માર્કેટમાં નાના રોકાણકારો માટે કન્ફ્યુઝનનું મોટું સૉલ્યુશન છે મ્યુચ્યુઅલ ફન્ડ

18 November, 2024 08:07 AM IST  |  Mumbai | Jayesh Chitalia

ગ્લોબલ સ્તરે વર્તમાન આર્થિક-રાજકીય સંજોગોને પરિણામે ભારતીય શૅરબજારમાં હાલ કરેક્શન વધુ, રિકવરી ઓછી અને વૉલેટિલિટી મધ્યમનો માહોલ છે. આમ ક્યાં સુધી ચાલશે એ કહેવું કઠિન છે

શૅરબજારની પ્રતીકાત્મક તસવીર

ગ્લોબલ સ્તરે વર્તમાન આર્થિક-રાજકીય સંજોગોને પરિણામે ભારતીય શૅરબજારમાં હાલ કરેક્શન વધુ,  રિકવરી ઓછી અને વૉલેટિલિટી મધ્યમનો માહોલ છે. આમ ક્યાં સુધી ચાલશે એ કહેવું કઠિન છે, પરંતુ અત્યારના સંજોગોમાં ખાસ કરીને નાના રોકાણકારો માટે બહેતર માર્ગ મ્યુચ્યુઅલ ફન્ડ ગણાય. આ રહ્યાં કારણો...

શૅરબજારમાં જ્યારે કન્ફયુઝન વધી જાય, બજાર કઈ દિશામાં જઈ રહ્યું છે એ સમજાય નહીં, બજાર સતત ઘટાડાતરફી રહેવા લાગે, ત્યાં સુધી કે મંદીમાં જવાનો ભય પણ લાગે ત્યારે શૅર ખરીદવાનો ઉત્તમ સમય ગણાય; પરંતુ મોટા ભાગના લોકો આ સમયમાં બજારથી બહાર નીકળી જાય કે દૂર થઈ જાય એવું બને છે, શૅરોના ભાવ હજી ઘટશે એવો ભય સેવવા લાગતાં ખરીદીની હિંમત કરતા નથી. આવો ભાવ તમારામાં જ્યારે પણ જાગે ત્યારે સમજવું કે મ્યુચ્યુઅલ ફન્ડ્સના સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ વધારવાનો સમય પાકી ગયો છે. યસ, દોસ્તો હાલની અનિ​શ્ચિતતા વચ્ચે આ એક નક્કર હકીકત છે અને માર્ગ પણ છે. ભારતીય રોકાણકારો આ સત્ય હવે વધુ બહેતર રીતે સમજવા લાગ્યા હોવાનું પુરવાર કરતી બાબતો સતત પ્રકાશમાં આવી રહી છે. રોકાણકારોના નવા વર્ગે પણ આ બાબત સમજી લેવી જોઈએ.

શૅરબજારની ગ્રોથ-સ્ટોરી લાંબી

ઑક્ટોબર મહિનો શૅરબજાર માટે એકંદરે કરેક્શન-કડાકાનો રહ્યો, ફૉરેન ઇન્વેસ્ટર્સ દ્વારા અઢળક વેચવાલી જોવાઈ. નવેમ્બરના અત્યાર સુધીના સમયમાં પણ અમુક અંશે આવો દોર ચાલુ રહ્યો, પરંતુ આ સંજોગોમાં સૌથી મહત્ત્વની અને રસપ્રદ વાત એ રહી છે કે ચોક્કસ પ્રકારના ભારતીય રોકાણકારો સતત પૉઝિટિવ અને ઍ​ક્ટિવ રહ્યા. આ રોકાણકારો કોણ છે? આ લોકો શૅરબજારમાં સીધું રોકાણ કરનારા નથી, બલકે મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓ મારફત શૅર્સમાં રોકાણ કરનારા છે. આ વર્ગ હવે ભારતીય શૅરબજારમાં શ​ક્તિશાળી વર્ગ તરીકે ઊભરી રહ્યો છે. આ નાના રોકાણકારો દ્વારા SIPમાં કરાતા રોકાણનું પ્રમાણ માસિક પચીસ હજાર કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ઇ​ક્વિટી ફન્ડ્સમાં કરાયેલા રોકાણની કુલ રકમ જોઈએ તો એ ઑક્ટોબરમાં ૪૧,૮૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે જે અત્યાર સુધીની સર્વોચ્ચ રકમ છે. સપ્ટેમ્બરમાં આ આંકડો ૩૪,૪૦૦ કરોડ રૂપિયા જેટલો હતો. ડેટ ફન્ડ્સ મારફત આવતું રોકાણ ૧.૫૭ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. આમ મ્યુચ્યુઅલ ફન્ડ્સ હેઠળની કુલ ઍસેટ્સ ૬૮ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. આ આંકડા મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં વધી રહેલા રોકાણના પ્રવાહની સાથે-સાથે વધી રહેલા વિશ્વાસની સાક્ષી પૂરે છે. આ સાથે ભારતીય રોકાણકાર વર્ગની સક્ષમતા પણ પુરવાર થાય છે. આ હકીકત શૅરબજારની ગ્રોથ-સ્ટોરી કેટલી વિરાટ અને લાંબી થવાની છે એનો મજબૂત સંકેત આપે છે.

વૈવિધ્યસભર નવી યોજનાઓ પર ધ્યાન

માત્ર એટલું વિચારો કે જો ફૉરેન ઇન્વેસ્ટર્સની તાજેતરની આક્રમક વેચવાલી સામે મ્યુચ્યુઅલ ફન્ડ્સના રોકાણકારોની ખરીદી ન હોત અથવા સાવ સામાન્ય હોત તો શું હાલત થાત બજારની? બાય ધ વે, મ્યુચ્યુઅલ ફન્ડ્સના મૅનેજરો પણ હાલ સક્રિય થયા છે અને તેમણે માહોલ જોઈ તેમ જ અભ્યાસ આધારિત ભાવિના સંકેત મેળવી નવી-નવી યોજનાઓ પણ લાવવા માંડી છે, જેમાં અત્યારે સેક્ટરલ ફન્ડ અને થીર્મટિક ફન્ડ (જે ચોક્કસ થીમ આધારિત હોય)માં વધુ ડિમાન્ડ છે. રોકાણકારો ટિપિકલને બદલે નવા ફન્ડ-નવી સ્કીમ તરફ આકર્ષાઈ રહ્યા છે જે નવી જનરેશનની ઇકૉનૉમીના સમયના પાયા બનવા જઈ રહ્યા છે એવા સેક્ટરને વધુ પસંદ કરી રહ્યા છે તેમ જ વધુ ફ્લે​ક્સિબિલિટી ઑફર કરતી યોજનાઓ પર પસંદગી ઉતારી રહ્યા છે. લાર્જકૅપ ફન્ડની એક અલગ જમાવટ છે તો મલ્ટીકૅપ ફન્ડ્સ પણ જોરમાં છે. હાલ ઇ​ક્વિટી-ડેટ અને ગોલ્ડ જેવી ઍસેટ્સને સમાવતી સ્કીમ્સ પણ બહેતર ગણાય. અહીં ઓછાં જોખમે વધુ વળતરની આશા રાખી શકાય છે. ખાસ કરીને આ માર્ગ રોકાણની નિયમિતતા અને શિસ્તબધ્ધ સંપત્તિસર્જનનો અવકાશ ઊભો કરે છે.

ફન્ડમાં ક્રિપ્ટોકરન્સી?

ખરેખર તો આપણા દેશમાં હાલ ક્રિપ્ટોકરન્સી બાબતે કાનૂની કે નીતિવિષયક ચિત્ર સ્પષ્ટ નથી, અન્યથા ફન્ડ્સની સ્કીમમાં ગોલ્ડની જેમ બિટકૉઇન જેવી ક્રિપ્ટોકરન્સીના ચોક્કસ હિસ્સાને ઉમેરી શકાય. અલબત્ત, આ વિષયમાં કાનૂની માર્ગદર્શન જરૂરી છે, પરંતુ આ વિચાર કરવા જેવો ખરો. ખાસ કરીને જેઓ રિસ્ક-ટેકર્સ છે, કમસે કમ તેમના માટે આવું ફન્ડ વિચારી શકાય. આમ પણ આવા મોટા રોકાણકારો બહારના માર્ગે ક્રિપ્ટોમાં રોકાણ કરતા જ હોય છે. શું તેમને સિસ્ટમમાં સમાવી લેવામાં સાર ન ગણાય? આવું ફન્ડ સંપૂર્ણ ક્રિપ્ટો આધારિત ફન્ડ તરીકે ભલે ન લાવવા મળે, પરંતુ ઇ​ક્વિટી-ડેટ સાથે ક્રિપ્ટોના ચોક્કસ ભાગને સમાવીને ઑફર લાવવા દેવાનો વિચાર કરવા જેવો ખરો. તાજેતરમાં બિટકૉઇનનો ભાવ માત્ર ગણતરીના દિવસોમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો. હાલ આ કમાલ ડોનલ્ડ ટ્રમ્પની ભલે ગણાય, પણ વાસ્તવિકતા એ છે કે આ કરન્સી-ઍસેટ ગ્લોબલ મંચ પર પોતાનું સ્થાન વિસ્તારતી જાય છે. લાંબા ગાળાના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને પણ આ દિશામાં ચર્ચા-વિચારણા થવી જોઈએ.

જમીન-આસમાનનો ફરક

છેલ્લા એક વર્ષમાં ઇ​ક્વિટી કરતાં પણ વધુ કે સમાન વળતર સોનામાં ઊપજ્યું છે એ નજર સામે છે. ચાંદી પણ ડિમાન્ડમાં રહી છે. યુદ્ધો ભલભલાનાં સમીકરણ બદલી નાખતાં હોય છે. સમય બહુ ઝડપથી પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યો છે. સરકાર સંકુચિત રહી શકે, ઇન્વેસ્ટરો નહીં; નાના રોકાણકારો ભલે સાવેચત રહે, રિસ્ક-ટેકિંગ કૅપેસિટી ધરાવતા મોટા રોકાણકારો નવાં સાહસ કરી શકે. બૅન્ક ફિક્સ્ડ ડિપોઝિટ (FD), બૉન્ડ્સ, સરકારી બચત યોજના, PPF વગેરે જેવાં સાધનો સામે ગોલ્ડ, સિલ્વર, ઇ​ક્વિટી, ક્રિપ્ટો વગેરેના વળતરના આંકડા જોઈએ તો જમીન-આસમાનનો ફરક સમજાય. અલબત્ત, આમ કરવામાં જોખમમાં પણ આભ અને ધરતીનો ફરક મળે. પહેલા ફરક કરતાં આ બીજો ફરક વધુ નાનો છે. હા, સટ્ટાથી દૂર રહેવું એ જુદી વાત
છે. અહીં સટ્ટા અને રોકાણનો ફરક સમજવો જોઈએ.

કરેક્શન ખરીદીનો ઉત્તમ સમય ગણાય છે જે હાલ સામે ઊભો છે. એમાં પણ SIP તો કરેક્શનના વધુ ઊંચા લાભ આપે છે, જે જગજાહેર હોવા છતાં ઘણા રોકાણકારો બજારના કરેક્શનથી ગભરાઈને એ બંધ કરે છે અથવા ઉપાડી લે છે; જ્યારે કે આ સમય રોકાણ ઉપાડવાનો કે બંધ કરવાનો નહીં પણ નવેસરથી ચાલુ કરવાનો અને વધારવાનો હોય છે.

બજારનાં નાણાં ક્યાં ફંટાઈ રહ્યાં છે?
ગયા વખતે અહીંથી કરેક્શન કન્ટિન્યુ થવાની ધારણા વ્યક્ત કરાઈ હતી જે મુજબ વીતેલા સપ્તાહમાં જોવા મળ્યું છે. બાય ધ વે, શૅરબજાર લાંબી તેજી બાદ હાલ લગભગ ૧૦ ટકા જેટલું નીચે આવી ગયું છે, ૮૬ હજારનો સેન્સેક્સ ૭૭,૫૦૦ આસપાસ પહોંચી ગયો છે, જેમાં સૌથી મોટું પરિબળ ફૉરેન ઇન્વેસ્ટર્સની વેચવાલી ગણાય છે. બજારનાં ઢગલો નાણાં ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) લઈ ગયા છે, અઢળક નાણાંનું ધોવાણ થયું છે. ઘણું ફન્ડ ગોલ્ડ, સિલ્વર, બિટકૉઇન જેવા સાધન તરફ વળ્યું છે. ઘણાં વિદેશી ફન્ડ્સ ચીન તરફ ફંટાયાં છે. ગ્લોબલ અને સ્થાનિક સ્તરે અનિ​​શ્ચિતતાનો માહોલ છે. આ સંજોગોમાં હજી થોડો સમય કરેક્શન ચાલુ રહે તો નવાઈ નહીં, પરંતુ આ સમય લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે ખરીદીનો ગણાય. બજારનું સીધું જોખમ ન જામતું હોય તો મ્યુચ્યુઅલ ફન્ડ સહી હૈ.

share market stock market mutual fund investment crypto currency commodity market business news