મિડલ ઈસ્ટમાં એકધારા વધી રહેલા ટેન્શનથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતાં મજબૂતી

22 February, 2024 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાના રેકૉર્ડબ્રેક ડેબ્ટથી ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં વહેલો ઘટાડો કરે એવી શક્યતા વધતાં સોનામાં ખરીદી વધી

સોનાની પ્રતીકાત્મક તસવીર

મિડલ ઈસ્ટમાં એકધારા વધી રહેલા ટેન્શનથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી અને ભાવ મજબૂત લેવલે પહોંચ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૧૯ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૯૦ રૂપિયા ઘટ્યો હતો. 

વિદેશ પ્રવાહ
ઈરાન અને યમનના સમર્થિત હુથી આતંકવાદીઓ દ્વારા લાલ સમુદ્ર એરિયામાં પસાર થતી સ્ટીમરો પર મિસાઇલ અને ડ્રોનથી સતત વધી રહેલા અટૅકથી મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું છે. મિડલ ઈસ્ટમાં એકધારા વધી રહેલા ટેન્શનથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી રહી હોવાથી મજબૂતી જોવા મળી રહી છે. સોનું બુધવારે વધીને ૨૦૩૧.૮૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૨૭થી ૨૦૨૮ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાં ચાંદી વધી હતી, પણ પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૩.૯૯ પૉઇન્ટની બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા સાત દિવસમાં ડૉલર ઇન્ડેક્સ ૧૦૪.૭૨ની સપાટીએથી ઘટીને ૧૦૩.૯૯એ પહોંચ્યો છે. ફેડ માર્ચ મહિનાની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ નહીં ઘટાડે એવું નક્કી માનવામાં આવી રહ્યું છે અને મે મહિનાની મીટિંગમાં પણ હાલ ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રહેવાના ચા​ન્સિસ ૬૩.૨ ટકા છે. જૂન મહિનાની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સ ૨૨.૨ ટકા હોવા છતાં ડૉલર ઇન્ડેક્સનો ઘટાડો ફેડ દ્વારા કોઈ અણધાર્યું પગલું લેવામાં આવે એવો પણ ગૂઢ સંકેત આપે છે. ફેડની જાન્યુઆરીમાં યોજાયેલી મીટિંગની મિનટ્સ બુધવારે રાતે પબ્લિકમાં મુકાશે. અમેરિકાના રીટેલ સેલ્સના ડેટા દસ મહિનાની નીચી સપાટીએ અને હોમ બિલ્ડર્સ સે​ન્ટિમેન્ટ ઇન્ડેક્સ ઘટ્યા બાદ અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાની સિરીઝ બ્રેક થઈ હતી જેની પણ અસર ડૉલર પર પડી રહી છે. ડૉલર ઇન્ડેક્સ ઘટતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ઘટીને ૪.૨૭ ટકા થયાં છે જે ૨૪ કલાક પહેલાં ૪.૩૦૮ ટકા હતાં. 

ચીનની ઇકૉનૉમિક ક​ન્ડિશનને બૂસ્ટ આપવા ગવર્નમેન્ટ ઑથોરિટી અને સેન્ટ્રલ બૅન્ક દ્વારા શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવી રહ્યાં છે, જેને પગલે ચાઇનીઝ સ્ટૉક માર્કેટની તેજી આગળ વધી રહી છે અને સ્ટૉક ઇન્ડેક્સ ચાર ટકા વધીને સાત સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ પ્રૉપટી ડેવલપર્સને મુશ્કેલીમાંથી બહાર કાઢવા ૧૨૩.૬ અબજ યુઆન એટલે કે ૧૭ અબજ ડૉલરની લોન આપવાની મંજૂરી આપી હતી. લોન પ્રાઇમ રેટમાં ધારણાથી વધુ પચીસ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરતાં બૅ​ન્કિંગ અને ટેક્નૉલૉજી શૅર પણ વધ્યા હતા. 

જપાનની એક્સપોર્ટ જાન્યુઆરીમાં ૧૧.૯ ટકા વધીને ૧૪ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી જે ડિસેમ્બરમાં ૯.૭ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૯.૫ ટકા વધવાની હતી. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઇ​ક્વિપમેન્ટની એક્સપોર્ટ ૨૪.૧ ટકા વધતાં કુલ એક્સપોર્ટ વધી હતી. જપાનની ઇમ્પોર્ટ જાન્યુઆરીમાં ૯.૬ ટકા ઘટી હતી જે સતત દસમા મહિને ઘટી હતી. ડિસેમ્બરમાં ઇમ્પોર્ટ ૬.૯ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ૮.૪ ટકા ઘટાડાની હતી. જપાનની એક્સપોર્ટ વધતાં ટ્રેડ ડેફિસિટ જાન્યુઆરીમાં ઘટીને ૧૭૫૮.૩૧ અબજ યેન રહી હતી જે એક વર્ષ પહેલાં ૩૫૦૬.૩૮ અબજ યેન હતી. 

યુરો એરિયાનો કન્સ્ટ્રક્શન્સ ગ્રોથ ડિસેમ્બરમાં ૧.૯ ટકા વધીને દસ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૧.૯ ટકા ઘટ્યો હતો. બિ​લ્ડિંગ ઍ​ક્ટિવિટી પણ ડિસેમ્બરમાં ૧.૩ ટકા વધી હતી જે નવેમ્બરમાં ૨.૧ ટકા ઘટી હતી. સિવિલ એ​​ન્જિનિયરિંગ ઍ​ક્ટિવિટી ૪.૭ ટકા વધી હતી જે નવેમ્બરમાં ૦.૩ ટકા ઘટી હતી. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
અમેરિકાના તમામ ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવી રહ્યા હોવા છતાં ગવર્નમેન્ટ ડેબ્ટનો વધારો જોખમી તબક્કામાં પહોંચી ગયો છે જેના વિશે ઇકૉનૉમિસ્ટો વારંવાર ચેતવણી આપી રહ્યા છે. ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક્સ ઇ​​​​સ્ટિટ્યૂટના સિનિયર ફેલો અને ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડના ચીફ ઇકૉનૉમિસ્ટ બ્લેનચાર્ડે જણાવ્યું હતું કે ફિઝિકલ ડેફિસિટ સતત વધી રહી છે અને આશ્ચર્યનજક રીતે એમાં ઘટાડો કરવાનો કોઈ પ્રયત્ન ગવર્નમેન્ટ ઑથોરિટી દ્વારા થતો નથી. ૨૦૨૩માં ગવર્નમેન્ટ ડેબ્ટ વધીને ૨૬ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી જે જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ની ૯૭ ટકા હતી. ગવર્નમેન્ટની કુલ ડેબ્ટ જીડીપીના ૧૨૦ ટકાએ પહોંચી છે. છેલ્લા સાત દિવસમાં ડૉલર ઇન્ડેક્સ ઘટાડો અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ઝડપથી ઘટી રહ્યાં છે. આ તમામ ઘટનાનો સંકેત એવો પણ હોઈ શકે છે કે ફેડ કદાચ મે મહિનામાં પણ પચીસ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરી શકે છે. જો ખરેખર આવું બને તો સોનામાં અણધારી અને મોટી તેજી જોવા મળશે.

business news share market stock market sensex nifty gold silver price