21 April, 2023 02:50 PM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ફેડ તરફથી જણાવાયું છે કે ફુગાવો હજી કાબૂમાં નથી આવ્યો. આગામી બેઠકમાં વ્યાજદર વધારાશે. આના પગલે મે માસના પ્રથમ સપ્તાહના આરંભે મળનારી બેઠકમાં ફેડ રેટમાં ૦.૨૫ ટકાનો નવો વધારો હવે નક્કી મનાય છે અને રૉઇટર્સનો સર્વે તો ત્યાં સુધી કહે છે કે ત્યાર પછીના સમયમાં વ્યાજદરમાં વધારો અટકે તો પણ ઘટાડાને આ વર્ષે અવકાશ નથી. વિશ્વના મોટા ભાગના, ખાસ કરીને વિકસિત દેશોમાં વત્તે-ઓછે અંશે મંદીના પડઘમ શરૂ થઈ ગયા છે, ત્યારે ફેડ રેટમાં ઘટાડાની આશા પર પાણી ફરી વળે એ શૅરબજારોને ગમે એવી વાત નથી. ગુરુવારે વિશ્વબજારો બહુધા ધીમી નરમાઈમાં રહ્યાં છે. એશિયા ખાતે જપાન અને હૉન્ગકૉન્ગ નહીંવત્ પ્લસ હતાં. ઇન્ડોનેશિયન બજાર રજામાં હતું. થાઇલૅન્ડ એક ટકો, સાઉથ કોરિયા અડધો ટકો, સિંગાપોર તથા તાઇવાન સાધારણ નરમ હતા. ચાઇના નામ કે વાસ્તે ઘટ્યું છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા કરતાં વધુ ઉપર હતું. ક્રૂડ ઘટ્યું છે. બ્રેન્ટ ક્રૂડ ૮૨ ડૉલર અને નાયમેક્સ ક્રૂડ ૭૮ ડૉલરની નીચે આવી ગયા છે.
ઇન્ફોસિસના આંચકામાં નરમાઈની હૅટ-ટ્રિક બાદ સેન્સેક્સ ગુરુવારે નહીંવત્ પ્લસમાં, ૫૯,૫૮૬ ઉપર બંધ થયો છે. નિફ્ટી છ પૉઇન્ટ વધીને ૧૭,૬૨૪ રહ્યો છે. શૅર આંકમાં વધ-ઘટની રેન્જ માંડ ૩૫૦ પૉઇન્ટ જેવી ઘણી સાંકડી હતી. સેન્સેક્સ ઉપરમાં ૫૯,૮૩૭ અને નીચામાં ૫૯,૪૯૦ થયો હતો. બજારનાં બહુમતી ઇન્ડાઇસિસ સુધર્યાં છે. જોકે બહુધા સુધારો સિમીત હતો. સામે નિફ્ટી ફાર્મા એક ટકો, હેલ્થકૅર બેન્ચમાર્ક ૦.૮ ટકા, રિયલ્ટી અડધો ટકો નરમ હતા. પાવર-યુટિલિટી ઇન્ડેક્સ પોણા ટકાની આસપાસ, ટેલિકૉમ ૦.૮ ટકા અને કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ અડધો ટકો વધ્યો છે. માર્કેટ બ્રેડ્થ થોડીક પૉઝિટિવ બની છે. એનએસઈમાં ઘટેલા ૯૭૧ શૅરની સામે ૧૦૪૨ કાઉન્ટર વધીને બંધ થયાં છે.
આઇએફએલ એન્ટરપ્રાઇઝીસ ચાર શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે એક્સ-બોનસ થવાનો છે. શૅર ૧૭૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૪ ટકા ઊંચકાઈ ૧૬૪ બંધ હતો. જેટ ઇન્ફ્રા વેન્ચર્સ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થવાની પૂર્વસંધ્યાએ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૪૪ ઉપર બંધ આવ્યો છે. આઇએફએલ એન્ટરમાં તો ૧૦ના શૅરનું એક વિભાજન પણ શુક્રવારથી અમલી થવાનું છે. ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થવાની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૧૭૧૫ થઈ અડધો ટકો વધીને ૧૬૮૫ રહ્યો છે. પ્રેરણા ઇન્ફ્રાબિલ્ડ એક શૅરદીઠ બેના રાઇટમાં એક્સ-રાઇટ થવાની પૂર્વસંધ્યાએ સાતેક ટકાના ઉછાળે ૩૬.૬૩ બંધ હતો. રાઇટ શૅરદીઠ ૨૦ના ભાવે છે.
લિબર્ટી શૂઝ, મિઝા ઇન્ટર અને ખાદીમ ઇન્ડિયા ઉપલી સર્કિટમાં
સેન્સેક્સના ૩૦માંથી ૧૮ તથા નિફ્ટીના ૫૦માંથી ૨૬ શૅર વધ્યા છે. તાતા મોટર્સ ૧.૭ ટકા, એનટીપીસી ૧.૪ ટકા, એશિયન પેઇન્ટ્સ સવા ટકો તથા ભારતી ઍરટેલ એક ટકો પ્લસ હતા. નિફ્ટી ખાતે અદાણી પોર્ટ્સ ૧.૪ ટકા, બજાજ ઑટો ૧.૧ ટકા, એચડીએફસી લાઇફ એક ટકો સુધર્યો છે. રિલાયન્સ પરિણામની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૨૩૫૯ બતાવી નહીંવત્ ઘટાડામાં ૨૩૪૬ની અંદર ગયો છે. નિફ્ટીમાં ડિવીઝ લૅબ ૪.૨ ટકા કે ૧૪૦ રૂપિયા જેવી ખરાબીમાં ૩૨૦૩ બંધ આપીને ટૉપ લૂઝર બન્યો છે. સેન્સેક્સમાં હિન્દુ. યુનિલીવર સવા ટકો ઘટી ૨૪૯૫ હતો, એનાં પરિણામ ૨૭મીએ છે. સનફાર્મા પોણો ટકો, ઇન્ફી ૦.૭ ટકા, અલ્ટ્રાટેક ૦.૬ ટકા નરમ હતા. અન્યમાં ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકો, હિન્દાલ્કો પોણો ટકો, આઇશર સવા ટકો, બ્રિટાનિયા અને જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૯ ટકા માઇનસ થયા છે.
અદાણી પાવર સાડાચાર ટકા, અદાણી વિલ્મર પોણો ટકો, અદાણી પોર્ટ્સ ૧.૨ ટકા પલ્સ હતા. અન્ય શૅર સામાન્ય વધ-ઘટે બંધ રહ્યા છે. રોકડામાં વાઇઝમેન, લિબર્ટી શૂઝ, રૂપા ઇન્ડસ્ટ્રીઝ, એમ્કે ગ્લોબલ, ખાદીમ ઇન્ડિયા, શિવા મિલ્સ ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટે બંધ હતા. મિર્ઝા એન્ટર ૨૦ ટકાની બે ઉપલી સર્કિટ બાદ ગઈ કાલે ૧૦ ટકાની નવી ઉપલી સર્કિટે ૫૫ નજીક બંધ હતો. બાલાજી એમાઇન્સ સવાપાંચ ટકા કે ૧૨૩ રૂપિયા ખરડાઈ ૨૨૨૧ થયો છે. ૧૫ સપ્ટેમ્બરે અહીં ૩૮૪૨ની વિક્રમી સપાટી બની હતી.
સારા રિઝલ્ટમાં માસ્ટેકની ડબલ સેન્ચુરી, ઑપ્ટિમસમાં નવું બૉટમ
આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૨૯ શૅરના સુધારા વચ્ચે ૪૫ પૉઇન્ટ વધ્યો છે. માસ્ટેક તરફથી માર્ચ ક્વૉર્ટરમાં સારા પરિણામ સાથે ૨૪૦ ટકા કે શૅરદીઠ ૧૨ રૂપિયાનું આખરી ડિવિડન્ડ આવતાં શૅર ૩૬ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૮૨૫ બતાવી સાડાબાર ટકા કે ૨૦૦ રૂપિયાની તેજીમાં ૧૭૮૪ વટાવી ગયો છે. એચસીએલ ટેક્નૉ પરિણામ પૂર્વે ૧૦૩૭ના લેવલે ફ્લૅટ હતો. ઇન્ફોસિસ ૦.૭ ટકા ગગડી ૧૨૨૪ની અંદર નવા ઐતિહાસિક તળિયે બંધ થયો છે. લાટિમ એક ટકો, લાર્સન ટેક્નૉલૉજીઝ સવાબે ટકા, કોફોર્જ ૨.૪ ટકા નરમ હતા. ટેક મહિન્દ્ર અને ટીસીએસ અડધા ટકા જેવા વધ્યા છે. બ્રાઇટકૉમમાં પાંચ ટકાની મંદીની સર્કિટ ચાલુ રહી છે. તાતા કમ્યુ. દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં પોણાઅગિયાર ટકાના ઘટાડા સાથે ૩૨૬ કરોડનો ચોખ્ખો નફો બતાવી નબળા રિઝલ્ટ જારી થયા છે, છતાં શૅર સવાત્રણ ટકા વધીને ૧૨૩૧ બંધ આવ્યો છે. ઑપ્ટિમસ મંદીની ચાલમાં ૧૬૩ના તળિયે જઈ સાડાછ ટકા ખરડાઈ ૧૬૪ હતો. આ શૅર વર્ષ પૂર્વે ૪૩૬ના શિખરે ગયો હતો.
બજાજ ઑટો ૪૩૨૯ના બેસ્ટ લેવલે જઈ દોઢેક ટકો વધી ૪૩૨૫ હતો. રિઝલ્ટ ૨૫મીએ છે. તાતા મોટર્સ ૧.૭ ટકા, અશોક લેલૅન્ડ પોણો ટકો અને મારુતિ સામાન્ય સુધર્યા છે. ટીવીએસ મોટર્સ પોણાચાર ટકા ગગડી ૧૧૨૭ થયો છે. અતુલ ઑટો ૪૩૪ની નવી ટોચે જઇ પ્રૉફિટ બુકિંગમાં અડધો ટકો ઘટીને ૪૧૭ હતો. હીરો મોટોકૉર્પ ૨૪૪૮ના સ્તરે ટકેલો રહ્યો છે.
બૅન્કિંગમાં મિશ્ર વલણ, આવાસ ફાઇ ગગડ્યો, કાર્બોરેન્ડમ નવા બેસ્ટ લેવલે
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સુધારામાં ૧૧૬ પૉઇન્ટ જેવો વધી ૪૨,૨૬૯ વટાવી ગયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી સામે ૧૨માંથી ૯ શૅરના ઘટાડે નહીંવત્ નરમ હતો. બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૧૯ શૅર પૉઝિટિવ ઝોનમાં રહ્યા છે. સ્ટેટ બૅન્ક પોણો ટકો, ઇન્ડસ ઇન્ડ બૅન્ક અડધો ટકો, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને એચડીએફસી બૅન્ક અડધા ટકાની નજીક તો કોટક બૅન્ક સાધારણ વધ્યો છે. ઍક્સિસ બૅન્ક અડધો ટકો નરમ હતો. ઉજ્જીવન સ્મૉલ બૅન્ક દોઢ ટકો, પંજાબ સિંઘ બૅન્ક પોણાબે ટકા, ઇન્ડિયન બૅન્ક ચાર ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને બૅન્ક ઑફ ઇન્ડિયા દોઢ-દોઢ ટકા માઇનસ થયા છે. બંધન બૅન્ક પોણાબે ટકા, સિટી યુનિયન બે ટકા અને સીએસબી બૅન્ક સાડાત્રણ ટકા મજબૂત હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૭૫ શૅરના સથવારે સાધારણ સુધર્યો છે. આવાસ ફાઇ.નાં પરિણામ ૩ મેએ છે, પણ શૅર સવાપાંચ ટકા તૂટી ૧૬૬૮ રહ્યો છે. ઉજ્જીવન ફાઇ, આઇસીઆઇસીઆઇ પ્રુ, એડ્લવીસ, જીઓજીત સવાબે-અઢી ટકા વધ્યા છે. પીએનબી હાઉસિંગ બે ટકા તો એનો રાઇટ એન્ટાઇટલમેન્ટ સવાચાર ટકા ઊંચકાયો છે. પેટીએમ બે ટકા અને એલઆઇસી એક ટકો પ્લસ હતા.
કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૪માંથી ૧૪ શૅરના સહારે ૨૦૬ પૉઇન્ટ કે અડધો ટકો વધ્યો છે. કાર્બોરેન્ડમ યુનિવર્સલ ૪.૯ ટકાની તેજીમાં ૧૦૨૯ બંધ આપતાં પહેલાં ૧૦૪૮ના શિખરે ગયો છે. થર્મેક્સ પોણાચાર ટકા, સોના કોમસ્ટાર પોણાત્રણ ટકા, ભારત ઇલે. ૧.૪ ટકા વધ્યા હતા. ટીમકેન ઇન્ડિયા ત્રણ ટકા તથા સેફલર પોણાત્રણ ટકા નરમ હતા.
આઇટીસી નવી વિક્રમી સપાટીએ, ટેસ્ટી બાઇટ ૪૬૯ રૂપિયા ખરડાયો
ડોમેસ્ટિક્સ પૅસેન્જરની સંખ્યામાં તગડો વધારો થયો હોવા છતાં ઍરલાઇન્સ શૅરમાં ઝમક આવી નથી. ઇન્ડીગો સવા ટકો વધ્યો છે, પણ જેટ ઍરવેઝ ૧.૩ ટકા અને સ્પાઇસ જેટ સાધારણ નરમ હતા. ઉત્પાદનમાં બે દાયકાના મોટા ઘટાડાની આગાહીમાં બુધવારે રાઇસ શૅરોમાં તેજીની જબરી સોડમ જોવા મળી હતી. વળતા દિવસે મિશ્ર ટ્રેન્ડમાં કેઆરબીએલ બે ટકા ઘટી ૩૭૭, એલટી ફૂડ્સ પોણાબે ટકા વધીને ૧૦૮, ચમનલાલ સેટિયા એક ટકો ઘટીને ૧૭૮ તો કોહીનૂર ફૂડ્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૨ વટાવી ગયો છે.
દરમ્યાન બંધ બજારે એચસીએલ ટેક્નૉનાં પરિણામ ધારણાથી સારાં આવ્યાં છે. આવક અપેક્ષાથી થોડીક નીચી રહી છે, પરંતુ નફો ૧૦.૬ ટકા વધી ૩૯૮૧ કરોડ આવ્યો છે. રિલાયન્સનાં પરિણામ શુક્રવારે બંધ બજારે છે. ૨.૨૬ લાખ કરોડની આવક પર ૧૬,૫૭૨ કરોડના નેટ પ્રૉફિટની ગણતરી મુકાય છે. આઇટીસી ૪૦૩ નજીક નવી ટોચે જઈ અડધો ટકો વધીને ૪૦૦ બંધ રહી છે. ટેસ્ટી બાઇટ સવાપાંચ ટકા કે ૪૬૯ રૂપિયાની ખરાબીમાં ૮૫૭૩ રહ્યો છે. વરુણ બેવરેજિસ ૪ ટકા બગડ્યો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૯માંથી ૫૯ શૅરના ઘટાડે પોણો ટકો નરમ હતો. આગલા દિવસે ૧૫ ટકા ઊછળેલો ગ્લૅન્ડ ફાર્મા ગઈ કાલે સાડાત્રણ ટકા ઘટીને ૧૩૬૫ રહ્યો છે. ડિવીઝ લૅબ, સનફાર્મા, ડૉ. રેડ્ડીઝ લૅબ, સિપ્લા, મેક્સ હેલ્થકૅર, ઓરોબિંદો ફાર્મા, લૌરસ લૅબ, ફોર્ટિસ, પિરામલ ફાર્મા ઇત્યાદિ માઇનસ ઝોનમાં બંધ હતા.