મેટલ્સ શૅરો મજબૂત: ચીનની વધતી માગના કારણે ધાતુઓમાં સપ્લાય શૉર્ટેજ, તેજી આગળ વધી શકે

22 May, 2024 07:16 AM IST  |  Mumbai | Kanu J Dave

સેન્સેક્સ 0.07 ટકા, 52 પૉઇન્ટ ઘટી 73953 બંધ રહ્યો એમાં 30માંથી 18 શ.રો ઘટ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન સોમવારે પૂર્ણ થયા પછી મંગળવારે ટ્રેડિંગ ઇન્ડેક્સોના સંદર્ભમાં ઝમકવિહોણું દેખાતું હોવા છતાં ક્વૉર્ટરલી રિઝલ્ટ્સ અને ન્યુઝ ડ્રીવન શૅરોમાં સારી એવી ઊથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સ 0.07 ટકા, 52 પૉઇન્ટ ઘટી 73953 બંધ રહ્યો એમાં 30માંથી 18 શ.રો ઘટ્યા હતા. ઘટનારા શૅરોમાં દોઢ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ વધવામાં મેટલ્સના તાતા સ્ટીલ અને જેએસડબ્લ્યુ સ્ટીલે સાડાત્રણ ટકાનો સુધારો દર્શાવ્યો હતો. પાવર ગ્રીડમાં પોણાત્રણ ટકાનો તો એનટીપીસીમાં પોણાબે ટકાનો વધારો થયો હતો. તાતા સ્ટીલે 175.20 રૂપિયાનો નવો હાઈ બનાવી બંધ 174.20 આપ્યું હતું. વૉલ્યુમ બે સપ્તાહની ઍવરેજ કરતાં 2.80 ગણું હતું. જેએસડબ્લ્યુ સ્ટીલે પણ 928.70નો નવો હાઈ કરી 923.75 બંધ આપ્યું હતું. આ શૅરનું વૉલ્યુમ પણ બે સપ્તાહની ઍવરેજથી 2.85 ગણું થયું હતું.

સ્થાનિક-વિદેશી સંસ્થાઓ ફરીથી સામસામે

મંગળવારે સ્થાનિક સંસ્થાઓની 3549 કરોડ રૂપિયાની નેટ લેવાલી સામે એફઆઇઆઇએ 1875 કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી હતી. શનિવારના અપવાદ પછી વિદેશી સંસ્થાઓ પાછી વેચવાલ થઈ ગઈ છે. જોકે તેમના કરતાં બમણી લેવાલીનું જોર સ્થાનિક સંસ્થાઓએ બતાવ્યું એથી ઇન્ડેક્સો ટકેલા હતા.

સર્વિલન્સ હેઠળનો જીઆરપી લિમિટેડ 20 ટકા ઊછળ્યો

એએસએમ સ્ટેજ વન સર્વિલન્સ હેઠળનો જીઆરપી લિમિટેડ પણ 20 ટકા વધી 9176.40 રૂપિયા બંધ રહ્યો હતો. હિન્દુસ્તાન ઝિન્કમાં 20 ટકાની ઉપલી સર્કિટ લાગી એની ચર્ચા તો આપણે ઉપર કરી જ છે. ચાંદીના સંયોગો અને ભારતમાં ઉત્પાદન કરતી આ એક જ લિસ્ટેડ કંપની હોવાથી વધઘટે ભાવ 2000 થવાની સંભાવના જણાય છે, એથી રોકાણ માટે રડાર પર રાખી તક આવે ત્યારે ઝડપી લેવી. 20 ટકાની ઉપલી સર્કિટે બંધ રહેનાર વ્હીલ્સ ઇન્ડિયા 700-750 રૂપિયામાં ખોટો નથી એવું ઍનલિસ્ટો માને છે. તેમના મતે 500 રૂપિયાનો સ્ટૉપલોસ રાખવાથી એ ટ્રીગર થવાની સંભાવના બહુ ઓછી છે.

માર્કેટ બ્રેડ્થ તો તેજી જ સૂચવે છે

માર્કેટ બ્રેડ્થ થોડી ખરાબ થઈ એનએસઈ ખાતે 2788 ટ્રેડેડ શૅરોમાંથી 1546 ઘટ્યા, 1136 વધ્યા અને 106 અનચેન્જ્ડ રહ્યા હતા. 202 શૅરો બાવન સપ્તાહની ટોચે તો 25 શૅરો આવી બૉટમે ગયા હતા. અપર સર્કિટે પહોંચેલા શૅરોની સંખ્યા 149ની અને લોઅર સર્કિટે ગયેલા શૅરોની સંખ્યા 103 રહી હતી.

એફઍન્ડઓ સ્કૅનર

એનએસઈમાં મંગળવારે નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસના વિક્લી ઑપ્શન્સની એક્સપાયરી હતી. આજે છેલ્લા દિવસે માત્ર પાંચ પૈસાનો બંધ ભાવ આવ્યો હોય એવા કોલ ઑપ્શન્સના કમસે કમ 20-25 સ્ટ્રાઇક્સ હતા અને પુટ ઑપ્શન્સના 10-15 સ્ટ્રાઇક્સ હતા. તમે એનએસઈના વેબસાઇટ પર જઈને આ ઇન્ડેક્સના ચાર્ટ પર નજર ફેરવો તો જણાશે કે સાડાનવથી સાડાત્રણ સુધી આ ઇન્ડેક્સ બહુ જ સાંકડી 22475થી 22591 રેન્જમાં રહ્યો એથી ઉપરોક્ત તમામ ઑપ્શન્સના ભાવ જેમ-જેમ સમય જતો જાય તેમ-તેમ તેમનું મૂલ્ય ઘસાતું જાય અને છેવટે ઇન્ટ્રા-ડે રૂપિયામાં લીધા હોય તોય 95 પૈસાનું નુકસાન ભોગવવું પડે કેમ કે સમય ઑપ્શનની વૅલ્યુ ખાઈ જાય છે એ પરમ સત્ય છે અને આપણી એક્સચેન્જોમાં ઑપ્શન્સ લઈને સોદો કરવાવાળા લૉટરીની જેમ લે છે અને ઑપ્શન વેચવાવાળા ખાસ કરીને એક્સપાયરીના દિવસે આવા લેનારાઓને બરોબર સીસામાં ઉતારી મોટો નફો કરી લેતા હોય છે. આજે બુધવારે આ જ ઇન્ડેક્સના 28મી મેની એક્સપાયરીવાળા વિક્લી ઑપ્શન્સનો પહેલો દિવસ છે. 21450 આસપાસ ફાઇનૅન્શિયલ નિફ્ટીએ  બંધ આપ્યું છે. બુધવાર ત્રીજી જૂનથી શરૂ થતા વિક્લી સેટલમેન્ટ સુધી સોદા ન કરો તો વધારે સારું એવું ડિરાઇવેટિવ્ઝ ઍનલિસ્ટોનું માનવું છે.

ભારત-બિજલીના ભાવમાં ભડકો

અંદાજે 10 ગણા વૉલ્યુમ સાથે ભારત-બિજલીના શૅરનો ભાવ 4682.55 રૂપિયાની ઉપલી સર્કિટે બંધ રહ્યો હતો. ચોથા ત્રિમાસિકમાં પ્રૉફિટ ગયા વર્ષના સમાન સમયગાળાથી બમણો આવતાં ભારે વૉલ્યુમે 20 ટકાની સર્કિટ લાગી હતી. પાંચ હજારમાં 10 રૂપિયાવાળી રદ્દી જાતો લેવા કરતાં આવી સંગીન ફંડામેન્ટલ્સવાળી કંપનીનો એક શૅર લેવો વધુ ફાયદાકારક નીવડી શકે!

એસએમઈ પર એન્સર 20 ટકા વધ્યો

એસએમઈ પ્લૅટફૉર્મ પરનો એન્સર કોમ્યુનિકેશન્સ પણ 20 ટકા વધી 93વાળો 110 રૂપિયા થઈ ગયો હતો.

હિન્દુસ્તાન ઝિન્કમાં 20 ટકાની સર્કિટે 2000નું ટાર્ગેટ ફરવા લાગ્યું

જોકે મેટલ શૅરોમાં હિન્દુસ્તાન ઝિન્કે 20 ટકાની ઉપલી સર્કિટે 742.55 રૂપિયાના સ્તરે બંધ આપીને ચાંદીની ચમક દેખાડી બાજી મારી હતી. આ કંપનીના વૉલ્યુમમાં 20 ટકા હિસ્સો ચાંદીનો છે એથી ચાંદીના ભાવોમાં આવેલા ઉછાળા સાથે શૅરનો ભાવ પણ ઊછળ્યો હતો. આ શૅરો ઉપરાંત બીએસઈ મેટલ્સ આંકનો વેદાન્ત 7 ટકા વધી 490 રૂપિયા, હિન્દાલ્કો 5 ટકા સુધરી 693, કોલ ઇન્ડિયા પોણાપાંચ ટકાના ગેઇન સાથે 491 થઈ ગયા હતા. મેટલ્સ આંકના 10માંથી 9 શૅર વધ્યા હતા. ચીનની માગ દિવસે-દિવસે વધતી જવાથી સપ્લાય શૉર્ટેજની દહેશતે મેટલ્સ અને મેટલ્સ શૅરોમાં મજબૂતાઈ જોવાય છે. બૅન્કેક્સ 0.22 ટકા ઘટી 54942 રહ્યો હતો. 10માંથી 7 ડિક્લાઇન્સ હતા. એનએસઈના મુખ્ય પાંચ ઇન્ડેક્સોમાં 0.86 ટકાના સુધારા સાથે નિફ્ટી નેક્સ્ટ 50 આજે પણ અગ્રેસર રહ્યો હતો. 68324.25નો નવો ઑલટાઇમ હાઈ નોંધાવી આ ઇન્ડેક્સ 68241ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના ઘટક શૅરોમાંથી વેદાન્ત ઉપરાંત અદાણી પાવરે પણ 7 ટકા સુધરી 683 થઈ સારી મજબૂતાઈ દેખાડી હતી. ઉપરાંત અન્ય પ્રતિનિધિ શૅરો બીઈએલ, એલઆઇસી અને જિંદલ સ્ટીલે 5-5 ટકાનો સુધારો તો નોકરી અને આઇઆરએફસીએ 3-3 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. ઔદ્યોગિક ધાતુઓના ભાવ પુરવઠાની ખેંચના ડરે વિક્રમી સપાટીએ પહોંચ્યા હોવાથી મેટલ્સમાં મજબૂતાઈ જોવા મળી એના પગલે આ ધાતુઓના ઉત્પાદન સાથે સંકળાયેલ કંપનીઓના શૅરોના ભાવ પણ વધ્યા હતા. સોમવારે લંડન મેટલ્સ એક્સચેન્જ ખાતે કૉપરના ભાવે ટને 11 હજાર ડૉલરની સપાટી ક્રૉસ કરી હતી. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો વ્યાપ વધવા સાથે કૉપર શૉર્ટ સપ્લાયમાં જ રહેશે એવી ગણતરીએ કૉપરના શૅરોમાં અને ચાંદીમાં તો સોલર અને અન્ય ન્યુએજ ઉદ્યોગોની માગ સંતોષી શકે એટલો પુરવઠો થતાં ઘણો સમય લાગશે એવા ડરે ચાંદી અને એના ઉત્પાદકોના શૅરોના ભાવ ઊછળવા લાગ્યા છે. આ વર્ષે કૉપરના ભાવમાં ઑલરેડી 30 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કીમતી ધાતુઓ સોના અને ચાંદીમાં યુએસમાં 2024માં 3 કે 4 રેટ-કટ્સ આવશે એવી હવા અને ઇઝરાયલના નેતાન્યાહૂ અને હમાસના વડાનાં અરેસ્ટ વૉરન્ટ નીકળ્યાના તથા ઇરાનિયન પ્રમુખ રઇશીનું હેલિકૉપ્ટર ક્રૅશમાં મૃત્યુ થયું એમાં તેમની હત્યાની સાજીશની આશંકાએ જિયોપૉલિટિકલ સ્થિતિ વધુ વણસી હોવાના ડરનાં કારણો જવાબદાર છે.   

એનએસઈના 77 ઇન્ડેક્સોમાંથી 19માં 0થી 1 ટકાના પ્રમાણમાં ઘટાડો જોવાયો હતો. જોકે શ્રેષ્ઠ સુધારો 3.88 ટકાનો મેટલ્સ ઇન્ડેક્સમાં જોવા મળ્યો હતો. સાથે-સાથે જ નિફ્ટી સીપીએસઈમાં 3 ટકા, નિફ્ટી પીએસઈ અને કૉમોડિટીઝ ઇન્ડેક્સોમાં 2-2 ટકાનો અને નિફ્ટી ઇન્ડિયા મૅન્યુફૅક્ચરિંગ, મીડિયા, એનર્જી અને પીએસયુ બૅન્ક ઇન્ડેક્સોમાં 1થી 1.5 ટકાનો સુધારો નોંધાયો હતો.

નિફ્ટી 0.12 ટકા, 27 પૉઇન્ટ સુધરી 22529, નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 0.86 ટકા, 585 પૉઇન્ટ વધી 68241, નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 0.02 ટકાના મામૂલી વધારાએ અઢી પૉઇન્ટ વધી  11339, નિફ્ટી બૅન્ક 0.31 ટકા, 151 ઘટી 48048 અને આજે જેના વિક્લી ઑપ્શન્સની એક્સપાયરી હતી એ નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસ 0.30 ટકા, 64 પૉઇન્ટ ઘટી 21438 બંધ રહ્યા હતા.

business news