22 March, 2023 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
દેશમાં કાંદાના નીચા ભાવને રોકવા માટે સરકારે નાફેડ દ્વારા ખરીદી શરૂ કરાવી છે, પરંતુ એની ખરીદી એકદમ ધીમી ચાલી રહી છે અને ખાસ કરીને ગુજરાતમાં તો ખાસ ખરીદી જ થતી નથી. નાફેડના સત્તાવાર આંકડાઓ મુજબ સમગ્ર દેશમાંથી નાફેડે બજારભાવથી કુલ ૧૨,૦૦૦ ટન કાંદાની ખરીદી કરી છે.
નાફેડના સત્તાવાર આંકડાઓ મુજબ ફેબ્રુઆરીથી ખરીદીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં નાફેડે કુલ ૧૧,૯૯૦ ટનની ખરીદી કરી છે, જેની કુલ કિંમત ૧૧૬૦.૭૭ લાખ રૂપિયા થાય છે.
નાફેડે મહારાષ્ટ્રમાંથી કુલ ૧૧.૨૮ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧,૬૦૦.૭૮ ટન કાંદાની ખરીદી કરી છે, જ્યારે ગુજરાતમાંથી ૩૩ લાખ રૂપિયાથી ૩૮૯.૨૨ ટનની કાંદાની ખરીદી કરી છે. નાફેડ દ્વારા કાંદાની ખરીદીને પગલે સમગ્ર દેશમાં માત્ર ૩૧૫૬ ડુંગળીના ખેડૂતોને આ ખરીદીનો લાભ મળ્યો છે.
બજારસૂત્રોએ જણાવ્યું હતું કે નાફેડ દ્વારા જે-તે સેન્ટરના છેલ્લા ત્રણ દિવસના ઍવરેજ ભાવથી કાંદાની ખરીદી કરવામાં આવે છે અને એ માટે અમુક સાઇઝ ફિક્સ કરી છે એ સાઇઝથી ઉપરનો માલ હોય તો જ નાફેડ ખરીદી કરે છે. આવી સ્થિતિમાં સરકારી ખરીદીનો ખાસ બહુ મોટો લાભ મળતો નથી.