22 November, 2024 07:47 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
બિટકૉઇન એક લાખ ડૉલરનો થવાની તૈયારીમાં, પાકિસ્તાની શૅરબજાર ૯૭,૪૦૦ની પાર : બજાર પૉઝિટિવ ઝોનમાં ખૂલ્યા પછી ઉપલા મથાળેથી ૯૦૮ પૉઇન્ટ બગડ્યું : પોણાબે માસમાં માર્કેટકૅપની રીતે રોકાણકારોના ૫૪ લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા : મર્જર-ડીમર્જરથી વન સોર્સ સ્પેશ્યલિટી ફાર્માની સ્થાપનાને એનક્લેટની મંજૂરી મળતાં સ્ટ્રાઇડ ફાર્મામાં ૧૨૭ની તેજી : NTPC ગ્રીન એનર્જીને ૯૮ ટકાનો રિસ્પૉન્સ, ભરણું આજે બંધ થશે, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ખલાસ : મામા અર્થવાળી હોનેસા ૧૦ ટકાની નીચલી સર્કિટે નવા તળિયે, ઓલા ઇલેક્ટ્રિકમાં પણ નવા નીચા ભાવ
મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીમાં સત્તાધારી NDAનો ઘોડો એકંદર વિનમાં હોવાના એક્ઝિટ પોલના વરતારા પછી બજારમાં મંગળવારનો સુધારો આગળ વધવાની ગણતરી રખાતી હતી, પરંતુ બજાર ઘટીને પાંચ માસની નીચી સપાટીએ બંધ થયું છે. અદાણી નામનો એરું બજારને આભડી ગયો છે. ગુરુવારે સેન્સેક્સ આગલા બંધથી ૧૩૩ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૭૭,૭૧૧ ખૂલી, એને જ ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૯૦૮ પૉઇન્ટના ધબડકામાં ૭૬,૮૦૩ની અંદર ઊતરી ગયો હતો. આખો દિવસ નેગેટિવ ઝોનમાં રહી અંતે ૪૨૨ પૉઇન્ટ ઘટી ૭૭,૧૫૬ નજીક બંધ થયો છે. નિફ્ટી ૨૩,૨૬૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૧૬૯ પૉઇન્ટ જેવી ખરાબીમાં ૨૩,૩૫૦ રહ્યો છે. સેન્સેક્સના અડધા ટકાના મુકાબલે નિફ્ટી પોણો ટકો કપાયો છે જે અદાણીને આભારી છે. રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો, નિફ્ટી આઇટી અડધો ટકો તથા હેલ્થકૅર બેન્ચમાર્ક નહીંવત પ્લસ હતો, અન્ય તમામ સેક્ટોરલ ઘટ્યા છે. પીએસયુ બૅન્ક નિફ્ટી સર્વાધિક પોણાત્રણ ટકા ડૂલ થયો છે એમાંય આડકતરી રીતે અદાણી ફૅક્ટર કામ કરી ગયું છે. બૅન્ક નિફ્ટી ૨૫૩ પૉઇન્ટ કે અડધો ટકો નરમ હતો. નિફ્ટી મીડિયા અઢી ટકા નજીક, નિફ્ટી મેટલ સવાબે ટકા, એનર્જી તથા ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ દોઢ-દોઢ ટકો, FMCG અને પાવર ઇન્ડેક્સ સવા ટકાથી વધુ ડૂલ થયા હતા. યુટિલિટી ઇન્ડેક્સ ત્રણ ટકા કે ૧૮૧ પૉઇન્ટ કપાયો છે. એમાં અદાણી એનર્જી, અદાણી ગ્રીન
તથા અદાણી પાવરનો ફાળો ૧૬૨ પૉઇન્ટ હતો.
માર્કેટ બ્રેડ્થ ખરાબીમાં હતી. NSE ખાતે વધેલા ૮૨૭ શૅર સામે ૧૯૯૧ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૬.૫૧ લાખ કરોડના ઘટાડામાં હવે ૪૨૫.૩૯ લાખ કરોડે આવી ગયું છે. બાય ધ વે, ૨૭ સપ્ટેમ્બરે બજારનું માર્કેટકૅપ ૪૭૯.૧૦ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ નોંધાયું હતું. પોણાબે માસમાં જ એમાંથી ૫૪ લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે.
ચાઇનાના નામજોગ સુધારાને બાદ કરતાં ગઈ કાલે તમામ અગ્રણી એશિયન બજાર નરમ હતાં. થાઇલૅન્ડ દોઢ ટકો, જપાન પોણો ટકો, હૉન્ગકૉન્ગ, તાઇવાન, ઇન્ડોનેશિયા અડધો ટકો ડાઉન હતાં. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી ફ્લૅટ હતો, જ્યારે અન્ય બજાર સાધારણથી અડધો ટકો ઢીલાં હતાં. ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટનું માર્કેટકૅપ છેલ્લા ૨૪ કલાકમાં સવાબે ટકા વધીને ૩.૧૯ લાખ કરોડ ડૉલરને વટાવી ગયું છે. બિટકૉઇન ૯૮,૩૪૯ ડૉલરની વિક્રમી સપાટી બનાવી રનિંગમાં સાડાચાર ટકા વધી ૯૭,૮૪૨ ડૉલર દેખાયો છે. પાકિસ્તાની શૅરબજાર પણ અભૂતપૂર્વ આખલા દોડ જારી રાખતાં ૯૭,૪૩૭ની નવી ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૧૮૬૯ પૉઇન્ટના ઉછાળે ૯૭,૪૧૫ જોવાયું છે. બિટકૉઇન અને પાકિસ્તાની શૅરબજાર વચ્ચે હાલ તો લાખેણું કોણ પહેલું બને છે એની રેસ જામી હોય એવું લાગે છે. બિટકૉઇન બાજી મારી જશે એવું જણાય છે.
પીટીસી ગ્રીનનો ઇશ્યુ શુક્રવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૯૮ ટકા ભરાઈ ગયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગગડી હાલ માત્ર ૨૦ પૈસા બોલાય છે. એન્વીરો ઇન્ફ્રાનો ઇશ્યુ આજે ખૂલશે. પ્રીમિયમ ઘટી ૨૭ થયું છે. ઝિન્કા લૉજિસ્ટિક્સનું લિસ્ટિંગ પણ આજે થશે. ગ્રે માર્કેટમાં કોઈ કામકાજ નથી.
વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રમોટર્સની એક્ઝિટના અહેવાલથી તેજી
સેન્સેક્સ ખાતે અદાણી પોર્ટ્સ ૧૭૪ રૂપિયા કે સાડાતેર ટકા તૂટી ૧૧૧૫ નજીકના બંધમાં ટૉપ લૂઝર બની બજારને સર્વાધિક ૧૧૧ પૉઇન્ટ નડ્યો છે. તો નિફ્ટી ખાતે અદાણી એન્ટર ૨૧૫૫ની વર્ષની બૉટમ બનાવી ૨૨.૬ ટકા કે ૬૩૮ રૂપિયાના કડાકામાં ૨૧૮૪ નજીક બંધ આપી વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. બજાજ ફીનસર્વ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, એશિયન પેઇન્ટ્સ, આઇટીસી, સ્ટેટ બૅન્ક, NTPC, SBI લાઇફ, ONGC, બ્રિટાનિયા, ભારત પેટ્રો, આઇશર જેવાં કાઉન્ટર પોણાબેથી ત્રણેક ટકા બગડ્યાં હતાં. રિલાયન્સ દોઢ ટકાની ખરાબીમાં ૧૨૨૩ બંધ આપી બજારને ૧૦૬ પૉઇન્ટ નડ્યો છે.
પાવર ગ્રીડ સાડાત્રણ ટકા અને અલ્ટ્રાટેક દોઢ ટકો વધી બન્ને બજારમાં વધવામાં મોખરે હતા. હિન્દાલ્કો સવા ટકો, ગ્રાસિમ એક ટકો, HCL ટેક્નૉ એક ટકા નજીક, તાતા સ્ટીલ અને ટીસીએસ અડધો ટકો પ્લસ હતા. ઇન્ફી અડધા ટકા નજીક સુધરી ૧૮૩૪ થયો છે. સ્ટ્રાઇડ ફાર્મા નવ ટકા કે ૧૨૭ની તેજીમાં ‘એ’ ગ્રુપ ખાતે ઝળક્યો હતો. લગેજ કંપની વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ પ્રમોટર્સે તેમનો ૫૧.૭ ટકાનો સંપૂર્ણ હિસ્સો વેચી મારવા પ્રાઇવેટ ઇક્વિટી ફ્રમ ઍડ્વેન્ટ ઇન્ટરનૅશનલ સાથે વાતચીત હાથ ધરી હોવાના અહેવાલ છે જે સફળ થાય તો કંપનીને નવી મૅનેજમેન્ટ મળશે, શૅરધારકો માટે ઓપન ઑફર આવશે. વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે પાંચ ગણા વૉલ્યુમે સાત ટકા ઊછળી ૪૯૩ થયો છે. રોકડામાં એવરેસ્ટ ઑર્ગેનિક્સ, માર્ગી સૉફ્ટ, આનંદ રેયોન્સ, મારુતિ ઇન્ટીરિયર ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટમાં બંધ હતા. હોનેસા કન્ઝ્યુમર ખરાબી આગળ ધપાવતાં ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૨૩૭, ઓલા ઇલેક્ટ્રિક ત્રણ ટકા ગગડીને ૬૭, એશિયન પેઇન્ટ્સ સવાબે ટકા ખરડાઈ ૨૪૨૯, ડીમાર્ટ સાડાત્રણ ટકા બગડી ૩૬૧૯, વોડાફોન પોણાત્રણ ટકા ઘટી ૭ની અંદર, ઇન્ડ્સઇન્ડ બૅન્ક પોણાબે ટકા ઘટી ૯૮૨, રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા દોઢ ટકો ઘટી ૯૯૫ના વર્ષના તળિયે બંધ રહ્યા છે.
‘એ’ ગ્રુપ ખાતે ગગડેલા ટૉપ ૧૦માં ૯ શૅર અદાણી ગ્રુપના
ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત ૭ જણ સામે લાંચ-રુશવત તથા ફ્રૉડના મામલે અમેરિકામાં ગુનો દાખલ થયો છે જેમાં ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અદાલતે વૉરન્ટ પણ જારી કરી દીધાં હોવાના અહેવાલ છે. હિન્ડનબર્ગના રિપોર્ટ પૂર્વે વિશ્વમાં બેનંબરી ધનકુબેર બની ગયેલા ગૌતમબાબુ અને તેમના અદાણી ગ્રુપની આના પગલે હાલત ખરાબ થઈ ગઈ છે. અદાણી એન્ટર તથા અદાણી પોર્ટ્સ ઉપરાંત ગ્રુપના તમામ શૅર લથડ્યા છે. ગઈ કાલે અદાણી એનર્જી ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૭૪ રૂપિયા તૂટી ૬૯૭ની ફેબ્રુઆરી ૨૦૨૧ પછીની સૌથી નીચી સપાટીએ બંધ હતો. અદાણી ગ્રીન ૧૯ ટકા કે ૨૬૫ રૂપિયા, અંબુજા સિમેન્ટ્સ ૧૨ ટકા, અદાણી ટોટલ સાડાદસ ટકા કે ૭૦ રૂપિયા, અદાણી વિલ્મર ૧૦ ટકા તૂટી ૨૯૪ના વર્ષના તળિયે, અદાણી પાવર નવ ટકાથી વધુ, એસીસી ૧૫૯ રૂપિયા કે સવાસાત ટકા લથડ્યો છે. ‘એ’ ગ્રુપ ખાતે સૌથી વધુ ઘટેલા ૧૦માંથી ૯ શૅર અદાણીના હતા. આ ઉપરાંત NDTV ૧૪૫ની ઐતિહાસિક બૉટમ બનાવી નજીવા ઘટાડે ૧૬૯ તો સાંધી ઇન્ડસ્ટ્રીઝ સવાછ ટકાની ખુવારીમાં ૭૬ ઉપર બંધ હતા. આઇટીડી સિમેન્ટેશનમાં અદાણી ગ્રુપે કન્ટ્રોલિંગ સ્ટેક હસ્તગત કરી ઓપન ઑફર જાહેર કરેલી છે. એનો ભાવ પાંચ ટકા ગગડી ૪૯૫ અંદર ગયો છે. આવો જ કેસ ઓરિયેન્ટ સિમેન્ટનો છે, એનો શૅર ૪ ટકા બગડી ૩૨૪ હતો. તાજેતરમાં જ એક વધુ શિકારમાં અદાણી ઇન્ફ્રાએ PSP પ્રોજેક્ટને ટેકઓવર કરી છે. એમાં ૬૪૨ના ભાવની ઓપન ઑફર આવવાની વાત છે. શૅર ગઈ કાલે સવાનવ ટકાના ધબડકામાં ૬૦૯ બંધ
થયો છે.
અદાણીના શૅર તો તૂટ્યા જ છે, પરંતુ જેની-જેની સાથે અદાણીને નિસ્બત હોય એવા તમામ શૅર સપાટે ચડ્યા છે જેમ કે મોનાર્ક નેટવર્થ નીચામાં ૩૭૬ થઈને પોણાત્રણ ટકા ઘટી ૩૯૨ હતો. એલઆઇસી ૮૭૨ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ દોઢા કામકાજે દોઢ ટકાથી વધુના ઘટાડે ૮૮૨ રહ્યો છે. સ્ટેટ બૅન્ક સવાયા વૉલ્યુમે અઢી ટકાથી વધુની ખરાબીમાં ૭૮૧ નીચે ગયો છે. ઇન્ડિયન બૅન્ક દોઢ ટકો પ્લસ હતો, બાકીની તમામ ૧૧ સરકારી બૅન્કો ઘટી છે જેમાંથી ૧૦ બૅન્ક બે ટકાથી માંડીને સાડાચાર ટકા ધોવાઈ હતી.