19 July, 2024 09:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે આઈટીની દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટના સર્વરમાં મોટી ટેક્નિકલ ખામી (Microsoft Global Outage) સર્જાઈ હતી, જેના કારણે સર્વર ઠપ થઈ ગયું હતું. આ ટેક્નિકલ ખામીને કારણે માઈક્રોસોફ્ટને એક દિવસમાં $23 બિલિયનનું મોટું નુકસાન થયું છે. એટલું જ નહીં આઈટી આઉટેજની અસર વિશ્વભરની કંપનીઓ પર પડી છે.
તમને જણાવી દઈએ કે, શુક્રવારે માઇક્રોસોફ્ટનું સર્વર ફેલ (Microsoft Global Outage) થતાં જ આખી દુનિયામાં હંગામો મચી ગયો હતો. ઘણી ટીવી ચેનલોનું પ્રસારણ બંધ કરવામાં આવ્યું હતું, ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. તેની અસર બેન્કો અને ઘણી કૉર્પોરેટ કંપનીઓ પર પડી હતી.
માઇક્રોસોફ્ટના સર્વર ડાઉન (Microsoft Global Outage) હોવાને કારણે તેના શેરના ભાવમાં 0.71 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે કંપનીના મૂલ્યમાં થોડાક કલાકોમાં લગભગ £18 બિલિયન ($23 બિલિયન)નો ઘટાડો થયો હતો. 19 જુલાઈના રોજ સવારે 10:09 વાગ્યા સુધીમાં કંપનીના શેરની કિંમત $443.52 (£343.44)ના અગાઉના બંધથી ઘટીને $440.37 (£341) થઈ ગઈ હતી.
માઈક્રોસોફ્ટ આઈટી સિસ્ટમ ક્રેશ થયાના થોડા કલાકો બાદ કંપનીના વેલ્યુએશનમાં 18 બિલિયન પાઉન્ડનું જંગી નુકસાન નોંધાયું છે. તમને જણાવી દઈએ કે, માઈક્રોસોફ્ટ એપલ પછી વૈશ્વિક સ્તરે ટેક ક્ષેત્રની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક છે. શુક્રવારે આઇટી આઉટેજ પહેલાં, તેનું બજાર મૂલ્ય $3.27 ટ્રિલિયન (£2.53 ટ્રિલિયન) નોંધાયું હતું. તેના શેરની કિંમતમાં દરેક 0.1 ટકાના ઘટાડા માટે, આશરે $3.33 બિલિયન (£2.58 બિલિયન) તેની કંપની મૂલ્યને બરબાદ કરવામાં આવી હતી.
વિશ્વભરની કંપનીઓ પર અસર
સ્ટોકલીટીક્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિશ્વની આઇટી દિગ્ગજ માઇક્રોસોફ્ટની આ આઇટી આઉટેજની વિશ્વભરની કંપનીઓ પર નોંધપાત્ર અસર થવા જઇ રહી છે. તેમણે કહ્યું કે તાત્કાલિક નાણાકીય નુકસાન છતાં, વૈશ્વિક ટેક્નોલોજી સિસ્ટમમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને કારણે માઇક્રોસોફ્ટ ઝડપથી પુનઃપ્રાપ્ત થવાની અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે, સાયબર સુરક્ષા કંપની ક્રાઉડ સ્ટાઇકે એક અપડેટ બહાર પાડ્યું હતું, જેના પછી એમએસ વિન્ડોઝ પર ચાલતા તમામ કમ્પ્યુટર્સ અને લેપટોપ અચાનક ક્રેશ થઈ રહ્યા છે. કામ કરતી વખતે લેપટોપ અચાનક બંધ થઈ જાય છે. સ્ક્રીન પર એક સંદેશ દેખાય છે જેમાં લખવામાં આવ્યું છે – “કોમ્પ્યુટર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તેને ફરી શરૂ કરવાની જરૂર છે.” આ પ્રક્રિયાને બ્લુ સ્ક્રીન ઑફ ડેથ (BSOD) કહેવામાં આવે છે.
માઈક્રોસોફ્ટ વપરાશકર્તાઓ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે?
માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં આ સમસ્યાને કારણે કંપની સંબંધિત ઘણી સેવાઓને અસર થઈ છે. વપરાશકર્તાઓ માઇક્રોસોફ્ટ 360, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ ટીમ્સ, માઇક્રોસોફ્ટ એઝર, માઇક્રોસોફ્ટ સ્ટોર અને માઇક્રોસોફ્ટ ક્લાઉડ-સંચાલિત સેવાઓમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
માઈક્રોસોફ્ટ 365માં ખરાબીના 900થી વધુ અહેવાલો સામે આવ્યા છે. 74 ટકા વપરાશકર્તાઓ માઇક્રોસોફ્ટ સ્ટોર પર લૉગિન કરવામાં સક્ષમ નથી. જ્યારે 36 ટકા યુઝર્સ એપમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સિવાય કંપની સંબંધિત અન્ય પ્લેટફોર્મ પર પણ સમસ્યાઓની જાણ થઈ રહી છે.