10 June, 2024 09:15 AM IST | Mumbai | Mayur Mehta
ગઈ કાલે સવારે વડા પ્રધાને નવી કૅબિનેટના સાથીઓ સાથે ‘ચાય પે ચર્ચા’ કરી હતી
સમગ્ર વિશ્વને હાલ દઝાડતી ગરમીએ ત્રાહિમામ્ પોકારાવી દીધું છે. વિશ્વના ઠંડા દેશોમાં ગરમીનો પારો વિક્રમી ઊંચાઈએ પહોંચતાં સામાન્ય લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ કરતી અલ નીનો સિસ્ટમ હજી પૂરી થઈ છે ત્યારે ભારે વરસાદ અને અતિવૃષ્ટિ લાવતી લા નીનો સિસ્ટમ દસ્તક દઈ રહી છે. સમગ્ર દુનિયા દુકાળની દોઝખભરી જિંદગીની પરેશાની હજી ભૂલી નથી ત્યાં ભારે વરસાદ, નદી-નાળાં છલકાઈ જવાં અને અત્ર-તત્ર-સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સામે દેખાવા લાગી છે. આટલેથી હજી પૂરું થતું નથી. ગ્લોબલ વૉર્મિંગની અસર આમ પ્રજાના અસ્તિત્વને પડકાર આપી રહી છે ત્યારે દુનિયાના દરેક ખંડમાં યુદ્ધનો માહોલ દિવસે-દિવસે વકરી રહ્યો છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ બે વર્ષ અને ત્રણ મહિનાથી ચાલી રહ્યું હોવા છતાં પૂરું થવાનું દૂર-દૂર સુધી ક્યાંય દેખાતું નથી. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને બરાબર નવ મહિના પૂરા થયા છે ત્યારે બન્ને પક્ષે હજી પણ એકબીજાના અસ્તિત્વને મિટાવી દેવાનું ઝનૂન બરકરાર છે. વિશ્વની આવી અતિ વ્યાકુળ સ્થિતિ વચ્ચે ભારતમાં નરેન્દ્ર મોદી સરકારે ત્રીજી વખત સત્તા ગ્રહણ કરી છે. ચૂંટણીમાં ધારણા કરતાં બહુ જ નબળો દેખાવ કરનાર મોદી સરકાર સામે સત્તાનાં સૂત્રોના અધિગ્રહણથી જ મોંઘવારીને કાબૂમાં લેવાનો મોટો પડકાર વિકરાળ મોં ફાડીને ઊભો છે. કુદરતની કઠોર કસોટી અને કાળા માથાના માનવીની પાશવી લડાઈથી આમપ્રજાને મોંઘવારીથી બચાવવાનો મોટો પડકાર મોદી સરકારની ત્રીજી ટર્મમાં પડકારજનક રહેશે એ નક્કી છે.
ગ્લોબલ વૉર્મિંગ, અલ નીનો, લા નીનો
હીટવેવથી આખું જગત પરેશાન છે ત્યારે એને કારણે રશિયા-યુક્રેનમાં સૂર્યમુખી બિયાં, સોયાબીન, ઘઉં, મકાઈ વગેરેના પાક પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં મે મહિનામાં જબરદસ્ત ગરમી પડતાં કપાસના પાકને મોટું નુકસાન થયું છે. અલ નીનોના છેલ્લા તબક્કાની અસરે બ્રાઝિલના રિઓ ગ્રૅન્ડે ડો-સિઓલમાં મે મહિનાના આરંભે પડેલા ભારે વરસાદના કારણે ૩૦થી ૪૦ લાખ ટન સોયાબીનના પાકનું નિકંદન નીકળી ગયું હતું. ભારતમાં હીટવેવની તકલીફને કારણે ગુજરાત સહિત જે રાજ્યોમાં ઉનાળુ પાકોનું વાવેતર થાય છે એ તમામ પાકને પણ મોટું નુકસાન થયું છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હીટવેવ અને પાણીની ઓછી ઉપલબ્ધિને કારણે કપાસનું વાવેતર ગયા વર્ષથી ૨૦થી ૨૫ ટકા ઘટ્યું છે. આગામી જુલાઈ-ઑગસ્ટથી સમગ્ર વિશ્વમાં લા નીનો સિસ્ટમ વધુ તીવ્રતાથી આગળ વધશે. અગાઉ જ્યારે પણ લા નીનો સિસ્ટમ ઊભી થઈ હતી ત્યારે ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કૅનેડા વગેરે દેશોમાં ભારે વરસાદની સ્થિતિ અને બ્રાઝિલ-આર્જેન્ટિના, રશિયા, યુક્રેન વગેરે દેશોમાં ઓછા વરસાદની સ્થિતિ ઊભી થાય છે. અલ નીનો અને લા નીનોની સ્થિતિને કારણે કૃષિ પાકોના ઉત્પાદનમાં છેલ્લાં અનેક વર્ષોથી દર એક-બે વર્ષે મોટો ઘટાડો જોવા મળે છે. અમેરિકા, કૅનેડા, યુરોપિયન દેશોમાં ભારે ગરમીને કારણે ઍર-કન્ડિશનરનો વપરાશ એકાએક વધતાં નૅચરલ ગૅસના ભાવ છેલ્લા દોઢ મહિનાથી સતત વધી રહ્યા છે. અમેરિકાનો નૅચરલ ગૅસ વાયદો એક તબક્કે ઘટીને પ્રતિ એક અબજ ક્યુબિક ફીટ ૧.૫૪ ડૉલર થયો હતો એ હાલ વધીને ૨.૯૦ ડૉલર થયો છે.
ઈંધણ-ગૅસના ભાવ પર યુદ્ધની અસર
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૨૭ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા બે મહિનાથી યુક્રેને હવે રશિયાની ક્રૂડ રિફાઇનરીઓ પર હુમલા કરવાનું ચાલુ કરતાં રશિયા દ્વારા ક્રૂડ તેલની સપ્લાય અટકી રહી છે. ઇઝરાયલ અને પૅલેસ્ટીનના આતંકવાદી ગ્રુપ હમાસ વચ્ચે છેલ્લા નવ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વનાં ઇસ્લામિક આતંકવાદી સંગઠનોમાં આક્રોશ દિવસે-દિવસે વધી રહ્યો હોવાથી ઈંધણની સપ્લાયથી માંડીને અવરજવર અટકાવવામાં આવી રહી છે. લાલ સમુદ્ર એરિયામાં યમનના હૂતી આતંકવાદીઓ દ્વારા યુરોપ અને એશિયા વચ્ચે ક્રૂડ તેલ સહિત તમામ ચીજવસ્તુઓની અવરજવર અટકાવી દેવામાં આવી છે જેને કારણે સ્ટીમરનાં ભાડાં બેથી પાંચગણા વધી ગયાં છે. ક્રૂડ તેલની અવરજવર અટકી જતાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાનું નામ લેતા નથી. ડીઝલના ભાવ ઊંચા હોવાથી દરેક ચીજોની અવરજવર મોંઘી બની છે જેને કારણે મોંઘવારીને કાબૂમાં લેવાનું કામ કઠિન બની રહ્યું છે.
આમ પ્રજાને મોંઘવારીની પીડા
તાજેતરમાં પૂરી થયેલી લોકસભાની ચૂંટણીમાં અન્ય મુદ્દા સહિત મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો વધારે ચર્ચામાં રહ્યો હતો. નરેન્દ્ર મોદીના ‘૪૦૦ પાર’ના નારાના ફિયાસ્કોમાં વધી રહેલી મોંઘવારીની પણ મોટી અસર જોવા મળી છે. મોંઘવારીની પીડા ગ્લોબલ વૉર્મિંગની અસરના વધારાની સાથે વધી રહી છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષનાં લેખાંજોખાં જોઈએ તો ખાદ્ય તેલોના ભાવ કિલોના ૧૦૦ રૂપિયાને પાર કરીને ૧૫૦ રૂપિયા સુધી બોલાવા લાગ્યા હતા. ત્યાર બાદ ખાદ્ય તેલોના ભાવમાં કોઈ મોટો ઘટાડો થયો નથી. છેલ્લા ચાર મહિનાથી તમામ દાળ-કઠોળના ભાવ આસમાની ઊંચાઈ તરફ જઈ રહ્યા છે. ચૂંટણી પહેલાં ચણાના ભાવને કાબૂમાં લેવા સરકારે આયાતછૂટ આપીને વેપારીઓ પર અનેક નિયંત્રણો લાદી દીધાં હોવા છતાં ચણાના ભાવ અત્યારે પણ સતત વધી રહ્યા છે. તુવેરના ભાવ એની સર્વોત્તમ ઊંચાઈએ પહોંચ્યા હતા. ઘઉંના ભાવ વધ્યા બાદ ઘટવાનું નામ લેતા નથી. ખાંડના ભાવ હાલ કાબૂમાં છે, પણ ચાલુ વર્ષે ભારતમાં શેરડીનું ઉત્પાદન ઘટતાં સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવો પડ્યો છે. વરસાદની અનિયમિતતાને કારણે ટમેટાં, કાંદા, લસણ વગેરે જેવી ગરીબોની થાળીને બૅલૅન્સ કરતી આઇટમોના ભાવ પણ છાશવારે વધી રહ્યા છે. આમ મોંઘવારીની પીડા ઑલરેડી હાલ આમજનતા ભોગવી રહી છે ત્યારે આગામી સમય વધારે કપરો રહેવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે ત્યારે નવનિયુક્ત સરકાર આમપ્રજાને મોંઘવારીના ડામથી બચાવવામાં કેટલી સફળ થાય છે એની પર બધાની નજર રહેશે.