા છતાં તેમણે સટ્ટાબાજી છોડી નથી. ઍનૅલિસિસમાં જાણવા મળ્યું કે નાણાકીય વર્ષ 2022થી 2024નાં 3 વર્ષમાં એક કરોડ વ્યક્તિગત ટ્રેડર્સમાંથી 93 ટકાએ સરેરાશ બે લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે જેમાં ટ્રાન્ઝૅક્શન કોસ્ટનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે લોસ કરનારા ટૉપ સાડાત્રણ ટકા એટલે કે 4 લાખ ટ્રેડર્સે સરેરાશ 28 લાખ રૂપિયા ટ્રાન્ઝૅક્શન કોસ્ટ ચૂકવ્યા પછી ગુમાવ્યા છે.

સંસ્થાકીય નેટ લેવાલી

સોમવારે એફઆઇઆઇએ 404.42 કરોડ રૂપિયાની નેટ લેવાલી અને ડીઆઇઆઇએ પણ 1022.64 કરોડ રૂપિયાની નેટ લેવાલી કરી એથી એકંદરે 1427.06 કરોડ રૂપિયાની નેટ લેવાલી કૅશ સેગમેન્ટમાં જોવા મળી હતી.  બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન વધી 476.04 (471.72) લાખ કરોડ રૂપિયા થયું હતું.  

એચડીએફસી બૅન્કની એચડીબી ફાઇનૅન્શિયલનો આઇપીઓ

એચડીએફસી બૅન્કની સબસિડિયરી એચડીબી ફાઇનૅન્શિયલ સર્વિસિસનો 2500 કરોડ રૂપિયાનો જંગી આઇપીઓ વિવિધ મંજૂરીઓ મળ્યા પછી આ નાણાકીય વર્ષમાં, સંભવતઃ ડિસેમ્બર સુધીમાં લાવવાનો ઇરાદો કંપનીએ વ્યક્ત કર્યો છે. આ સબસિડિયરીમાં એચડીએફસી બૅન્કનો સ્ટેક 94.64 ટકા છે, એ ઘટાડીને કાયદાકીય મર્યાદામાં લાવવા અને આરબીઆઇની માર્ગદર્શિકા મુજબ કંપનીનું ફરજિયાત લિસ્ટિંગ કરાવવાના આશયથી આ આઇપીઓ સાથે શૅરહોલ્ડરો તરફથી ઑફર ફૉર સેલ પણ કરવામાં આવશે.

પેમેન્ટ પ્લૅટફૉર્મ મોબીક્વિકને 700 કરોડ રૂપિયાના આઇપીઓ માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. બે રૂપિયાની ફેસસૅલ્યુના શૅરોનો આ આઇપીઓ પૂરેપૂરો ફ્રેશ ઇશ્યુ હશે એમાં કોઈ જ ઑફર ફૉર સેલ નહીં હોય. ગ્લૅનમાર્ક ફાર્માના છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ) ખાતેના ફૉર્મ્યુલેશન્સના એકમને યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (એફડીએ) તરફથી થયેલી તપાસ પૂર્ણ થયાના સમાચારે શૅરનો ભાવ સાડાચાર ટકા વધી 1707 રૂપિયા થઈ ગયો હતો.

અંબર એન્ટરપ્રાઇસીસ જેફરીઝના સાનુકૂળ રિપોર્ટે 13 ટકાના જમ્પે 4924 રૂપિયા થઈ ગયો હતો. આ બ્રોકરેજે ખરીદોનું રેટિંગ ચાલુ રાખી 5200 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. સોમવારે વધીને 5187.95 રૂપિયાના નવા હાઈએ તો શૅર જઈ આવ્યો છે.

સ્પૉટમાં સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ જવાના કારણે કલ્યાણ જ્વેલર્સ સાડાપાંચ ટકા વધી 770 રૂપિયા થતાં કંપની અને રોકાણકારોને જાણે કેબીસીમાં અપાતા કલ્યાણ ભવઃ જેવા આશીર્વાદ ફળ્યા છે.

નૉન-બૅન્કિંગ માઇક્રો ફાઇનૅન્સ કંપની ફ્યુઝન 10 ટકાની નીચલી સર્કિટે 275.90 રૂપિયા રહ્યો હતો. કંપનીએ અપેક્ષિત વધુ ક્રેડિટ લોસ માટેની જોગવાઈ બીજા ત્રિમાસિકમાં કરી એ જોઈને વેચવાલી આવી હતી. 

business news share market stock market national stock exchange bombay stock exchange