27 September, 2024 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુરુવારે નિફ્ટીએ 26216.05 બંધ આપીને યક્ષપ્રશ્નનો જવાબ આપી દીધો છે. 26250.90નો નવો રેકૉર્ડ હાઈ બનાવી ક્લોઝ પણ 26200 પર આપી નિફ્ટીએ 211.90 પૉઇન્ટ્સ, 0.81 ટકાનો દૈનિક વધારો નોંધાવ્યો હતો. સેન્સેક્સ પણ 85,930.43નો રેકૉર્ડ હાઈ બનાવી 85836.12ના સ્તરે 666.25, 0.78 ટકા વધીને બંધ રહ્યો હતો. છેલ્લા કલાકના ઉછાળામાં નિફ્ટી અને સેન્સેક્સે સેટલમેન્ટ દિવસનો રંગ દેખાડ્યો હતો. સપ્ટેમ્બર વલણમાં નિફ્ટી 1064 પૉઇન્ટ્સ, 4.23 ટકા વધ્યો હતો. સપ્ટેમ્બરના આ સુધારાને પગલે ઑક્ટોબરમાં ટ્રેન્ડ કેવો રહેશે એવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. એનો વનલાઇનર જવાબ છે - સપ્ટેમ્બર ત્રિમાસિકનાં કંપની-પરિણામો અને એના ઍનૅલિસિસ પરથી ફન્ડામેન્ટલ ઍનલિસ્ટો કેવું તારણ કાઢે છે એ બાબત પર ટ્રેન્ડ નિર્ભર રહેશે.
સેન્સેક્સ 666 પૉઇન્ટ વધીને 85836, નિફ્ટી ફિફ્ટી 212 પૉઇન્ટ સુધરીને 26216 અને નિફ્ટી બૅન્ક 274 પૉઇન્ટના ગેઇને 54375 બંધ હતા. નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 167.70, 0.67 ટકાના ગેઇને 25155.45 તો નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી પોણો ટકો સુધરીને 569.55 પૉઇન્ટ્સ વધીને 77086.95ના સ્તરે વિરમ્યા હતા. જોકે નિફ્ટી મિડકૅપ સિલેક્ટ એકાદ પૉઇન્ટની મામૂલી નરમાઈએ 13258.60 બંધ હતો. એનએસઈના 77માંથી 62 ઇન્ડેક્સ પ્લસમાં વિરમ્યા એમાં નિફ્ટી ઑટોએ 27526.35નો નવો ઑલટાઇમ હાઈ બનાવી 27496 અને મેટલ ઇન્ડેક્સમાં વધુ 2.13 ટકાનો સુધારો જોવા મળતાં એ 9985ના સ્તરે બંધ હતો. ચીને અર્થતંત્રને પુનઃ ધમધમતું કરવા કરેલી જાહેરાતે આંતરરાષ્ટ્રીય રોકાણકારોના વિશ્વાસમાં ઘણો વધારો કર્યો છે, પરિણામે વૈશ્વિક બજારોમાં, ખાસ કરીને એશિયન ઇન્ડેક્સોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ઉપરાંત યુએસના આર્થિક ડેટાને લઈને પણ બજાર આશાવાદી દૃષ્ટિકોણ ધરાવે છે. ઘરઆંગણે વધુ વિકાસલક્ષી સરકારી માળખાકીય ખર્ચને કારણે નાણાકીય વર્ષ 2025ના સેકન્ડ હાફમાં કૉર્પોરેટ કમાણીમાં મજબૂત રિકવરીની આશા ઍનલિસ્ટો રાખે છે. હમણાં જોકે રૅલીનું નેતૃત્વ લાર્જ-કૅપ શૅરો કરે છે, કેમ કે મિડ અને સ્મૉલ કૅપ્સમાં ઑલરેડી સારી એવી ઊંચાઈ જોવાઈ ગઈ હોવાથી તુલનાએ લાર્જ કૅપ્સ વધુ વાજબી મૂલ્ય ધરાવે છે. ઑટો સ્ટૉક્સમાં આ મહિનાના મન્થ્લી સેલ્સ ડેટા આવતા સપ્તાહે જાહેર થાય એ પૂર્વે જ મારુતિ સાડાચાર ટકા સુધરીને 13359 રૂપિયા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર 2.52 ટકા વધી 3169 રૂપિયા અને તાતા મોટર્સે ઇવી ઉત્પાદન યોજના માટે JLRના 50 કરોડ પાઉન્ડના રોકાણની યોજના જાહેર કરવાને કારણે 2.83 ટકા સુધરી 991 રૂપિયા બંધ હતો. જોકે યુબીએસના સેલ કૉલના પગલે હીરોમોટો એક ટકો ઘટીને 6039 રૂપિયા બંધ રહ્યો હતો. ટૉપ નિફ્ટી ગેઇનર્સમાં ગ્રાસિમ સવાત્રણ ટકા સુધરી 2747 અને શ્રીરામ ફાઇનૅન્સ પોણાત્રણ ટકાના ગેઇને 3622 રૂપિયા રહ્યા હતા. બજાજ ફિનસર્વે 1988.25 રૂપિયાની નવી ઊંચાઈ દેખાડી અઢી ટકા સુધરી 1978 બંધ આપ્યું હતું. L&Tનો શૅર HSBCના ડાઉનગ્રેડને કારણે અને ટાર્ગેટ ભાવ તેમણે ઘટાડીને 3500 આપ્યો હોવાથી 0.89 ટકા ઘટી ગુરુવારે નિફ્ટી લૂઝર્સના લિસ્ટમાં આવી 3760 રૂપિયા બંધ આપ્યું હતું. નિફ્ટીમાં આજથી ટ્રેન્ટ અને ભારત ઇલેક્ટ્રૉનિક્સનો સમાવેશ થશે તો સામે ડિવીઝ લૅબ અને એલટીઆઇ માઇન્ડ ટ્રી નિફ્ટીમાંથી વિદાય લેશે. જોકે આ બેઉ શૅર હવે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીમાં આવી જશે. Citiની પૉઝિટિવ બ્રોકરેજ નોટને લીધે ટ્રેન્ટ ૩ ટકા વધી 7840 રૂપિયા બંધ રહ્યો હતો. તાતા જૂથની આ કંપની બીએસઈ અને એનએસઈમાં સર્વેલન્સ હેઠળ છે.
બજાર નવી હાઈ બનાવતું જાય અને લોઅર ટૉપ પણ ન બનાવ્યું હોય ત્યારે ડરના માર્યા ઊંચા લેવલે પાર્શિયલ પ્રૉફિટ બુકિંગની સલાહ સામે સવાલિયા નિશાન મુકાયાં છે. બુધવારે આ કૉલમમાં જણાવ્યા અનુસાર એફઍન્ડઓ ડેટા મુજબ નિફ્ટી માટે 26200 રેઝિસ્ટન્સ લેવલ અને 25800 સપોર્ટ લેવલ હતાં. નિફ્ટીએ એ રઝિસ્ટન્સ લેવલ આસપાસ જ હવાલો આપી એફઍન્ડઓ ડેટાની વિશ્વસનીયતા વધારી છે. એચડીએફસી બૅન્કે દશેરાના દિવસે જ ઘોડો ન દોડે એમ એના બાવન સપ્તાહના 1794ના હાઈ તરફ દોડવાને બદલે ૪ રૂપિયા સુધરી 1783 બંધ
આપ્યું હતું.
નિફ્ટીના 41 (30) શૅર વધ્યા અને 9 (20) ઘટ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 29 (12), નિફ્ટી બૅન્કના 12માંથી 10 (4), નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસના 20માંથી 16 (9) અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 13 (9) શૅર સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 28 (20) અને બૅન્કેક્સના 10માંથી 8 (4) શૅર વધ્યા હતા. એનએસઈના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2866 (2877) ટ્રેડેડ શૅરોમાંથી 1200 (1198) વધ્યા, 1589 (1596) ઘટ્યા અને 67 (83) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઈ 127 (135) શૅરોએ અને નવા લો 44 (34) શૅરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કિટે 87 (101), તો નીચલી સર્કિટે 88 (76) શૅર ગયા હતા.
હવાલાના દિવસે FII+DIIની નેટ લેવાલી
ગુરુવારે એફઆઇઆઇની 629.96 કરોડ રૂપિયાની નેટ લેવાલી અને ડીઆઇઆઇની પણ 2405.12 કરોડ રૂપિયાની નેટ લેવાલી રહેતાં ટોટલ 3035.08 કરોડ રૂપિયાની નેટ લેવાલી કૅશ સેગમેન્ટમાં જોવા મળી હતી. બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 477.16 (475.25) લાખ કરોડ રૂપિયાના સ્તરે હતું.