મા દુર્ગા પાસેથી શીખીએ લાઇફ ઇન્શ્યૉરન્સ તેમ જ ફાઇનૅન્શિયલ પ્લાનિંગ વિશે અમૂલ્ય બોધપાઠ

11 October, 2023 04:29 PM IST  |  Mumbai | Priyanka Acharya

દુર્ગા દેવીની લાક્ષણિકતાઓ પરથી આપણને લાઇફ ઇન્શ્યૉરન્સ તેમ જ ફાઇનૅન્શિયલ પ્લાનિંગ વિશે અમૂલ્ય બોધપાઠ શીખવા મળે છે

પ્રતીકાત્મક તસવીર

આગામી નવરાત્રિના દિવસોમાં આપણે સૌ દેવી દુર્ગાની આરાધના કરીશું. દુર્ગા દેવીની લાક્ષણિકતાઓ પરથી આપણને લાઇફ ઇન્શ્યૉરન્સ તેમ જ ફાઇનૅન્શિયલ પ્લાનિંગ વિશે અમૂલ્ય બોધપાઠ શીખવા મળે છે.

૧. રક્ષા અને સુરક્ષા :  દુર્ગાને ઘણીવાર એક ઉગ્ર યોદ્ધાની દેવી તરીકે દર્શાવવામાં આવે છે જે એના ભક્તોનું દુષ્ટ શક્તિઓથી રક્ષણ કરે છે. એવી જ રીતે જીવન વીમો પણ એક આર્થિક સુરક્ષાચક્ર છે જે તમારા પ્રિયજનોને માંદગી, ઍક્સિડન્ટ્સ અથવા અકાળ મૃત્યુ જેવા અણધાર્યા સંજોગો દરમ્યાન સુરક્ષા પૂરી પાડે છે. તમારી ગેરહાજરીમાં પણ તમારા પરિવારને એ આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે.

૨. સજ્જતા : દેવી દુર્ગા સજ્જતા રાખવાની અને પડકારોનો સામનો કરવાની ક્ષમતા વિકસાવવાનું શીખવે છે. જીવન વીમો પણ વ્યક્તિઓને જીવનની અનિશ્ચિતતાઓ માટે તૈયાર થવા માટે પ્રોત્સાહિત કરે છે. આગોતરા આયોજન દ્વારા જીવન વીમાને ખરીદીને તમે તમારા પરિવાર માટે તબીબી અથવા અંતિમવિધિ-ખર્ચ જેવી અણધારી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે જરૂરી નાણાકીય સંસાધન ઊભાં કરો છો. 

૩. શક્તિ અને આક્રમકતા : યુદ્ધ દરમ્યાન દુર્ગાની શક્તિ તથા દૃઢ નિશ્ચય મુશ્કેલ સમયમાં આક્રમકતાનું પ્રતીક છે. જીવન વીમો તમારા પરિવારને આર્થિક શક્તિ પ્રદાન કરે છે. તમારી ગેરહાજરીથી થયેલા આર્થિક નુકસાન તેમ જ તેમને લાગેલા આર્થિક ધક્કામાંથી ફરીથી બેઠા થવાનું બળ પ્રદાન કરે છે. એ તેમના જીવનની ગુણવત્તા અને જીવનની આકાંક્ષાઓ જાળવવામાં મદદ કરે છે.

૪. દીર્ઘદૃષ્ટિ : દુર્ગાની લડાઈઓ અને વિજય લાંબા ગાળાની દૃષ્ટિ અને વ્યૂહાત્મક આયોજનને પ્રતિબિંબિત કરે છે. જીવન વીમાની પૉલિસીઓ, ખાસ કરીને રોકાણ આધારિત પૉલિસીઓ જેવી કે હોલ લાઇફ અથવા યુનિટ લિંક્ડ પ્લાન તમને લાંબે ગાળે સંપત્તિ-સર્જન કરવામાં મદદરૂપ નીવડે છે. તમારી નિવૃત્તિ અથવા તમારાં બાળકોના શિક્ષણ માટે ભંડોળ ભેગું કરવા જેવાં લાંબા ગાળાનાં નાણાકીય આયોજનો માટે જીવન વીમો એક અસરદાર સાધન છે.

૫. સશક્તીકરણ : દુર્ગાને સ્ત્રી સશક્તીકરણનું પ્રતીક માનવામાં આવે છે. જીવન વીમો વ્યક્તિઓને આર્થિક સ્વતંત્રતા પ્રદાન કરીને તેમનું સશક્તીકરણ કરે છે તેમ જ પૉલિસીધારકોને લાભાર્થીઓ નિયુક્ત કરવાની અને પોતાની સંપત્તિના વિતરણ વિશે નિર્ણય લેવાની તાકાત આપે છે. આમ ભવિષ્યમાં આર્થિક નિયંત્રણ કરવાની ક્ષમતા આપી શકે છે.

૬. પ્રિયજનોને ટેકો : જીવન વીમો તમારા પ્રિયજનોને જે આર્થિક ટેકો આપે છે એ જેમ દુર્ગા એના ભક્તોને હંમેશાં અતૂટ ટેકો આપે છે એના જેવું છે. જ્યારે તમે તમારા પ્રિયજનોની જરૂરિયાતોને પૂરી કરવા માટે હાજર ન હો ત્યારે જીવન વીમાના આ ટેકાને કારણે તમારું કુટુંબ તેમની જીવનશૈલી ચાલુ રાખી શકે છે, તેમનાં સપનાંઓને પરિપૂર્ણ કરી શકે છે અને તેમનાં લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે. 

૭. કટોકટી માટેનું વ્યવસ્થાપન : ગરિમાપૂર્વક કટોકટીને પાર પાડવાની દુર્ગાની ક્ષમતા આપણને કટોકટીને કેવી રીતે અસરકારક રીતે પાર પાડવી એ શીખવે છે. આર્થિક સુરક્ષા માટે જીવન વીમો એ એક મહત્ત્વનું ઘટક બની શકે છે જે તમારા પરિવારને નોંધપાત્ર આર્થિક મુશ્કેલી વિના કટોકટી અથવા અણધાર્યા ખર્ચનું સંચાલન કરવા માટે સક્ષમ બનાવે છે.

૮. ભવિષ્ય માટે આયોજન : જેમ દુર્ગાનું કાર્ય દૈવી-યોજનાનો એક ભાગ છે એવી જ રીતે જીવન વીમો પણ એક સારી રીતે બનાવેલ નાણાકીય યોજનાનો એક ભાગ છે. એ તમને તમારા પરિવારનાં નાણાકીય લક્ષ્યો માટે આયોજન કરવા માટે સક્ષમ બનાવે છે તેમ જ એની મદદથી આ લક્ષ્યો માટેનો રોડમૅપ બનાવી શકાય છે. આમ જીવન વીમો તમારા પરિવારના આર્થિક, સુરક્ષિત ભવિષ્યની ખાતરી આપે છે.

તમારી નાણાકીય વ્યૂહરચનામાં જીવન વીમાને સમાવિષ્ટ કરવાથી દેવી દુર્ગાના સિદ્ધાંતો જેવા કે રક્ષણ, સજ્જતા, દીર્ઘદૃષ્ટિ, સશક્તીકરણ અને ટેકો વગેરે સાથે એકરૂપતા સાધી શકાય છે. તમારો પરિવાર જીવનના પડકારોને જીલવા માટે આર્થિક સુરક્ષા સાથે સક્ષમ બને એ સુનિશ્ચિત કરે છે. આથી તેઓ તેમના વ્યક્તિગત વિકાસ અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

તમારા બધા ઉપર મા દુર્ગાની કૃપા વરસે.

હૅપી નવરાત્રિ.

finance news business news