05 November, 2024 09:06 AM IST | Germany | Gujarati Mid-day Correspondent
બિટકૉઇન
જર્મનીમાં યુરોપની સૌથી મોટી ટેલિકમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર કંપની ડોઇશ ટેલિકૉમની પેટાકંપની MMS તથા બેન્ખોસ મેટઝલરે બિટકૉઇનના માઇનિંગ માટે વધારાની અક્ષય ઊર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવા માટે સહકાર સાધ્યો છે. રિન્યુએબલ એનર્જીમાં વીજપ્રવાહનું દબાણ ઓછું-વધતું થયા કરતું હોવાથી માઇનિંગ માટે વપરાતી ગ્રિડ બરોબર કામ કરી શકતી નથી. આવા સંજોગોમાં ગ્રિડને સ્થિરતા આપવા માટેના ઉપાયો કરવા ઉક્ત સહયોગીઓએ હાથ મિલાવ્યા છે. એના ભાગરૂપે બેકનાંગમાં મેટિસ સૉલ્યુશન્સ ખાતે માઇનિંગ ઑપરેશન્સ હાથ ધરવામાં આવશે. આ સ્થળે ફોટોવૉલ્ટેક સિસ્ટમ વાપરવામાં આવે છે.
બીજી બાજુ, બિટકૉઇનને કારણે ડૉલરને કોઈ જોખમ નહીં હોવાનો મત અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને પ્રમુખપદની યાજાનારી ચૂંટણીના ઉમેદવાર ડોનલ્ડ ટ્રમ્પે વ્યક્ત કર્યો છે. તેમણે બિટકૉઇન કૉન્ફરન્સ 2024 ખાતે આ નિવેદન કર્યું હતું.
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે વૃદ્ધિનું વાતાવરણ રહ્યું હતું. બિટકૉઇનમાં ૦.૯૫ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૬૮,૫૮૦ સુધી પહોંચ્યો હતો. ઇથેરિયમમાં ૧.૨૩ ટકા, બાઇનાન્સમાં ૧.૦૫, સોલાનામાં ૧.૮૧, રિપલમાં ૨.૭૨, ડોઝકૉઇનમાં ૭.૪૭, ટ્રોનમાં ૦.૬૭ અને શિબા ઇનુમાં ૩.૦૯ ટકા વૃદ્ધિ થઈ હતી. કાર્ડાનોમાં ૦.૫૧ ટકા ઘટાડો નોંધાયો હતો.