23 July, 2024 09:35 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
આર્થિક સર્વે પ્રમાણે ગયા વર્ષના ૮ ટકા સામે ચાલુ વર્ષે આર્થિક વિકાસદર ઘટીને સાડાછથી સાત ટકા રહેવાનું અનુમાન : બજેટમાં ડેરિવેટિવ્સનાં જુગારખાનાં સામે કડક પગલાં અપેક્ષિત : ગ્રામીણ વિકાસ, સોશ્યલ સ્પેન્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બજેટમાં ખાસ ભાર રહેવા સંભવ : ચોખ્ખી ખોટમાં તગડી વૃદ્ધિનો આંચકો પચાવી પીવીઆર આઇનોક્સ સુધારામાં : ખાતર અને ઍગ્રો કેમિકલ્સ શૅરો ડિમાન્ડમાં : બહેતરીન પરિણામ છતાં પતંજલિ ફૂડ્સમાં સામાન્ય સુધારો : પરિણામની તેજીમાં દુડલા ડેરી નવા શિખરે, ઑબેરૉય રિયલ્ટી વૉલ્યુમ સાથે મજબૂત : ટુનવાલ ઈ-મોટર્સનું આજે લિસ્ટિંગ, પ્રીમિયમ પાંચ રૂપિયા
આજે, મંગળવારે બજેટ છે. નિર્મલા સીતારમણનાં અત્યાર સુધીનાં તમામ બજેટને સરકાર અને તેમના સમર્થકો દિલ ખોલીને વધાવતાં રહ્યાં છે. અભૂતપૂર્વ, અદ્વિતીય, દાયકાનું શ્રેષ્ઠથી માંડીને સૈકાનાં બેસ્ટ બજેટ તરીકે વખાણ થઈ ચૂક્યાં છે. આ વખતે પણ મહિમા મંડનમાં જરાય કચાશ રહેવાની નથી. જોકે આ મૅડમમાં દેશનું તો ઠીક, ઘરનું બજેટ પણ સંભાળવા જેટલી આવડત હશે કે કેમ એની અમને હંમેશાં શંકા રહી છે. પ્રણવ મુખરજીની જેમ નિર્મલાજી પણ એક મીડિયોકરનું કૅલિબર ધરાવે છે, કારકુની માઇન્ડથી વિશેષ કંઈ નથી. બજેટમાં આ વેળા સોશ્યલ સ્પેન્ડિંગ, ગ્રામીણ ફાળવણી વધશે એમ માનય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોદીની માનીતી થીમ રહી છે એના નામે જેટલી વધુ ફાળવણી થશે, જુગાડુ લોકોને એટલા વધુ જલસા થઈ જશે. જેટલો પ્રોજેક્ટ મોટો એટલો કમિશન-કટકીને અવકાશ વધુ.
સોમવારે બજાર ૨૦૦ પૉઇન્ટ નીચે ખૂલ્યા પછી વધુ ઘટી ૮૦,૧૦૦ થયા બાદ તરત બાઉન્સબૅકમાં આવી ૮૦,૮૦૦ ઉપરમાં થયું હતું. ત્યાર પછી દિવસભર સપાટ ચાલ દાખવી સેન્સેક્સ ૧૦૨ પૉઇન્ટ ઘટી ૮૦,૫૦૨ તથા નિફ્ટી બાવીસ પૉઇન્ટ ઘટી ૨૪,૫૦૯ બંધ થયો છે. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૩૪૫ શૅર સામે ૧૦૩૭ જાતો ઘટી હતી. ડેરિવેટિવ્સ કે એફઍન્ડઓ માટે આર્થિક સર્વેમાં રીતસરનો જુગાડ જેવો જે શબ્દ પ્રયોગ થયો છે એ જોતાં આ વેળાનું બજેટ ડેરિવેટિવ્સ માટે કડક રહેશે એ નક્કી. નૅશનલ ફર્ટિલાઇઝર, આરએફસી, મદ્રાસ ફર્ટિલાઇઝર, એરિસ ઍગ્રો, ફેક્ટ, નાગાર્જુના, સ્પીક ૫થી ૧૧ ટકા ઊછળ્યા છે. પેસ્ટી સાઇડ્સ તથા ઍગ્રોકેમ ક્ષેત્રના ૨૫માંથી ૨૦ શૅર વધ્યા છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ દોઢ ટકા કે ૧૦૭૯ પૉઇન્ટની તેજીમાં હતો. સેન્ટ્રલ પીએસયુ બેન્ચમાર્ક ૫૭માંથી ૫૧ શૅરની હૂંફમાં ૧.૯ ટકા ઊંચકાયો છે.
એમટીએનએલ ૧૦ ટકાની ઉપલી સર્કિટે દોઢ દાયકાની ટોચે
વલસાડના ઉમરસાડી ખાતેની NHC ફૂડ્સ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ૫ ટકાની ઉપલી સર્કિટે ૭.૩૫ થઈ ત્યાં જ બંધ રહી છે. આલ્મંડ્સ ગ્લોબલ સિક્યૉરિટી ૬ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરના એક રૂપિયામાં વિભાજનમાં મંગળવારે એક્સ સ્પ્લિટ થશે. ભાવ ૧૭૪ના શિખરે જઈ ૧૭૩ ઉપર રહ્યો હતો. તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં રાઇટ ઇશ્યુ માટે બોર્ડ મીટિંગ મંગળવારે છે, શૅર દોઢ ટકો વધી ૧૨૦૬ રહ્યો છે. ઑબેરૉય રિયલ્ટીનો નફો ૮૨ ટકા વધી ૫૮૪ કરોડને વટાવી જતાં શૅર ૬ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૭૮૦ બતાવી ૪.૩ ટકા વધી ૧૭૪૩ થયો છે. દુડલા ડેરી સ્ટ્રૉન્ગ રિઝલ્ટ પાછળ ૧૩૪૬ની ઑલટાઇમ હાઈ બનાવી પોણાઆઠ ટકાના ઉછાળે ૧૨૪૮ હતો. ૨૧ સપ્ટેમ્બરે ભાવ ૬૫૨ વર્ષના તળિયે હતો.
પીસી જ્વેલર્સ તરફથી લગભગ દર અઠવાડિયે કોઈ ને કોઈ એક બૅન્ક સાથે દેવાનું વન-ટાઇમ સેટલમેન્ટ કરવાના સમાચાર આવતા રહે છે, જેમાં હવે બૅન્ક ઑફ બરોડાનો વારો આવ્યો છે. એની સાથે ડેટ સેટલમેન્ટના અહેવાલમાં શૅર ૫ ટકાની ઉપલી સર્કિટે ૭૦.૬૩ની નવી ટૉપ બનાવી ત્યાં જ બંધ થયો છે. કંપની ગયા વર્ષના આંકડા પ્રમાણે ૧૪ બૅન્કોના આશરે ૩૫૦૦ કરોડના દેવાના પેમેન્ટમાં ડીફૉલ્ટ થયેલી છે.
એમટીએનએલ બુલરન જારી રાખતાં ૭૬ ઉપર દોઢ દાયકાની નવી ટૉપ હાંસલ કરી દસ ટકાની આગેકૂચમાં ત્યાં જ રહ્યો છે. તો તાતા ટેલિ સહેજ વધી ૧૦૨ હતો. અવાન્ટેલ આગલા દિવસના ધબડકા બાદ ૯.૨ ટકાના બાઉન્સબૅકમાં ૧૯૯ થયો છે. આઇટીઆઇ ૩.૪ ટકા ઊંચકાઈ ૩૦૨ હતો. ફિનિક્સ મિલ્સ નીચામાં ૩૬૦૫ બતાવી ૬ ટકા કે ૨૩૮ રૂપિયા તૂટી ૩૭૨૦ રહ્યો છે. ઝાયડ્સ વેલનેસનાં પરિણામ તો બીજી ઑગસ્ટે છે, પણ શૅર ગઈ કાલે ૨૨૮૮ના શિખરે જઈ ૨.૨ ટકા ઊછળીને ૨૨૨૬ થયો છે. વૉકહાર્ટ પાંચ ટકાની તેજીમાં ૮૧૭ હતો.
માઝગાવ ડૉક ૩.૮ ટકા કે ૧૯૩ રૂપિયા, કોચીન શિપયાર્ડ પાંચ ટકા અને ગાર્ડન રિચ ૪.૭ ટકા મજબૂત હતા. શિપિંગ કૉર્પોરેશન ૪.૩ ટકા વધી ૩૧૮ રહ્યો છે. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ચાર ટકા મજબૂત બન્યો છે.
પરિણામ પાછળ રિલાયન્સ છોલાયો, વિપ્રોમાં મોટો ધબડકો
રિલાયન્સે સાડાપાંચ ટકાના ઘટાડામાં ૧૫,૧૩૮ કરોડ નેટ નફો કર્યો છે. આ સતત બીજા ક્વૉર્ટરમાંની પીછેહઠ છે. આવક ૧૧.૭ ટકા વધી ૨.૩૨ લાખ કરોડને વટાવી ગઈ છે. બ્લૂમબર્ગના સર્વેમાં એકંદર અપેક્ષા ૧૭,૪૧૬ કરોડના નફાની હતી. પરિણામ બેશક નબળશં છે, પણ રિલાયન્સનો મામલો છે એટલે એને પૉઝિટિવ આઉટલૂકમાં ખપાવી બિરદાવવાનો રિવાજ છે. નોમુરા, જેફરીઝ, મૉર્ગન સ્ટૅનલી જેવા બ્રોકરેજ હાઉસ તરફથી ૩૫૨૫થી ૩૬૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુ જારી રખાયો છે. મેકવાયરે ૨૭૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી શૅર ડાઉન ગ્રેડ કર્યો છે. ભાવ ગઈ કાલે નીચામાં ૨૯૯૯ થઈ ૩.૫ ટકા બગડી ૩૦૦૨ બંધ થતાં બજારને ૩૨૧ પૉઇન્ટની હાનિ થઈ હતી.
વિપ્રોએ ૨૯૫૩ કરોડની ધારણા સામે ૩૦૦૩ કરોડનો નેટ પ્રૉફિટ કર્યો છે. ગાઇડન્સિસ માઇનસ વન પર્સન્ટમાંથી સુધારી પ્લસ એક ટકાનું કર્યું છે, પણ આવક ૨૨,૨૨૯ કરોડની અપેક્ષા કરતાં ઓછી, ૨૧,૯૬૪ કરોડ નોંધાઈ છે. સરવાળે શૅર નીચામાં ૫૦૧ બતાવી ૯.૨ ટકાના ધબડકામાં ૫૦૬ બંધ રહી નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બન્યો છે. સેન્સેક્સ નિફ્ટી ખાતે NTPC, મહિન્દ્ર, અલ્ટ્રા ટ્રેક, ગ્રાસિમ, ભારત પેટ્રો દોઢથી અઢી ટકા મજબૂત હતા. ઇન્ફી ૦.૯ ટકા વધી ૧૮૦૮ હતો. ટીસીએસ સાધારણ ઘટ્યો છે.
બાબા રામદેવની પતંજલિ ફૂડ્સે અગાઉની ૭૮૧૦ કરોડની સામે આ વેળા જૂન ક્વૉર્ટરમાં ઓછી, ૭૨૦૨ કરોડની આવક મેળવી છે, પણ નફો ત્રેવડાઈ ૨૬૩ કરોડ નોંધાયો છે. શૅર પોણો ટકો વધી ૧૬૦૪ બંધ થયો છે. રાધાક્રિશ્ન દામાણી જેમાં સાડાત્રણેક ટકા હોલ્ડિંગ ધરાવે છે એ વીએસટી ઇન્ડસ્ટ્રીઝ ૨૫મીએ પરિણામની સાથે બોનસ વિશે પણ વિચારણા કરવાની છે. શૅર NSE ખાતે ૪૭૦૮ના બેસ્ટ લેવલે જઈ સહેજ વધી ૪૫૯૨ બંધ હતો. કંપનીએ છેલ્લે સપ્ટેમ્બર ૧૯૯૧માં પાંચ શૅરદીઠ ત્રણનું બોનસ આપ્યું હતું. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૮૧૧ની છે. પીવીઆર આઇનોક્સની ત્રિમાસિક ખોટ ૮૨ કરોડથી વધી ૧૭૮ કરોડ થઈ છે. શૅર પ્રારંભિક ઘટાડામાં ૧૩૩૦ થઈ બાઉન્સબૅકમાં ૧૪૪૦ બતાવી સવા ટકો સુધરી ૧૪૨૨ હતો.
HDFC બૅન્ક રિઝલ્ટમાં મજબૂત, કોટક મહિન્દ્ર બૅન્કમાં ખરાબી
HDFC બૅન્કે માર્જિનમાં સુધારા સાથે ૧૫,૬૫૨ કરોડની એકંદર ધારણા સામે ૧૬,૧૭૫ કરોડનો નેટ પ્રૉફિટ સાથે સારાં પરિણામ આપતાં ૧૯૨૫થી ૧૯૪૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ-વ્યુ શરૂ થયા છે. શૅર ઉપરમાં ૧૬૫૧ થઈ બે ટકા વધી ૧૬૪૧ બંધ થયો છે. એના લીધે બજારને ૨૨૭ પૉઇન્ટનો ફાયદો થયો છે. કોટક મહિન્દ્ર બૅન્કે ઍસેટ્સ ક્વૉલિટીમાં સુધારા સાથે ૭૯ ટકાના વધારામાં ૭૪૪૮ કરોડનો ત્રિમાસિક ચોખ્ખો નફો કર્યો છે, પણ શૅર નીચામાં ૧૭૪૯ થઈ સાડાત્રણ ટકા ગગડી ૧૭૫૭ રહ્યો છે. ઇન્ડ્સઇન્ડ, સ્ટેટ બૅન્ક તથા ICICI બૅન્ક અડધાથી સવા ટકો નરમ હતા. ઍક્સિસ બૅન્કનાં પરિણામ ૨૫મીએ છે. ભાવ અડધો ટકો નરમ હતો. ગઈ કાલે બૅન્કિંગના ૪૧માંથી ૨૮ શૅર પ્લસ હતા. યસ બૅન્કની પ્રોવિઝનિંગ ૪૧ ટકા ઘટતાં નફો ૪૭ ટકા વધી ૫૦૨ કરોડ થયો છે. શૅર ૨૬ નજીક જઈ ૩.૬ ટકા વધી ૨૫.૬૭ રહ્યો છે. કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, એયુ બૅન્ક, જના સ્મૉલ બૅન્ક, બંધન બૅન્ક, ધનલક્ષ્મી સવાથી અઢી ટકા મજબૂત હતા. બૅન્ક નિફ્ટી ૧૫ પૉઇન્ટ જેવો નજીવો વધ્યો છે.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૯માંથી ૮૬ શૅરના સુધારા વચ્ચે સામાન્ય સુધર્યો હતો. આઇએફસીઆઇ ૭૩ વટાવી ૪.૪ ટકા ઝળકી ૭૧ હતો. એલઆઇસી બે ગણા કામકાજે સવા ટકો ઊંચકાઈ ૧૧૨૨ રહ્યો છે. અરિહંત કૅપિટલ પરિણામ પાછળ ચાર ટકા ગગડી ૭૮ હતો. એલઆઇસી હાઉસિંગ, દૌલત અલ્ગા, હોમફર્સ્ટ, અબાન હોલ્ડિંગ્સ, નિપ્પોન લાઇફ, ઓસ્વાલ ગ્રીન, પિરામલ એન્ટર દોઢથી ત્રણેક ટકા મજબૂત થયા છે. સુમિત સિક્યૉરિટીઝ દોઢ ટકાના ઉછાળે ૧૮૧૯ હતો.
જેકે સિમેન્ટ્સ પરિણામ પાછળ દોઢા કામકાજે ઉપરમાં ૪૪૮૮ બતાવી ૪.૪ ટકા વધી ૪૪૬૦ હતો. દરમ્યાન બજારનું માર્કેટકૅપ ગઈ કાલે ૧.૯૩ લાખ કરોડ રૂપિયા વધીને ૪૪૮.૩૨ લાખ કરોડ રૂપિયા થયું છે.
નવા લિસ્ટેડ ચારેય SME IPO ઉપલી સર્કિટમાં બંધ થયા
સોમવારે ૪ SME IPO લિસ્ટેડ થયા છે. મુંબઈના માઝગાવની એલિયા કૉમોડિટીઝ ૯૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૭૭ના પ્રીમિયમ સામે ૧૬૫ ખૂલી નીચામાં ૧૫૬ થઈ ઉપલી સર્કિટમાં ૧૭૩ ઉપર જઈ ત્યાં બંધ થતાં ૮૩.૪ ટકાનો તથા વડાલાની થ્રીએમ પેપર બોર્ડ્સ ૬૯ની ઇશ્યુ પ્રાઇસ અને ૩૦ના પ્રીમિયમ સામે ૭૬ ખૂલી ૮૦ નજીક જઈ ત્યાં જ બંધ થતાં એમાં માત્ર ૧૫.૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. અમદાવાદી પ્રાઇઝોર વાઇઝટેક ૮૭ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૦૫ના પ્રીમિયમ સામે ૯૦ ટકાની મહત્તમ મર્યાદામાં ૧૬૫ ખૂલી ૫ ટકાની ઉપલી સર્કિટે ૧૭૩ વટાવી ત્યાં બંધ થતાં એમાં ૯૯.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. ભાગલપુરની સતી પૉલિપ્લાસ્ટ પણ ૧૩૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૪૦ના પ્રીમિયમ સામે આવા જ રંગમાં ૨૪૭ ખૂલી ઉપલી સર્કિટે ૨૫૯ વટાવી ત્યાં બંધ આવતાં એમાં ૯૯.૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળી ગયો છે. પુણેની ટુનવાલ ઈ-મોટર્સ બેના શૅરદીઠ ૫૯ની ઇશ્યુ પ્રાઇસ સામે હાલ ૫ના પ્રીમિયમે છે. લિસ્ટિંગ મંગળવારે છે.
સનસ્ટારનો બેના શૅરદીઠ ૯૫ની ઇશ્યુ પ્રાઇસવાળો ૫૧૦ કરોડનો મેઇન બોર્ડનો ઇશ્યુ મંગળવારે પૂરો થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૧૩ ગણું ભરાઈ ગયું છે. પ્રીમિયમ ઘટી ૨૯ જેવું ચાલે છે. સર ટેલિવેન્ચર્સનો શૅરદીઠ ૨૧૦ની અપર બૅન્ડ સાથે ૧૫૦ કરોડનો SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૬૮ ટકા ભરાયો છે. RNFL સર્વિસિસનો ૧૦૫ના ભાવનો ૭૦૮૧ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે ૫.૭ ગણો ભરાયો છે. સર ટેલિવેન્ચર્સમાં ૧૫ અને RNFLમાં ૬૨ના પ્રીમિયમ બોલાય છે.