15 November, 2024 08:02 AM IST | Mumbai | Mayur Mehta
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ઇન્ફ્લેશન વધીને આવતાં રેટ-કટના ચાન્સ તળિયે ગયા હોવાથી ડૉલર ઇન્ડેક્સ એક વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો જેને પગલે સોના-ચાંદીની ખરીદીનું આકર્ષણ ઘટતાં બન્ને પ્રેસિયસ મેટલના ભાવ ગગડ્યા હતા.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૫૨૧ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૬૪૪ રૂપિયા ઘટ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદી ગગડતાં એની અસરે મુંબઈમાં સોનાનો ભાવ છેલ્લા ૭ દિવસમાં ૫૨૨૭ રૂપિયા અને ચાંદીનો ભાવ ૭૩૭૯ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં ૭ દિવસ અગાઉ સોનાનો ભાવ ૭૮,૫૬૬ રૂપિયા હતો એ ઘટીને ૭૩,૭૩૯ રૂપિયા થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ ૯૪,૪૮૨ રૂપિયાથી ૭ દિવસમાં ઘટીને ૮૭,૧૦૩ રૂપિયા થયો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન કન્ઝ્યુમર હેડલાઇન વાર્ષિક ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં વધીને ૨.૬ ટકાએ પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૨.૪ ટકા હતું. છેલ્લા છ મહિનાથી કન્ઝ્યુમર ઇન્ફ્લેશન સતત ઘટતું હતું જેમાં સાત મહિના પછી પ્રથમ વખત વધારો થયો હતો. સપ્ટેમ્બરમાં ઇન્ફ્લેશન સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ખાસ કરીને નૅચરલ ગૅસના ભાવમાં બે ટકાનો વધારો થતાં તેમ જ ગૅસોલીન અને ફ્યુઅલ ઑઇલનો ભાવઘટાડો ધીમો પડતાં ઇન્ફ્લેશન વધ્યું હતું. હેડલાઇન ઇન્ફ્લેશન મન્થ્લી ૦.૨ ટકા વધ્યું હતું, જ્યારે કોર ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં વાર્ષિક ૩.૩ ટકાએ સ્ટેડી રહ્યું હતું.
અમેરિકન ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં વધતાં ડૉલર ઇન્ડેક્સ વધીને એક વર્ષની ઊંચાઈએ ૧૦૬.૭૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. હેડલાઇન કન્ઝ્યુમર ઇન્ફ્લેશન વધતાં હવે ફેડને રેટ-કટનો નિર્ણય લેવાનું વધુ મુશ્કેલ બન્યું છે. ડોનલ્ડ ટ્રમ્પની જીત બાદ તમામ ફાઇનૅન્શિયલ માર્કેટ સ્ટ્રૉન્ગ ગ્રોથ અને હાઈ ઇન્ફ્લેશનની ધારણા રાખીને ટ્રેડ કરી રહ્યું હોવાથી ડૉલરમાં સતત ખરીદી વધી રહી છે. ફેડના તમામ ઑફિશ્યલ્સ હજી પણ ઇન્ફ્લેશન ઘટીને બે ટકાના ટાર્ગેટ સુધી આવશે એવું માની રહ્યા છે, પણ ટ્રમ્પની ટૅક્સમાં કાપની બાંયધરીથી ઇન્ફ્લેશન ઘટવાને બદલે વધી શકે છે. ડૉલર ઇન્ડેક્સની તેજીને પગલે ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ૦.૦૨૪ ટકા વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૪.૪૭૩ ટકાએ પહોંચ્યા હતા.
અમેરિકન ગવર્નમેન્ટની બજેટ ડેફિસિટ ઑક્ટોબરમાં ચાર ગણી વધીને ૨૫૭ અબજ ડૉલરે પહોંચી હતી જે છેલ્લા એક વર્ષમાં ૨૮૭ ટકા વધી હતી. એક વર્ષ અગાઉ ગવર્નમેન્ટની ડેફિસિટ ૬૭ અબજ ડૉલર હતી. અમેરિકન ગવર્નમેન્ટની આવક ૧૯ ટકા ઘટીને ૩૨૭ અબજ ડૉલર રહી હતી અને ખર્ચ ૨૪ ટકા વધીને ૫૮૪ અબજ ડૉલરે પહોંચ્યો હતો. આવક ઘટવાની સામે ખર્ચ વધતાં ડેફિસિટમાં જંગી વધારો નોંધાયો હતો.
અમેરિકાના ૩૦ વર્ષીય મૉર્ગેજ રેટ ૮ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે સતત ત્રીજે સપ્તાહે વધ્યા હતા, મૉર્ગેજ રેટ પાંચ બેસિસ પૉઇન્ટ વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૬.૮૬ ટકાએ પહોંચ્યા હતા.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
ડોનલ્ડ ટ્રમ્પની જીત બાદ ડૉલર ઇન્ડેક્સ ૩.૨ ટકા વધીને ૧૦૬.૭૮ પૉઇન્ટની એક વર્ષની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ જે રીતે સ્કાઇરૉકેટ થઈ રહ્યો છે એ જોતાં હવે રેટ-કટના ચાન્સિસ હાલપૂરતા ખતમ થઈ ચૂક્યા છે. બીજી તરફ ધીમી ગતિએ યુદ્ધવિરામની વાતો ચર્ચાવાની ચાલુ થઈ ચૂકી છે. લેબૅનન ગવર્નમેન્ટે અમેરિકન યુદ્ધવિરામની દરખાસ્તની રાહ જોઈ રહ્યા હોવાનું ઑફિશ્યલી ડિક્લેર કર્યું હતું. રશિયા-યુક્રેન વચ્ચે સાડાત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ બાબતે હજી ટ્રમ્પનું સ્ટેન્ડ ક્લિયર થયું નથી પણ ટ્રમ્પનો રશિયન પ્રેસિડન્ટ પુતિન પ્રત્યેનો સૉફટ વ્યુ અને ટ્રમ્પે યુક્રેનના નિર્દોષ નાગરિકોનાં મોત બાબતે સહાનુભૂતિ બતાવી એ યુદ્ધવિરામ તરફની દિશા બતાવે છે. સોનાની તેજીમાં રેટ-કટ અને જિયોપૉલિટિકલ ટેન્શન બન્નેનો સિંહફાળો હતો આથી જો આ બન્ને બાબતોનું વજૂદ નથી રહ્યું એટલે સોનામાં પીછેહઠ જોવા મળી રહી છે. હાલના ઘટનાક્રમ સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાનો સ્પષ્ટ સંકેત આપે છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૭૩,૭૩૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૭૩,૪૪૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૮૭,૧૦૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)