મહારાષ્ટ્રમાં નવી તુવેરની આવકનો પ્રારંભ, પરંતુ ગુણવત્તા નબળી

15 December, 2022 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કર્ણાટકમાં ઉત્પાદન ઓછું થયું હોવાથી આ વર્ષે એકંદર આવક પણ નબળી રહેશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં નવી તુવેરની આવક શરૂ થઈ રહી છે, પરંતુ વેપારીઓ ગુણવત્તાથી ખુશ નથી. સોલાપુરમાં ધીમી ગતિએ આવક વધી રહી છે. જાલનામાં નવી તુવેરનો માલ હલ્કો છે, જ્યારે લાતુરમાં આવક અને ગુણવત્તા બન્ને ઓછી છે.

સોલાપુરમાં બુધવારે નવી તુવેરની ૧૮-૨૦ મોટરની આવક થઈ હતી. ગયા વર્ષના સમાન દિવસે નવી તુવેરની ૪૦ મોટરની આવક હતી. એક મોટર મશીન ક્લીન નવી તુવેર ઉપરમાં પ્રતિ ક્વિન્ટલ ૭૯૦૦ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. સોલાપુરમાં મારુતિ તુવેરના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૭૫૦૦ રૂપિયા અને પાંચ મોટર પિન્ક તુવેરની આવી હતી, જેના ભાવ ઉપરમાં ૭૬૫૦ રૂપિયા સુધી બોલાઈ રહ્યા હતા. નવી તુવેરની આવક અંદાજ કરતાં ઓછી છે અને મિલર્સની માગ સારી છે. કર્ણાટકમાં ઉત્પાદન ઓછું થયું હોવાથી આ વર્ષે એકંદર આવક પણ નબળી રહેશે.

બીજી બાજુ લાતુરમાં આવક ઓછી છે અને જે આવક થઈ રહી છે એની ગુણવત્તા પણ નબળી છે. નવી તુવેરની ચારથી પાંચ કટ્ટા આવક થઈ હતી અને ભાવ પ્રતિ ક્વિન્ટલ ૭૩૫૦ રૂપિયા બોલાઈ રહ્યા હતા. જોકે જૂની તુવેરની ૫૦ કટ્ટા આવક થઈ હતી અને ભાવ પ્રતિ ક્વિન્ટલ ૭૦૦૦-૭૨૦૦ રૂપિયા હતા.

આ પણ વાંચો:  તુવેરના ભાવમાં સતત પાંચ સપ્તાહથી આગળ વધતો ઘટાડો

જાલનામાં પણ નવી તુવેરનો માલ હલ્કો છે. આવક ૧૦ ગૂણીની થઈ હતી અને નવી તુવેર વાઇટના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૫૫૦૦-૬૫૦૦ રૂપિયાની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

business news commodity market