12 December, 2024 08:52 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
ડૉલર સામે રૂપિયો નવા વર્સ્ટ લેવલ સાથે ૮૫ થવાની ઉતાવળમાં : રિઝર્વ બૅન્ક પછી ADB દ્વારા ભારતના ગ્રોથ-રેટનું ડાઉન ગ્રેડિંગ : પુતિન સામે ટ્રમ્પનો નવો દાવ, રશિયન ઑઇલ પર નવા અંકુશની હિલચાલ ભારતને નડશે: રીટેલ રશમાં મોબિક્વિકનો આઇપીઓ પ્રથમ દિવસે ૭.૭ ગણો છલકાયો, પ્રીમિયમ સુધરી ૧૩૬ થયું : વિશાલ મેગા માર્ટના ૮૦૦૦ કરોડના ભરણાને ૫૪ ટકા પ્રતિસાદ : આરઝેડ ઘરાનાની IKS લિમિટેડ એકના શૅરદીઠ ૧૩૨૯ના મારફાડ ભાવથી આજે મૂડીબજારમાં : સેબીની શો-કૉઝ અને અંકુશ સામે લડી લેવાની વાતો માંડતાં મિષ્ટાન્ન ફૂડ્સમાં ખરાબી અટકી : ભાવવધારાની થીમમાં ૪૩માંથી ૩૬ સિમેન્ટ શૅર વધ્યા : આઇટી ઇન્ડેક્સ નવા શિખરે
રિઝર્વ બૅન્કના નવા સૂત્રધાર તરીકે સંજય મલ્હોત્રાએ સુકાન સંભાળી લીધું છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૮૪.૮૭ની નવી ઑલટાઇમ વર્સ્ટ બૉટમ બનાવી ૮૫ ભણી ગતિમાન બન્યો છે. એશિયન ડેવલપમેન્ટ બૅન્ક તરફથી ચાલુ નાણાકીય વર્ષે ભારતનો આર્થિક વિકાસદર ૭ ટકાના બદલે સાડાછ ટકા રહેવાનું અનુમાન જારી કરાયું છે. પુતિનને ભીંસમાં લેવાના પ્રયાસના ભાગરૂપ રશિયન ઑઇલ પર અમેરિકા નવા પ્રતિબંધ મૂકવા સક્રિય બન્યું છે. રશિયા અને પુતિનનું જે થવું હશે એ થશે, પરંતુ આ પગલું ભારતને ખરેખર ભારે પડશે. ડિસેમ્બર ક્વૉર્ટરનાં કંપની પરિણામ નજીકમાં આવવાનાં છે. એમાં કેટલી સારાવાટ હશે એ ભૂલી જાઓ, સપ્ટેમ્બર ક્વૉર્ટર કરતાં એ ખરાબ ન હોય એ માટે પ્રાર્થના કરવા માંડો. કૉર્પોરેટ ણિઝલ્ટની મોસમ દરમ્યાન કેન્દ્રીય બજેટ આવશે. પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રૉનિક પ્રચાર માધ્યમો ઓલુ આવશે, પેલુ આવશે, પાન સોપારી-પાનનાં બીડાંના બેસૂરા તાલ રજૂ કરી બજારને તાનમાં લાવવાના પ્રયાસ કરશે. આ ગાળામાં ટ્રમ્પે અમેરિકાનો કારભાર વિધિવત રીતે સંભાળી લીધો હશે એટલે તોફાન તથા ડ્રામાથી ભરપૂર નવો શો નક્કી છે જ અને આપણે સૌ તો અમૃતકાળમાં છીએ. રામ રાજ્યની તો ખબર નથી, પરંતુ સઘળું રામ ભરોસે ચાલે છે એ તો જોઈ રહ્યા છીએ. Really, we all are leaving in an interesting time ! ઍની વે, બજાર હાલ તો બેઠું થવાની કોશિશમાં કે પછી વધુ ખરાબી ટાળવાની મથામણમાં જણાય છે. સેન્સેક્સ બુધવારે સાધારણ પ્લસમાં ૮૧,૫૬૮ ખૂલી છેવટે ૧૬ પૉઇન્ટના સુધારે ૮૧,૫૨૬ તો નિફ્ટી ૩૨ પૉઇન્ટ વધી ૨૪,૬૪૨ બંધ રહ્યો છે. ઇન્ટ્રા-ડેમાં શૅર આંક ઉપરમાં ૮૧,૭૪૨ અને નીચામાં ૮૧,૩૮૩ થયો હતો. બજારના બહુમતી સેક્ટોરલ સાંકડા કે સિમીત સુધારામાં બંધ હતા. સ્મૉલકૅપ બેન્ચમાર્ક ૫૭,૭૯૮ની સર્વોચ્ચ સપાટી બતાવી ૨૦૦ પૉઇન્ટના સામાન્ય સુધારામાં ૫૭,૭૦૩ બંધ થયો છે. અત્રે ૯૪૫માંથી ૪૮૩ જાતો માઇનસ હતી. બ્રૉડર માર્કેટ નહીંવત તો મિડકૅપ સામાન્ય સુધર્યું હતું. આઇટી ઇન્ડેક્સ ૪૫,૨૩૧ની વિક્રમી સપાટી નોંધાવી ૧૫૬ પૉઇન્ટના સાધારણ સુધારામાં ૪૫,૧૪૦ બંધ હતો. અત્રે ૫૬માંથી ૨૯ શૅર પ્લસ હતા. વકરાંગી ૧૦ ટકાની તેજી સાથે મોખરે હતો. ૬૩ મૂન્સ ઉપલી સર્કિટનો શિરસ્તો જાળવી રાખતાં પાંચ ટકા ઊંચકાઈ ૯૧૯ નજીકની નવી મલ્ટિયર ટોચે ગયો છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી બે શૅરના સુધારા વચ્ચે ૧૮૬ પૉઇન્ટ ઘટ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી એક ટકા નજીક કપાયો છે. એની ૧૨માંથી એક માત્ર આઇઓબી પ્લસ હતી. રોકડાની હૂંફમાં માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી છે. NSEમાં વધેલા ૧૫૦૧ શૅર સામે ૧૩૦૫ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૮૫,૦૦૦ કરોડ વધીને ૪૬૦.૪૬ લાખ કરોડ થયું છે.
રેલવે શૅરોમાં પ્રી-બજેટ રૅલી વહેલી શરૂ થઈ લાગે છે
બિઝનેસ આઉટલુક સારો હોવાની થીમમાં ગઈ કાલે રેલવે સંબંધિત શૅર સિલેક્ટિવ ફૅન્સીમાં હતા. જ્યુપિટર વૅગન્સ ૨૦ ગણા કામકાજમાં ૫૬૫ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી ૧૨ ટકાની તેજીમાં ૫૫૬ થયો છે. ટીટાગર રેલ સિસ્ટમ્સ આઠ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૩૪૭ દેખાડી ૭ ટકાના જમ્પમાં ૧૩૧૭ હતો. ટેક્સમાકો રેલ પાંચ ટકા, રેલટેલ કૉર્પોરેટ ૩.૮ ટકા, આઇઆરએફસી પાંચ ટકા, ઇરકોન ઇન્ટર. ૬ ટકા, રેલ વિકાસ નિગમ સાડાત્રણ ટકા, આઇઆરસીટીસી અઢી ટકા, ભારત અર્થ મૂવર સવાબે ટકા, ગુજરાત સ્ટેટ ફાઇ કૉર્પોરેશન સવાછ ટકા, ઓરિયેન્ટ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સવાનવ ટકા, રાઇટ્સ બે ટકા વધ્યા હતા. કાર્નેક્સ માઇક્રો સિસ્ટમ્સ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૩૨૦ના શિખરે પહોંચ્યો છે. ૧૨ જૂને ભાવ ૩૩૩ના વર્ષના તળિયે હતો.
સ્વિગીમાં એક માસનો લોક ઇન પિરિયડ પૂરો થતાં ઇન્વેસ્ટર્સ તરફથી એક્ઝિટ લેવાનું શરૂ થવાના પગલે શૅર નીચામાં ૫૧૬ થઈ ૩.૩૮ ટકા તૂટી ૫૨૩ રહ્યો છે. પરિણામ સાવ સાધારણ આવવા છતાં આ શૅરમાં થોડાક દિવસથી દેશી-વિદેશી બ્રોકરેજ હાઉસના બુલિશ વ્યુ સાથે બાયના કૉલ આવવા માંડ્યા હતા. એની પાછળનો મૂળ હેતુ રોકાણકારોને હવે ખબર પડી જવો જોઈએ. ઝોમાટો સવા ટકો નરમ હતો. ડીમાર્ટ વાળી ઍવન્યુ સુપર માર્ટમાં ગોલ્ડમૅન સાક્સ દ્વારા ૪૦૫૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૩૪૨૫ કરવાની સાથે સેલનો કૉલ જાળવી રખાયો છે. ભાવ નીચામાં ૩૬૭૩ થઈ અઢી ટકા ઘટી ૩૭૨૦ બંધ રહ્યો છે.
કંપનીમાં ગોલમાલ, હિસાબી ગોટાળા, ગેરવહીવટ, છેતરપિંડી અને કૉર્પોરેટ ગવર્નન્સના નિયમોના ભંગ બદલ સેબી તરફથી અમદાવાદી મિષ્ટાન ફૂડ્સને શો-કોઝ પાઠવી કંપની તથા તેના પ્રમોટર હિતેશ ગૌરી શંકર પટેલ તથા અન્ય ચારને સપાટામાં લેવાયા હતા. એના પગલે શૅર નીચલી સર્કિટ મારતો રહી ૪ દિવસમાં ૪૦ ટકા જેવો તૂટી ગયો હતો. હવે કંપની તરફથી સેબીની નોટિસ તેમ જ પ્રતિબંધાત્મક પગલાં કાનૂની દૃષ્ટિએ અયોગ્ય હોવાની દલીલ કરતું સ્પષ્ટીકરણ જારી થયું છે અને શૅર ગઈ કાલે ૨૯ ગણા વૉલ્યુમે દસેક ટકાની ઉપલી સર્કિટ મારીને પોણાદસ રૂપિયા બંધ થયો છે. શૅરની ફેસવૅલ્યુ એકની છે. બુકવૅલ્યુ ૨૧૨ પૈસા છે. ગત વર્ષે ૩૨૨ કરોડની આવક પર ૧૪ કરોડ નફો કરી શૅરદીઠ ૧૪ પૈસાની કમાણી કરતી આ કંપનીનું માર્કેટકૅપ તાજેતરની ખરાબી પછીય હાલ ૧૦૬૦ કરોડનું છે. શૅર હાલ ૯૮ના પીઈ પર ચાલે છે. કંપનીના પ્રમોટર્સની છાપ તોફાની છે.
મુંબઈની નિસસ ફાઇનૅન્સનું ધારણાથી ઘણું નબળું લિસ્ટિંગ
મુંબઈના વરલી ખાતેની નિસસ ફાઇનૅન્સ ૧૦ના શૅરદીઠ ૧૮૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૯૫ના ગ્રે માર્કેટના પ્રીમિયમ સામે ૨૨૫ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૩૬ વટાવી ત્યાં બંધ થતાં શૅરદીઠ ૫૬ રૂપિયા કે ૩૧.૨ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. સાઉથની ઍમરેલ્ડ ટાયરનું લિસ્ટિંગ આજે થશે. પ્રીમિયમ ૮૫ આસપાસ ચાલે છે. ગુરુવારે મેઇન બોર્ડમાં રેખા ઝુનઝુનવાલાના બૅકિંગવાળી થાણેના નવી મુંબઈ ખાતેની ઇન્વેન્યર્સ નૉલેજ સૉલ્યુશન્સ લિમિટેડ એક રૂપિયાના શૅરદીઠ ૧૩૨૯ની અપર બૅન્ડમાં ૨૪૯૮ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ કરવાની છે. ઇશ્યુમાં QIB પોર્શન ૭૫ ટકા હોવાથી રીટેલ માટે ૧૦ ટકા રખાયા છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૨૨૫થી શરૂ થયા બાદ હાલ ૪૨૨ જેવું છે. ત્રણ વર્ષની ઍવરેજ ઈપીએસ ૧૯.૭૦ રૂપિયા છે. ગત વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ હાલ ૪૧-૪૨ના ભાવે મળતી સિજીલિટી ઇન્ડિયામાં રોકાણ કરવું વધુ બહેતર વિકલ્પ બની રહેશે. બરોડાની યસ હાઈ વૉલ્ટેજ પાંચના શૅરદીઠ ૧૪૬ની અપર બૅન્ડમાં ૧૧૦ કરોડનો BSE SME ઇશ્યુ પણ આજે કરવાની છે. ગ્રે માર્કેટમાં ૫૦થી શરૂ થયેલું પ્રીમિયમ ફૅન્સી જમાવવા ખેંચીને ૧૩૦ બોલાવા માંડ્યું છે.
દરમ્યાન હિંમતનગર ગુજરાત ખાતેની ધનલક્ષ્મી ક્રૉપનો શૅરદીઠ ૫૫ના ભાવનો ૨૩૮૦ લાખનો SME IPO કુલ ૫૫૬ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ વધીને ૩૭ થયું છે. ગઈ કાલે જે પાંચ ભરણાં ખુલ્યાં છે એમાંથી સુપ્રીમ ફૅસિલિટી મૅનેજમેન્ટનો ૭૬ના ભાવનો ૫૦ કરોડનો ઇશ્યુ ૧.૮ ગણો તથા પર્પલ યુનાઇટેડ સેલ્સનો ૧૨૬ના ભાવનો ૩૨૮૧ લાખનો ઇશ્યુ ૭.૫ ગણો ભરાયો છે. સુપ્રીમમાં ૨૪ તો પર્પલમાં ૫૦નું પ્રીમિયમ બોલાય છે. મેઇન બોર્ડમાં વિશાલ મેગા માર્ટનો શૅરદીઠ ૭૮ના ભાવનો ૮૦૦૦ કરોડનો આઇપીઓ પ્રથમ દિવસે કુલ ૫૪ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૨૨ જેવું છે. સાંઈ લાઇફ સાયન્સિસનો એકના શૅરદીઠ ૫૪૯ની મારફાડ અપર બૅન્ડ સાથે ૩૦૪૨ કરોડ પ્લસનો ઇશ્યુ ૮૫ ટકા અને મોબિક્વિકનો બેના શૅરદીઠ ૨૭૯ની ઇશ્યુ પ્રાઇસવાળો ૫૭૨ કરોડનો આઇપીઓ રીટેલમાં ૨૭ ગણા પ્રતિસાદના જોરમાં કુલ ૭.૭ ગણો ભરાયો છે. સાંઈ લાઇફમાં હાલ ૩૬ અને મોબિક્વિકમાં ૧૩૬ પ્રીમિયમ ચાલે છે. મંગળવારે SME સેગમેન્ટમાં મૂડીબજારમાં આવેલી ટૉસ ધ કૉઇનનો શૅરદીઠ ૧૮૨ના ભાવનો ૯૧૭ લાખનો નાનકડો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૩૭૦ ગણો છલકાયો છે. પ્રીમિયમ ૧૯૯ જેવું છે, જ્યારે જંગલ કૅમ્પસનો શૅરદીઠ ૭૨ના ભાવનો ૨૯૪૨ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૩૯ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ ૭૦ના લેવલે ટકેલું છે. આ બન્ને ભરણાં ગુરુવારે બંધ થશે, જ્યારે ગઈ કાલે ખૂલેલાં પાંચેય ભરણાં શુક્રવારે પૂરાં થશે.
સ્કાય ગોલ્ડ અને PNGS ગાર્ગીના શૅર સેબી શું કરે છે એનો જવાબ છે
થાણેની સ્કાય ગોલ્ડ એક શૅરદીઠ નવ બોનસ શૅરમાં સોમવારે એક્સ બોનસ થવાની છે. ભાવ ગઈ કાલે ૪૫૪૨ની ઑલટાઇમ હાઈ બનાવી ત્રણ ટકા વધી ૪૫૩૩ બંધ થયો છે. આ કંપની ૧૦ના શૅરદીઠ ૧૮૦ના ભાવે ૨૦૧૮ના મિડ-સપ્ટેમ્બરમાં ૨૫૫૬ લાખનો SME IPO લાવી હતી. ભરણું કુલ ૧.૦૮ ગણું ભરાયું હતું. ચોથી ઑક્ટોબરે ૨૦૧૮માં લિસ્ટિંગના દિવસે ભાવ ૧૮૦ જેવો બંધ થયો હતો. કંપનીએ જુલાઈ ૨૦૨૨માં શૅરદીઠ એક બોનસ આપ્યું હતું. લિસ્ટિંગ બાદ છેક નવેમ્બર ૨૦૨૧ સુધી લગભગ ભાવોભાવ રહેલી આ કંપની મેઇડન બોનસની જાહેરાતથી ધીમે-ધીમે ડિમાન્ડમાં આવવા માંડી હતી. ઑગસ્ટ ૨૦૨૩ના અંતે ભાવ ૩૨૫ થયો હતો. ત્યાર પછી વેગીલી તેજી જોવાઈ છે જેમાં સવા વર્ષમાં ભાવ ૩૨૫થી ઊછળી ૪૫૪૨ થયો છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ હાલ ૧૬૮ નજીક છે. ગત વર્ષે ૧૭૪૫ કરોડની આવક પર ૪૦ કરોડ નેટ પ્રૉફિટ કરીને શૅરદીઠ ૩૫ની ઈપીએસ બતાવનારી આ કંપનીનું માર્કેટકૅપ ૬૬૪૨ કરોડ રૂપિયા થઈ ગયું છે. ગઈ કાલે PNGS ગાર્ગી ફૅશન જ્વેલરી ૧૪૫૮ના શિખરે જઈ સાડાઆઠ ટકાના ઉછાળે ૧૪૪૨ રહી છે. પુણેની આ કંપની ડિસેમ્બર ૨૦૨૨ના રોજ લિસ્ટિંગમાં શૅર ૬૦ નજીક બંધ થયો હતો. ત્યાર બાદ ભાવ નીચામાં ૫૭ થયા પછી વધ-ઘટે જબ્બર તેજીમાં ૧૪૫૮ થઈ ગયો છે. કંપનીએ ગત વર્ષે ૫૦ કરોડની આવક પર ૮ કરોડ નેટ નફો કરી શૅરદીઠ પોણાનવની ઈપીએસ મેળવી છે. સામે માર્કેટકૅપ લગભગ ૧૪૯૩ કરોડનું છે. બેફામ સટ્ટાખોરી અને વગદાર ઑપરેટર્સ વિના આ શક્ય છે ખરું? સેબીને પૂછો.