28 December, 2024 09:19 AM IST | Mumbai | Anil Patel
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ફાર્મા, ઑટો અને ખાનગી બૅન્કિંગ શૅરોમાં સિલેક્ટિવ ફૅન્સી, ૧૨માંથી ૧૧ સરકારી બૅન્કો નરમ, સ્ટેટ બૅન્ક ટૉપ લૂઝર : ડૉલર સામે રૂપિયાની દયામણી સ્થિતિ, ૮૬નો ડૉલર ટૂંકમાં દેખાશે : ડૉ. રેડ્ડીઝ લૅબમાં મન્થ્લી ધોરણે સવાચાર વર્ષનો મોટો જમ્પ : કોચિન શિપયાર્ડ તથા ગાર્ડનરરિચ તગડા ઉછાળે જોરમાં, માઝગાવ ડૉક નરમઃ એક્સ-રાઇટ થતાં ધનલક્ષ્મી બૅન્ક ડબલ ડિજિટમાં ડૂલ, અંબર એન્ટરપ્રાઇઝ ૪૦૬ રૂપિયા બગડી : પરાગ શાહની મન ઇન્ફ્રાટેક માંડ દોઢ મહિનામાં દોઢ ગણી થઈ : ન્યુ મલયાલમ સ્ટીલનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ, સિટીકૅમને સારો પ્રતિસાદ
આગલા દિવસે સપાટ ચાલમાં ફ્લૅટ રહેલું બજાર શુક્રવારે સપાટ ચાલ સાથે સાધારણ સુધર્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૩૫ પૉઇન્ટ પ્લસ, ૭૮૬૦૭ ખૂલી છેવટે ૨૨૬ પૉઇન્ટ વધી ૭૮૬૯૯ તથા નિફ્ટી ૬૩ પૉઇન્ટ સુધરી ૨૩૮૧૩ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ તરત માર્કેટ ઉપરમાં ૭૯૦૪૩ થઈ ધીમી ધારે ઘસાતું રહી નીચામાં ૭૮૫૯૮ થયું હતું. આરંભથી અંત સુધી પ્લસમાં રહેલા બજારનાં સેક્ટોરલ બહુધા મિશ્ર વલણમાં હતાં. ઑટો, હેલ્થકૅર, નિફ્ટી ફાર્મા, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી એકંદર ડલ માર્કેટમાં ૦.૯થી ૧.૪ ટકા મજબૂત હતા; સામે મેટલ, ઑઇલ-ગૅસ અને પીએસયુ બૅન્ક નિફ્ટી પોણાથી સવા ટકો બગડ્યા છે. ટેલિકૉમ અને કૅટિપલ ગુડ્સ બેન્ચમાર્ક અડધા ટકા જેવા ઢીલા થયા છે. ખાનગી બૅન્કોની તાકાત પર બૅન્ક નિફ્ટી ૧૪૦ પૉઇન્ટ કે ૦.૩ ટકા અપ હતો. રસાકસીવાળા માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૪૩૧ શૅર સામે ૧૩૯૧ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ ૨૯૦૦૦ કરોડ વધી ૪૪૨.૩૧ લાખ કરોડ થયું છે. ડૉલર સામે રૂપિયો વધુ એક દયામણા લેવલે જઈ સહેજ રિકવર થયો હતો. નુવામાના મતે માર્ચ સુધીમાં ડૉલર સામે રૂપિયો ૮૬ તો કોટકવાળાના મતે ૮૬.૫૦નું વરવું વર્સ્ટ બૉટમ બતાવશે. અમને લાગે છે કે આ માટે માર્ચ સુધી રાહ નહીં જોવી પડે.
બહુમતી એશિયાઈ માર્કેટ ગઈ કાલે પ્લસ થઈ છે જેમાં જપાન પોણાબે ટકા મજબૂત હતું, પરંતુ સિંગાપોર, તાઇવાન, થાઇલૅન્ડ નહીંવત્ સુધર્યા હતા. એ જ પ્રમાણે સાઉથ કોરિયન બજાર એક ટકો ઘટ્યું છે પણ ચાઇના સાધારણ તો હૉન્ગકૉન્ગ નજીવું નરમ હતું. યુરોપ રનિંગમાં સામાન્યથી અડધા ટકા આસપાસ ઉપર દેખાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકૉઇન નીચામાં ૯૪૭૭૦ અને ઉપરમાં ૯૭૧૪૪ ડૉલર બનાવી રનિંગમાં દોઢેક ટકો વધીને ૯૬૬૧૮ ચાલતો હતો. પાકિસ્તાની શૅરબજાર ૧૧૨૦૪૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ રનિંગમાં સવા ટકો કે ૧૩૫૩ પૉઇન્ટના સુધારામાં ૧૧૧૭૮૯ હતું.
ડૉ. રેડ્ડીઝ લૅબ વધુ અઢી ટકાની આગેકૂચમાં ૧૩૮૯ બંધ આપી નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. ચાલુ મહિને આ શૅર આશરે ૧૬ ટકા વધી ગયો છે જે સપ્ટેમ્બર ૨૦૨૦ પછીની બેસ્ટ મન્થ્લી રૅલી છે ત્યારે આ શૅર ૨૨ ટકા ઊંચકાયો હતો. સેન્સેક્સ ખાતે મહિન્દ્ર અઢી ટકા નજીકની આગેકૂચમાં ૩૦૫૦ બંધ આપીને મોખરે હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક સવાબે ટકા તો આઇશર દોઢ ટકો મજબૂત હતી. અન્યમાં બજાજ ફાઇનૅન્સ, વિપ્રો, તાતા મોટર્સ, બજાજ ફિનસર્વ સવા ટકા આસપાસ પ્લસ હતી. સનફાર્મા તથા સિપ્લા એક ટકાથી વધુ સુધરી છે.
સ્ટેટ બૅન્ક દોઢ ટકાની નરમાઈમાં ૭૯૯ બંધ આપી સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બની બજારને ૪૦ પૉઇન્ટ નડી છે. નિફ્ટી ખાતે હિન્દાલ્કો પોણાબે ટકાથી વધુ બગડ્યો હતો. અન્યમાં શ્રીરામ ફાઇનૅન્સ તાતા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ONGC, કોલ ઇન્ડિયા એકથી દોઢ ટકા જેવા ડાઉન હતા. સેન્સેક્સમાં સામેલ થયા બાદ ઝોમાટો સતત ચોથા દિવસની નબળાઈમાં પોણો ટકો ઘટી ૨૭૧ થઈ છે. એની હરીફ સ્વિગી સવાબે ટકાથી વધુ ગગડી ૫૪૬ હતી. ઇન્ફી અડધો ટકો પ્લસ તો ટીસીએસ અડધા ટકા નજીક નરમ હતી. રિલાયન્સ સાવ સામાન્ય સુધરી ૧૨૨૧ નજીક સરક્યો હતો.
સબસિડિયરીના IPOના કરન્ટમાં ગ્રીવ્સ કૉટન ઝળકી
ગ્રીવ્સ કૉટનની સબસિડિયરી ગ્રીવ્સ ઇલેક્ટ્રિકલ મોબિલિટી લિમિટેડ ઑફર ફૉર સેલ બાદ કરતાં ૧૦૦૦ કરોડ રૂપિયાનો ઇશ્યુ લાવવા સક્રિય બની હોવાના અહેવાલમાં રૂપિયાનો ઇશ્યુ આવવા સક્રિય બની હોવાના અહેવાલમાં ગ્રીવ્સ કૉટનનો ભાવ જંગી વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટે ૨૮૨ના શિખરે બંધ થયો છે. ૪ જૂને શૅર ૧૧૨ના તળિયે હતો. વકરાંગી ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૩ વટાવી ગયો છે. ગાર્ડન રિચ ૯ ટકા કે ૧૪૦ના ઉછાળે ૧૬૯૪ હતી. અદાણી પોર્ટ્સ તરફથી ૪૫૦ કરોડ પ્લસનો ઑર્ડર મળતાં કોચિન શિપયાર્ડ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૫૩૨ બંધ રહી છે. ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં માઝગાવ ડૉક ૨૩૯૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સવાબે ટકા ઘટી ૨૩૦૯ થઈ છે.
ફાર્મા કંપની કૅપ્લિન પૉઇન્ટ ૨૬૩૬નું નવું ટૉપ બનાવી ૨૧૨ કે પોણાનવ ટકાના જમ્પમાં ૨૬૦૯ તથા અજન્ટા ફાર્મા પોણાનવ ટકા કે ૨૪૪ના ઉછાળે ૩૦૩૯ બંધ આવી છે. એકુમ્સ ડ્રગ્સ ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૬૬૮ હતી. આરતી ફાર્મા સાત ટકાની આગેકૂચમાં ૬૭૬ થઈ છે. ન્યુલૅન્ડ લૅબ, ઇપ્કા લૅબ, ગ્લેનમાર્ક પોણાત્રણથી ત્રણ ટકા મજબૂત હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા પરાગ શાહની મન ઇન્ફ્રાકન્સ્ટ્રક્શન ૪ ગણા વૉલ્યુમે ૨૫૮ની ઑલટાઇમ હાઈ બનાવી સાડાચાર ટકા વધી ૨૫૫ બંધ આવી છે. ૧૮ નવેમ્બરે ભાવ ૧૭૨ હતો.
ધનલક્ષ્મી બૅન્ક એક્સ-રાઇટ થતાં સાડાદસ ટકા ગગડી ૩૨.૨૦ નજીક બંધ રહી છે. રૅલીગેર સવાછ ટકાથી વધુની ખરાબીમાં ૨૮૨ બંધ આવી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર હતી. બ્લુડાર્ટ સવાપાંચ ટકા કે ૩૯૫ રૂપિયા પટકાઈ છે. અંબર એન્ટરપ્રાઇઝ તાજેતરના ઉછાળા બાદ સવાપાંચ ટકા નજીક કે ૪૦૬ના ધોવાણમાં ૭૪૪૬ રહી છે. કૅફિન ટેક ૪.૬ ટકા અને ગૉડફ્રે ફિલિપ્સ ૨૪૬ કે સાડાચાર ટકા ડૂલ હતી.
મમતા મશીનરીમાં ૧૫૯ ટકાનો માતબર લિસ્ટિંગ ગેઇન મળ્યો
મેઇન બોર્ડમાં પાંચ સહિત કુલ છ નવાં ભરણાં શુક્રવારે લિસ્ટેડ થયાં છે. ગુજરાતના સાણંદની મમતા મશીનરી શૅરદીઠ ૨૪૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં છેલ્લે બોલાતા ૨૬૦ના પ્રીમિયમ સામે ૬૦૦ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૬૩૦ બતાવી ત્યાં જ બંધ થતાં અહીં ૧૫૯ ટકા કે શૅરદીઠ ૩૮૭નો જબ્બર લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. ડૅમ કૅપિટલ ૨૮૩ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૪૩ના પ્રીમિયમ સામે ૩૯૩ ખૂલી ઉપરમાં ૪૫૭ નજીક જઈ ૪૧૫ બંધ રહેતાં અહીં ૪૬.૭ ટકાનો અને મુંબઈની અન્ય કંપની ટ્રાન્સરેલ લાઇટિંગ ૪૩૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૬૫ના પ્રીમિયમ સામે ૫૮૫ ખૂલી ૫૫૩ બંધ થતાં ૨૮ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મુંબઈની કૉન્કૉર્ડ એન્વિરો ૭૦૧ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૩૮ના પ્રીમિયમ સામે ૮૩૨ ખૂલી ઉપરમાં ૮૬૦ નજીક ગયા બાદ ૮૨૮ બંધ થતાં એમાં ૧૮ ટકાનો, જ્યારે સનાતન ટેક્સટાઇલ શૅરદીઠ ૩૨૧ની ઇશ્યુ પ્રાઇસ અને ૮૭ના પ્રીમિયમ સામે ૪૧૯ ખૂલી ૩૮૯ બંધ થતાં ૨૧ ટકા કે ૬૮ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળે છે. SME કંપની ન્યુ મલયાલમ સ્ટીલ ૯૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૩૦ના પ્રીમિયમ સામે નબળા લિસ્ટિંગમાં ભાવોભાવ, ૯૦ ખૂલી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૮૫.૫૦ થઈ ત્યાં જ બંધ થતાં અહીં પાંચ ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે.
અમદાવાદી સેનોરસ ફાર્મા, પુણેની વેન્ટિવ હૉસ્પિટલ તથા પપુણેની જ અન્ય કંપની કેરારો ઇન્ડિયાનાં લિસ્ટિંગ સોમવારે થવાનાં છે. હાલ સેનોરસમાં ૨૭૬, વેન્ટિવમાં ૭૧ તથા કેરારોમાં ઝીરો પ્રીમિયમ ચાલે છે. યુનિમેક ઍરોસ્પેસ ૩૧મીએ લિસ્ટિંગમાં જશે. પ્રીમિયમ ૬૬૬નું છે. બેના શૅરદીઠ ૧૪ના ભાવની અન્ય પોલિટેકનો ૪૪૮૦ લાખનો SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૨૮ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૪નું છે. તો મુંબઈના ખાંડબજારની સિટીકૅમ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૧૨૬૦ લાખનો BSE SME IPO પ્રથમ દિવસે કુલ ૨૭ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૩૦ના લેવલે દેખાય છે. મંગળવારે SME સહિત કુલ બે નવાં ભરણાં ખૂલવાનાં છે. મેઇન બોર્ડની ઇન્ડો ફાર્મા ઇક્વિપમેન્ટમાં ૨૧૫ની ઇશ્યુ પ્રાઇસ માટે ૮૫નું પ્રીમિયમ સંભળાય છે.
સ્ટાર સિમેન્ટ્સમાં અલ્ટ્રાટેક ૮૭૧ કરોડમાં હિસ્સો લેશે
સ્ટાર સિમેન્ટ્સમાં અલ્ટ્રાટેક તરફથી શૅરદીઠ મહત્તમ ૨૩૫ના ભાવે ૮.૭ ટકા હોલ્ડિંગ ૮૫૧ કરોડમાં ખરીદવાનું નક્કી થયું છે. જોકે આ ખરીદી નૉન-કન્ટ્રોલિંગ સ્ટેક હસ્તગત કરવા પૂરતી જ સીમિત છે. એટલે ઓપન ઑફર આવવાની નથી. આથી શૅર વધીને ઉપરમાં ૨૪૮ નજીક ગયો હતો એ છેવટે એક ટકાના સુધારે ૨૩૨ બંધ થયો છે. અલ્ટ્રાટેક પોણા ટકાની નરમાઈમાં ૧૧૩૭૫ હતી. NTPC ગ્રીનનો ગુજરાત ખાતે ૨૦૦ મેગાવૉટનો સોલર પ્રોજેક્ટ કાર્યરત થતાં શૅર સવાત્રણ ટકા વધીને ૧૩૦ થયો છે. ડોમિનો ફેમ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ દ્વારા કોકા કોલા ઇન્ડિયાનો બેવરેજિસ પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો ખરીદી લેવાના કરાર થયા છે, જે એપ્રિલ ૨૫થી અમલી બનશે. શૅર ૭૨૫ના શિખરે જઈ અડધા ટકાના સુધારે ૭૦૮ રહ્યો છે.
ચૉઇસ ઇન્ટરનૅશનલને મ્યુચ્યુઅલ ફન્ડ બિઝનેસમાં પદાર્પણ કરવાની મંજૂરી મળી જતાં શૅર ત્રણ ગણા વૉલ્યુમે ૫૬૩ વટાવી અંતે પોણાત્રણ ટકા વધી ૫૫૧ બંધ હતો. સેજિલિટી ઇન્ડિયા બુલરન આગળ ધપાવતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૫૪ નજીક સર્વોચ્ચ સપાટીએ બંધ રહી છે. ૧૩ નવેમ્બરે ભાવ તળિયે હતો. જેનસોલ એન્જિનિયરિંગ ૮૯૭ કરોડનો ઑર્ડર મળ્યાના જોશમાં ૭૮૦ થઈ પોણાસાત ટકા ઊંચકાઈ ૭૬૧ થઈ છે. આ શૅર આગલા દિવસે ૭૧૨ના વર્ષના તળિયે ગયો હતો. ગઈ ૨૦ ફેબ્રુઆરીએ એમાં ૧૩૭૭ની વિક્રમી સપાટી નોંધાઈ હતી.
મુંબઈના વરલીની નિસસ ફાઇનૅન્સ લિસ્ટિંગ પછી તેજીની ચાલ પકડી રાખતાં ગઈ કાલે ૪૫૨ની ટોચે જઈ સાડાઅગિયાર ટકા ઊછળીને ૪૨૩ વટાવી ગઈ છે. શૅર લિસ્ટિંગના વળતા દિવસે ઇન્ટ્રા-ડેમાં ૨૨૪ની સૌથી નીચી સપાટીએ ગયો હતો. લિસ્ટિંગ ૧૧ ડિસેમ્બરે ૨૩૬ના ભાવે થયું હતું.