25 March, 2023 06:09 PM IST | Mumbai | Parag Shah
પ્રતીકાત્મક તસવીર
મહારેરાએ એક પ્રોજેક્ટનાં નાણાં બીજામાં વપરાય નહીં એ દૃષ્ટિએ બહાર પાડેલા મહત્ત્વપૂર્ણ પરિપત્રક વિશે આપણે ગયા વખતે વાત કરી. એ પરિપત્રક તાત્કાલિક અસરથી અમલમાં આવ્યું છે. કોઈ પણ એક પ્રોજેક્ટનાં નાણાં બીજામાં વાળવાની પ્રવૃત્તિને લીધે બન્ને પ્રોજેક્ટ્સ વિલંબમાં મુકાતા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ મહારેરાએ ઉક્ત પગલું ભર્યું છે. હવેથી કોઈ પણ ડેવલપરે નિર્ધારિત પ્રોજેક્ટ માટેનું ખાતું બૅન્કની એકમાંથી બીજી શાખામાં કે બૅન્કમાં ફેરવવાનું હશે તો એના માટે મહારેરાની પરવાનગી લેવી પડશે.
ઉક્ત અગત્યના પગલા વિશે જાણી લીધા બાદ આપણે મહારેરાના વધુ
એક નક્કર કદમની વાત કરીશું. મહારેરાનો રજિસ્ટ્રેશન નંબર મેળવ્યા વગર પ્રોજેક્ટની જાહેરખબર કરનારા બિલ્ડરો વિરુદ્ધ મહારેરા હવે સક્રિય થઈ છે.
મહારેરા રૂલ્સ ઍન્ડ રેગ્યુલેશન્સ ઍક્ટની જોગવાઈઓ મુજબ ૫૦૦ ચો.મી. કરતાં વધુ જગ્યા પરના અથવા આઠ ફ્લૅટથી વધુ મોટા પ્રોજેક્ટ માટે મહારેરામાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ રજિસ્ટ્રેશન નંબર મેળવ્યા બાદ જ સંબંધિત પ્રોજેક્ટની જાહેરખબર કરી શકાય છે અને પ્રોજેક્ટનાં યુનિટ્સનું વેચાણ કરી શકાય છે.
મહારેરાનો રજિસ્ટ્રેશન નંબર હવે ગ્રાહકોમાં વિશ્વાસ નિર્માણ કરે છે. આ નંબર મેળવી લેવાને પગલે પ્રોજેક્ટમાં પારદર્શકતા આવે છે અને એને લગતી તમામ માહિતી મહારેરાની વેબસાઇટ પર જોઈ શકાય છે. આ માહિતીમાં લીગલ ટાઇટલ, જગ્યા પરનો કોઈ બોજ, કોઈ કાનૂની ખટલો, ફ્લૅટના પઝેશનની તારીખ, સંબંધિત સત્તાવાળાઓ પાસેથી મળેલી મંજૂરીઓની નકલો વગેરેનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ કેટલો આગળ વધ્યો છે તથા કેટલા ફ્લૅટ વેચાયા છે અને વેચાયા વગરના પડ્યા છે તથા બિલ્ડર વિરુદ્ધ કોઈ ફરિયાદ થઈ છે કે કેમ એની માહિતી પણ આ જ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન નંબરના આધારે મળી શકે છે.
અહીં નોંધવું ઘટે કે પોતાની પાસેથી રજિસ્ટ્રેશન નંબર લીધા વગર જ અખબારમાં જાહેરખબર કરનારા ૧૪ પ્રોજેક્ટ્સ બાબતે મહારેરાએ ડેવલપરોને કારણદર્શક નોટિસ મોકલી છે. મહારેરાને એ પણ ધ્યાનમાં આવ્યું છે કે રજિસ્ટ્રેશન નંબર લીધા પછી પણ ઘણા પ્રોજેક્ટ્સ પોતાની જાહેરખબરોમાં એની નોંધ કરતા નથી. વાસ્તવમાં, મહારેરાના નિયમ મુજબ દરેક જાહેરખબરમાં પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન નંબરની જાણ કરવામાં આવવી જોઈએ. આવા પ્રોજેક્ટ્સ ફક્ત ‘મહારેરા રજિસ્ટર્ડ’ એવું લખીને જાહેરખબર કરે છે, જે નિયમ વિરુદ્ધ છે.
અહીં એ પણ જણાવવું રહ્યું કે મહારેરાને ઉક્ત નિયમભંગ વિશે જાણ થયા બાદ એણે નોટિસ મોકલવાનું પગલું પોતાની મેળે જ ભર્યું છે. નોટિસની તારીખથી સાત દિવસની અંદર મહારેરા સમક્ષ ખુલાસો કરવાનો ડેવલપરોને આદેશ આપવામાં આવ્યો છે. જે ડેવલપરો યોગ્ય પ્રતિભાવ નહીં આપે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ડેવલપરોને પોતાની ભૂલ સુધારી લેવા માટે નિશ્ચિત મુદત આપવામાં આવશે.
આ પગલાને લીધે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શકતા વધશે અને ખરીદદારોનાં હિતનું રક્ષણ થશે. રજિસ્ટ્રેશન નંબર મેળવનાર ડેવલપરે મહારેરાની વેબસાઇટ પર પ્રોજેક્ટના પ્લાન, લેઆઉટ, સરકારી ખાતાં પાસેથી મળેલી મંજૂરીઓ દર્શાવવાનાં હોય છે, જે ગ્રાહકોને ખરીદી કરવાનો નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. ડેવલપર પ્રોજેક્ટમાં કોઈ પણ ફેરફાર કરવા માગતા હોય તો એમણે ઘર ખરીદનારાઓમાંથી બે તૃતીયાંશ લોકોની સંમતિ લેવી જરૂરી હોય છે. આ સંજોગોમાં મહારેરાએ ઘર ખરીદનારાઓને અનુરોધ કર્યો છે કે તેઓ મહારેરાએ ભરેલા પગલાની નોંધ લઈને પોતાનું રોકાણ સલામત રાખે.
અહીં ગ્રાહકોને એ પણ જણાવવું રહ્યું કે તેઓ મહારેરાનો પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન નંબર દેખાય નહીં એવા પ્રોજેક્ટમાં રોકાણ કરે નહીં.