09 February, 2023 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બેન્કે બુધવારે નીચા આયાતી ફુગાવાના અનુમાનને આધારે આગામી નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવો ૬.૫ ટકાથી ઘટીને ૫.૩ ટકા થવાનો અંદાજ મૂક્યો હતો, એમ છતાં કોર ફુગાવો મજબૂત રહેશે.
શાકભાજીના ભાવમાં અપેક્ષિત કરતાં વધુ ઘટાડા અને ક્રૂડના ભારતીય બાસ્કેટ પ્રતિ બેરલ ૯૫ ડૉલર હોવાને કારણે ચાલુ નાણાકીય વર્ષ માટે આરબીઆઇનો ફુગાવાનો અંદાજ અગાઉના અંદાજિત ૬.૮ ટકાથી ઘટીને ૬.૫ ટકા રહ્યો છે.
આગળ જોતાં, જ્યારે ફુગાવો ૨૦૨૩-૨૪માં સાધારણ રહેવાની ધારણા છે, એ ચાર ટકાના લક્ષ્યથી ઉપર શાસન કરે એવી શક્યતા છે. ભૌગોલિક-રાજકીય તણાવ, વૈશ્વિક નાણાકીય બજારની અસ્થિરતા, નૉન-ઑઇલ કૉમોડિટીના વધતા ભાવ અને સતત અનિશ્ચિતતાઓને કારણે આ દૃષ્ટિકોણ વાદળછાયું છે. એ જ સમયે ભારતમાં આર્થિક પ્રવૃત્તિ સારી રીતે ચાલવાની અપેક્ષા છે, એમ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું.
વૈશ્વિક નાણાકીય કડક નીતિની અસર ગ્રોથ પર જોવા મળશે
આરબીઆઇએ મંગળવારે ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક નાણાકીય સ્થિતિ કડક થવાના જોખમને ટાંકીને ભારતની આર્થિક વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષમાં ૭ ટકાથી ઘટીને આગામી વર્ષે ૬.૪ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આરબીઆઇનો આંતરિક સર્વે કહે છે કે મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપનીઓ બિઝનેસ આઉટલૂક માટે આશાવાદી છે.
જોકે લાંબા સમય સુધી ભૌગોલિક-રાજકીય તણાવ, વૈશ્વિક નાણાકીય પરિસ્થિતિમાં કઠોરતા અને બાહ્ય માગણીઓ સ્થાનિક દૃષ્ટિકોણ માટેનાં જોખમો તરીકે ચાલુ રહે છે, એમ તેમણે નોંધ્યું હતું.
આગામી નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ ૬.૪ ટકા રહેવાનો અંદાજ છે. આગામી વર્ષમાં જૂન અને સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં જીડીપીનો ગ્રોથ અનુક્રમે ૭.૮ ટકા અને ૬.૨ ટકા રહેવાનો અંદાજ છે. ડિસેમ્બર અને માર્ચ ક્વૉર્ટરમાં ૬ ટકા અને ૫.૮ ટકા રહેવાનો અંદાજ છે.
બીએસઈના ૨૦૨૨૨ના ૩૧ ડિસેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કુલ એકત્રિત (કન્સોલિડેટેડ) આવક આગલા વર્ષના સમાન ગાળાના ૨૧૮.૬ કરોડથી એક-બે ટકા વધીને ૨૪૫ કરોડ રૂપિયા થઈ છે. કાર્યકારી આવક ૧૯૨.૮ કરોડથી ૬ ટકા વધીને ૨૦૪ કરોડ રૂપિયા થઈ છે.
વ્યાજ, ઘસારા અને વેરા પૂર્વેની કન્સોલિડેટેડ આવક ઉક્ત સમયગાળાના અંતે આગલા વર્ષના સમાન ગાળાના ૮૩.૫ કરોડથી ચાર ટકા ઘટીને ૮૦ કરોડ રૂપિયા થઈ છે. ૩૧ ડિસેમ્બર અંતના ત્રિમાસિક ગાળાના અંતે વહેંચણીપાત્ર ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના ૬૧.૭ કરોડથી ૧૬ ટકા ઘટીને ૫૧.૬૫ કરોડ રૂપિયા થયો છે.
બીએસઈના બોર્ડે નિયામક ધોરણના પાલન અર્થે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (સીડીએસએલ)માંથી ૨.૫ ટકા હિસ્સાના ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી છે.