છટણીના દોર વચ્ચે 5 હજાર ભારતીયોને મેકડોનાલ્ડ્સ આપશે નોકરી, નોર્થ-ઈસ્ટમાં વિસ્તરણ કરશે કંપની

13 December, 2022 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કંપની તેનું નેટવર્ક વિસ્તારવા માગે છે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વભરની કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે અથવા કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. તેવા સમયે ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ચેઇન મેકડોનાલ્ડ્સ (McDonalds) ઇન્ડિયા (ઉત્તર અને પૂર્વ)એ સોમવારે આગામી ત્રણ વર્ષમાં આઉટલેટ્સની સંખ્યા બમણી કરવાની અને લગભગ 5,000 લોકોને નોકરી પર રાખવાની યોજના જાહેર કરી છે.

કંપનીના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે “મેકડોનાલ્ડ્સ આગામી 3 વર્ષમાં ઉત્તર અને પૂર્વીય પ્રદેશોમાં તેની રેસ્ટોરન્ટની સંખ્યા બમણી કરીને 300 કરવાની યોજના ધરાવે છે. આ દરમિયાન લગભગ 5,000 લોકોની નિમણૂક કરવામાં આવશે.”

ભારતની સૌથી મોટી મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ ગુવાહાટીમાં શરૂ

તેના વિસ્તરણ તબક્કાના ભાગરૂપે, મેકડોનાલ્ડ્સે સોમવારે ગુવાહાટી (Guwahati)માં ભારતમાં તેની સૌથી મોટી રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. આ રેસ્ટોરન્ટ 6,700 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે અને અહીં 220 લોકો એકસાથે બેસી શકે છે.

કંપની તેનું નેટવર્ક વિસ્તારવા માગે છે

મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા (ઉત્તર અને પૂર્વ)ના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ રંજને જણાવ્યું હતું કે “કંપની ઝડપથી વિકાસ કરી રહી છે અને આ ક્રમમાં તે રાજ્યોમાં તેનું નેટવર્ક વિસ્તારવા માગે છે. જ્યારે મેકડોનાલ્ડના જૂના પાર્ટનર સાથે ચાલી રહેલા કાનૂની વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “તમામ મુદ્દાઓ અને સમસ્યાઓને પાછળ છોડીને, અમે અમારા વ્યવસાયને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”

આ પણ વાંચો: બિલ્કિસબાનો કેસના દોષીઓને વહેલા છોડવાના નિર્ણયના મામલે ઝડપથી સુનાવણી કરશે કોર્ટ

ઉત્તર અને પૂર્વીય ભાગોમાં કામગીરી માટે નવો ભાગીદાર

વર્ષ 2020માં, મેકડોનાલ્ડ્સે તેના જૂના ભાગીદાર વિક્રમ બક્ષી પાસેથી 50 ટકા હિસ્સો લઈને દેશના ઉત્તરી અને પૂર્વીય ભાગોમાં કામગીરી માટે MMG ગ્રુપના ચેરમેન સંજીવ અગ્રવાલને નવા ભાગીદાર તરીકે પસંદ કર્યા હતા. તે જ સમયે, પશ્ચિમ અને દક્ષિણ ભારત માટે ભાગીદાર વેસ્ટલાઇફ ગ્રુપ છે.

national news business news guwahati