ટીસીએસનાં આજનાં ક્વૉર્ટર્લી રિઝલ્ટ આઇટી ક્ષેત્ર માટે મહત્ત્વનાં

09 January, 2025 09:16 AM IST  |  Mumbai | Kanu J Dave

મિડ-વીક ડેએ મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સમાં મંદી કરી, નિફ્ટીના સપોર્ટ ૨૩,૪૦૦, ૨૩,૨૦૦

પ્રતીકાત્મક તસવીર

ડિક્સોન ૮ ટકા ડાઉન, લુપીન યુએસએફડીએનો ઈઆઇઆર આવતા ઘટ્યો, ઓએનજીસીની આગેકૂચ ચાલુ, અપોલો હૉસ્પિટલ સાડાચાર ટકા તૂટ્યો

બુધવારે મિડકૅપમાં મંદીનો માહોલ વધુ જોવા મળ્યો હતો જેના આધારે વાયદામાં પણ સોદા થાય છે એ ઇન્ડેક્સ મિડકૅપ સિલેક્ટ 1.39 ટકા તૂટી 177.15 પૉઇન્ટ્સ ગુમાવી 12,562.20, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ 0.83 ટકાના લોસે 23,236.05 અને નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 0.80 ટકાના લોસે 66,402.60ની સપાટીએ વિરમ્યા હતા. સાથે-સાથે જ આ ઇન્ડેક્સોના ઘટક શૅરોમાંથી એક પણ શૅર બે ટકાથી વધુ ગેઇન હાંસલ કરી શક્યા નહોતા. મિડકૅપ સિલેક્ટનો પ્રતિનિધિ ડિક્સોન ટેક્નૉલૉજી 8.41 ટકાના ગાબડાએ શૅરે 1551 રૂપિયા ગુમાવી 16,900 રૂપિયાની સપાટીએ બંધ હતો. છેલ્લાં ચાર ટ્રેલિંગ ક્વૉર્ટરમાં 50 ઉપરાંતના પીઇ રેશિયોએ ટ્રેડ થયેલો આ શૅર સર્વેલન્સ હેઠળ લૉન્ગ ટર્મ એએસએમ-1 સ્ટેજમાં છે. 17મી ડિસેમ્બરે 52 સપ્તાહની 19,148.90 ટોચેથી 2249 રૂપિયા ડાઉન છે, જે પોણાબાર ટકાનો ઘટાડો ગણાય. આ જ ઇન્ડેક્સનો લુપીન પણ સવાચાર ટકા તૂટીને 2256 થઈ ગયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) તરફથી તેના પીઠમપુર પ્લાન્ટ-બે માટેનો એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ (ઈઆઇઆર) મળ્યો એની અસર હોવાનું મનાય છે. ઇન્સ્પેક્શન સપ્ટેમ્બરમાં થયું હતું અને એ વખતના ઑબ્ઝર્વેશનને અનુલક્ષીને યોગ્ય પગલાં લઈ રહી હોવાનો કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં ખુલાસો કર્યો હતો. અન્ય બે કૉન્સ્ટિટ્યુઅન્ટ શૅર પોલિકૅબ અને ગોદરેજ પ્રૉપર્ટી સવાત્રણ ટકા જેટલા ઘટી અનુક્રમે 6920 રૂપિયા અને 2565 રૂપિયાના લેવલે બંધ હતા. નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ અને નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના ત્રણ ટકાથી વધુ ઘટનારા શૅરોમાં જેએસડબ્લ્યુ એનર્જી 577 રૂપિયા, સીમેન્સ 6282 રૂપિયા અને યુનાઇટેડ સ્પિરિટ્સનાં નામ હતાં. નિફ્ટી 23,708ના પ્રીવિયસ બંધ સામે 23,746 ખૂલી શરૂઆતની ક્ષણોમાં જ 23,751નો હાઈ નોંધાવી, બપોરે 23,496નો લો બનાવી છેવટે 19 પૉઇન્ટ્સ ઘટી 23,688 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના ટૉપ ગેઇનરનું બહુમાન બુધવારે પણ ઓએનજીસીને મંગળવારના પોણાચાર ટકાના સુધારા ઉપરાંત બુધવારના 3 ટકાના ગેઇન સાથે 271 રૂપિયાના બંધના હિસાબે મળ્યું હતું. વિગતવાર માહિતી મંગળવારના માર્કેટ મૂડમાં આપી છે. આઇટીસી (હવે આઇટીસી હોટેલ સિવાયનો શૅર) બે ટકા સુધરી 449 રૂપિયા બંધ હતો. આઇટીસી હોટેલનું લિસ્ટિંગ થતા વાર લાગશે, એથી સમ ઑફ પાર્ટ્સના હિસાબે મળતું ખરું વૅલ્યુએશન ત્યારે જ જોવા મળશે. આજની બોર્ડ મીટિંગ પૂર્વે ટીસીએસ બુધવારે પોણાબે ટકા સુધરી 4095 રૂપિયા થયો હતો. નિફ્ટીના લુઝર્સમાં ટૉપ પર અપોલો હૉસ્પિટલ ચાર ટકાના મૂલ્યહ્રાસે 7135 રૂપિયા, ટ્રેન્ટ વધુ પોણાત્રણ ટકા ઘટી 6684 રૂપિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ સવાબે ટકા ઘટી 11,370 રૂપિયાના સ્તરે બંધ હતા. અલ્ટ્રાટેકને સેન્ટ્રલ જીએસટી, ભોપાલ તરફથી મળેલા ઑર્ડર પર વિચારણા કરી વધુ પગલાં લેશે એવી એક્સચેન્જને જાણ કરી હતી. બૅન્ક નિફ્ટી પોણો ટકો ઘટી 49,835ના સ્તરે બંધ હતો. એના ટૉપ ફાઇવ ગેઇનર્સ-લુઝર્સ પણ એક-દોઢ ટકાની મર્યાદામાં વધ્યા-ઘટ્યા હતા. 

ન્યુઝડ્રીવન આ શૅરો પર એક નજર

મણપ્પુરમ ફાઇનૅન્સની કંપની આશીર્વાદ માઇક્રો ફાઇનૅન્સ પરના સુપરવાઇઝરી રિસ્ટ્રિક્શન્સ આરબીઆઇએ હટાવી લીધા હોવાના ન્યુઝની અસર આજે જોવા મળી શકે છે. મણપ્પુરમનો બંધ ભાવ 180.41 રૂપિયા હતો. ડેમ કૅપિટલ ઍડ્વાઇઝર્સનો ભાવ પોણાચાર ટકા ઘટી 386 રૂપિયા રહ્યો હતો. આ કંપનીએ રિસર્ચના આધારે બનાવેલ ત્રણ વર્ષમાં ડબલ થવાની સંભાવનાવાળા શૅરોની યાદીમાં 14 કંપનીઓને મૂકી છે અને તેમણે ઑઇલ ઍન્ડ ગૅસ, રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, કૅપિટલ ગુડ્સ, રીટેલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સિમેન્ટ અને ઑટો એન્સિલરીને ગ્રોથ સેક્ટર્સ ગણાવ્યા છે.    

ડિફેન્સિવ ગણાતો નિફ્ટી આઇટી ઇન્ડેક્સ બુધવારે 0.60 ટકા વધી 43,634 બંધ હતો

નિફ્ટીના 50માંથી 28, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના 50માંથી 39, મિડકૅપ સિલેક્ટના 25માંથી 17, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 17 અને બૅન્ક નિફ્ટીના 12માંથી 9 શૅરો ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના 30માંથી 16 શૅરો અને બૅન્કેક્સના 10માંથી 8 શૅરો ડાઉન હતા. એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન ઘટીને 436.64 (438.71) લાખ કરોડ રૂપિયાના સ્તરે તો બીએસઈ લિસ્ટેડ શૅરોનું 439.59 (441.75) લાખ કરોડ રૂપિયા હતું. એનએસઈના 2914 ટ્રેડેડ શૅરોમાંથી 1865 તથા બીએસઈના 4066 ટ્રેડેડ શૅરોમાંથી 2464 ઘટીને બંધ આવતાં માર્કેટ બ્રેડ્થ ફરી નબળી પડી હતી. એનએસઈ ખાતે 54 અને બીએસઈમાં 148 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 73 અને 101 શૅરો 52 વીક લો પર હતા. એનએસઈના 88 શૅરો ઉપલી સર્કિટે અને 70 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.

ટીસીએસનાં રિઝલ્ટ: ઍનલિસ્ટોનો મત
આજે ટીસીએસનાં ડિસેમ્બર ત્રિમાસિક પરિણામોની જાહેરાત થશે. ઍનલિસ્ટો માને છે કે કોન્સ્ટન્ટ કરન્સીમાં મૂલવતાં ટીસીએસનો આ ક્વૉર્ટરનો ગ્રોથ એક ટકાથી પણ ઓછો હશે અને એ 2024ના સમાન ગાળાની તુલનાએ તેમ જ ક્વૉર્ટર ઑન ક્વૉર્ટર ધોરણે પણ ઓછો રહેશે. કંપનીના નફા પર બીએસએનએલ કૉન્ટ્રૅક્ટની કેવી અસર જોવાશે એ જોવું રહ્યું. 2026ના નાણાકીય વર્ષમાં 8 ટકાના ગ્રોથ માટે જરૂરી બૅકગ્રાઉન્ડ છે કે નહીં એની પણ ઍનલિસ્ટો આતુરતાથી રાહ જુએ છે, જેનો આજે અંત આવશે. છેલ્લા એક વર્ષમાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 26 ટકા, ઇન્ફોસિસ 27 ટકા, ટેક મહિન્દ્ર 36 ટકા, એચસીએલ ટેક્નૉ 33 ટકા વધ્યા એની સામે ટીસીએસ માત્ર 9-10 ટકા જ વધ્યો છે એ મુદ્દો પણ નોંધ લેવા જેવો ગણાય. ડિસેમ્બર 2024 ત્રિમાસિકમાં એચસીએલ ટેક્નૉ સૌથી વધુ 4 ટકા ક્વૉર્ટર ઑન ક્વૉર્ટર ગ્રોથ થવાની ધારણા ઍનલિસ્ટો રાખે છે. બાકીની બધી મુખ્ય આઇટી કંપનીઓનો આવો ગ્રોથ એક ટકાથી પણ નીચો રહેશે એવું એમનું અનુમાન છે. ઇન્ફોસિસ ગાઇડન્સ વધારે છે કે નહીં એના પર પણ સૌની નજર રહેશે.   

ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ટૉપ ગેઇનર
ઓએનજીસી સહિતના આ સેક્ટરના શૅરોના સુધારાનો પડઘો પાડી ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ 1.54 ટકા વધી 11,070.35ના સ્તરે બંધ રહી એનએસઈ ઇન્ડેક્સમાં ટૉપ ગેઇનર હતો. આ ઇન્ડેક્સનો ઑઇલ ઇન્ડિયા સાડાત્રણ ટકા વધી 490 રૂપિયા અને જેનો 31મીથી વાયદાની યાદીમાં સમાવેશ થવાનો છે એ કેસ્ટ્રોલ સવાબે ટકા વધી 200 રૂપિયાના લેવલે બંધ હતા. ગેઇલ 2.18 ટકા વધી 190 રૂપિયાએ પહોંચ્યો હતો. રિલાયન્સ પણ આ ઇન્ડેક્સનો ભાગ છે એ 1.65 ટકા વધી 1261 રૂપિયા બંધ હતો. આ શૅર એના બાવન સપ્તાહના લો ભાવ 1201.50 રૂપિયાથી માત્ર પાંચ ટકા જ ઉપર હોવાથી બાવન સપ્તાહનો નવો લો નકારી શકાય નહીં એવી ધારણાએ હજી પણ રૂટેલ પાર્ટિસિપેશન ઓછું છે. ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સનો પ્રતિનિધિ ઇન્દ્રપ્રસ્થ ગૅસ જે ગત સપ્તાહે 10 ટકા ઉપરાંત સુધરનાર શૅરોની યાદીમાં હતો એ બુધવારે સવાપાંચ ટકા તૂટી 408 રૂપિયાના સ્તરે આવી ગયો હતો. શૅર એક શૅર પર એક બોનસ શૅર સાથે કમબોનસ ટ્રેડ થાય છે.  

FIIની નેટ વેચવાલી વધી
બુધવારે એફઆઇઆઇની 3362.18 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. સામે ડીઆઇઆઇની 2716.28 કરોડ રૂપિયાની નેટ લેવાલી હતી. આમ કૅશ સેગમેન્ટમાં સમગ્રતયા 645.90 કરોડ રૂપિયાની નેટ વેચવાલી જોવા મળી હતી. 

   

business news nifty sensex share market stock market national stock exchange bombay stock exchange