FIIએ ત્રણ દિવસનું રોકાણ એક જ દિવસમાં પાછું ખેંચી લીધું છતાં શૅરબજાર ૭૫૯ પૉઇન્ટ અપ

30 November, 2024 08:38 AM IST  |  Mumbai | Anil Patel

પાકિસ્તાની શૅરબજાર એક લાખ એક હજાર પૉઇન્ટની ઉપર નવા બેસ્ટ લેવલ સાથે મજબૂત : મૅનેજિંગ ડિરેક્ટરપદેથી વિદાય પછી ઝી એન્ટરટેઇનમેન્ટમાં ડિરેક્ટર તરીકે પણ પુનીત ગોએન્કાને પાણીચું પકડાવાયું, શૅર ઊંચકાયો

શૅરબજારની પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાની શૅરબજાર એક લાખ એક હજાર પૉઇન્ટની ઉપર નવા બેસ્ટ લેવલ સાથે મજબૂત : મૅનેજિંગ ડિરેક્ટરપદેથી વિદાય પછી ઝી એન્ટરટેઇનમેન્ટમાં ડિરેક્ટર તરીકે પણ પુનીત ગોએન્કાને પાણીચું પકડાવાયું, શૅર ઊંચકાયો : સુરક્ષા ડાયગ્નૉસ્ટિકનો અતિ મોંઘો ઇશ્યુ પ્રથમ દિવસે માત્ર ૧૧ ટકા ભરાયો, પ્રીમિયમના સોદા નથી : ઇઝી ટ્રિપ ઍક્સ બોનસ થતાં ડિમાન્ડમાં આવ્યો, મામા અર્થ ફેમ હોનૅસા કન્ઝ્યુમરની આગેકૂચ :ઍ​ક્ટિવાવાળી હીરો મોટર હરીફાઈમાં ઊતરતાંની સાથે જ ઓલા ઇલે​ક્ટ્રિકનો શૅર પાણીમાં : ભારતી ઍરટેલ તગડા ઉછાળે બેસ્ટ ગેઇનર બની બજારને સર્વાધિક ૧૫૬ પૉઇન્ટ ફળ્યો : ફૅક્ટની આગેવાની હેઠળ ખાતર શૅર ઝળક્યા

સળંગ ૩૬ દિવસની અવિરત અને આક્રમક વેચવાલી પછી ૨૫થી ૨૭ નવેમ્બરના ત્રણ દિવસ નેટ બાયર બની કુલ ૧૧,૧૧૩ કરોડ રૂપિયાનું રોકાણ કરનારી FIIએ ગુરુવારના એક જ દિવસમાં ૧૧.૭૫૬ કરોડ રૂપિયાની રોકડી કરી એના મૂળ મૂડનો પરચો આપી દીધો છે. આમ છતાં બજાર આગલા દિવસના ૧૧૯૦ પૉઇન્ટના ધબડકા બાદ ગઈ કાલે ૭૫૯ પૉઇન્ટ વધીને ૭૯,૮૦૩ તથા નિફ્ટી ૨૧૭ પૉઇન્ટના સુધારામાં ૨૪,૧૩૧ બંધ થયો છે. બજારની શરૂઆત નીરસ હતી. સેન્સેક્સ સહેજ નરમ ૭૯,૦૩૩ ખૂલ્યા બાદ નીચામાં ૭૯,૦૨૬ થયો હતો. પ્રથમ એકાદ કલાક સાધારણ સુધારામાં રહ્યા પછી બજારે ઝડપી ઉછાળો દાખવી આખો દિવસ સ્ટ્રૉન્ગ રહ્યું હતું. સેન્સેક્સ ઉપરમાં ૭૯,૯૨૪ નજીક ગયો હતો. રિયલ્ટી તથા પીએસયુ બૅન્ક નિફ્ટીની અડધા ટકા જેવી નબળાઈ બાદ કરતાં શુક્રવારે તમામ ઇન્ડાઇસિસ વધ્યાં હતાં. સેન્સેક્સ અને નિફ્ટીના એકાદ ટકાના સુધારા સામે હેલ્થકૅર ઇન્ડેક્સ બે ટકા, નિફ્ટી ફાર્મા ૨.૪ ટકા, ટેલિકૉમ દોઢ ટકા પ્લસ થયો છે. નિફ્ટી મીડિયા, એનર્જી, ઑઇલ-ગૅસ, ઑટો, યુટિલિટીઝ જેવાં સેક્ટોરલ એકથી દોઢ ટકો વધ્યાં હતાં. મજબૂત માર્કેટ બ્રેડથમાં NSE ખાતે વધેલા ૧૭૪૨ શૅર સામે ૧૦૪૩ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૩.૭૦ લાખ કરોડ રૂપિયા વધીને ૪૪૬.૬૮ લાખ કરોડ રૂપિયા થયું છે. બજાર બંધ થયા પછી આવનારા સપ્ટેમ્બર ક્વૉર્ટરના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ રેટના આંકડા ઉપર વિશ્લેષકોની નજર છે.

એશિયા ખાતે ચાઇના એક ટકા નજીક, હૉન્ગકૉન્ગ સાધારણ તથા સિંગાપોર નજીવું સુધર્યું હતું. સામે સાઉથ કોરિયા બે ટકા, ઇન્ડોનેશિયા સવા ટકો, જપાન સામાન્ય નરમ હતું. યુરોપ રનિંગમાં પરચૂરણ વધઘટે ફ્લૅટ દેખાયું છે. પાકિસ્તાનનું કરાચી શૅરબજાર ૧,૦૦,૦૮૩ના આગલા બંધ સામે ગઈ કાલે ૧,૦૧,૩૩૮ની નવી ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૧૧૨૪ પૉઇન્ટની મજબૂતીમાં ૧,૦૧,૨૯૬ જોવા મળ્યું છે. બિટકૉઇન એક ટકાના સુધારામાં ૯૬,૪૩૦ ડૉલર ચાલતો હતો.

તાજેતરમાં લિસ્ટેડ થયેલી NTPC ગ્રીન ગઈ કાલે સવાબે ટકા ઘટી ૧૨૫ રહ્યો છે. ઝિન્કા લૉજિસ્ટિક દોઢ ટકાની નબળાઈમાં ૨૬૬ હતો. સુભાષ ગોએન્કાના પુત્ર પુનીત ગોએન્કાને ઝી એન્ટરટેઇનમેન્ટના મૅનેજિંગ ડિરેક્ટર પદેથી વિદાય કર્યા પછી શૅરધારકોએ બોર્ડમાંથી પણ તેમને પાણીચું પકડાવી દીધું છે. આની ખુશાલીમાં ઝી એન્ટરટેઇનમેન્ટનો શૅર ઉપરમાં ૧૩૨ વટાવી અંતે પાંચ ટકા ઊંચકાઈ ૧૨૯ થયો છે. ઝી મીડિયા ૪.૬ ટકા વધ્યો હતો. શુક્રવારથી ઝોમાટો ડેરિવેટિવ્ઝમાં સામેલ થયો છે. શૅર પ્રારંભિક સુધારા બાદ સવાબે ટકા ઘટી ૨૭૯ બંધ આવ્યો છે. જ્યારે ​સ્વિગી ચાર ટકાથી વધુ ખરડાઈને ૪૭૧ હતી.

વીમા ક્ષેત્રે FDIની ૧૦૦ ટકા હિલચાલ LICને વધુ ફળી
નાણાખાતા તરફથી વીમા ક્ષેત્રે સીધા વિદેશી રોકાણની મર્યાદા ૭૪ ટકાથી વધારી ૧૦૦ ટકા કરવાની દરખાસ્તને પગલે ગઈ કાલે ઇન્શ્યૉરન્સ શૅરો શરૂ-શરૂમાં સારી ફૅન્સીમાં જોવાયા હતા. LIC ૯૯૨ વટાવી છેવટે પાંચેક ટકા વધી ૯૮૫ બંધ થયો છે. અન્ય શૅરો પ્રારંભિક સુધારાને ખાસ જાળવી શક્યા નહોતા. જેમ કે ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ ઉપરમાં ૨૦૧ થયા બાદ ૧૯૪ના લેવલે ફ્લૅટ, સ્ટાર હેલ્થ સવા ટકો વધી ૪૬૯, જનરલ ઇન્શ્યૉરન્સ ૪૦૭ વટાવ્યા બાદ અડધો ટકો સુધરીને ૩૯૯ બંધ થયો છે. SBI લાઇફ ૧૪૫૭ નજીક જઈ અંતે અડધો ટકો સુધરી ૧૪૩૬ રહ્યો છે. મૅક્સ ફાઇનૅન્સ ૧૧૬૦ બતાવી એક ટકો ઘટી ૧૧૩૦, HDFC લાઇફ ૬૭૪ થઈ સાધારણ ઘટાડે ૬૫૫, ICICI પ્રુડે​ન્શિયલ ૭૦૪ વટાવ્યા પછી અડધો ટકો વધી ૬૯૪, ICICI લૉમ્બાર્ડ ઉપરમાં ૧૮૮૮ થયા બાદ નજીવો ઘટી ૧૮૬૮, નિવા બુપા હેલ્થ ૭૬.૫૫ થઈ પોણો ટકો વધીને ૭૫ બંધ હતો. ગો ડિજિટ જનરલ ઇન્શ્યૉરન્સ ૩૪૪ પ્લસની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી પોણાત્રણ ટકા વધી ૩૪૨ રહ્યો છે.

ઇઝી ટ્રિપ પ્લાનર્સ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં ૧૯ની બે માસની ટૉપ બનાવી ૬ ગણા વૉલ્યુમે સવાદસ ટકા ઊછળી ૧૮ બંધ આવ્યો છે. રાઘવ પ્રોડ​ક્ટિવિટી શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદમાં ઉપરમાં ૮૦૦ થયા બાદ પાંચ ટકા ઘટી ૭૪૨ હતો. રાજુ એ​ન્જિનિયર્સ ૩ શૅરદીઠ એક બોનસમાં સોમવારે એક્સ બોનસ થવાનો હોવાથી ૪.૫ ટકા વધી ૩૬૫ હતો. વિપ્રોમાં શૅરદીઠ એક બોનસની રેકૉર્ડડેટ ૩ ડિસેમ્બર છે. ભાવ એક ટકો વધી ૫૭૮ રહ્યો છે. વિવિડ મર્કન્ટાઇલ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં સવાસાત રૂપિયા ઉપર જઈ ૭ બંધ થયો છે. ડાયમન્ડ પાવર ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં સોમવારે એક્સ સ્પ્લિટ થવાનો છે. ભાવ ગઈ કાલે ૨.૭ ટકા ઊંચકાઈ ૧૫૦૦ રહ્યો છે. પીસી જ્વેલર્સ દ્વારા ૧૦ના શૅરના એકમાં વિભાજન માટેની રેકૉર્ડ ડેટ ૧૬ ડિસેમ્બર જાહેર થઈ છે. શૅર ગઈ કાલે ઉપલી સર્કિટે ૧૬૩ વટાવી પાંચ ટકા ઊછળી ત્યાં જ બંધ આવ્યો છે.

ટિકર માટે પ્રાઇવેટ પ્લેસમેન્ટના કરન્ટમાં ૬૩ મૂન્સની તેજી યથાવત‍્ રહી
બ્રાઇબરી ફ્રૉડમાં અદાણી ઍન્ડ પાર્ટી બેકસૂર હોવાના વ્યાપક પ્રચારના પગલે અદાણીના કેટલાક શૅરોમાં તેજીનો માહોલ આગળ વધ્યો છે. અદાણી ગ્રીન ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં ૨૧.૭ ટકા કે ૨૩૬ના ઉછાળે ૧૩૨૪ ઉપર બંધ આવ્યો છે. અદાણી એનર્જી પણ આવા જ રંગમાં ૮૬૯ થઈ ૧૫.૭ ટકા ઊછળી ૮૪૦ હતો. અદાણી ટોટલ ૮૬૨ વટાવી છેલ્લે એક ટકો વધી ૮૧૧, અદાણી પાવર ૫૮૮ નજીક જઈ એક ટકો ઘટી ૫૫૪, અદાણી વિલ્મર ૩૨૧ નજીક સરકી છેવટે ૩૧૩ના લેવલે ફ્લૅટ, એનડીટીવી અડધો ટકો વધી ૧૭૭, એસીસી દોઢ ટકો વધી ૨૨૨૩, અંબુજા સિમેન્ટ્સ ૩.૭ ટકા વધી ૫૩૨ રૂપિયા, અદાણી એન્ટર ઉપરમાં ૨૫૧૯ થયા બાદ એક ટકા વધી ૨૪૬૨ તો અદાણી પોર્ટસ બે ટકા વધી ૧૧૯૦ બંધ રહ્યો છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ અડધો ટકો નરમ રહ્યો છે. અદાણી તરફથી ટેક ઓવર માટેની ઓપન ઑફર છે એમાં પીએસપી પ્રોજેક્ટ પોણાત્રણ ટકા વધી ૬૬૮, આઇટીડી સિમેન્ટેશન સવાબે ટકા સુધરી ૫૨૨ અને ઓરિએન્ટ સિમેન્ટેશન સવાબે ટકા સુધરી ૫૨૨ અને ઓરિએન્ટ સિમેન્ટ પોણો ટકા વધી ૩૪૨ બંધ હતો.

પેટીએમ પાંચ દિવસની આગેકૂચ બાદ ગઈ કાલે ૯૫૨ની વર્ષની નવી ટૉપ બનાવી ૨.૯ ટકાની નરમાઈમાં ૯૦૧ બંધ થયો છે. ઍ​ક્ટિવા ફેમ હીરો મોટર તરફથી ઈ-સ્કૂટર્સનું બુકિંગ શરૂ થવાના પગલે ઓલા ઇલે​ક્ટ્રિક સામે ભારે સ્પર્ધા જામવાની છે. ઓલાના ભાવિશ અગ્રવાલે ૪૦ હજાર રૂપિયાનું મોડલ બજારમાં મૂકવાની જાહેરાત કરી ભાવ-કાપનું યુદ્ધ શરૂ કરી દીધું છે. ઍ​ક્ટિવાને ઓલા પહોંચી વળવાની નથી. ઓલાનો શૅર ગઈ કાલે છ ટકા ખરડાઈ ૮૭ રહ્યો છે. મામા અર્થવાળી હોનૅસા કાન્ઝ્યુમર આગલા દિવસની ૧૦ ટકાની તેજી આગળ વધારતાં ૨૭૭ નજીક જઈ ૪.૭ ટકાની મજબૂતીમાં ૨૬૩ હતો. સબસિડિયરી ટિકર લિમિટેડ માટે પ્રાઇવેટ પ્લેસમેન્ટથી ૧૪૬ કરોડ ઊભા કર્યાની તેજીનો કરન્ટ જાળવી રાખતાં ૬૩ મૂન્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૬૬૩ થઈ ત્યાં બંધ હતો.

પરાગ શાહની મન ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન વૉલ્યુમ સાથે મોટી તેજીમાં
ભારતી ઍરટેલ સાડાચાર ટકાની તેજીમાં ૧૬૨૯ બંધ આપીને બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. સનફાર્મા અને સિપ્લા પોણાત્રણ ટકા આસપાસ, મહિન્દ્ર સવાબે ટકા, લાર્સન-ONGC-અલ્ટ્રાટેક-ગ્રાસિમ-તાતા કન્ઝ્યુમર-અદાણી પોર્ટસ દોઢથી બે ટકા નજીક પ્લસ હતા. ભારતી ઍરટેલની તેજી બજારને સર્વાધિક ૧૫૬ પૉઇન્ટ ફળી છે. ત્યાર પછી રિલાયન્સે ૧.૭ ટકા વધી ૧૨૯૨ના બંધમાં ૧૨૪ પૉઇન્ટ બજારને આપ્યા છે. મારુતિ સુઝુકી, ICICI બૅન્ક, ટાઇટન, JSW સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલીવર, બજાજ ફાઇનૅન્સ, વિપ્રો, અદાણી એન્ટરપ્રાઇઝ એકથી સવા ટકા જેવા સુધર્યા હતા. પાવર ગ્રીડ સવા ટકાના ઘટાડે બન્ને બજારમાં ટૉપ લૂઝર હતો. શ્રીરામ ફાઇનૅન્સ પોણો ટકો તો હીરો મોટોકૉર્પ અડધો ટકો ઢીલો થયો છે.

મુંબઈ મહારાષ્ટ્ર ખાતેના BJPના અગ્રણી ગુજ્જુ નેતા પરાગ શાહ ઍન્ડ ફૅમિલીની ૬૭.૨ ટકા માલિકીની મન ઇન્ફ્રાકન્સ્ટ્રક્શન ચારેક ગણા વૉલ્યુમે સાડાદસ ટકાનો જમ્પ મારીને ૨૩૫ નજીક બંધ રહ્યો છે. આ શૅર ટૂંકમાં નવી ટૉપ બતાવશે. અન્ય મુમ્બૈયા ગુજ્જુ ચેતન નવનીત લાલ શાહની ૪૭.૭ ટકા માલિકીની આશાપુરા માઇનકેમ પણ સાડાદસ ટકાના ઉછાળે ૩૫૩ વટાવી ગયો છે. અદાણી ગ્રીન ઉપરમાં ૧૩૬૯ બતાવી ૨૩૬ રૂપિયા કે ૨૧.૭ ટકાની છલાંગ મારી ૧૩૨૪ના બંધમાં સમગ્ર બજારમાં સૌથી વધુ ઊંચકાયો છે. સરકારની ૯૦ ટકા માલિકીની ખાતર કંપની ફૅક્ટ બાર ટકા કે ૧૦૭ની તેજીમાં ૧૦૦૧ બંધ હતી. જીએસએફસી, ઝુઆરી ઍગ્રો, રામા ફૉસ્ફેટ, પારાદીપ, મૅન્ગલોર કેમિકલ્સ, નોવા ઍગ્રિટેક, મદ્રાસ ફર્ટિલાઇઝર, ચંબલ ફર્ટિલાઇઝર જેવી જાતો પણ સાડાત્રણથી આઠ ટકા મજબૂત હતી. ગોલ્ડમૅન સાક્સે અગાઉની ૧૪૨૬ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૫૬૪ કરીને સેલનો કૉલ આપતાં ક્રેડિટ એક્સેસ ગ્રામીણનો શૅર ૧૦ ગણા વૉલ્યુમે નીચામાં ૮૭૦ થઈ પોણાનવ ટકાની ખુવારીમાં ૯૦૦ બંધ થયો છે.

ન્વિરોમાં ૪૦ ટકા લિસ્ટિંગ ગેઇન, લૅમોસેકનું નબળું લિસ્ટિંગ
એ​ન્વિરો ઇન્ફ્રા ૧૦ના શૅરદીઠ ૧૪૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૫૬ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૨૧૮ ખૂલી ઉપરમાં ૨૩૩ અને નીચામાં ૨૦૫ થઈ ૨૦૭ બંધ રહેતાં એમાં ૪૦ ટકાનો લિ​સ્ટિંગ ગેઇન મળ્યો છે. પૂણેની SME કંપની લૅમોસેક ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૨૦૦ની ઇશ્યુ પ્રાઇસ સામે બિલોપાર ૧૬૪ ખૂલી ૧૭૨ બંધ થતાં અત્રે ૧૪ ટકાની લિ​સ્ટિંગ-લૉસ મળી છે. અમદાવાદી રાજેશ પાવરનો ૧૦ના શૅરદીઠ ૩૩૫ની ઇશ્યુ પ્રાઇસવાળો SME IPO સોમવારે લિસ્ટેડ થશે. ગ્રેમાર્કેટમાં ૯૮નું પ્રીમિયમ ચાલે છે.

સુરક્ષા ડાયગ્નૉસ્ટિકનો બેના શૅરદીઠ ૪૪૧ની ઇશ્યુ પ્રાઇસવાળો ૮૪૬ કરોડનો પ્યૉર ઑફર ફોર સેલ ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૧૧ ટકા જ ભરાયો છે. અહીં ગ્રેમાર્કેટમાં પહેલેથી કોઈ કામકાજ નથી. કલકત્તાની ગણેશ ઇન્ફ્રા વર્લ્ડનો પાંચના શૅરદીઠ ૮૩ની અપર બેન્ડ સાથે ૯૮૫૮ લાખ રૂપિયાનો NSE SME IPO પ્રથમ દિવસે કુલ દોઢ ગણો ભરાયો છે. પ્રીમિયમ ઊછળીને ૩૫ થઈ ગયું છે. અગરવાલ ટફન્ડ ગ્લાસનો ૧૦૮ના ભાવનો ૬૨૬૪ લાખનો SME ઇશ્યુ સોમવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં ૯૮ ટકા ભરાયું છે. પ્રીમિયમ ૯ રૂપિયે ટકેલું છે. આખરી દિવસે ઍપેક્સ ઇકોટેક કુલ ૪૫૮ ગણા અને આભા પાવર ૧૮ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ઍપેક્સમાં હાલ ગ્રેમાર્કેટ ખાતે ૩૦ રૂપિયા અને આભામાં ૧૫ રૂપિયાનું પ્રીમિયમ ચાલે છે. રાજપૂતાના બાયોડીઝલના ૧૦ના શૅરદીઠ ૧૩૦ના ભાવના ૨૪૭૦ લાખના SME IPOને કુલ ૭૧૯ ગણો રિસ્પૉન્સ મળતાં પ્રીમિયમ વધીને ૧૧૧ થયું છે. લિ​સ્ટિંગ મંગળવારે છે. વિવાદાસ્પદ બનેલી સીટુસી ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સનો ૧૦ના શૅરદીઠ ૨૨૬ના ભાવનો ૯૯૦૭ લાખનો NSE SME ઇશ્યુ મંગળવારે લિસ્ટેડ થશે. પ્રીમિયમ વધીને ૧૯૦ બોલાવા માંડ્યું છે. 

GDP ગ્રોથમાં ધબડકો બજારને બગાડશે
સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ભારતનો GDP ગ્રોથ રેટ ૫.૪ ટકા આવ્યો છે જે પોણાબે વર્ષની નીચી સપાટી કહી શકાય. વાત માત્ર આટલી જ નથી, બજારના અને અર્થતંત્રના મોટા ભાગના વિશ્લેષકો આ વખતનો ગ્રોથ રેટ સાડાછ ટકા આવશે એમ માની રહ્યા હતા, પરંતુ તેઓ બહુ ખરાબ રીતે ખોટા ઠર્યા છે. આર્થિક વિકાસ દર ધારણા કરતાં એક ટકા કરતાંય વધુ નીચો આવ્યો છે. વર્ષ પહેલાં ૨૦૨૩-’૨૪ના સેકન્ડ ક્વૉર્ટરમાં GDP ગ્રોથ ૮.૧ ટકા હતો એની સાથે તુલના કરીએ તો આ વેળા ખાસ્સો પોણાત્રણ ટકા કે ૨.૭ ટકાનો ધબડકો નોંધાયો છે. અગાઉ વર્ષ ૨૦૨૨-’૨૩ના થર્ડ ક્વૉર્ટરમાં આનાથી ઓછો ૪.૩ ટકાનો આર્થિક વિકાસદર જોવાયો હતો.

આર્થિક વિકાસ દરની આવી હાલત બજારને કેટલી ગમશે એ એક સવાલ છે. અમે અહીંથી અવારનવાર કહેતા રહ્યા છીએ કે દેશનાં આર્થિક ફન્ડામેન્ટલ્સ સરકાર દાવો કરે છે એટલાં સાસાં હરગિજ નથી. ઊલટું દિવસે-દિવસે હાલત નાજુક બની રહી છે. શૅરબજાર આ નક્કર વાસ્તવિકતાને અવગણી એની આગવી, વર્ચ્ચુઅલ રિયલ્ટીમાં જીવી રહ્યું છે. તેજી આગળ વધી રહી છે એ તદ્દન ખોટી છે. આંગળી સૂઝી-સૂઝીને અંગૂઠો થાય, થાંભલો ન થાય. જુઓ ક્યાં સુધી ચાલે છે નાણાં-કોથળીના ખેલ...

sensex nifty share market stock market gdp business news