26 November, 2024 08:51 AM IST | Mumbai | Kanu J Dave
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારથી બજારમાં શરૂ થયેલો સુધારો સોમવારે આગળ વધ્યો હતો. એ માટે મુખ્યત્વે શનિવારે આવેલાં મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામોમાં ભાજપનો અને મહાયુતિના સાથીદારોનો સારો દેખાવ કારણ ગણી શકાય. સંસદનું સોમવારથી શરૂ થયેલું શિયાળુ સત્ર જોકે અદાણીના મુદ્દે હોબાળો થતાં આજે મંગળવાર સુધી મોકૂફ રહ્યું હતું. અદાણી જૂથનું એક્સપોઝર પીએસયુ બૅન્કમાં વધારે હોવાના ડરે એચડીએફસી બૅન્કમાં સંસ્થાઓની લેવાલી રહેવાના કારણે આ શૅર આજે ત્રીજી જુલાઈના પુરોગામી હાઈ સામે બાવન સપ્તાહનો નવો 1803.55નો હાઈ નોંધાવી 34 (1.91 ટકા) સુધરી અંતે 1779 રૂપિયા બંધ રહ્યો હતો. એમએસસીઆઇ ગ્લોબલ ઇન્ડેક્સમાં આ બૅન્કનું વેઇટેજ વધવાની સંભાવના જાહેર થયેલી શૅરહોલ્ડિંગની વિગતોના આધારે મુકાતી હતી. નિફ્ટી 315 પૉઇન્ટ્સ કે 1.32 ટકા સુધરી 24,221.90 તો સેન્સેક્સ 993 પૉઇન્ટ્સના ગેઇને 80,109 થઈ ગયો હતો. 76,802ના ગુરુવારે જોવા મળેલા બૉટમેથી સેન્સેક્સ 80,473ના હાઈ પર પહોંચતાં 3671 પૉઇન્ટ્સનો ઉછાળો જોવાયો છે. એ જ રીતે નિફ્ટીમાં 23,263ના ગુરુવારના લો લેવલથી 24,352ના સોમવારના હાઈ સુધીનો 1089 પૉઇન્ટ્સનો સંગીન સુધારો જોવા મળ્યો છે. આગામી ગુરુવાર અને શુક્રવાર પછી નિફ્ટી અને સેન્સેક્સ સિવાયના ઇન્ડેક્સના સાપ્તાહિક ઑપ્શન્સ સેટલમેન્ટ જોવા નહીં મળે અને સેબીના એફઍન્ડઓના કેટલાક નવા નિયમો અનુસાર એક્સચેન્જોએ કામકાજ કરવું પડશે એથી ભારે પ્રમાણમાં વેચાણો કપાયાં હોવાની દહેશત પણ સેવાતી હતી. જોકે મુખ્ય આંક 200 દિવસની ઍવરેજ આસપાસ આવી જ ગયા હોવાથી એક કરેક્ટિવ સુધારો ડ્યુ હતો અને એ જોવા મળતો હોવાનું તેમ જ નિફ્ટીનું ટાર્ગેટ 25,000 અને સપોર્ટ 23,800 હોવાનું ઍનલિસ્ટોનું માનવું છે. ઝોમાટોને ૨૩મી ડિસેમ્બરથી સેન્સેક્સમાં સ્થાન અપાશે અને એની સામે જેએસડબ્લ્યુ સ્ટીલને આ ઇન્ડેક્સમાંથી ડ્રૉપ કરાશે એવી બીએસઈની જાહેરાતના પગલે ઝોમાટો સાડાત્રણ ટકા સુધરી 273 રૂપિયા અને જેએસડબ્લ્યુ સ્ટીલ સવાત્રણ ટકા ઘટી 954 રૂપિયા પર આવી ગયા હતા. ઉપરાંત ચર્ચાના ચગડોળે ચડેલા અદાણી ગ્રીન એનર્જીના શૅરને એશિયા ઇન્ડેક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બીએસઈ 100 અને બીએસઈ સેન્સેક્સ નેક્સ્ટ 50માં પ્રતિનિધિત્વ અપાયું છે અને એ બન્ને ઇન્ડેક્સના ઘટક તરીકે અદાણી પાવરને પણ સમાવાયો છે. ફ્રાન્સની ટોટલ એનર્જીએ યુએસ કોર્ટના અદાણી સામેનાં પગલાંના કારણે અદાણી ગ્રીન એનર્જીમાં વધુ રોકાણો અટકાવવાના નિર્ણયની જાહેરાત કરી એના પગલે અદાણી ગ્રીન એનર્જીનો શૅર ઘટીને 933 રૂપિયા થઈ છેલ્લે 9.20 ટકા ઘટીને 955 રૂપિયા રહ્યો હતો. ૨૦૨૩ની ૨૩ નવેમ્બરે જોવાયેલા બાવન સપ્તાહના નીચા ભાવથી એ હવે થોડો જ ઉપર છે. ૨૦૨૪ની ત્રીજી જૂને આ શૅર 2174.10 રૂપિયાની બાવન વીકની ટોચે હતો.
બજારના સુધારાની આગેવાની મિડકૅપ, બૅન્કિંગ અને ફાઇનૅન્સે લીધી હતી. મુખ્ય પાંચ ઇન્ડેક્સમાંથી સૌથી વધુ મિડકૅપ સિલેક્ટ સવાબે ટકા વધી 12,576.40 થઈ ગયો હતો. આ ઇન્ડેક્સના પચીસમાંથી ૨૩ શૅરો વધીને બંધ રહ્યા હતા. ટૉપ પાંચ ગેઇનર્સમાં ટૉપ પર આઇડિયા વોડાફોન 45 પૈસા, 6.75 ટકા વધીને 7.12 રૂપિયા બંધ રહ્યો હતો. બજાર શુક્રવારથી સુધરવા લાગ્યું એમાં રિયલ્ટી સેક્ટર, જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅરો અને પીએસયુ શૅરોમાં સારો સુધારો જોવાયો છે. મિડકૅપ ઇન્ડેક્સનો ક્યુમિન્સ 6.65 ટકા સુધરી 3540 રૂપિયા અને અશોક લેલૅન્ડ 4.84 ટકાના ગેઇને 234.80 રૂપિયાના સ્તરે બંધ હતા. એચપીસીએલ 5 ટકા વધી 378 રૂપિયા અને કોલગેટ સાડાચાર ટકા સુધરી 2847 રૂપિયા બંધ હતા. મિડકૅપ સિલેક્ટના ઘટનારા શૅરોમાં વૉલ્ટાસ 1 ટકા તો ઇન્ડિયન હોટેલ પા ટકો ગુમાવી અનુક્રમે 1637 અને 798 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા.
ઑર્ડરના ન્યુઝે કેઈસી ઇન્ટરનૅશનલ પાંચ ટકા ઊછળ્યો
કેઈસી ઇન્ટરનૅશનલને 1114 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યાના સમાચારે ભાવ પોણાપાંચ ટકા વધી 1046 રૂપિયા થઈ ગયો હતો.
નિફ્ટીના 50માંથી 47 શૅરો સુધારા સાથે બંધ થતાં બજારમાં ઇન્ડેક્સ મૅનેજમેન્ટરૂપી સુધારો થતો હોવાનું પ્રતીત થતું હતું. નિફ્ટી ઇન્ટ્રા ડેમાં 24,351.55 સુધી ગયા પછી 24,000 ઉપર બંધ આપવામાં સફળ રહ્યો હતો. આ અગ્રણી આંક 23,907વાળો 24,253 ખૂલી વધીને 24,351 સુધી ગયા પછી વેચવાલીએ 24,135ના દૈનિક બૉટમ સુધી જઈ આવી 1.32 ટકા, 315 પૉઇન્ટ્સ વધી 24,221.90 બંધ રહ્યો હતો. બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન સોમવારે મોડી સાંજે 439.58 લાખ કરોડ રૂપિયાના સ્તરે હતું. નિફ્ટીમાં સૌથી વધુ ઓએનજીસી સાડાપાંચ ટકાના ગેઇને 259 રૂપિયા બંધ હતો. ભારત ઇલેક્ટ્રૉનિક્સ સાડાચાર ટકા સુધરી 293 રૂપિયા, લાર્સન 4.26 ટકા વધી 3757 રૂપિયા, બીપીસીએલ ચાર ટકા વધી 297 રૂપિયા અને શ્રીરામ ફાઇનૅન્સ 3.78 ટકા સુધરી 2957 રૂપિયાના સ્તરે બંધ હતા. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 1.95 ટકા, 1326 પૉઇન્ટ્સ સુધરીને 69,343 થઈ ગયો હતો. બૅન્ક નિફ્ટી 2.10 ટકા અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ 1.84 ટકાના ગેઇને અનુક્રમે 52,207 અને 24,058ના લેવલે બંધ હતા.
અદાણીના યુએસ એપિસોડથી જીક્યુજીના પેટનું પાણીયે હલ્યું નથી
જીક્યુજી પાર્ટનર્સનું અદાણી ગ્રુપમાં 8.1 બિલ્યન ડૉલરનું એક્સપોઝર છે, તેમને આ જૂથના કારોબાર પર વિશેષ અસર થાય એવું લાગતું નથી. ગયા વર્ષે હિન્ડનબર્ગ વિવાદ થયા પછી જીક્યુજી પાર્ટનર્સે અદાણી ગ્રુપમાં આ રોકાણ કર્યું હતું જે અંદાજે પાંચેક ટકા જેટલું થાય છે. અદાણી દ્વારા અપાયેલ કથિત લાંચના મુદ્દે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને યુએસ સિક્યૉરિટીસ ઍન્ડ એક્સચેન્જ કમિશને લીધેલાં પગલાંની નોંધપાત્ર વ્યાવસાયિક અસર નહીં થાય એવું જીક્યુજી માને છે. કંપનીએ જણાવ્યું હતું કે નિયમનકારી તપાસનો નિષ્કર્ષ આવવામાં ઘણી વાર વર્ષો લાગે છે અને એના પરિણામે દંડમાં ઘટાડો પણ થઈ શકે છે. વૈશ્વિક કૉર્પોરેશનો અને એક્ઝિક્યુટિવ્સ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા હોવાના ઘણા દાખલા છે ત્યારે આ આરોપો કંપનીને બદલે ચોક્કસ કર્મચારીઓની સામે છે અને આરોપો માત્ર અદાણી ગ્રીન સાથે સંબંધિત છે તેમ જ અદાણી ગ્રુપની અન્ય કંપનીઓ સામે નથી એવો નિર્દેશ આપનારી જીક્યુજીએ સપ્ટેમ્બરના અંત સુધીમાં અદાણી ગ્રુપની છ કંપનીઓમાં 1.5 થી 2 ટકાની વચ્ચે હિસ્સો ખરીદ્યો છે.
દરમ્યાન અદાણી જૂથની કંપનીઓના સોમવારે ભાવ આ મુજબ બંધ હતા. અદાણી ગ્રીન – 83 (7.89 ટકા) 969 રૂપિયા, અદાણી પાવર -13.80 (3 ટકા) 447 રૂપિયા, અદાણી ટોટલ ગૅસ - 8.70 (1.43 ટકા) 601 રૂપિયા, એનડીટીવી - 2.74 (1.62 ટકા) 166.65 રૂપિયા, અંબુજા સિમેન્ટ +5.10 (1.02 ટકા) 505 રૂપિયા, અદાણી એન્ટરપ્રાઇઝિસ + 29.50 (1.32 ટકા) 2258 રૂપિયા, અદાણી વિલ્મર +5.05 (1.73 ટકા) 298 રૂપિયા, અદાણી પોર્ટ્સ +30.05 (2.64 ટકા) 1167 રૂપિયા અને એસીસી +55.40 (2.65 ટકા) 2145 રૂપિયા.
29મીથી વાયદામાં આવનારા આ શૅરો પાંચ ટકા પ્લસ વધ્યા
હુડકો 5.37 ટકા વધી 217.04 રૂપિયા, ઇન્ડિયન બઈન્ક 6.25 ટકા પ્લસ થઈ 564.85 રૂપિયા, આઇઆરબી ઇન્ફ્રા 7.46 ટકા ઊછળી 51.15 રૂપિયા, એનસીસી (નાગાર્જૂના કન્સ્ટ્રક્શન) 5.57 ટકા સુધરી 299.60 રૂપિયા, પ્રેસ્ટીજ એસ્ટેટ 6.06 ટકા પ્લસ થઈ 1729.55 રૂપિયા અને એસજીએન 5.03 ટકા વધી 112.98 રૂપિયા.
તા.ક. આવી જ રીતે વાયદામાં આવનાર અદાણી ગ્રીન સોમવારે 7.89 ટકા તૂટ્યો હતો.
એફઆઇઆઇની નેટ લેવાલી સામે ડીઆઇઆઇ વેચવાલ
સોમવારે એફઆઇઆઇની 9947.55 કરોડ રૂપિયાની નેટ લેવાલી સામે ડીઆઇઆઇની 6907.97 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહેતાં સમગ્રતયા 3040 કરોડ રૂપિયાની નેટ લેવાલી કૅશ સેગમેન્ટમાં જોવા મળી હતી.