પાંચ દિવસની ખરાબી બાદ બજાર ૫૦૦ પૉઇન્ટ સુધર્યું, બૅન્કિંગની હૂંફ

24 December, 2024 07:42 AM IST  |  Mumbai | Anil Patel

SME કંપની ન્યુ મલમાલમ સ્ટીલ ૫૧ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૩૦ના લેવલે ટકેલું છે.

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદની બોગસ કંપની ભારત ગ્લોબલ સામે સોશ્યલ મીડિયા જાગ્યું ત્યારે સેબીની ઊંઘ ઊડી : મેઇન બોર્ડનાં ત્રણ ભરણાં આજે બંધ થશે, કેરારો ઇન્ડિયાને માત્ર ૨૩ ટકાનો રિસ્પૉન્સ : ટેકઓવરની લીલી ઝંડી ઇન્ડિયા સિમેન્ટને મળી પણ શૅર સ્ટાર સિમેન્ટનો ઝળક્યો : GSTની રાહત મોકૂફ રહેતાં ઇન્શ્યૉરન્સ શૅર માયૂસ થયા : શૅરવિભાજનની જાહેરાત કેસોલવ્સ ઇન્ડિયાને માફક ન આવી, ભાવ ગગડ્યો : એ-આઇના જોશમાં ઇન્ટલેક્ટ ડિઝાઇનમાં ૩૯ રૂપિયાનો ઉછાળો : માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ જોવાઈ

સળંગ પાંચ દિવસના ધબડકામાં ૪૨૦૦ પૉઇન્ટ અને ૧૯ લાખ કરોડ રૂપિયાના ધોવાણ પછી સોમવારે બજાર ઠીક-ઠીક સુધર્યું છે. સેન્સેક્સ ૪૯૮ પૉઇન્ટ વધી ૭૮,૫૪૦ તથા નિફ્ટી ૧૬૬ પૉઇન્ટ વધીને ૨૩,૭૫૩ બંધ થયા છે. બજારનો આરંભ ઘણો સારો હતો. સેન્સેક્સ ૪૪૭ પૉઇન્ટ પ્લસમાં ૭૮,૪૮૮ ખૂલી ઉપરમાં ૭૮,૯૧૮ થયો હતો પણ ત્યાં ટક્યો નહોતો. બજાર નીચામાં ૭૮,૧૮૯ દેખાયું હતું. બજારનું માર્કેટકૅપ ૧.૦૨ લાખ કરોડના વધારે ૪૪૨.૦૧ લાખ કરોડ રૂપિયા થયું છે. મિડકૅપ અને બ્રૉડર માર્કેટ અન્ડર પર્ફોર્મર હતા. સ્મોલકૅપ બેન્ચમાર્ક અડધો ટકો નરમ હતો. બૅન્ક નિફ્ટી એક ટકો કે ૫૫૮ પૉઇન્ટ અપ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી એક ટકો વધ્યો છે. રિયલ્ટી ૧.૪ ટકા, નિફ્ટી મેટલ ૦.૯ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ પોણો ટકો વધ્યો હતો. પાવર, યુટિલિટીઝ, હેલ્થકૅર, આઇટી જેવા સેક્ટોરલ નહીંવતથી સાધારણ વધ-ઘટે હતા. માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ રહી છે. NSEમાં વધેલા ૧૧૩૦ શૅરની સામે ૧૭૦૪ જાતો ઘટી હતી.

ચાઇનાની અડધા ટકાની નબળાઈ બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર ગઈ કાલે સારા એવા સ્ટ્રૉન્ગ હતાં. તાઇવાન અઢી ટકા, સાઉથ કોરિયા દોઢ ટકો, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ તેમ જ જપાન સવા ટકા આસપાસ, સિંગાપોર અને હૉન્ગકૉન્ગ પોણા ટકાથી વધુ મજબૂત હતાં. યુરોપ વિપરીત ચાલમાં રનિંગમાં સાધારણથી અડધો ટકો ઢીલું હતું. પાકિસ્તાની શૅરબજાર ૧,૦૯,૫૧૫ના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૧,૧૪,૧૯૦ બતાવી રનિંગમાં ચારેક ટકાની તેજીમાં ૧,૧૩,૮૩૧ ચાલતું હતું. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ૯૭,૭૦૨ની ઉપલી સપાટીથી નીચામાં ૯૪,૨૯૫ ડૉલર બનાવી રનિંગમાં ૯૫,૧૨૭ દેખાયો છે.

નિફ્ટી ખાતે JSW સ્ટીલ ૨૦ રૂપિયા કે સવાબે ટકા ઊંચકાઈને મોખરે હતો. હિન્દાલ્કો ૧.૯ ટકા, ONGC દોઢ ટકા, ટ્રેન્ટ ૧.૭ ટકા વધ્યો છે. સેન્સેક્સમાં હોટેલ બિઝનેસના ડીમર્જરની રેકૉર્ડ ડેટ ૧ જાન્યુઆરી હોવાથી આઇટીસી ઉપરમાં ૪૭૭ વટાવી બે ટકા વધી ૪૭૪ રહ્યો છે. ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક જે શુક્રવારે ૯૨૭ના મલ્ટિપલ તળિયે ગયો હતો એ દોઢ ટકા સુધરી ૯૪૫ હતો. ટેક મહિન્દ્ર ૧.૭ ટકા વધ્યો છે. એજ પ્રમાણે શુક્રવારે ૧૨૦૨ની વર્ષની બૉટમે જઈ બે ટકા બગડેલો રિલાયન્સ ગઈ કાલે ઉપરમાં ૧૨૨૭ થઈ છેવટે સવા ટકો વધી ૧૨૨૨ હતો. HDFC બૅન્ક ૧.૬ ટકા વધી ૧૮૦૧ના બંધમાં બજારને સર્વાધિક ૧૮૮ પૉઇન્ટ ફળી છે. ટાઇટન, સ્ટેટ બૅન્ક, ગ્રાસિમ, ભારત ઇલેક્ટ્રિક, તાતા કન્ઝ્યુમર સવાથી દોઢ ટકા વધ્યા છે. નિફ્ટી ખાતે હીરો મોટોકૉર્પ દોઢ ટકા તથા મારુતિ પોણા ટકાના ઘટાડે ટૉપ લૂઝર હતા. JSW સ્ટીલના સ્થાને સેન્સેક્સમાં જેનો સમાવેશ કરાયો છે એ ઝોમાટો માટે સોમવાર સારો ગયો નથી. શૅર ઉપરમાં ૨૮૩ નજીક ગયા બાદ નીચામાં ૨૭૨ થઈ ૨.૮ ટકાની નરમાઈમાં ૨૭૪ બંધ હતો. ખરડાયેલા માનસમાં એશિયન પેઇન્ટ્સ ૨૦૬૬ની ત્રણ વર્ષ પ્લસની નીચી સપાટી નોંધાવી સહેજ ઘટીને ૨૨૭૯ હતો. ઇન્ફી, ટીસીએસ, HCL ટેક્નૉ નહીંવત વધ-ઘટે બંધ હતા.

ટેકઓવરની મંજૂરીમાં ઇન્ડિયા સિમેન્ટ્સ વૉલ્યુમ સાથે તેજીમાં

અલ્ટ્રાટેકને ઇન્ડિયા સિમેન્ટને હસ્તગત કરવા CCI તરફથી લીલી ઝંડી અપાઈ છે. આના પગલે ઇન્ડિયા સિમેન્ટમાં શૅરદીઠ ૩૯૦ના ભાવે ઓપન ઑફર આવશે. ગઈ કાલે અલ્ટ્રાટેક નહીંવત સુધારે ૧૧,૪૫૬ બંધ હતો. જ્યારે ઇન્ડિયા સિમેન્ટ્સ ૧૨ ગણા કામકાજે ઉપરમાં ૩૭૬ વટાવી અંતે ૮ ટકા વધી ૩૬૬ થયો છે. રેલીગેરમાં બર્મન ફૅમિલીને શૅરદીઠ ૨૩૫ના ભાવે ઓપન ઑફર લાવવા સેબીએ મંજૂરી આપી છે. શૅર ઉપરમાં ૩૧૬ થયા બાદ પોણો ટકો વધી ૩૧૧ હતો. ઇન્ટલેક્ટ ડિઝાઇન દ્વારા ફાઇનૅન્સ અને ઇન્શ્યૉરન્સ ક્ષેત્ર માટે પર્પલ ફૅબ્રિક નામથી એ-આઇ સિસ્ટમ્સ લૉન્ચ કરાઈ છે. એના પગલે શૅર ૪૬ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૯૮૩ બતાવી ૧૭ ટકા કે ૧૩૯ રૂપિયાની તેજીમાં ૯૫૮ બંધ આવ્યો છે. અંબર એન્ટરપ્રાઇઝિસ ૬૯૯૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૭૦૦ રૂપિયા કે ૧૧.૪ ટકાના ઉછાળે ૬૮૧૫ રહ્યો છે. સ્ટાર સિમેન્ટ્સ ૧૧ ટકાના જમ્પમાં ૨૩૭ હતો.

કેપીઆર મિલ્સ છ ટકા, કિર્લોસ્કર બ્રધર્સ પોણાસાત ટકા કે ૧૪૫ રૂપિયા તથા ઇન્ડોકાઉન્ટ ઇન્ડ ૬.૨ ટકા બગડી ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બની છે. GST માટેની બેઠકમાં ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ ઉપરનો વેરો ઘટાડવાનો નિર્ણય મોકૂફ રખાતાં વીમા શૅર બગડ્યા હતા. ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ સાડાપાંચ ટકા, ગો ડિજિટ પોણાપાંચ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ ચારેક ટકા, સ્ટાર હેલ્થ બે ટકા ડાઉન હતા. ICICI પ્રુ એક ટકો અને HDFC લાઇફ અડધો ટકો ઘટ્યા છે. LIC અડધા ટકા નજીક સુધરી ૯૦૫ થયો છે. નિવા બુપા ૭૬ના લેવલે યથાવત હતો. ૬૩ મૂન્સ ઉપરમાં ૯૯૯ થયા બાદ નીચલી સર્કિટમાં ૯૩૧ બતાવી પોણાત્રણ ટકા ઘટી ૯૫૪ હતો. કેસોલવ્સ ઇન્ડિયા તરફથી ૧૦ના શૅરનું પાંચમા વિભાજન નક્કી થયું છે. શૅર ગઈ કાલે નીચામાં ૯૬૩ બતાવી સવાયા વૉલ્યુમે સાડાત્રણ ટકા બગડી ૯૭૪ બંધ રહ્યો છે.

અમદાવાદની ભારત ગ્લોબલની જબરી ગોલમાલ, શૅર સસ્પેન્ડ

અમદાવાદની ભારત ગ્લોબલ ડેવલપર્સે જબરા ગોરખધંધા કર્યા છે. નકલી નામની કંપનીઓ તરફથી ખોટા અને મોટા-મોટા ઑર્ડર મળ્યા હોવાનું ડિસ્ક્લોઝર કરતા રહી શૅરના ભાવ સાથે ભારે ચેડાં કર્યાં છે. વર્ષ પહેલાં, બાવીસમી ડિસેમ્બરે ૧૦ના શૅરનો બજારભાવ ૫૦ રૂપિયા હતો, એ આવા બધા ફર્જીવાડામાં ૨૮ નવેમ્બરે ૧૭૦૩ના સર્વોચ્ચ શિખરે લઈ જવાયો હતો. ભાવ છેલ્લે ૨૦ ડિસેમ્બરા પાંચ ટકાની સર્કિટમાં ૧૨૩૬ બંધ થયો હતો. સેબીએ આ શૅરમાં સોદા સસ્પેન્ડ કરવાનો આદેશ આપતાં આજની તારીખે શૅરનું મૂલ્ય રીતસર ઝીરો થઈ ગયું છે.

કંપની મૂળ જૂન ૧૯૯૨માં સિકવલ ઈ રાઉટર્સના નામથી અમદાવાદ ખાતે સ્થાપવામાં આવી હતી. નામ બદલી પાછળથી ક્રાફટોન ડેવલપર્સ કરાયું હતું. મે. ૨૦૧૭માં થયેલા આ નામ બદલાને બદલી ઑક્ટોબર ૨૦૨૪માં નવું નામ ભારત ગ્લોબલ ડેવલપર્સ રખાયું હતું. કંપનીએ ૧૦ના શૅરનું એકમાં વિભાજન તથા ૧૦ શૅરદીઠ આઠ બોનસ જાહેર કર્યું હતું. એની રેકૉર્ડ ડેટ ૨૬ ડિસેમ્બર રખાઈ હતી પરંતુ સેબીના સપાટા પછી આ બધું હવે રદ થાય છે.

વર્ષ ૨૦૨૨-’૨૩ના અંત સુધી કંપનીની આવક, કૅશ ફ્લો, નફો ઇત્યાદી સાવ નેગેટિવ હતાં. ગત વર્ષે પ્રથમ વાર ૨૫ કરોડની આવક પર ત્રણ કરોડ નફો કરી શૅરદીઠ પાંચની ઈપીએસ બતાવી હતી જેમાંથી ૨૪૭૧ લાખની આવક માર્ચ ક્વૉર્ટરમાં હતી અને ચાલુ વર્ષના પ્રથમ છ માસમાં તો ૨૭૦ કરોડની આવક પર લગભગ પોણાતેર કરોડ નફો કરી નાખ્યો છે. બાય ધ વે, ઇક્વિટી જે માર્ચ ૨૦૨૪ સુધી ૫૬૦ લાખ હતી એ વધી સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતે ૧૦,૧૨૬ લાખ રૂપિયા થઈ ગઈ છે. બીજું, કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ઝીરો છે. પૂરેપૂરું ૧૦૦ ટકા પબ્લિક હોલ્ડિંગ છે. કુલ ૧૦,૧૨૯ શૅરધારક છે. કંપનીના પ્રમોટર્સ પરિતોષ પટેલ, ધર્મેન્દ્ર જાની, વીરેન્દ્ર જાની, કમલેશ દવે તથા સુનીલ કુમાર શર્મા છે. ૪૩ જેટલા HNI ઇન્વેસ્ટર્સ પાસે ૯૯.૯ ટકા માલ છે. ૧૦,૦૪૫ જેટલા નાના રોકાણકારો પાસે ફક્ત ૦.૪૫ ટકા શૅર છે.

કંપની-મૅનેજમેન્ટ તરફથી શૅરને ચલાવવા માટે મોટા-મોટા ઑર્ડર મળ્યા હોવાના ખોટું ડિસ્ક્લોઝર્સ અવારનવાર કરવામાં આવતું હતું, જેમની પાસેથી ઑર્ડર મળ્યા છે એ કંપનીઓનાં નામ પણ નકલી હતાં. આ કંપનીઓ પરોક્ષ રીતે રિલાયન્સ, તાતા જેવા મોટા ઔદ્યોગિક ઘરાના સાથે સંકળાયેલી હોવાનો પદ્ધતિસરનો પ્રચાર કરવામાં આવતો હતો. આખો મામલો સોશ્યલ મીડિયા પર ગાજ્યો ત્યારે સેબીની ઊંઘ ઊડી, તપાસ આદરી તો માન્યામાં ન આવે એવી વાતો સામે આવી છે.

દોઢ વર્ષમાં જબરો નફો બતાવનારી સોલર ૯૧ આજે મૂડીબજારમાં

ગાઝિયાબાદની નેસ્ડાક તે નકડાક ઇન્ફ્રાનો SME ઇશ્યુ મંગળવારે લિસ્ટેડ થવાનો છે. હાલ ૩૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રે માર્કેટમાં ૬૦નું પ્રીમિયમ ચાલે છે. બુધવારે બજાર ક્રિસમસની રજામાં છે. ગુરુવારે મુંબઈના ઓશિવરાની આઇડેન્ટિકલ બ્રેઇન્સ લિસ્ટિંગમાં જશે. ૫૪ની ઇશ્યુ પ્રાઇસ સામે ૫૦નું પ્રીમિયમ બોલાય છે. મેઇન બોર્ડમાં સોમવારે બૅન્ગલોર નૉર્થની યુનિમેક ઍરોસ્પેસ પાંચના શૅરદીઠ ૭૮૫ની અપર બૅન્ડમાં ૫૦૦ કરોડના ભરણા સાથે મૂડીબજારમાં આવી છે. ઇશ્યુ પ્રથમ દિવસે જ ચાર ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ ૪૮૦ જેવું ચાલે છે. સેનોરસ ફાર્મા, વેન્ટીવ હૉસ્પિટલિટી તથા કેરારો ઇન્ડિયાનાં ભરણાં મંગળવારે બંધ થશે. સેનોરસ ફાર્મા અત્યાર સુધીમાં સાડાચૌદ ગણો, વેન્ટીવ ૧.૪ ગણો તથા કેરારો ફક્ત ૨૩ ટકા ભરાયો છે. સેનોરસમાં પ્રીમિયમ ખેંચીને ૨૨૦ રૂપિયે લઈ જવાયું છે. વેન્ટીવમાં રેટ ઘટી ૨૫ બોલાય છે. કેરારોમાં પહેલેથી કામકાજ નથી.

ગઈ કાલે મેઇન બોર્ડમાં મમતા મશીનરી ૧૯૫ ગણા, ડેમ કૅપિટલ ૮૨ ગણા, ટ્રાન્સરેલ લાઇટિંગ ૮૨ ગણા, સનાતન ટેક્સટાઇલ ૩૭ ગણા તથા કોન્ફોર્ડ એન્વીરો ૧૦.૭ ગણા પ્રતિસાદ સાથે પૂરા થયા છે. હાલ મમતામાં ૨૬૦ રૂપિયા, ટ્રાન્સરેલમાં ૧૮૦ રૂપિયા, ડેમ કૅપિટલમાં ૧૬૦ રૂપિયા, સનાતનમાં ૪૩ રૂપિયા તેમ જ કોન્કોર્ડમાં ૩૮ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. SME કંપની ન્યુ મલમાલમ સ્ટીલ ૫૧ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૩૦ના લેવલે ટકેલું છે.

ગ્રીન એનર્જીના ક્રૅઝની રોકડી કરવા જયપુરની સોલર ૯૧ ક્લીનટેક ૧૦ના શૅરદીઠ ૧૯૫ની મારફાડ પ્રાઇસથી ૧૦૬ કરોડનો BSE SME IPO આજે કરવાની છે. ૨૦૨૧-’૨૨માં ૪૨ કરોડની આવક પર ૩૨ લાખ નેટ નફો તથા ૨૦૨૨-’૨૩ માં ૩૮ કરોડની આવક પર ૨૦ લાખ નફો કરનારી આ કંપનીએ ગત વર્ષે ૪૩ કરોડની આવક પર ૨૩૬ કરોડ તથા ચાલુ વર્ષે પ્રથમ છ માસમાં ૫૦ કરોડની આવક પર ૪૦૦ લાખ નેટ નફો બતાવી દીધો છે. કંપની માથે ૧૨ કરોડનું દેવું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૫૦થી શરૂ થયા બાદ ફેન્સી જમાવવાના ખેલમાં રેટ ખેંચી હાલ ત્રણ આંકડે ૧૦૦ કરી દેવાયો છે.

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex