14 August, 2024 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જપાનમાં એક્સપોર્ટ થયેલું આ મૉડલ પહેલું SUV મૉડલ છે
દેશના સૌથી મોટા ઑટોમોબાઇલ મેકર મારુતિ સુઝુકી કૉર્પોરેશને ગુજરાતના પ્લાન્ટમાં તૈયાર કરેલી ૧૬૦૦ મારુતિ સુઝુકી ફ્રૉન્ક્સ બ્રૅન્ડની સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (SUV)ને ગુજરાતના પિપાવાવ બંદરથી જપાન માટે એક્સપોર્ટ કરી હતી. આ પહેલાં ૨૦૧૬માં કંપનીએ બલીનો બ્રૅન્ડની કાર પણ જપાન એક્સપોર્ટ કરી હતી. જપાનમાં એક્સપોર્ટ થયેલું આ મૉડલ પહેલું SUV મૉડલ છે. આ કારની નિકાસ લૅટિન અમેરિકાના દેશ, મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં પણ થાય છે.
આ સંદર્ભે માહિતી આપતાં કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ એક્સપોર્ટથી વૈશ્વિક સ્તરે બ્રૅન્ડ ઇન્ડિયાની ઇમેજ વધુ મજબૂત થઈ છે. તેમણે સોશ્યલ મીડિયા પોર્ટલ ઍક્સ પર લખ્યું હતું કે ‘સમય બદલ રહા હૈ. ભારતમાં તૈયાર થયેલી ૧૬૦૦ મારુતિ SUV કાર જપાન એક્સપોર્ટ થઈ રહી છે. આ ખરેખર ગૌરવવંતી ક્ષણ છે. મોદી સરકારે ઘરઆંગણે મૅન્યુફૅક્ચરિંગને પ્રોત્સાહન મળે એ માટે ઘણાં પગલાં લીધાં છે. હવે ઘરઆંગણે વર્લ્ડ ક્લાસ ઉત્પાદન તૈયાર થઈ રહ્યાં છે.’
આ મુદ્દે મારુતિ સુઝુકી ઇન્ડિયાના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હિસાશી તાકેચીએ કહ્યું હતું કે ‘જપાન દુનિયામાં સૌથી ઍડ્વાન્સ્ડ ઑટોમોબાઇલ ઉત્પાદક છે અને ક્વૉલિટી પર વધુ ધ્યાન આપે છે. ભારતથી જપાન કારની થતી એક્સપોર્ટ એ દર્શાવે છે કે ભારતમાં પણ વર્લ્ડ ક્લાસ કાર તૈયાર થાય છે. એમાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં સેફ્ટી ફીચર્સ છે અને આધુનિક ટેક્નૉલૉજીથી એ તૈયાર થાય છે.’