14 November, 2024 08:41 AM IST | Mumbai | Anil Patel
શૅરબજારની પ્રતીકાત્મક તસવીર
બજારનાં તમામ સેક્ટોરલ ડાઉન, રોકડામાં ભારે રમખાણ: માર્કેટકૅપમાં ૭.૭૮ લાખ કરોડ રૂપિયાનું વધુ ધોવાણ થયું: NTPC ગ્રીનનો ૧૦,૦૦૦ કરોડનો ઇશ્યુ ૧૯મીએ નક્કી થયો, પ્રીમિયમ ગગડીને ૩ રૂપિયા: JSW હોલ્ડિંગમાં તેજી અટકી, નલવા સન્સ બગડ્યો, એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સમાં નીચલી સર્કિટની હૅટ-ટ્રિક: નિફ્ટી ૨૬,૨૭૭ની ટોચથી ૧૦.૩ ટકા ઘટી જતાં બજાર હવે કરેક્શન ઝોનમાં આવી ગયું: બૅન્કિંગમાં વધુ લાલ, ફાઇનૅન્સના ૧૫૧માંથી ૧૪૫ શૅર માઇનસ: ગ્રીવ્ઝ કૉટનની નેટ લૉસમાં જબ્બર ઘટાડો થયો, પરંતુ શૅર સાડાદસ ટકા તૂટીને ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની ગયો
ટ્રમ્પ ટ્રેડની થીમમાં ૪ નવેમ્બર પછી ૨૫૦૦ પૉઇન્ટ વધીને ૧૧ નવેમ્બરે ૪૪,૨૯૩ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહેલું અમેરિકન શૅરબજાર મંગળવારે ૩૮૨ પૉઇન્ટ કે પોણા ટકાથી વધુ ઢીલુ પડી ૪૩,૯૧૧ બંધ થયું છે. નિતનવી ટૉપ સાથે ૯૦,૦૦૦ ડોલરના ઊંબરે આવી ગયેલો બિટકૉઇન પણ નીચામાં ૮૬,૩૩૩ બતાવી રનિંગમાં બે ટકાની પીછેહઠમાં ૮૭,૪૦૦ દેખાયો છે. ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટનું માર્કેટકૅપ છેલ્લા ૨૪ કલાકમાં ચારેક ટકા ગગડી ૨.૮૮ લાખ કરોડ ડૉલરે આવી ગયું છે. ટેસ્લાનો શૅર આગલા દિવસના ૩૫૦ ડૉલરના બેસ્ટ લેવલથી સવાછ ટકાના ઘટાડે ૩૨૮ ડૉલર બંધ રહેતાં ઇલૉન મસ્કની નેટવર્થ ૧૫.૫ અબજ ડૉલર ઘટીને મંગળવારે ૩૧૯ અબજ ડૉલર રહી છે. આ બધાં સાથે એશિયન બજારોની નબળાઈ પણ એકંદર આગળ વધી છે. બુધવારે સાઉથ કોરિયા પોણાત્રણ ટકા તો જપાન પોણાબે ટકા ડૂલ થયું છે. હૉન્ગકૉન્ગ, ઇન્ડોનેશિયા, તાઇવાન નહીંવતથી અડધો ટકો ઢીલાં હતાં. સામે થાઇલૅન્ડ અને ચાઇના અડધો ટકો તથા સિંગાપોર સામાન્ય સુધારામાં હતાં. યુરોપ ફ્લૅટ ઓપનિંગ બાદ રનિંગમાં નજીવું પ્લસ દેખાતું હતું. બ્રેન્ટ ક્રૂડ ૭૨ ડૉલરે પડેલું હતું. સોનું સાધારણ સુધર્યું છે, ચાંદી વાયદો અડધો ટકો પ્લસ થયો છે. અમેરિકન ડૉલર સામે રૂપિયામાં નવી વરવી વિક્રમી બૉટમ નોંધાઈ છે.
ઘરઆંગણે FII એકધારી વેચવાલ છે. ચાલુ મહિને ૧૨ નવેમ્બર સુધી કામકાજના સાત દિવસમાં એણે ૨૫,૧૮૧ કરોડનું નેટ સેલિંગ કર્યું છે. ગયા મહિને પણ તેણે ૧,૧૪,૪૪૬ કરોડ ઘરભેગા કર્યા હતા. આ વેચવાલી નહીં અટકે ત્યાં સુધી બજાર થાળે પડવું મુશ્કેલ છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૮૦ પૉઇન્ટ નીચે, ૭૮,૪૯૫ ખૂલી છેવટે ૯૮૪ પૉઇન્ટની વધુ ખરાબીમાં ૭૭,૬૯૧ તથા નિફ્ટી ૩૨૪ પૉઇન્ટ બગડીને ૨૩,૫૫૯ બુધવારે બંધ થયો છે. આરંભથી અંત સુધી લગભગ રેડ ઝોનમાં રહેલા બજારમાં શૅર આંક ક્ષણિક સુધારે ઉપરમાં ૭૮,૬૯૦ થયો હતો. નીચામાં આંક ૭૭,૫૫૩ દેખાયો છે.
સપ્તાહમાં સાત ટકા ધોવાયેલો સ્મૉલકૅપ ઇન્ડેક્સ ગઈ કાલે વધુ ત્રણ ટકા કે ૧૬૫૨ પૉઇન્ટ હલાલ થયો છે. એની ૯૪૫ જાતોમાંથી માત્ર ૬૯ શૅર પ્લસ હતા. મિડકૅપ અઢી ટકા તો બ્રૉડર માર્કેટ ૧.૮ ટકા ખરડાયું છે, વધુ બગડી છે. NSEમાં વધેલા ૨૬૬ શૅરની સામે ૨૨૨૨ કાઉન્ટર ઘટ્યાં છે. સેન્સેક્સ નિફ્ટીની બૂરાઈ સામે રિયલ્ટી ઇન્ડેક્સ સવાત્રણ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ત્રણ ટકા, નિફ્ટી મેટલ ૨.૭ ટકા, કૅપિટલ ગુડ્સ ૨.૭ ટકા કે ૧૮૪૦ પૉઇન્ટ, ઑટો બેન્ચમાર્ક ૨.૩ ટકા, ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૨.૨ ટકા, ઑઇલ-ગૅસ તેમ જ એનર્જી ઇન્ડેક્સ પોણાબે ટકા, પાવર ઇન્ડેક્સ સવાબે ટકા, પીએસયુ ઇન્ડેક્સ બે ટકા, બૅન્ક નિફ્ટી બે ટકા કે ૧૦૬૯ પૉઇન્ટ સાફ થયા છે. બજારનું માર્કેટકૅપ ૭.૭૮ લાખ કરોડના ધોવાણમાં હવે ૪૨૯.૪૬ લાખ કરોડે આવી ગયું છે.
BSE અને નાયકાનાં સારાં પરિણામ છતાં શૅરમાં નરમાઈ
BSE લિમિટેડ ૨૩ ટકાના વધારામાં ૭૪૬ કરોડની આવક પર ૩૧ ટકાના વૃદ્ધિદરથી ૩૪૬ કરોડ નફો કરી ધારણાથી સારો દેખાવ કર્યો છે. બજારની અપેક્ષા ૨૯૮ કરોડના નફાની હતી. શૅર ગઈ કાલે મજબૂત ખૂલી ઉપરમાં ૪૭૮૯ થયા બાદ પ્રૉફિટ બુકિંગમાં ૪૪૫૨ બતાવી ૪ ટકા ખરડાઈ ૪૪૯૨ બંધ થયો છે. એની ૧૫ ટકા માલિકીની સબસિડિયરી CDSL ૫.૭ ટકાના ઘટાડે ૧૪૩૫ હતો. MCX અઢી ટકા ઘટી ૫૯૪૬ રહ્યો છે. બૉશ લિમિટેડ ૪૬ ટકાના ઘટાડામાં ૫૩૬ કરોડ નફો કર્યો છે, પરંતુ ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં જે ૯૯૯ કરોડનો નેટ નફો હતો એમાં ૭૮૫ કરોડના વનટાઇમ ગેઇનનો સિંહફાળો હતો. આથી શૅર ૩૩,૨૪૬ના આગલા બંધ સામે ગઈ કાલે ૩૩,૮૯૬ ખૂલી ઉપરમાં ૩૪,૪૫૦ વટાવી અંતે અડધો ટકો સુધરી ૩૩,૪૬૬ બંધ થયો છે. નાયકાએ ૭૨ ટકાના વધારામાં ૧૦ કરોડનો કૉન્સો નેટ પ્રૉફિટ કર્યો છે. આવક ૨૪ ટકા વધી ૧૮૭૫ કરોડ નજીક થઈ છે. નુવામાએ ૨૨૦ રૂપિયા તો જે.એમ. ફાઇવાળાએ ૨૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયની ભલામણ કરી છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૮૮ થઈ ત્રણ ટકાની નરમાઈમાં ૧૭૨ હતો. પીએનસી ઇન્ફ્રાટેકની ત્રિમાસિક આવક ૨૫ ટકા તથા નફો ૪૪ ટકા ઘટ્યા છે. શૅર ૨૯૭ની વર્ષની બૉટમ બતાવી ૩.૨ ટકા તૂટી ૩૦૯ રહ્યો છે. ૨૦૨૪ની ૨૭ મેએ ભાવ ૫૭૪ના શિખરે ગયો હતો. રેપ્કો હોમ ફાઇનૅન્સનો નફો ૯૮ કરોડથી ૧૪.૭ ટકા વધી ૧૧૨ કરોડ વટાવી જતાં ભાવ પ્રારંભિક મજબૂતીમાં ૪૯૮ બતાવી અંતે સહેજ વધી ૪૬૩ થયો છે.
ગ્રીવ્ઝ કોટનની ત્રિમાસિક ખોટ ૩૭૫ કરોડથી ખાસ્સી ઘટીને ૧૪ કરોડ રહી છે છતાં શૅર ગગડી નીચામાં ૧૫૪ થઈ સાડાદસ ટકાની ખરાબીમાં ૧૬૦ હતો. કિર્લોસ્કર ઑઇલનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૬૦ ટકા વધી ૧૨૫ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૧૧૬૫ થયા બાદ છેવટે ૩.૪ ટકા ઘટી ૧૧૦૦ રહ્યો છે. NMDC સ્ટીલની આવક ૫૨૨ કરોડથી ત્રેવડાઈને ૧૫૨૨ કરોડ થઈ છે સાથે-સાથે ચોખ્ખી ખોટ ૧૩૧ કરોડથી તગડા વધારામાં ૫૯૫ કરોડે પહોંચી છે. શૅર નીચામાં ૪૩ બતાવી પાંચ ટકા તૂટી ૪૪ નજીક બંધ હતો. પૉલિપ્લેક્સ કૉર્પોરેશને સાડાદસ ગણા વધારામાં ૧૭૩૯ કરોડની આવક પર અગાઉના ૪૮ કરોડ સામે આ વેળા ૧૬૪ કરોડ ચોખ્ખો નફો બતાવ્યો છે. જોકે શૅર નીચામાં ૧૧૮૩ થઈ ૪.૬ ટકા બગડી ૧૧૯૨ બંધ થયો છે.
હ્યુન્દાઇ ઑલટાઇમ તળિયે, નોમુરા બુલિશ
અશોકા બિલ્ડકૉને ૩૩૨ ટકાના વધારામાં ૪૬૨ કરોડ ચોખ્ખો નફો કર્યો છે, શૅર ઉપરમાં ૨૪૪ વટાવી અંતે ૩.૭ ટકા વધી ૨૩૩ હતો. KNR કન્સ્ટ્રક્શન્સે ૩૦૬ ટકાના વૃદ્ધિદરથી ૫૮૦ કરોડ નેટ નફો કર્યો છે એમાં શૅર ૩૨૫ નજીક જઈ છેવટે ૮.૩ ટકાના ઉછાળે ૩૦૮ હતો. અર્બન ડિમાન્ડ કમજોર રહેતાં સુલા વાઇનયાર્ડ્સની આવક દોઢ ટકો ઘટી છે. સામે નફો ૩૯ ટકા ગગડી ૧૪ કરોડ થયો છે. શૅર ૩૮૫ની વર્ષની બૉટમ બનાવી ચાર ટકા લથડી ૩૯૯ બંધ રહ્યો છે. થ્રીએમ ઇન્ડિયાએ આવકમાં ૭ ટકાના વધારા સામે સાડાઆઠ ટકાના ઘટાડામાં ૧૩૪ કરોડનો ત્રિમાસિક નફો કરતાં શૅર નીચામાં ૩૩,૨૪૦ થઈ પોણાચાર ટકા કે ૧૩૨૯ રૂપિયા ગગડીને ૩૩,૫૦૦ હતો. સેલો વર્લ્ડ દ્વારા ૮૧ કરોડના નેટ પ્રૉફિટ સાથે ફ્લૅટ રિઝલ્ટ જાહેર થતાં ભાવ ૭૯૭ થઈ અંતે ૩.૩ ટકા ઘટી ૮૧૩ રહ્યો છે.
કાર્લાઇડ ગ્રુપ તરફથી ૯૩૯ની ફ્લોર પ્રાઇસ સાથે બ્લૅકડીલ મારફત આંશિક હોલ્ડિંગ વેચવામાં આવતાં પીએનબી હાઉસિંગ ફાઇનૅન્સ નીચામાં ૯૦૪ થઈ ૬.૪ ટકા બગડી ૯૨૪ રહ્યો છે. હ્યુન્દાઇ ઇન્ડિયા દ્વારા ૧૬ ટકાના ઘટાડામાં ૧૩૭૫ કરોડના નેટ પ્રૉફિટ સાથે નબળાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. કંપનીના આવા દેખાવથી અકળાઈને જાણીતા ઇન્વેસ્ટર અને હેલિઓસના ફાઉન્ડર સમીર અરોરાએ ઊભરો ઠાલવ્યો છે ‘યે કોરિયન તો ઇન્ડિયન પ્રમોટર્સ કે ભી બાપ નિકલે’. સામે નોમુરાવાળાએ નબળાં પરિણામ અવગણીને ૨૪૭૨ની ટાર્ગેટ પ્રાઇસ જાળવી રાખતાં બુલિશ વ્યુ ફરી જારી કર્યા છે. શૅર ગઈ કાલે ત્રણ ગણા વૉલ્યુમ સાથે ૧૭૧૩ની ઑલટાઇમ બૉટમ બનાવી ૩.૬ ટકાની નરમાઈમાં ૧૭૩૯ બંધ આવ્યો છે. મેકવાયર દ્વારા REC લિમિટેડમાં ૬૩૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયની ભલામણ આવી છે. શૅર સવા ટકો ઘટીને ૫૦૮ રહ્યો છે. JSW હોલ્ડિંગ્સ તાજેતરના બુલરન બાદ અડધા ટકાની પીછેહઠમાં ૧૭,૭૫૪ તો નલવા સન્સ સાડાછ ટકા કે ૫૩૦ની ખરાબીમાં ૭૬૧૬ બંધ હતા. કલ્યાણ જ્વેલર્સ સાધારણ રિઝલ્ટ પાછળ પાંચેક ટકા ઝંખવાઈને ૬૭૦ બંધ થયો છે.
સ્વિગી ૧૭ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે લાખેણી કંપની બની ગઈ
એક રૂપિયાના શૅરદીઠ ૩૯૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં બે રૂપિયાના પ્રીમિયમ સામે સ્વિગી લિમિટેડ ગઈ કાલે ૪૧૨ ખૂલી ૩૯૧ની અંદર જઈ ઝડપી બાઉન્સબૅકમાં ઉપરમાં ૪૬૫ થયા પછી અંતે ૪૫૬ બંધ થતાં અહીં ૧૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મેકવાયરે ૩૨૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બેરિશ વ્યુ આપ્યો છે તો જેએમ ફાઇવાળા ૪૭૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ છે. કંપનીનું માર્કેટકૅપ ગઈ કાલે ૧.૦૨ લાખ કરોડ રૂપિયા થયું છે. એની સામે ઝોમાટો પોણાબે ગણા કામકાજે એક ટકા ઘટીને ૨૫૮ બંધ હતો. ઝોમાટો અને સ્વિગીનું શૅરબજારમાં જય-વીરુનું નવું નામ અપાયું છે. બે રૂપિયાના શૅરદીઠ ૨૮૯ની ઇશ્યુ પ્રાઇસ અને ૪ રૂપિયાના ડિસ્કાઉન્ટ સામે ઍક્મે સોલર બુધવારે ૨૫૯ ખૂલી ઉપરમાં ૨૭૯ તથા નીચામાં ૨૪૯ બતાવી ૨૫૩ બંધ થતાં એમાં ૧૨ ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. NTPC ગ્રીન ૧૦ના શૅરદીઠ ૧૦૮ની અપર બૅન્ડ સાથે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો થર્ડ લાર્જેસ્ટ આઇપીઓ ૧૯ નવેમ્બરે કરવાની છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગગડી ગયું છે. નિવા બુપા હેલ્થનું લિસ્ટિંગ આજે છે. સતત ખોટ કરતી ઝિન્કા લૉજિસ્ટિક્સનો એકના શૅરદીઠ ૨૭૩ની અપર બૅન્ડવાળો ૧૧૧૫ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૨૪ ટકા ભરાયો છે. પ્રીમિયમ ગાયબ છે. મંગલ કૉમ્પ્યુ સૉલ્યુશનનું ભરણું આજે ગુરુવારે બંધ થશે. ઇશ્યુ અત્યાર સુધીમાં ૭.૮ ગણો છલકાઈ ગયો છે. પ્રીમિયમ ઘટીને આઠ ચાલે છે. ઑનિક્સ બાયોટેકનો શૅરદીઠ ૬૧ના ભાવનો ૨૯૩૪ લાખનો SME ઇશ્યુ પ્રથમ દિવસે ૩ ગણો ભરાઈ જતાં પ્રીમિયમ સુધરીને ૧૫ થઈ ગયું છે. નિલમ લિનન્સનું લિસ્ટિંગ સોમવારે છે. ગ્રે માર્કેટ ખાતે એમાં ૧૦ના પ્રીમિયમ શરૂ થયા છે.
બૅન્કિંગના તમામ શૅર રેડ ઝોનમાં, આઇટીના ૩ શૅર પ્લસ
બ્રિટાનિયા બે દિવસ ૪૦૦-૪૦૦ રૂપિયાથી વધુના કડાકા બાદ ગઈ કાલે ૧૯ રૂપિયા કે ૦.૪ ટકા સુધરી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. NTPC અને તાતા મોટર્સ પરચૂરણ સુધારામાં હતા. ઇન્ફિ ફ્લૅટ હતો. સામે હીરો મોટોકૉર્પ ૨૦૪ રૂપિયા કે સવાચાર ટકા અને હિન્દાલ્કો પોણાચાર ટકાની ખરાબીમાં નિફ્ટીમાં ટૉપ લૂઝર હતા. તાતા સ્ટીલ ૩.૪ ટકા તો મહિન્દ્ર સવાત્રણ ટકા ખરડાઈને સેન્સેક્સમાં મોખરે હતા. HDFC બૅન્ક આગલા દિવસની ખરાબી આગળ વધારતાં સવાબે ટકા ગગડી ૧૬૮૧ના બંધમાં સેન્સેક્સને સર્વાધિક ૨૪૩ પૉઇન્ટ નડ્યો છે. રિલાયન્સે દોઢ ટકા પ્લસની નબળાઈમાં ૧૨૫૨નો બંધ આપી એમાં ૧૨૨ પૉઇન્ટનો ઉમેરો કર્યા છે. ICICI બૅન્ક સવા ટકો, સ્ટેટ બૅન્ક સવાબે ટકા, ઍક્સિસ બૅન્ક દોઢ ટકા તથા કોટક બૅન્ક ૧.૯ ટકા માઇનસ થતાં બજારને બીજો ૨૪ પૉઇન્ટનો માર પડ્યો હતો. આઇશર, ભારત ઇલેક્ટ્રિક, અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇ, બજાજ ઑટો, અપોલો હૉસ્પિટલ્સ, JSW સ્ટીલ, ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક, HDFC લાઇફ બેથી ત્રણ ટકા કપાયા હતા.
બૅન્કિંગમાં ભારે બગાડ હતો. ઉદ્યોગના તમામ ૪૧ શૅર ગઈ કાલે રેડ ઝોનમાં ગયા છે. આઇઓબી, ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બૅન્ક, યુકો બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક ડીસીબી બૅન્ક, બંધન બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, આરબીએલ બૅન્ક, IDFC ફર્સ્ટ બૅન્ક, ઉત્કર્ષ બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક જેવી જાતો ચારથી પોણાછ ટકા તૂટી છે. ફાઇનૅન્સના ૧૫૧માંથી ફક્ત છ શૅર પ્લસ હતા. બામર લોરી ઇન્વેસ્ટમેન્ટ દોઢ ટકા અને ફાઇવસ્ટાર બિઝનેસ એક ટકો અપ હતા. સામે સુમિત સિક્યૉરિટીઝ ૧૧ ટકા, પિલાણી ઇન્વેસ્ટમેન્ટ અને વર્ધમાન હોલ્ડિંગ્સ સાડાસાત ટકા, મોતીલાલ ઓસ્વાલ સવાસાત ટકા, મહારાષ્ટ્ર સ્કૂટર્સ સાડાછ ટકા, પીએનબી ગિલ્ટ સાતેક ટકા ડૂલ થયા હતા.
આઇટી બેન્ચમાર્ક પોણો ટકો કટ થયો છે પણ એની ૫૬માંથી કેવળ ત્રણ જાત સુધરી હતી. એક્સ્પ્લોઝિવ સૉલ્યુશન્સ સર્વાધિક પોણો ટકો પ્લસ હતો. હેવીવેઇટ્સ અને ચલણી કાઉન્ટર્સમાં ટીસીએસ એક ટકો, તાતા ઍલેક્સી સવાત્રણ ટકા, ટેક મહિન્દ્ર પોણો ટકો, લાટિમ એક ટકા નજીક, વિપ્રો સાધારણ, KPIT ટેક્નૉ બે ટકા, ન્યુજેન પોણાછ ટકા, ક્વીક હીલ પાંચ
ટકા, ૬૩ મૂન્સ પાંચ ટકા સાફ થયા હતા.