05 June, 2024 07:17 AM IST | Mumbai | Jayesh Chitalia
માર્કેટ
શૅરબજારના ઇતિહાસમાં ચૂંટણી-પરિણામના દિવસે આવી ઘટના પ્રથમ વખત બની છે. રાજકીય તો ખરો જ, પરંતુ આર્થિક મોરચે પણ બહુ જંગી અણધાર્યો આંચકો બજારે જોવાનો આવ્યો. હાલ તો બજારની તેજીનું નૂર છીનવાઈ ગયું એમ સમજીને ચાલવું પડશે. લગભગ તમામ ઍનલિસ્ટો, એક્સપર્ટ્સ, ઇન્વેસ્ટમેન્ટ ગુરુઓ, ચૅનલ્સની ધારણાઓ ખોટી પડી છે. આ એક રૅર ઘટના છે. હવે પૅનિક-સેલ વધવાનો ભય છે, પરંતુ જેઓ હોલ્ડ કરી શકે છે તેમણે આવું વેચાણ ટાળવું જોઈએ. હા, બજારની તેજી આ ભરઉકળાટમાં પણ ઠંડી પડી જશે, હવે સરકાર બન્યા બાદ આગળ શું ચિત્ર સર્જાય છે એની રાહ જોવી રહી. ઉતાવળ ન ખરીદવામાં કરવી ન વેચવામાં કરવી.
મંગળવાર અતિ અમંગળ
આ શૅરબજાર છે, અહીં કંઈ પણ થઈ શકે એમ આ રાજકારણ છે, અહીં સુધ્ધાં કંઈ પણ થઈ શકે. આ બન્ને હકીકત મંગળવારે ચૂંટણીના આખરી પરિણામ વખતે સાચી પડી અને આંખમાં ઊડીને વળગે એ રીતે સામે આવી. એક્ઝિટ પોલના સંકેતને પગલે જે બજાર સોમવારે આસાધારણ ઊછળ્યું અને નવી ટૉપ બનાવી બંધ થયું એ મંગળવારે આખરી પરિણામ એક્ઝિટ પોલ કરતાં વિપરીત જાહેર થતાં સોમવાર કરતાં વધુ તૂટ્યું અને બહુ બૂરા કડાકા બોલાયા. સવારે આઠ વાગ્યે શરૂ થયેલી મતગણતરી બાદ આવતા-જતા સંકેતોમાં મોદી-નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) સરકાર ૩૦૦ બેઠક પણ પાર કરશે કે કેમ એ સવાલ અને શંકા સાથે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ સેન્સેક્સમાં ૫૭૦૦ પૉઇન્ટ અને નિફટીમાં ૧૮૦૦ પૉઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો જે આગલા દિવસના ઉછાળા સામે ડબલ કરતાં વધુ કડાકો હતો. બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ ૪૩૯૦ પૉઇન્ટના કડાકા સાથે ૭૨,૦૭૯ હતો, જયારે નિફ્ટી ૧૩૭૯ પૉઇન્ટના કડાકા સાથે ૨૧,૮૮૪ રહ્યો હતો. દરમ્યાન મતગણતરી ચાલુ હતી. અર્થાત્ સરકાર કોની બની રહી છે એ બાબત અધ્ધર હતી, પરંતુ મોદી સરકાર અપેક્ષા અનુસાર પરિણામ ન આપી શકી એનો વસવસો બજારને રહી ગયો હતો જે બીજા દિવસે પણ એની નિરાશા ચાલુ રાખી બજારને વધુ કરેક્શન તરફ લઈ જાય એવી શક્યતા ઊંચી જણાય છે.
ઇમોશનલ નહીં, રૅશનલ બનજો
શૅરબજારમાં ઇન્ડેકસ ઉપરાંત સ્ટૉક્સના ભાવોના ભુક્કા એવા બોલાયા છે કે એના ટુકડા ગણવા કે એના પર ટિપ્પણી કરવી કઠિન બની જાય એવી હદ બહારની અકાલ્પનિક ઘટના બની છે. મોદી સરકારને પણ બહુ મોટી શિક્ષા મળી છે. જોકે આની સજા અત્યારે તો કરોડો રોકાણકારોએ ભોગવવાની આવી છે. લગભગ કરોડો પોર્ટફોલિયોના આંકડા ફરી ગયા હશે. જે દશા શૅરબજારમાં ભાવોના કડાકાની થઈ એની અસર મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટીલક્ષી યોજનાઓ પર પડ્યા વિના રહેશે નહીં. દરેક ઇન્ડેક્સ તૂટ્યા, દરેક શૅરના ભાવ ઘટ્યા કે તૂટ્યા, કારણ કે મોદી સરકારની મજબૂત બહુમતી વિના અર્થતંત્રના વિકાસની સંભાવના અને ભાવિ મહત્ત્વાકાંક્ષી યોજનાઓ પરનો વિશ્વાસ પણ તૂટ્યો છે. બજેટ-દિવસની જેમ મંગળવારે ટીવી સામે પરિણામ જોવા બેસી ગયેલા કરોડો લોકોએ તમામ આંકડા જોઈ લીધા હોવાથી અમે અહીં આંકડાને બદલે હવે પછી શું કરવાની જરૂર રહેશે એનો સંકેત આપવાનું વધુ મુનાસિબ માનીએ છીએ. આંકડાના આંચકા તમને વધુ ઇમોશનલ બનાવી શકે એટલે હાલ માર્કેટ માટે ઇમોશનલ થવા કરતાં રૅશનલ થવાની વધુ જરૂર છે.
સાત બાબતો ધ્યાનમાં રાખો
પૅનિક-સેલ નહીં કરતા. સેલ કરવું પણ હોય તો જેમાં હજી પણ પ્રૉફિટ
મળતો હોય એ આંશિક માત્રામાં ઘરમાં લઈ લેવાય.
સારા સ્ટૉક્સના ભાવો ભલે તૂટ્યા હોય, પરંતુ ખરીદવાની ઉતાવળ નહીં કરતા. જો દરેક મોટા ઘટાડે ખરીદવું હોય તો પણ થોડી-થોડી માત્રામાં ખરીદી કરજો.
હવે ખરીદી કરો ત્યારે માત્ર માર્કેટ-સેન્ટિમેન્ટ નહીં જોતા, બલકે
કંપનીના પોતાના ફન્ડામેન્ટલ્સ પર વધુ ધ્યાન આપજો.
માર્કેટની બૉટમ કોઈને ખબર પડતી નથી, માટે બજારનું સતત નિરીક્ષણ કરવું જોઈએ. સરકારનાં હવે પછીનાં પગલાં તેમ જ નીતિઓ પર ધ્યાન આપવું જોઈશે.
ફૉરેન ઇન્વેસ્ટર્સના ટ્રેન્ડ પર પણ નજર રાખવી જોઈશે. આ સાથે ગ્લોબલ પરિબળો પણ જોવાં જ પડે.
નવી સરકારનું બજેટ જુલાઈમાં આવશે, જેમાં પ્રજાલક્ષી-પૉપ્યુલર જાહેરાતોની ઊંચી સંભાવના રહી શકે, બજારને ટેકો આપવામાં એ ઉપયોગી થઈ શકે.
મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓના સિસ્ટમૅટિક ઇન્વેસ્મેન્ટ પ્લાન (SIP) બંધ કરવાની ભૂલ નહીં કરતા. બની શકે એમાં વૃદ્ધિ ઘટે કે નેટ ઍસેટ વૅલ્યુ ઘટે, પરંતુ લાંબે ગાળે એનો લાભ જ થશે, કેમ કે એ નીચી નેટ ઍસેટ વૅલ્યુ દરમ્યાન યુનિટ્સની સંખ્યા તમારા પોર્ટફોલિયોમાં વધશે.
મંગળવારની અમંગળ ઘટનાઓ
છેલ્લાં ચાર વર્ષમાં બજાર માટે સૌથી બૂરો દિવસ.
નિફટી માર્ચ ૨૦૨૦ બાદ પ્રથમ વખત એક જ દિવસમાં આટલો ઊંચો તૂટયો.
ઇન્ડિયા વૉલેટિલિટી ઇન્ડેકસ ૪૦ ટકા ઉપર વધ્યો, અર્થાત્ બજારમાં મહત્તમ વૉલેટિલિટી જોવાઈ.
જાહેર ક્ષેત્રની કંપનીઓના શૅરોમાં મોટું ધોવાણ.
નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ સોમવારે ૫૦ હજાર પાર કર્યા બાદ મંગળવારે ૪૦૦૦ પૉઇન્ટ જેટલો તૂટી ગયો.
માર્કેટ કૅપમાં ૩૧ લાખ કરોડ રૂપિયા આસપાસનું ગાબડું.
માર્કેટ એક્સપર્ટ્સ શું કહે છે?
નીલેશ શાહના મતે આ સંજોગોમાં વૉલેટિલિટી વચ્ચે પણ લૉન્ગ ટર્મ માટે માર્કેટ સારું રહેશે.
અમર અંબાણી માને છે કે હાઈ વૅલ્યુએશનની માર્કેટમાં કરેક્શન આવ્યું છે જેને ચૂંટણી-પરિણામનાં કારણ મળ્યાં છે. એમ છતાં ભારતમાં હજી ઘણાં પૉઝિટિવ પરિબળો છે, જેથી ધીરજ રાખવી અનિવાર્ય છે.
વિજય કેડિયાના મતે જો BJP સ્થિર સરકાર નહીં રચી શકે તો માર્કેટ હજી વધુ કથળશે.
દેવેન ચોકસી જણાવે છે કે જો મોદીની સરકાર બનશે તો રિફૉર્મ્સ ચાલુ રહેશે, પરંતુ કયાંક અવરોધો વધી શકે. બાકી અર્થતંત્ર, ઉદ્યોગ અને માર્કેટની ગતિ ધીમી રહીને પણ આગળ વધતી રહેશે.