એનએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશન પાંચ લાખ કરોડ ડૉલરની સપાટી વટાવી ગયું

24 May, 2024 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુલાઈ ૨૦૧૭માં ભારતીય લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશન બે લાખ કરોડ યુએસ ડૉલરનું હતું એ મે ૨૦૨૧માં વધીને ત્રણ લાખ કરોડ ડૉલરનું થયું એમાં ૪૬ મહિનાનો સમય લાગ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

એનએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશન ગુરુવારે પાંચ લાખ કરોડ ડૉલર (૪૧૬.૫૭ અબજ રૂપિયા)ની સપાટી વટાવી ગયું હતું. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૨૧,૫૦૫.૨૫ની ઑલ ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો જે દર્શાવે છે કે ઇક્વિટી બજારમાં થઈ રહેલી વૃદ્ધિ માત્ર મોટી કૅપિટલ ધરાવતી કંપનીઓ પૂરતી સીમિત નથી.

જુલાઈ ૨૦૧૭માં ભારતીય લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશન બે લાખ કરોડ યુએસ ડૉલરનું હતું એ મે ૨૦૨૧માં વધીને ત્રણ લાખ કરોડ ડૉલરનું થયું એમાં ૪૬ મહિનાનો સમય લાગ્યો હતો. ત્રણ લાખ કરોડથી વધીને ચાર લાખ કરોડ ડૉલર માર્કેટ કૅપ થયું એમાં ૩૦ મહિનાનો સમય લાગ્યો હતો, જ્યારે માર્કેટ કૅપમાં માત્ર છ મહિનામાં એક લાખ કરોડ ડૉલરનો વધારો થયો છે.

આ માર્કેટ કૅપિટલાઇઝેશનમાં સૌથી અધિક માર્કેટ કૅપિટલાઇઝેશન ધરાવતી ટોચની પાંચ કંપનીઓ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ, એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને ભારતી ઍરટેલ.

છેલ્લાં ૧૦ વર્ષમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સે ૧૩.૪ ટકાનું વળતર (ટોટલ પ્રાઇસ ઇન્ડેક્સ સીએજીઆર) પૂરું પાડ્યું છે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફન્ડ્સની અસ્ક્યામતો એપ્રિલ, ૨૦૧૪ના ૯.૪૫ લાખ કરોડથી ૫૦૬ ટકા વધીને એપ્રિલ, ૨૦૨૪ના અંતે ૫૭.૨૬ લાખ કરોડની થઈ છે. ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સની અસ્ક્યામતો ૧૬.૧ લાખ કરોડથી ૩૪૫ ટકા વધીને એપ્રિલ, ૨૦૨૪માં ૭૧.૬ લાખ કરોડની થઈ છે.
ઇક્વિટી સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર નાણાકીય વર્ષ ૨૦૧૫ના ૧૭,૮૧૮ કરોડથી સાડાચાર ગણું વધીને નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૮૧,૭૨૧ કરોડનું થયું છે.

business news indian rupee sensex nifty national stock exchange