25 April, 2023 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં ખાંડના અગ્રણી ઉત્પાદક રાજ્ય એવા મહારાષ્ટ્રમાં ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં આ વર્ષે ૧૦૫.૨૭ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જે અગાઉના વર્ષની સરખામણીમાં ૨૨.૨૫ લાખ ટન ઓછું છે. ગયા વર્ષે રાજ્યમાં ખાંડનું વિક્રમી ઉત્પાદન થયું હતું.
રાજ્ય ખાંડ કમિશનરેટે એનો અંતિમ અહેવાલ પ્રકાશિત કર્યો, જેમાં તેણે આ આંકડાઓનો ઉલ્લેખ કર્યો હતો. રાજ્યમાં શેરડીનું પિલાણ તેમ જ ખાંડનું ઉત્પાદન, જે ગયા વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં શરૂ થયું હતું, એ હવે બંધ થઈ ગયું છે. કમિશનરેટ દ્વારા ૧૬ એપ્રિલના રોજ પ્રકાશિત કરવામાં આવેલા અંતિમ અહેવાલ મુજબ, આ વર્ષે શુગર ફૅક્ટરીઓની સંખ્યા અને રાજ્યની શેરડી પિલાણ ક્ષમતામાં વધારો થયો હોવા છતાં ખાંડનું ઉત્પાદન ઘટ્યું હતું.
રાજ્યભરમાં કુલ ૨૧૦ શુગર ફૅક્ટરીઓ ખાંડના ઉત્પાદનમાં સામેલ છે, જે ગયા વર્ષે ૧૯૯ હતી. ૨૧૦ કંપનીઓની પિલાણ ક્ષમતા ૮,૮૪,૯૫૦ ટન મેટ્રિક ટન સુધી પહોંચી છે, જે આગલી સીઝનમાં ૮,૨૮,૬૫૦ ટનની હતી.
વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ ચાલુ સપ્તાહે ૧૧ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ઘટાડો થયો હતો. બેન્ચમાર્ક કાચી ખાંડનો વાયદો ૨૪.૯૦ સેન્ટ સુધી પહોંચીને આજે ૨૪.૪૧ સેન્ટ પર આખરે આવ્યો હતો.