02 October, 2024 09:11 AM IST | Mumbai | Kanu J Dave
સ્ટોક માર્કેટ
મંગળવારે મિડ-વીક બૅન્ક નિફ્ટી અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસના વિક્લી ઑપ્શન્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે સુસ્ત બજારમાં મિડકૅપ શૅરોમાં પ્રમાણમાં સારાં કામકાજ થયાં હતાં. નિફ્ટી માત્ર 13.95 પૉઇન્ટ્સના ઘટાડે 25,796.90 બંધ રહ્યો હતો. 25,788.45 ખૂલી શરૂઆતમાં જ વધીને 25,9707.60 સુધી ગયા બાદ આખો દિવસ સોમવારના ક્લોઝિંગથી થોડા પૉઇન્ટ્સ ઉપર-નીચે થઈ 25,739.20નો લો બનાવી અંતે 0.05 ટકાના લોસે 25,796.90 બંધ રહ્યો હતો. 26,277.35નો નવો રેકૉર્ડ હાઈ હવે રેઝિસ્ટન્સની ગરજ સારશે. સેન્સેક્સનો આવો હાઈ 85,978.25ના સ્તરે છે. સેન્સેક્સ 84,266.29ના સ્તરે 35.49 પૉઇન્ટ્સ, 1.49 ટકાના મામૂલી નુકસાને બંધ રહ્યો હતો. આમ સોમવારે જોવા મળેલા ઝંઝાવાત પછી બજારે મંગળવારે રાહત અનુભવી હતી. રિલાયન્સે પોતાના 24 પૉઇન્ટ્સ સામે સેન્સેક્સના 70 પૉઇન્ટ્સ અને એચડીએફસી બૅન્કે પોતાના 6 પૉઇન્ટ્સ સામે સેન્સેક્સના 38 પૉઇન્ટ્સ તોડી એમનું ઇન્ડેક્સમાં વેઇટેજ કેવું કામ કરે છે એનો ડેમો આપ્યો હતો. આવા જ વજનદાર શૅરો ઇન્ફોસિસે 28 રૂપિયા વધી સેન્સેક્સના 28 પૉઇન્ટ્સ અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રએ 68 પૉઇન્ટ્સ વધી સેન્સેક્સના 57 પૉઇન્ટ્સ વધાર્યા હતા. ઉપરાંત આઇસીઆઇસીઆઇ બૅન્ક પોતે માત્ર 7 રૂપિયા વધ્યો હતો પણ તેણે સેન્સેક્સના 49 પૉઇન્ટ્સ વધાર્યા હતા. એવી જ રીતે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના 9 રૂપિયાના સુધારાના પરિણામે સેન્સેક્સ 31 પૉઇન્ટ્સ સુધર્યો હતો. બૅન્ક નિફ્ટીના વિક્લી ઑપ્શનની એક્સપાયરીને એન્કૅશ કરવા કોલ-પુટ રાઇટર્સે કોટક મહિન્દ્ર બૅન્કને પણ 27 રૂપિયા સુધાર્યો એના કારણે સેન્સેક્સમાં 31 પૉઇન્ટ્સનો સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં બે ટકાથી વધુનો સુધારો નોંધાવનાર શૅરો હતા - ટેક મહિન્દ્ર 1622.35 રૂપિયા, 2.93 ટકા અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર 3164.85 રૂપિયા, 2.22 ટકા. સામે બે ટકા બગડનારો એક માત્ર શૅર ઇન્ડ્સઇન્ડ બૅન્ક હતો જે 2.68 ટકા તૂટી 1409.15 રૂપિયા પર આવી ગયો હતો. સેન્સેક્સના 30માંથી 13 શૅરો સુધર્યા હતા. ચીનનાં બજારો મંગળવારથી એક સપ્તાહ માટે રજા પર છે. જપાનમાં સત્તાધારી પક્ષે ઇસીબાને વડા પ્રધાન બનાવ્યા, તેમની આર્થિક નીતિઓ માર્કેટ ફ્રેન્ડ્લી ન હોવાનું માની જપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ સોમવારે 4.80 ટકા તૂટ્યો હતો એ મંગળવારે 1.93 ટકા સુધરી 38,651.97 બંધ રહ્યો હતો. ડૉલર સામે યેન મજબૂત થવાથી મોટા ભાગે નિકાસો પર નિર્ભર જૅપનીઝ કંપનીઓના શૅરોમાં સોમવારે વેચવાલી આવી હતી એ ટ્રેન્ડ મંગળવારે યેન 0.17 ટકા નરમ રહી એક ડૉલરના 143.9525ની સપાટીએ પહોંચતાં ટોયોટામાં 2.10 ટકા, હોન્ડામાં સવાબે ટકા અને નિસ્સાનમાં પોણાબે ટકાનો સુધારો જોવાયો હતો. ઘરઆંગણે નિફ્ટીનો હીરો મોટોકૉર્પ પણ 0.92 ટકા વધી 5765 રૂપિયા બંધ હતો. જોકે ઑટો જાયન્ટ બજાજ ઑટો નિફ્ટી લુઝર્સની યાદીમાં આવી સવા ટકો ઘટી 12,175 બંધ હતો. હૉન્ગકૉન્ગ બજારમાં આજે હૉલીડે હતો. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી અને મિડકૅપ સિલેક્ટમાં સુધારો એક ટકાથી ઓછો હતો. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 0.25 ટકા વધી 77,284 અને મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સ 0.55 ટકા વધી 13,296ના સ્તરે બંધ રહ્યા હતા. બૅન્ક નિફ્ટી 0.10 ટકા અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ 0.01 ટકા ઘટી અનુક્રમે 52,922 અને 24,477ના લેવલે બંધ હતા. નિફ્ટીના ઓએનજીસી 1.75 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.63 ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક 2.66 ટકા, બજાજ ઑટો 1.38 ટકા અને ટાટા સ્ટીલ 1.10 ટકા ઘટતાં ભાવ અનુક્રમે 292, 3275, 1409, 12,175 અને 166 રૂપિયા બંધ રહ્યા હતા.
એનએસઈના 77માંથી 49 ઇન્ડેક્સ પ્લસમાં વિરમ્યા એમાં મીડિયા ઇન્ડેક્સ 1.6 ટકા સૌથી વધુ સુધર્યો હતો તો સૌથી વધુ 0.76 ટકાના પ્રમાણમાં નિફ્ટી સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇસિસ ઇન્ડેક્સ (સીપીએસઈ) ઘટ્યો હતો.
નિફ્ટીના 21 (10) શૅર વધ્યા અને 29 (39) ઘટ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 25 (11), નિફ્ટી બૅન્કના 12માંથી 5 (3), નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસના 20માંથી 8 (1) અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 16 (10) શૅરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 13 (5) અને બૅન્કેક્સના 10માંથી 5 (1) શૅરો વધ્યા હતા. એનએસઈના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2874 (2896) ટ્રેડેડ શૅરોમાંથી 1639 (1154) વધ્યા, 1137 (1668) ઘટ્યા અને 98 (74) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઈ 101 (160) શૅરોએ અને નવા લો 33 (72) શૅરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કિટે 154 (125) તો નીચલી સર્કિટે 54 (108) શૅરો ગયા હતા.
એફઆઇઆઇની વેચવાલી ચાલુ
મંગળવારે એફઆઇઆઇની 5579.35 કરોડ રૂપિયાની નેટ વેચવાલી સામે ડીઆઇઆઇની 4609.55 કરોડ રૂપિયાની નેટ લેવાલી રહેતાં સમગ્રતયા 969.80 કરોડ રૂપિયાની નેટ વેચવાલી કૅશ સેગમેન્ટમાં જોવા મળી હતી. બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 474.86 (474.35) લાખ કરોડ રૂપિયાના સ્તરે હતું
સેબીના F&Oમાં નાના ટ્રેડર્સને બચાવવાનાં સ્ટેપ્સ આ રહ્યાં
સોમવારે સેબીની બોર્ડ મીટિંગ યોજાઈ હોવાથી બજારમાં આશંકા હતી કે એ સોમવારે F&Oમાં સુધારા-વધારાનાં પગલાંઓ જાહેર કરશે. જોકે સેબીએ મંગળવારે સાંજે આવાં પગલાંઓની જાહેરાત કરી એમાંથી મુખ્ય મુદ્દા આ મુજબ છે
પહેલી ફેબ્રુઆરી 2025થી દલાલોએ ઑપ્શનની ખરીદી પેટેનું પ્રીમિયમ અપફ્રન્ટ લઈ લેવું પડશે. મતલબ કે હાલ સિક્યૉરિટીઝ અને અન્ય પ્રકારના પ્લેજિંગ સામે ખૂલતી લિમિટનો ઉપયોગ લોકો ઑપ્શનમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ માટે કરે છે. પહેલી ફેબ્રુઆરી 2025 પછી ઑપ્શન ખરીદવા હોય તો પણ સોદો કરતાં પહેલાં જ માર્જિન ચૂકવી દેવું પડશે. પરિણામે ઇન્ટ્રા-ડે સટ્ટાખોરી ઓછી થઈ જશે.
એક્સપાયરી (કૉન્ટ્રૅક્ટ સમાપ્તિ)ના દિવસે કૅલેન્ડર સ્પ્રેડ્સના સોદા કરી શકાશે નહીં. આવા સોદામાં વર્તમાન સેટલમેન્ટમાં લેવાનો અને પછીના સેટલમેન્ટમાં વેચવાનો અથવા એનાથી વિપરીત વર્તમાનમાં વેચવાનો અને ઉપલા સેટલમેન્ટમાં લેવાનો સોદો કરી એમાંથી નફો મેળવવાનો પ્રયત્ન કરાતો હોય છે. સેટલમેન્ટના છેલ્લા દિવસે ભારે વધ-ઘટ થતી હોય છે અને એના કારણે સેટલમેન્ટના દિવસે આવા કૅલેન્ડર સ્પ્રેડ્સ પહેલી ફેબ્રુઆરી 2025થી થઈ શકશે નહીં.
એ જ રીતે પહેલી એપ્રિલ 2025થી ઇન્ડેક્સ ડેરિવેટિવ્સમાંની તમામ પોઝિશન્સનું સમગ્ર દિવસ દરમ્યાન મોનિટરિંગ કરી લિમિટથી ઉપરના સોદા નજર બહાર જવાનું જોખમ નિવારાશે.
20મી નવેમ્બરથી નવા ઇન્ડેક્સ ડેરિવેટિવ્સના કૉન્ટ્રૅક્ટની સાઇઝ વર્તમાન 5-7 લાખથી વધારી 15-20 લાખ રૂપિયાની કરાશે. લોટ સાઇઝ મોટી કરાતાં ઘણા ડે-ટ્રેડર્સ માટે આ સાઇઝ તેમના ગજા કરતા મોટી થવાથી એવા નાના ડે-ટ્રેડર્સ નુકસાનમાંથી બચી જશે.
એ જ રીતે 20મી નવેમ્બર પછી દરેક એક્સચેન્જ માત્ર એક જ બેન્ચમાર્ક ઇન્ડેક્સ પર વિક્લી ઑપ્શન્સ કૉન્ટ્રૅક્ટ ઑફર કરી શક્શે. આ નિયમના કારણે નિફ્ટી સાપ્તાહિક ઑપ્શન્સ એનએસઈમાં અને બૅન્કેક્સના આવા ઑપ્શન્સ બીએસઈમાં થવાની સંભાવના છે.
ઉપરાંત 20મીથી એક્સપાયરીના દિવસે ઑપ્શન્સ કૉન્ટ્રૅક્ટ્સની વેચાણની (શૉર્ટ) પોઝિશન્સ પર વધારાનું બે ટકા એક્સ્ટ્રીમ લોસ માર્જિન પણ લેવાશે. એ તો સુવિદિત છે કે ઑપ્શન્સ ખરીદો તો પ્રીમિયમની રકમ જેટલું જ જોખમ હોય છે, પણ ઑપ્શન્સ વેચો તો જોખમ અનલિમિટેડ હોય છે અને એથી જ જોખમ સમજ્યા વગર આડેધડ સોદા કરનારાઓને ઉગારવા માટે પગલું લેવાયું છે.